|
યુવાદિન
પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમ અને કાળજીને કારણે પરદેશમાં વસતા હજારો યુવાનોના જીવનને એક નવી દિશા મળી છે. સ્વામીશ્રીએ તેમનામાં સિંચેલા સત્સંગના સંસ્કારોને કારણે તેઓ સમગ્ર વિશ્વના યુવાનો માટે યુવાનીનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. તા. ૧૭-૭-૦૭ના રોજ ટોરન્ટોનાં યુવક-યુવતીઓએ યુવાદિનની ઉજવણી દ્વારા ગુરુભક્તિ અદા કરીને તેની વધુ એક વખત પ્રતીતિ કરાવી હતી. પ્રાતઃપૂજામાં યુવકોએ સવાદ્ય કીર્તનભક્તિ રજૂ કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. મંચ પર ઠાકોરજી સમક્ષ યુવતીમંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા અન્નકૂટ પર પુષ્પવૃષ્ટિ કરી હતી. આજે લોહાણા સમાજના અગ્રણી શ્રી અરુણભાઈ રાજા, ટીલ્ડા રાઇસના માલિક શ્રી રશ્મિભાઈ ઠક્કર, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી પોલ શયલ, શ્રી વાસુ ચંચલાની અને ડૉ.પીયૂષભાઈ પટેલ વગેરેએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. પ્રાતઃપૂજા બાદ યુવતીમંડળે બનાવેલી શાકાહારી વાનગીઓને શીખવતી રેસિપી બુકનું યુવતીમંડળ વતી રૂપેન બ્રહ્મભટ્ટ તથા પ્રદીપ શાહે સ્વામીશ્રી પાસે ઉદ્ઘાટન કરાવ્યું હતું.
સંધ્યા સત્સંગસભામાં યુવાદિન નિમિત્તે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. યુવકોએ એક હજાર વર્ષ પછી કેનેડાનું મંદિર કેવું હશે? એ મધ્યવર્તી વિચાર સાથે એક સુંદર સંવાદ પ્રસ્તુત કર્યો હતો. આ સંવાદ દ્વારા ઉપસ્થિત હરિભક્તો-ભાવિકો કેનેડા સત્સંગ મંડળની સ્થાપના અને વૃદ્ધિના ઇતિહાસથી માહિતગાર થયા હતા. આ ઇતિહાસના એક પાત્ર રૂપે કેનેડાના પૂર્વ સોલિસિટર જનરલ અને મંત્રી શ્રી બોબ કપ્લાન અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હતા. છેલ્લાં ૩૦ વર્ષોથી બી.એ.પી.એસ.ના કેનેડામાં સત્સંગકાર્યના સાક્ષી રહેલા શ્રી કપ્લાને પ્રાસંગિક પ્રવચન દ્વારા સ્વામીશ્રીના દિવ્ય વ્યક્તિત્વ અને કાર્યને બિરદાવ્યું હતું.
સભાનાઅંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપી સૌને કૃતાર્થ કર્યા.
|
|