સાનહોઝે મંદિરનો ઇતિહાસ અને મંદિર-વિશેષતા ૧૯૭૭ના સ્વામીશ્રીના પ્રથમ આગમન પછી સાનહોઝેમાં સુરેશભાઈ છીપવાડિયા દ્વારા સત્સંગની પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો. પછી અનુક્રમે સ્વામીશ્રીનું વિચરણ ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૧, ૧૯૯૪, ૧૯૯૬, ૨૦૦૦ અને ૨૦૦૭ સુધીમાં આઠમી વાર થયું. આ વર્ષો દરમ્યાન વડીલ સંતોએ પણ અવારનવાર આવીને સત્સંગની પુષ્ટિ કરી. ૧૯૮૮થી તો આ વિસ્તારના સત્સંગે રૉકેટની ગતિ સાધી. એ જ અરસામાં કોમ્પ્યુટર ક્ષેત્રનો જબરજસ્ત વિકાસ થતાં ભારતથી પણ અનેક એન્જિનિયરો અહીં આવીને સ્થાયી થયા હોવાથી સત્સંગવિકાસને બમણો વેગ સાંપડ્યો. અને એ રીતે અહીં મંદિરની જરૂરત ઊભી થઈ. અહીંથી નજીકના અંતરે આવેલા મિલપિટાસ શહેરમાં સ્વામીશ્રીએ ૧૯૯૪માં મંદિર કર્યું તેનાથી, સત્સંગ એટલો બધો વધ્યો કે થોડા જ સમયમાં વધુ મોટી જગ્યાની જરૂરત ઊભી થઈ. સ્વામીશ્રીના આશીર્વાદથી ૨૦૦૫માં ૧,૬૦,૦૦૦ ચોરસ ફૂટ બાંધકામ ધરાવતી દશેક એકર જમીન મળી. જેમાં ૯૦,૦૦૦ ચોરસ ફૂટમાં પથરાયેલું ૨૭ ફૂટ ઊંચું વેરહાઉસ હતું. તેમાં ૩,૦૦૦ ચોરસ ફૂટમાં મંદિર તેમજ ૧૨,૦૦૦ ચોરસ ફૂટનો ભવ્ય સભામંડપ રચાયો. ૩૫૦૦ ચો.ફૂ.માં અક્ષરપીઠ, શાયોના સ્ટોલ, સંતનિવાસ, પૂજારી નિવાસ વગેરે વ્યવસ્થાનો છે. ૪૦૦૦ ચો.ફૂ.માં પ્રદર્શન, વીસ ક્લાસરૂમ, લાઇબ્રેરી અને મૅડિકલ રૂમ છે. ૩૦૦૦ ચો.ફૂ.માં રસોડું તેમજ ૪૦૦૦ ચો.ફૂ.ના બાઈઓ અને ભાઈઓ માટેના અલગ અલગ ભોજનખંડ છે. ૫૦૦ ઉપરાંત ગાડીઓના પાર્કિંગની સુવિધા ધરાવતું સંસ્થાનું સૌથી મોટામાં મોટું આ હરિમંદિર સૌના પ્રયત્નથી નિર્માણ પામ્યું છે. આ મંદિરનિર્માણમાં બાળકોથી માંડીને નાના-મોટા તમામે ખૂબ સહકાર આપ્યો છે. |
||