|
જળઝíલણી એકાદશી
તા. ૨૩ સપ્ટેમ્બરે જળઝીલણી એકાદશીનો ઉત્સવ ઊજવવા માટે ૯-૪૫ વાગે નીકળીને ઍસ્કોર્ટ સાથે સ્વામીશ્રી એડિસન મંદિરે પધાર્યા હતા. હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં સમૈયો શરૂ થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રી પધાર્યા કે તરત જ જયનાદોથી મંદિર અને પરિસર ગુંજી ઊઠ્યાં. ઠાકોરજીનાં દર્શન અને નીલકંઠ વણીનો અભિષેક કરી સ્વામીશ્રી ઉત્સવ સભામાં પધાર્યા. અક્ષરપુરુષોત્તમ મહારાજ નાવમાં વિરાજ્યા હોય એવું દૃશ્ય સર્જવામાં આવ્યું હતું. 'દરિયામાં ચાલી હોડી' એ ગીત ગુંજી રહ્યું હતું. સુભાષભાઈ(દારેસલામ) અને પોલીસબંધુ સાબો બંને નૃત્ય કરતા સ્વામીશ્રી આગળ ચાલવા લાગ્યા. સ્વામીશ્રી પણ મંચ ઉપર ઊભાં ઊભાં ઊંચા હાથ કરીને સહજ રીતે પ્રસન્નતા વરસાવી રહ્યા હતા.
મંચની આગળ જ ગોળાકારે કુંડ કરવામાં આવ્યો હતો. જેમાં હરિકૃષ્ણ મહારાજ હોડીમાં વિરાજીને દર્શન દઈ રહ્યા હતા. ત્યાગવલ્લભ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજ તથા ગણેશજીનું પૂજન કર્યું. અને ત્યારપછી સ્વામીશ્રીએ રિમોટકન્ટ્રોલથી જળવિહાર કરાવ્યો. એ દરમ્યાન ગુણસાગર સ્વામીએ 'મારા કેસર ભીના કાન રે...' એ કીર્તન ગાયું. સ્વામીશ્રીએ આરતી ઉતારી. સ્વામીશ્રીએ પાંચ આરતી પણ કરાવડાવી. છેલ્લી આરતી સ્વામીશ્રીએ ઉતારી અને ત્યારપછી જળવિહાર પણ કરાવ્યો.
આજે પરિવર્તિની એકાદશી હોઈ કાર્યક્રમમાં સ્વામીશ્રીએ કરેલાં અનેક પરિવર્તનોની ઝાંખી પ્રવચન તેમજ વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા સંતો-યુવકોએ કરાવી. સંત પ્રવચનોમાં વિવેકમૂર્તિ સ્વામી, અનિર્દેશ સ્વામી, જ્ઞાનપ્રિય સ્વામી, હરિદર્શન સ્વામી, શાંતમૂર્તિ સ્વામી, પ્રિયવ્રત સ્વામીએ પોતપોતાનાં સત્સંગક્ષેત્રોમાં થયેલાં જીવનપરિવર્તનોની ગાથાઓ ગાઈ. નૃત્ય ગીત પ્રેઝન્ટેશન બાદ સમગ્ર અમેરિકા સત્સંગ મંડળ વતી યજ્ઞવલ્લભ સ્વામી તથા કે. સી. પટેલે તલ અને ફૂલનો હાર સ્વામીશ્રીને અર્પણ કર્યો. સ્વામીશ્રીએ પણ સહજ પ્રાપ્ત સમયમાં સૌ સંતોને વિદાયનાં બે વચનો કહ્યાં. છેલ્લે સ્વામીશ્રીના સ્નેહના રસને પીને સ્વામીશ્રીની સાથે સાધુ થવા ભારત જઈ રહેલા પંદર જેટલા અહીંના સિટીઝન યુવાનોનું મંચ ઉપર સન્માન કરવામાં આવ્યું.
આજની સભામાં વેદ ચૌધરી, રિચર્ડ હેબર, એસેમ્બલીમેન ઉપેન્દ્ર ચીવકુલા વગેરે મહાનુભાવોએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અંતે સમગ્ર નોર્થ અમેરિકાનું કાર્યસૂત્ર સંભાળી રહેલા યજ્ઞવલ્લભ સ્વામીએ આભાર વિધિ કરીને ધર્મયાત્રામાં ઉપસ્થિત સર્વે સંતોને હાર પહેરાવી વિદાય આપી.
બીજે દિવસે લંડન જવા વિદાય લેતી વખતે અમેરિકા ખાતે નિવાસ કરીને સત્સંગ પ્રવૃત્તિ કરતા ૫૦ જેટલા સંતોને સ્વામીશ્રીએ ક્રમશઃ આશ્લેશમાં લઈને અપૂર્વ સ્મૃતિ આપી. આ મિલન અવર્ણનીય હતું. પોલિસ એસ્કોર્ટને અનુસરતા સ્વામીશ્રી એરપોર્ટ પહોંચ્યા. બરાબર ૯-૩૫ વાગે વિમાને અમેરિકાની ધરતીને 'અલવિદા' કહી.
સ્વામીશ્રીની આ યાત્રા માટે ચાર્ટર્ડ વિમાનના સૌજન્યદાતાઓ રોહિતભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, યોગી માણેકભાઈ પટેલ, ધીરુભાઈના સુપુત્ર કલ્પેશભાઈ લંડન સુધી સહયાત્રી હતા.
|
|