|
લંડનમાં બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવનો અપૂર્વ ઉદ્ઘોષ
વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. શતાબ્દીનો ધ્વજ લહેરાવવા વિદેશ ધર્મયાત્રા યોજી તેનું અંતિમ ચરણ તા. ૭ ઓક્ટોબરે લંડનમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયું હતું. આ અપૂર્વ ઉત્સવમાં સમગ્ર યુ.કે. અને યુરોપના હરિભક્તો શામેલ થયા હતા. વિશાળ સભાગૃહ 'વેમ્બલી અરિના'માં આયોજિત આ મહોત્સવ લંડનનો અભૂતપૂર્વ મહોત્સવ બની રહ્યો. ૧૨,૦૦૦ બેઠક ધરાવતો આ અરિના નાનો પડ્યો. અન્ય અતિથિઓને અરિનામાં લાભ મળે તે માટે ૪,૦૦૦ કરતાં વધુ હરિભક્તોએ પોતાની સીટ જતી કરીને મંદિરના સભાગૃહમાં બેસીને જીવંત પ્રસારણ દ્વારા લાભ લીધો. સ્વામીશ્રીએ પણ સૌની આ સમજણ પર પ્રસન્ન થઈને આશીર્વાદ વરસાવ્યા હતા.
શતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમના કેન્દ્રમાં ગૂંજતું હતું: 'બીજાના આનંદમાં આપણો આનંદ' સૂત્ર. કાર્યક્રમના પ્રારંભે સ્વામીશ્રીના આ જીવનસૂત્ર અને બી.એ.પી.એસ.ના કાર્યને પ્રદર્શિત કરતું વીડિયો પ્રેઝન્ટેશન થયું. બી.એ.પી.એસ. દ્વારા સૌનું ભલું કરવાના કાર્યનાં જીવંત ઉદાહરણો રજૂ થયાં. ભૂજમાં થયેલા ભૂકંપ વખતે બ્રિટિશ ઍરવેઝ ના પાઇલોટ ટ્રેઇનર મિનેષ પટેલે સ્વામીશ્રીની આજ્ઞાને અધ્ધર ઝીલી લીધી અને જમ્બો વિમાન લઈ જઈને ભૂજના ઍરપોર્ટ ઉપર રાહતની સામગ્રીઓનો ઢગલો કરી દીધો. આ પરોપકારી કાર્ય અને ટાણાની સેવાના અનુભવની વાત મિનેષ પટેલે કર્યા પછી હજારો વૃદ્ધોની એકલતામાં તેઓના ઘરે ઘરે જઈને પ્રાર્થના કરતાં બાળમંડળના કેવલ પટેલે પણ પોતાની બાળશૈલીમાં રજૂઆત કરી. સંજય કારાએ કેન્સરના રિસર્ચ અને સહાય માટે માઉન્ટ એવરેસ્ટના બેઝકેમ્પ સુધી કપરા ચઢાણ કરીને ૭૦ હજારથી વધારે પાઉન્ડ એકત્રિત કરીને સંસ્થા વતી સમાજને અર્પણકર્યાહતા. એ દૃશ્યો અને તેઓનું અનુભવોનું કથન પણ થયું. એ જ રીતે સેજલ સગલાનીનો ઇન્ટરવ્યૂ પડદા ઉપર પ્રદર્શિત થયો.
આ વીડિયો અને જીવંત અનુભવકથનની સીધી અસર પ્રત્યેક પ્રેક્ષક ઉપર ઝિલાઈ અને સૌએ તાળીઓના ગડગડાટથી બી.એ.પી.એસ. શતાબ્દીને વધાવી. આવા વિવિધ કાર્યક્રમો વચ્ચે એરિનામાં સ્વામીશ્રીના પ્રવેશ સાથે જ વાતાવરણમાં વિશેષ ઉત્સાહ ઉમેરાઈ ગયો હતો. સૌએ ધજાઓ લહેરાવીને સ્વામીશ્રીને સત્કાર્યા. ઊગતા સૂર્યનો પ્રકાશ જેમ સમગ્ર સૃષ્ટિ ઉપર જીવંતતા લાવે એવો માહોલ સમગ્ર અરિનામાં જોઈ શકાતો હતો. મંચની પાર્શ્વભૂમાં સંસ્થાનું કાર્ય અને સંદેશને વ્યક્ત કરતું સુશોભન અદ્ભુત હતું. કોતરણીયુક્ત મંદિરના ત્રણ શિખરો એના ઉપર ફરકી રહેલી ધજાએ બી.એ.પી.એસ.ની વિશ્વભરમાં ફરકી રહેલી ધજાઓનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. આ શિખરોની આસપાસ ચારે તરફ લટકાવેલા વિશાળ ઘંટ એ સંસ્થા, સ્વામીશ્રી અને કાર્યના ડંકા દેશ-વિદેશમાં વાગી રહ્યાની પ્રતીતિ કરાવતા હતા અને બરાબર વચ્ચે રહેલી અક્ષરદેરી સંસ્થાના પ્રતીક તરીકે વ્યક્ત થઈરહી હતી અને એ અક્ષરદેરીમાં વિરાજમાન અક્ષરપુરુષોત્તમ મહારાજના શુભ આશિષ નિરંતર મળતા રહે એ રીતે સ્વામીશ્રીનું તેઓની આગળ જ આસન ગોઠવવામાં આવ્યું હતું. મુખ્ય મંચ ઉપરના ઉપમંચ ઉપર ગોઠવાયેલા સ્વામીશ્રીના આસન ઉપર તેઓ વિરાજ્યા. અને એ સાથે જ 'આજે યજ્ઞપુરુષને દ્વાર' એ નૃત્ય શરૂ થયું. નૃત્ય પહેલાં વિવેકસાગર સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના કાર્યની ઝાંખી કરાવી હતી. ખરેખર વિશ્વભરમાં યજ્ઞપુરુષના ડંકા વાગી રહ્યા હતા. એની પ્રતીતિ આજના માનવમહેરામણ ઉપરથી આવી રહી હતી.
શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના કાર્યનો ટૂંકપરિચય ક્રમશઃ વિવેકસાગર સ્વામી અને ઈશ્વરચરણ સ્વામીએ આપ્યો. સંસ્થાના સમગ્ર વિશ્વમાં માનવ ઉત્કર્ષકાર્યને તેમજ સમગ્ર પ્રવૃત્તિના પ્રાણપુરુષ સ્વામીશ્રીના વ્યક્તિત્વને દર્શાવતી વીડિયો દર્શાવવામાં આવી. આનંદસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીની જે જીવનભાવના છે એના ઉપર અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા પ્રકાશ પાડ્યો. સ્વામીશ્રીના પારસનો સ્પર્શ પરિવર્તન પામેલા હરિભક્તો બોલ્ટનના મોહનભાઈ, પેરિસના અમિત ભાવસાર, શીખ હરિભક્ત હરવિંદર તેમજ હોલેન્ડ નિવાસી મહિલા હરિભક્ત જેનેટ, જેના વતી મિત્ર હનકોપને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. આ બધા જ પ્રસંગો ખૂબ અસરકારક હતા અને સ્વામીશ્રીની વિશાળતા અને જીવનભાવનાને વ્યક્ત કરતા હતા. આ પ્રસંગો પૂરા થયા પછી સમગ્ર સત્સંગ પરિવાર વતી ત્યાગવલ્લભ સ્વામીએ હાર પહેરાવીને સ્વામીશ્રીને સન્માન્યા.
અહીંના વડાપ્રધાન ગોર્ડન બ્રાઉનનો ખાસ શુભેચ્છાપત્ર લાવનાર મિનિસ્ટર ટોની મેકનોલ્ટીને સન્માન્યા અને તેઓએ શુભેચ્છાપત્ર વાંચીને પોતાની ભાવના વ્યક્ત કરી.
આજની સભામાં લેસ્ટર ઇસ્ટના એમ.પી. અને હોમ એફેસ સિલેક્ટ કમિટીના ચૅરમૅન કીથ વાઝ, એમ.પી. બેરીગાર્ડિનર, બ્રેન્ટના મેયર હર્ષદભાઈ પટેલ, બ્રેન્ટ-હેરોના મેમ્બર આૅફ જી.એલ.એ. મિ. બોબ બ્લેકમેન્ટ, બ્રેન્ટ કાઉન્સિલના લીડર પોલ લોરબર તથા લેબર ગ્રુપ બ્રેન્ટના પ્રતિનિધિ કોલમ મલોનીને સ્વામીશ્રીના આશીર્વાદ મળ્યા. બ્રેન્ટ સાઉથના એમ.પી. ડાઉન બટલર, લંડન બ્લેક વિમેન્સ કાઉન્સિલના ચૅરમૅન, લિબરલ ડેમોક્રેટ મેમ્બર આૅફ પાર્લામેન્ટ સારાહ તેથર અને કાઉન્સિલર એની જોનનું પણ સ્વાગત મહિલા વિભાગમાં કરવામાં આવ્યું.
બી.એ.પી.એસ. સંસ્થા વતી ચૅરમૅન જીતુભાઈ પટેલે લંડન બ્રેસ્ટ કેર સેન્ટર એન્ડ સેન્ટ બાર્થોલોન્યૂઝ હોસ્પિટલના બ્રેસ્ટ સર્જન રોબર્ટ કાર્પેન્ટરને બાર હજાર પાઉન્ડનો ચૅક અર્પણ કરવામાં આવ્યો. યુ.કે.માં દર પાંચ કુટુંબે ચાર કુટુંબમાંથી કોઈને કોઈ આ કેન્સરનો ભોગ બને છે. સંસ્થાએ આ સૌના ભલા માટે ડોનેશન કર્યું તેની નોંધ લેતા અનેક ભાવિકોની આંખો સજળ બની.
મંચ ઉપર સૌમ્ય પરિવેશમાં બાળકોએ मातृदेवो भव એ વૈદિક મંત્રનું ગાન કર્યું. યુવાનો અને કિશોરોએ ‘युवा स्यात् साघु' એ મંત્રનું ગાન સમૂહમાં કરીને પ્રતિજ્ઞા લેવડાવી અને છેલ્લે સૌ પ્રેક્ષકોએ ઊભા થઈ ળશ્િÙષરરઠુ ળશ્િÙõ તુÙ€ઠુની રાષ્ટ્રીય ઐક્યભાવનાનું ગાન કરી પ્રાણપુરુષ સ્વામીશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરી.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએકહ્યું, 'ભગવાન, ભગવાનના સંતો, આચાર્યોનો ધર્મ એ જ રહેલો છે કે વિશ્વમાં શાંતિ પ્રવર્તે, દરેક મનુષ્ય સુખી થાય અને એકબીજાના પ્રત્યેનો પ્રેમ વધે, ભગવાને આપેલા આદેશોનું પાલન કરીને આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય ને મુક્તિ પ્રાપ્ત કરે.
ગીતામાં તમામ મનુષ્યો માટે અજુ ýનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રીકૃષ્ણએ જ્ઞાન આપ્યું છે. આપણે ટેકનોલોજીથી ઘણા આગળ વધ્યા છીએ. બહુ સારી વાત છે, પણ એ બધું હોવા છતાં મનુષ્ય સુખી નથી, શાંતિ પણ નથી, કારણ કે ભૌતિકવાદ વધતો જાય છે. ભૌતિક સુખ માટે અંદરોઅંદર ક્લેશ ને અશાંતિ પણ થાય છે. આપણી અંદર ઘણું અજ્ઞાન પડ્યું છે, ઘણી જાતના સ્વભાવ-દોષો છે એને લઈને અહં-મમત્વથી એકબીજાના રાગદ્વેષને લઈને ઘણું ખરાબ થઈજાય છે.
દુનિયામાં બાહ્ય વિકાસ થયો છે પણ આંતરિક વિકાસ માટે આપણાં શાસ્ત્રો, અવતારો, અને સંતો છે. વેદોમાં કહ્યું છે કે વિશ્વનું કલ્યાણ થાઓ, દરેક મનુષ્ય સુખી થાઓ, એકબીજાના પ્રત્યેનો પ્રેમભાવ વધે, પોતાના આત્માનું કલ્યાણકરે - આવી શુભ ભાવનાઓ છે. અર્જુનને વિષાદ થયો એના માટે ભગવાને તત્ત્વજ્ઞાનની વાત કરી કે આત્મા અજર, અમર, સુખરૂપ, સત્તારૂપ છે. આત્માને કોઈ નાત-જાત નથી, કુટુંબ-પરિવાર નથી, મારું-તારું નથી. આત્મા એક ચૈતન્યસ્વરૂપ છે અને એ શુદ્ધ ને પવિત્ર છે. તું પોતાને આત્મા માન. આત્મા માનીશ તો તને કંઈ દુઃખ થશે નહીં, અશાંતિ થશે નહીં. તને શરીરનો ભાવ છે કે હું અર્જુન છું, પણ તું અર્જુન પણ નથી. નાત, જાત, કુટુંબ, પરિવાર કશું જ છે નહીં, તું આત્મા છુ _. આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની છે. એટલે આવું જ્ઞાન થાય તો જગતનો મોહ-મમતા છૂટી જાય છે ને ભગવાનને વિષે ભક્તિ થાય છે.
મનુષ્યમાં અવગુણ-દોષો પડ્યા છે, પણ સાથે સાથે સારા ગુણો પણ પડ્યા છે. તો દરેકમાંથી સારું જોતા શીખો. એ જ રીતે રામાયણમાં રામના પ્રસંગો આપણા જીવનમાં ઊતરે તો કુટુંબમાં શાંતિ થાય, ઘરમાં પણ શાંતિ થાય. એટલે રામાયણ વાંચવી જોઈએ.
ભગવાન સ્વામિનારાયણે સદાચારને ધર્મ કહ્યો છે. સદાચાર આપણને માણસ બનાવે છે. બધાનું સારું જ ઇચ્છવું, ભલું જ ઇચ્છવું એ આપણો ધર્મ છે. ખોટું-ખરાબ ન થાય, વ્યસન, દૂષણ, વ્યભિચાર, જુગાર ન થાય.
ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મરૂપ થઈપરબ્રહ્મની ભક્તિ કરવાની છે એવું અદ્ભુત જ્ઞાન આપ્યું છે. ભગવાન સાચા છે, એમણે આપેલું જ્ઞાન સાચું છે, એમણે આપેલાં શાસ્ત્રો સાચાં છે. આ બધું જીવનમાં ઊતરશે તો શાંતિ થશે. મંદિરો પણ લોકોના કલ્યાણ માટે કર્યાં છે. ભગવાને આપેલા આદેશ મુજબ શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત કાર્ય કર્યું. એમણે કહ્યું સારું એ મારું, પણ મારું એ જ સારું નહીં. 'મારું સારું' કરશો તો ઝઘડો થશે. બીજા ધર્મને આદર આપો ને તમારી નિષ્ઠામાં દૃઢ રહીને સારે માર્ગેચાલીને સુખિયા થાવ. જોગી મહારાજે તો પહેલેથી બાળસંસ્કારની વાત કરી છે. આવું શુદ્ધ જ્ઞાન જીવનમાં ઉતારશું તો સર્વપ્રકારે સુખ થાય છે. ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે કાર્યો કર્યાં છે, એ લોકોના કલ્યાણ માટે છે. એ જ્ઞાન આપણા જીવનમાં દૃઢ થાય એના માટે બધાં આયોજનો છે. એમાંથી થોડી પણ સાચી વાત ગ્રહણ કરીશું તો આપણા જીવનમાં, કુટુંબમાં, સમાજમાં શાંતિ રહેશે. આપણા ઘરમાં રામરાજ છે તો બધી દુનિયામાં રામરાજ છે. આપ બધા પધાર્યા, ખૂબ આનંદ થયો. ભગવાન સર્વનું ભલું કરો, સર્વનું કલ્યાણ કરો એ જ ભાવના.' યોગવિવેક સ્વામીએસ્વામીશ્રીના આશીર્વાદનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યાપછી સભામાં ઉપસ્થિત તમામે તમામને ધ્વજ અર્પણ કરવામાં આવ્યા અને નૃત્ય શરૂ થયું. 'સ્વામિનારાયણ મહામંત્રના ડંકા વાગે દેશ-વિદેશ' શતાબ્દી વર્ષે બી.એ.પી.એસ. અને તેઓના પ્રાણપુરુષ ને તથા તેઓના કાર્યને અંજલિ અર્પતા આ ગીત એ આજના સમારોહનું અર્ઘ્યગીત હતું, છેલ્લું ચરણહતું. મંચ ઉપર સ્વામીશ્રીએ ઊભા થઈને ધ્વજ લહેરાવ્યો. આમ, એક અભૂતપૂર્વ શતાબ્દી મહોત્સવ લંડન ખાતે ઊજવાઈ ગયો.
તા. ૧૫મી ઓક્ટોબરે સ્વામીશ્રી ચાર્ટર્ડ વિમાન દ્વારા લંડનથી મુંબઈ પધાર્યા. આ વિમાનના સૌજન્યદાતા જીતુભાઈ પટેલ (યુરોપ), અશોકભાઈ પટેલ (હેન્ડન), અલ્પેશભાઈ પટેલ (રુંદેલ), યોગેશભાઈ પટેલ (યુરોપ), દીલન પટેલ અને મહેશભાઈ (કલરામા) પણ યાત્રામાં જોડાઈ ધન્ય થયા.
સતત પાંચ મહિનાની વિદેશયાત્રા દરમિયાન આફ્રિકા, અમેરિકા, કેનેડા તથા ઈંગ્લેન્ડના હરિભક્તોમાં ભક્તિ અને સત્સંગનું દિવ્ય મોજું પ્રસરાવીને સ્વામીશ્રી પુનઃ ભારત પધાર્યા ત્યારે મુંબઈમાં તેઓના સ્વાગત માટે હજારો હરિભક્તો થનગનતા હતા. |
|