|
મુંબઈ ખાતે 'પ્રમુખ સદન'નો ભવ્ય શિલાન્યાસ સમારોહ
'મુંબઈ રંગવું છે...' એ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પાનુસાર મુંબઈનો સત્સંગ મત્સ્યાવતારની જેમ વિકસી રહ્યો છે. આ વધતા સત્સંગ સમુદાયની જરૂરિયાતોને સંતોષવા નવા સંકુલની તાતી જરૂરિયાત ઊભી થતાં તા. ૨૧-૧૦-૨૦૦૭, વિજયાદશમીના શુભ દિવસે 'પ્રમુખસદન' નામે નૂતન સંકુલનો વેદોક્ત શિલાન્યાસવિધિ સંપન્ન થયો.
પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ શિલાન્યાસમાં ૩,૦૦૦ ઉપરાંત યજમાનોએ ભાગ લઈ પોતાનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે નાગપુરમાં નિર્માણાધીન શિખરબદ્ધ મંદિરનો ખાતમુહૂર્તવિધિ, મુંબઈમાં ખારઘર વિસ્તારમાં નિર્માણ પામનાર સાંસ્કૃતિક સંકુલ તથા મલાડ ઉપનગરમાં નિર્માણાધીન હરિમંદિરનો ખાતમુહૂર્ત, કાંદિવલી તથા ગોરેગાંવ ઉપનગરમાં તૈયાર થયેલ હરિમંદિરનો પ્રાણપ્રતિષ્ઠાવિધિ પણ યોજાયો હતો. આજના દિવસે 'યોગી સભાગૃહ'ની નીચે આવેલા 'યોગીમંડપમ્' સંપૂર્ણ વાતાનુકૂલિત કરી તેનું ઉદ્ઘાટન પણ સ્વામીશ્રીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. અંતે આ પ્રસંગે એક સાથે સાત ઉત્સવોની ઉજવણીમાં સામેલ દસ હજારના ભક્તસમુદાયને આશીર્વાદ પાઠવી સ્વામીશ્રીએ કૃતાર્થ કર્યા હતા. |
|