|
પુષ્પદોલોત્સવ - રંગોત્સવ
પ્રતિવર્ષ સારંગપુર મુકામે પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં રંગોત્સવનું ભવ્ય આયોજન થાય છે. આ વર્ષે પણ તા. ૨૨-૩-૦૮ના રોજ ઉત્તરોત્તર સવાયો રંગોત્સવ ઊજવાયો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલયની જોડે આવેલા વિશાળ પટાંગણમાં દક્ષિણ છેડે ભવ્ય મંચ રચ્યો હતો. ૩૫ ફૂટ ઊંચી કાપડની પિછવાઈ સંધ્યાના આકાશી રંગથી તરબતર હતી. મંચ પર એક છેડે ૨૨૫ વર્ષ પૂર્વેનું સારંગપુર ગામ દૃશ્યમાન થતું હતું. ફળથી ભરપૂર આંબા, મોરલા ને વિવિધ પક્ષીઓ અને પુષ્પો વસંતના અવતરણની ગવાહી પૂરતાં હતાં. બીજા છેડે આંબાની ડાળે બાંધેલા હિંડોળે ભગવાન સ્વામિનારાયણ ઝૂલતા હતા. લીલી જાજમથી મઢેલા આખા પટાંગણમાં નાખી નજર ન પહોંચે એટલો માનવ મહેરામણ ઊભરાતો હતો. ભક્તો-ભાવિકો પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે દિવ્ય કેસરિયા રંગે રંગાવા આવ્યે જ જતા હતા. ભારતનાં વિવિધ રાજ્યોમાંથી તેમજ અમેરિકા, ઈંગ્લેન્ડ, આફ્રિકા, ઓસ્ટેÿલિયા વગેરે વિદેશોમાંથી પણ ખાસ આ ઉત્સવ માટે જ હરિભક્તો આવ્યા હતા. ચાતકની પેઠે સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શનની પ્રતીક્ષા કરતા સૌ હરિભક્તોને સ્વામીશ્રીનાં દર્શનની સાનુકૂળતા આ ઉત્સવ દ્વારા પ્રાપ્ત થઈ. સ્વામીશ્રી ૫.૪૫ વાગે મંચ પર પધાર્યા ત્યારે વિશાળ ભક્ત મહેરામણમાં જાણે દિવ્ય આનંદનાં મોજાં પ્રસરી ગયાં. સર્વત્ર ગગનભેદી જયનાદો થયા.
ઉત્સવ-સભાનો પ્રારંભ તો ૪.૪૫ વાગે સંતો દ્વારા ધૂન-પ્રાર્થના ને કીર્તનગાનથી થઈ ગયો હતો. પ્રિયવ્રત સ્વામીએ ઉત્સવ-મહિમા વર્ણવ્યા બાદ વિવેકસાગર સ્વામીએ 'સ્વામીશ્રીનો રંગ', ડૉક્ટર સ્વામીએ 'સ્વામીશ્રીના રંગે રંગાવું એટલે શું?' વિષયક પ્રવચનો કર્યાં.
મહારાષ્ટ્રના એન.સી.પી. પ્રદેશ પ્રમુખશ્રી અરુણભાઈ ગુજરાતી, મધ્યપ્રદેશના ગૃહમંત્રીશ્રી હિંમતજી કોઠારી તથા ગુજરાતના વિધાનસભા સ્પીકર શ્રી અશોકભાઈ ભટ્ટે પોતાની ભાવોર્મિઓ વ્યક્ત કરીને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી કિરિટસિંહ રાણા, અંબાલાલભાઈ રોહિત વગેરેએ પણ આશીર્વાદ મેળવ્યા.
ઈશ્વરચરણ સ્વામીએ 'સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય અને સંભાળ' અંગે પ્રવચન કરી સ્વામીશ્રીના સ્વાસ્થ્ય અંગે સૌને માહિતગાર કર્યા. તેમણે જણાવ્યું કે સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય ચિંતાજનક નથી, છતાં નિષ્ણાત ડૉક્ટરોની સલાહ અનુસાર તેમને આરામની જરૂર છે. માટે સ્વામીશ્રીનાં દૂરથી દર્શન કરી આપણે ધન્યતાનો અનુભવ કરીએ. સ્વામીશ્રીના નિરામય શતાયુ માટે નિશદિન ભગવાનને પ્રાર્થના કરતા રહીએ. મહંતસ્વામીએ 'સ્વામીશ્રીની સ્મૃતિના રંગે કઈ રીતે રંગાવું?' વિષયક ઉદ્બોધન કરીને સ્વામીશ્રીને કઈ રીતે સેવવા તેનું માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકોનું સ્વામીશ્રીએ ઉદ્ઘાટન કર્યું. વિવેકસાગર સ્વામી લિખિત 'શિક્ષાવલ્લી'નું ઉદ્ઘાટન આદર્શજીવન સ્વામીએ કરાવ્યું. તમિલ ભાષામાં સત્સંગશિક્ષણ શ્રેણીનાં ત્રણ પ્રકાશનો પૈકી ઘનશ્યામચરિત્રનું ઉદ્ઘાટન ચેન્નાઈ મંદિરના કોઠારી આનંદસાગર સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું, 'અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી'નું એસ. રાજગોપાલન્ તેમજ 'યોગીજી મહારાજ'નું ઉદ્ઘાટન તનિકાચલમ્ વિનોદે કરાવ્યું. તમિળ ભાષાના આ બંને તજ્જ્ઞોએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
દિલ્હીમાં પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શને છેલ્લા બે વર્ષમાં વિશ્વના ૧૧૩ દેશોમાંથી એક કરોડ પંદર લાખથી વધુ લોકો આવ્યા છે. આ વિવિધ દેશોના દર્શનાર્થીઓ માટે વિશ્વ અને ભારતની વિવિધ ભાષાઓમાં સ્વામિનારાયણ અક્ષરધામની પરિચય પુસ્તિકા આજે પ્રકાશિત કરવામાં આવી હતી. અંગ્રેજી ઉપરાંત વિદેશી ભાષાઓ- ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, ડચ, ઇટાલિયન તેમજ હિન્દી ઉપરાંત ભારતીય ભાષાઓ- કન્નડ, તેલુગુ, તમિલ, બંગાળી, મરાઠી, ઉડિયા, ગુજરાતી અને પંજાબીમાં આ માર્ગદર્શિકાઓનું ઉદ્ઘાટન દિલ્હી મંદિરના કોઠારી આત્મસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીના હસ્તે કરાવ્યું હતું.
ત્યારબાદ સ્વામીશ્રીને વધાવવા તૈયાર કરેલા વિવિધ હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળમાં અર્પણ કર્યા.
આજના પ્રસંગને અનુરૂપ રંગોત્સવનાં કીર્તનો સંગીતજ્ઞ સંતોએ ગાયાં. તેમાં 'વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ..' કીર્તનની પ્રત્યેક પંક્તિએ સ્વામીશ્રી કરમુદ્રાઓ દ્વારા શ્રીહરિનાં વિવિધ અલંકાર-શણગારનું હૂબહૂ દર્શન કરાવતા થકા તાલી વગાડીને ભક્તિરસ વહાવતા હતા.
અંતમાં અમૃતવાણી વહાવતાં સ્વામીશ્રીએ કહ્યું : 'શ્રીજીમહારાજના વખતમાં આવા જ ઉત્સવો થતા. વરતાલમાં અને એવો જ રંગોત્સવ અહીં સારંગપુરમાં પણ કરેલો છે. આ બે ઉત્સવ એ બહુ સ્મરણીય છે. આ ગામ તો નાનું છે, ભક્તચિંતામણિમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે : 'શોભાવંત સારંગપુર ગામ...' તે વખતે કાંઈ વ્યવસ્થા નહીં કે બીજું કાંઈ નહીં, તો એને શોભાવંત શું કહેવાય ? એમ શંકા થાય. પણ શોભાવંત એટલા માટે લખ્યું કે ભગવાન શ્રીજીમહારાજ અને એમના ભક્તો-સંતો આ ગામમાં બિરાજ્યા અને આ ઉત્સવ થયો. એટલે શોભાવંત બની ગયું. આપણે જાતજાતની શોભાઓ તો મનોરંજન માટે ઘણી કરીએ છીએ, પણ ભગવાન અને ભક્તોનો સંબંધ થાય, એ સાચી શોભા છે. તે વખતે ઉત્સવ પછી શ્રીજીમહારાજે રાજી થઈ માંગવા કહ્યું. એટલે ઉત્તર ગુજરાતનાં બાઈભક્તોએ માંગ્યું : 'મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી. જે જે લીલા કરો તમે લાલ તેને સમજુ _ અલૌકિક ખ્યાલ...'
ભગવાનની મનુષ્યલીલા જોઈએ ત્યારે ભૂલા પડી જવાય છે. એની અંદર કેટલીક વખત શંકા પણ થાય કે આ તે કંઈ ભગવાન કહેવાતા હશે! સાજા-માંદા થાય એવાં ચરિત્રો કરે. ક્યારેક ખાવા-પીવા, હરવા-ફરવા, બોલવા-ચાલવામાં કંઈ ઠેકાણું ન હોય! પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનનાં બેય ચરિત્રો ગાવાં. દિવ્ય પણ ગાવાં ને મનુષ્યચરિત્ર પણ ગાવાં. રાવણે સાધુરૂપે સીતાજીનું અપહરણ કર્યું ત્યારે ભગવાન રામે મનુષ્ય જેવાં ચરિત્ર કર્યાં. પશુને, પક્ષીને, વૃક્ષને પૂછે કે મારી સીતા જોઈ? શિવ અને પાર્વતીએ એમને ગાંડાઘેલા થતાં જોયા પાર્વતીએ શિવજીને કહ્યું કે હું સીતાનું રૂપ લઈ રામચંદ્રનો શોક ઓછો કરું. શિવજી કહેઃ 'એ તો ભગવાન છે. મનુષ્યરૂપ ધરે ત્યારે મનુષ્ય જેવી જ ક્રિયા કરે. એમાં મોહ ન પામવું.' છતાં, પાર્વતીજી સીતાનું રૂપ લઈ રામ પાસે ગયાં ત્યારે રામે તેમને કહ્યું, 'અરે સતી, તમે એકલાં કેમ છો? શિવજી ક્યાં છે?' આ સાંભળી પાર્વતીજી શરમાઈ ગયાં.
ગાંડપણ દેખાડે કે બીજું ચરિત્ર કરે પણ ભગવાન તો દરેક ભક્તને પોતામાં હેત કેમ થાય એને માટે ચરિત્ર કરે છે. ભક્તોની ભક્તિ વધારે છે. ભક્તોને કોઈ રીતે એમની સ્મૃતિ થાય ને સ્મૃતિ રહે તો એમનો સંબંધ કાયમ રહે.
એટલે જ ભક્તોએ માંગ્યું કે, ભગવાનની માયામાં અનેક માણસો ભૂલા પડી ગયા છે અને દુઃખી થયા છે, એનાથી અમારી રક્ષા કરજો. ભક્તોએ જગતનું સુખ નથી માંગ્યું પણ મોટામાં મોટું આ માંગ્યું. મહારાજે દયા કરીને કહ્યું કે તમે જે માંગ્યું છે એ તમને મળશે, પણ એક શરત છે કે તમે મને સદા અદોષ જાણજો. મારામાં કોઈ દોષ નથી, હું સદા દિવ્ય છું, એવી દૃઢતા તમારા મનમાં જ્યારે થશે ત્યારે તમને માયા નડશે નહીં.
અહીં રંગોત્સવ થાય છે પણ આપણે જીવમાં સમજવાનું એટલું જ છે કે માયાના ભાવોમાં લેવાઈએ નહીં. ભગવાનને વિષે ક્યારેય મનુષ્યભાવ ન આવે.
આવો ને આવો ભાવ આપણને હંમેશા રહે, વહેવાર-સંસારમાં જ્યારે કંઈ પણ પ્રશ્ન ઊભા થાય ત્યારે ભગવાનને યાદ કરવા. અને ભગવાન આપણું સારું જ કરવાના છે. આપણને દિવ્ય સંપત્તિ, આધ્યાત્મિક સંપત્તિ આપવા આવ્યા છે. આ લોકની સંપત્તિ તો આવે ને જાય, એમાં મોહ ન પામી જવાય. આ આધ્યાત્મિક સંપત્તિ જેને મળી છે એને દુનિયાનું કશું સુખ ન હોય તોય અહોનિશ આનંદ થયા જ કરે. અખંડ આનંદ, ૨૪ કલાક. ભગવાન અને સંત મળ્યા એનો આનંદ.
આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ કે બધામાં ધર્મ, જ્ઞાન, ભક્તિ, સત્ય, દયા, સંપ-સુહૃદભાવ-એકતા તેમજ આજ્ઞા-ઉપાસના, સદ્ભાવ અને પક્ષની દૃઢતા થાય. દરેક માટે સંપભાવ હોય તો ગમે તે કામ સારી રીતે થઈ શકેછે ને સફળતા મળે છે. આ બધું થયું છે એ ભગવાન અને સંતના પ્રતાપે ને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદથી થયું છે.'
આશીર્વાદ પછી સ્વામીશ્રીએ પ્રાણપ્યારા ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને વૈદિક મંત્રોચ્ચાર સાથે પિચકારી દ્વારા રંગથી અભિષિક્ત કર્યા. અને એ પ્રાસાદિક રંગને અન્ય રંગમાં મિશ્રિત કરાવ્યો. આજના રસોઈ-પ્રસાદ વગેરેના વિવિધ સેવા-દાતાઓએ મંચ સન્મુખ નીચે ઊભા રહીને સ્વામીશ્રીની સંગાથમાં આરતી-લાભ લીધો.
અને અંતમાં પ્રારંભાયો મહા રંગોત્સવ! બે સ્થિર અને બે રિમોટ કન્ટ્રોલથી સંચાલિત મહાકાય પિચકારીઓ દ્વારા ભક્ત-મહેરામણ કેસરિયા રંગના ધોધ-ફુવારે ઝૂમતો આગળ વધતો હતો. રિમોટ કન્ટ્રોલ દ્વારા પિચકારીઓને ભક્તસમુદાય પર ઘુમાવતા સ્વામીશ્રી પણ એક એક ભક્તને આંખોના મટકે મોહિની વરસાવતા દર્શનસુખ આપતા હતા. રંગભરી પિચકારીના નિશાનથી તરબતર કરતા હતા.
સતત સાડા ત્રણ કલાક સુધી બિરાજીને સ્વામીશ્રી સૌને ભક્તિના રંગથી રંગતા રહ્યા. અંતે સર્વે સંતોને પણ ખૂબ રંગ્યા. આમ, 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવો રંગોત્સવ સૌના સહિયારા સેવા-પુરુષાર્થથી ઊજવાઈ ગયો.
રસોડા વિભાગે તમામ હરિભક્તો માટે શુદ્ધ ઘીના ચૂરમાના લાડુ, મોહનથાળ, ફૂલવડી, ફરસીપૂરી, અથાણું, આઈસક્રીમ-કપ અને ફગવા(ખજૂર-ધાણી-ચણા) સાથેના પ્રસાદ બૉક્સ તૈયાર કર્યાં હતાં. મહિલાઓમાં સભાપ્રવેશ સમયે તેમજ પુરુષોમાં સભાવિસર્જન સમયે રંગાયા બાદ પ્રસાદ અપાયો હતો.
વિશાળ પાર્કિંગ સભાસ્થળની જોડે જ તૈયાર કરાયું હતું. ઇતર રાજ્યોમાંથી આવેલા ૭,૦૦૦ જેટલાં હરિભક્તોને સારંગપુર, બોટાદ, ગઢડા, લાઠીદડ તેમજ ખાંભડામાં ઉતારા કરાયા હતા. સ્વામીશ્રીના આશીર્વાદથી કોઠારી જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણમુનિ સ્વામીના માર્ગદર્શન મુજબ સંતો-નિર્દેશકોના નેતૃત્વમાં ઉતારા, ભોજન, પાર્કિંગ, સુશોભન, સભાવ્યવસ્થા વગેરે વિભાગીય સેવાઓ ૫૦૦૦ જેટલાં સ્વયંસેવકો-સ્વયંસેવિકાઓએ ઉપાડી લીધી હતી.
આમ, સારંગપુર તીર્થમાં અવિસ્મરણીય રંગોત્સવના રંગછાંટણાઓ લઈને સૌ વિખરાઈ રહ્યાં હતા ત્યારે સૌ કોઈના મુખમાં એક જ ઉદ્ગાર હતોઃ 'અદ્ભુત!'
|
|