Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બોચાસણમાં ગુરુભક્તિથી છલકાતો ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ભક્તો પર અમૃત-આશિષ વરસાવતા સ્વામીશ્રી

તા. ૧૮-૭-૨૦૦૮ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આદિતીર્થ બોચાસણમાં પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવાઈ ગયો. આ પ્રસંગે પ્રાણપ્યારા ગુરુહરિનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા દેશ-વિદેશના ૫૦,૦૦૦થી પણ વધુ હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. બોચાસણ ખાતે અક્ષરપુરુષોત્તમ વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં ઉત્સવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રગટ ગુરુહરિ પ્રત્યે કેવી અને કઈ રીતે ભક્તિ અદા કરવી એ મધ્યવર્તી વિચાર સાથે સભાનો આરંભ થયો. સ્વામીશ્રીના દિવ્ય વ્યક્તિત્વને રજૂ કરતા વડીલ સંતોનાં પ્રાસંગિક પ્રવચનો બાદ અડાસ અને મોગરી સત્સંગમંડળના બાળકો તથા કિશોરોએ ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
આ સમારોહમાં સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વાદ માટે વિશિષ્ટ મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બહેરીન મ્યુનિસિપાલિટી અને એગ્રિકલ્ચર ખાતાના મંત્રી શ્રી મનસૂર બિન રજબ સહિત ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોના સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી મનસૂર બિન રજબે ભાવોર્મિઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું : '૧૯૯૭માં પ્રમુખસ્વામી મહારાજ બાહરીનના શેખ(રાજા)ના મહેલમાં પધરામણીએ પધાર્યા હતા ત્યારે હું શેખના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતો હતો. એ વખતે મેં સ્વામીશ્રીનાં ફક્ત પાંચથી દસ મિનિટ જ દર્શન ર્ક્યાં હતાં. પરંતુ સ્વામીશ્રીની એ નયનરમ્ય મૂર્તિ મારા હૃદયમાં હીરાની જેમ જડાઈ ગઈ. એ વાતને આજે ૧૧ વર્ષ વીતી ગયાં છતાં હૃદયમાં અંકિત એ છબી ભુલાતી ન હતી. એટલે ખાસ આજના દિવસે આપના દર્શનાર્થે આવ્યો છુ _.' 
આ પ્રસંગે વિવિધ દૃશ્ય-શ્રાવ્ય-ગ્રંથ પ્રકાશનોના વિમોચન સ્વામીશ્રીના હસ્તે થયાં. વિવિધ પ્રાંતમાંથી સત્સંગ મંડળોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમલોમાં અર્પણ કરી સૌ વતી ગુરુભક્તિ અદા કરી હતી. ત્યારબાદ સૌ હરિભક્તોએ મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી ગુરુહરિનું પૂજન કર્યું.
સભાના અંતમાં સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું: 'આજે ગુરુપૂનમનો દિવસ આપણા ભારતીયો માટે અને દુનિયાભરના તમામ માટે બહુ ઉત્તમ દિવસ છે, કારણ કે ગુરુના આશીર્વાદ મેળવીને આપણે આપણું જીવન જીવવાનું છે. એમાંથી આપણને જે પ્રેરણા મળે, આદેશ મળે એ પ્રમાણે જીવીએ તો આપણને જીવનમાં શાંતિ મળે અને આત્માનું શ્રેય પણ થાય.
ભગવાન સ્વામિનારાયણે 'શિક્ષાપત્રી' ગ્રંથ આપ્યો છે. જેમાં જીવન કઈ રીતે જીવવું એ બતાવ્યું છે. ભગવાનનો આશરો દૃઢ કરીને જે મનુષ્ય પવિત્ર જીવન જીવે અને ભગવાનની ભક્તિ કરે તેને ચારેય પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થાય છે.
ધર્મ આપણો મુખ્ય પાયો છે. જો ધર્મનો પાયો મજબૂત હોય તો બધા પુરુષાર્થની સફળતા મળે. પચાસ કે સો માળનું બિલ્ડિંગ કરવું હોય તો એનો પાયો બહુ મજબૂત જોઈએ. પાયો મજબૂત હોય તો ગમે તેવો ભૂકંપ આવે તોપણ બિલ્ડિંગ પડે નહીં. તેમ આપણા જીવનમાં સુખ-દુઃખ આવે એમાં ટકી રહેવું હોય તો ધર્મ એ પાયો છે, તે મજબૂત જોઈએ. ગમે તેવાં દુઃખ આવે, ગમે તે મુશ્કેલી આવે તોપણ ભગવાનને યાદ કરવાથી શાંતિ થાય છે.
અર્થ એટલે પૈસો. નીતિ અને પ્રામાણિકતાથી પૈસા કમાવ તો એ સુખ આપશે. આપણે સુખી થઈશું અને બીજા પણ સુખી થશે.
ત્રીજો પુરુષાર્થ કામ છે. કામ એટલે સાંસારિક ઇચ્છાઓ. ધર્મમાં રહીને એટલે કે ભગવાને આપેલી આજ્ઞાઓમાં રહીને સાંસારિક ઇચ્છાઓ માટે ઉદ્યમ કરીશું તો શાંતિ રહેશે. ધર્મની વિરુદ્ધ નાટક-સિનેમા જોવાથી શાંતિ આવતી નથી.
ચોથો પુરુષાર્થ મોક્ષ છે. યોગીજી મહારાજ કહેતા, મોહનો ક્ષય એનું નામ મોક્ષ. મોહ થઈ જાય એટલે જે વસ્તુ સાચી છે એ ખોટી મનાય અને જે ખોટી છે તે સાચી મનાય છે. પરંતુ ભગવાન સત્ય છે, સનાનત છે, દિવ્ય છે. એના થકી આપણો મોક્ષ થાય છે. જેમ જેમ સત્સંગ કરતાં જઈએ, શાસ્ત્રો વાંચતાં જઈએ અને સારે માર્ગે ચાલતાં રહીએ તેõમ તેમ આપણામાં શુભ વિચારો આવે. એણે કરીને આપણું અજ્ઞાન જતું રહે છે અને મોક્ષ થાય છે.
શાસ્ત્રો થકી અને સત્પુરુષ થકી આપણને આત્મા-પરમાત્માનું જ્ઞાન મળ્યું છે. આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાથી અને દરેક મનુષ્યની અંદર સદ્‌ભાવ અને પ્રેમ રાખવાથી આપણને શાંતિ થશે અને બીજાને પણ શાંતિ થશે.
આત્મા-પરમાત્માનું જ્ઞાન આપણા જીવનમાં દૃઢ થઈ જાય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. સંસારમાં ઘણા પ્રશ્નો આવવાના જ છે. ભગવાન રામને વનવાસ જવું પડ્યું, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ જેલમાં થયો. શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને પણ પ્રશ્નો આવ્યા હતા. ગાંધીજીને પણ મુશ્કેલીઓ આવી હતી, પણ તેઓ પોતાનું કાર્ય કરે જાય છે. સત્યનું કાર્ય હંમેશાં વધે છે. એમ આ અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સાચું છે તો દેશ-પરદેશમાં સત્સંગનો ફેલાવો પણ થયો છે.
'સાચે સંત મિલે કમી કાહુ રહી...
સાચા સંત મળે તો આપણું જીવન સાર્થક થાય છે. સંત આપણને ભગવાન આપે છે, પરમાત્માનું જ્ઞાન આપે છે, એ જ્ઞાનથી આપણા જીવનો આ લોક ને પરલોક બેય સુધારે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય એવા ગુણોએ યુક્ત સાચા સંત આત્મા-પરમાત્માનું જ્ઞાન આપે છે, તેનાથી આપણે સર્વ પ્રકારે સુખી થઈએ છીએ. સંતના સેવનથી  સમાજને ને રાષ્ટ્રને પણ લાભ થયો છે. એવા ગુરુ જેને જેને મળ્યા છે એનાં આખ્યાનો આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ.
આજે ગુરુપૂર્ણિમાના પર્વે, દરેક મનુષ્ય સુખી થાય, બધાને સારી ભાવના થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. વરસાદનો પ્રશ્ન છે તો આપણે ધૂન, પ્રાર્થના કરીએ જેથી સારો વરસાદ થાય, સારી ખેતી થાય અને મનુષ્યો બધા સુખી થાય, બધાને શાંતિ થઈ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ.''
ગુરુપૂર્ણિમાએ એવા સાચા ગુરુ સ્વામીશ્રીના ચરણોમાં વંદન કરી હજારો હરિભક્તો આજે કૃતાર્થ થયા હતા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |