|
ધોલેરાના દરિયાકાંઠાનાં પછાત ગામોમાં સંસ્થા દ્વારા માનવ-ઉત્કર્ષનું દિવ્ય કાર્ય...
ધોલેરાથી દૂર દરિયાકાંઠાના ઘલા, ખૂણ, મહાદેવપુરા, ભાણગઢ, મીંગલપુર, ગાંધીપરા, રાહતળાવ, મુંડી, કામાતળાવ, સરસવા, શેલા અને દેવપુરા જેવાં અંતરિયાળ વિસ્તારનાં ગામો કે જ્યાં પૂર્વે દારુણ ગરીબી છવાયેલી રહેતી હતી, જેની પાછળ નિરક્ષરતા, કુરિવાજો, દારૂ-જુગારનું વ્યસન જેવાં મૂળભૂત કારણો જવાબદાર હતાં. આ ગામડાંઓ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અને સારંગપુરથી વિચરણ કરતા સંતો તથા કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીના પ્રયાસોથી આજે વ્યસનમુક્તિ અને શિક્ષણ પ્રવૃત્તિનાં વિવિધ કાર્યોથી દેદીપ્યમાન બન્યાં છે. આ ગામોનાં કેટલાંય કુટુંબોનું અંધકારમય જીવન સ્વામીશ્રીની પ્રેરણાથી પ્રકાશમય બની ગયું! અને જાણે એક ચમત્કાર સર્જાયો!
શૈક્ષણિક ક્ષેત્રે શૈક્ષિણક સંકુલો, છાત્રાલયોને સ્થાપી વિદ્યાર્થીઓનું જીવનઘડતર કરવા સતત પ્રવૃત્ત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ ઉપરોક્ત પ્રદેશમાં શિક્ષણસેવાનું એક વિશેષ સોપાન સિદ્ધ કર્યું છે.
સંસ્થાના સહયોગથી ૧૪ વર્ષથી ચાલતી અહીં શિક્ષણ પ્રવૃત્તિમાં ૨૯ જુલાઈ ૨૦૦૨ના રોજ ભાણગઢ ગામે પ્રમુખસ્વામી મહારાજ ઉત્તર બુનિયાદી વિદ્યામંદિરનું નિર્માણ કરીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બક્ષીપંચ જ્ઞાતિના આ વિસ્તારમાં અત્યાર સુધી આવી કોઈ શિક્ષણપ્રવૃત્તિ ચાલતી નહોતી, પરંતુ સંસ્થાની સહાયથી આ શાળા શરૂ થવાથી અહીં શિક્ષણનું ધોરણ ઊંચું આવ્યું છે. એટલું જ નહીં છેલ્લાં ૧૪ વર્ષો દરમ્યાન આ વિદ્યામંદિરમાં અભ્યાસ કરીને આ પછાત વિસ્તારના વિદ્યાર્થીઓએ ઇજનેર, એડવોકેટ, બેંક ઓફિસર, શિક્ષક વગેરે શાખાઓમાં જઈને તેજસ્વી કારકિર્દીનું નિર્માણ કર્યું છે.
તાજેતરમાં આ શાળાની સાથે બી.એ.પી.એસ.ની સહાયથી બક્ષીપંચ કુમાર છાત્રાલય પણ નિર્માણ પામ્યું છે. સ્થાનિક લોકોએપ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે છાત્રાલય સાથે તેમનું નામ જોડ્યું છે.
સ્વામીશ્રીની આ દિવ્ય કરુણાથી ધન્ય થનારા આ પછાત પ્રદેશના ગ્રામીણજનો કહે છેઃ 'પ્રમુખસ્વામી મહારાજે ખારાપાટમાં મીઠા પાણીનો વીરડો ગાળ્યો છે, તે બદલ અમે પેઢીઓ સુધી તેઓના ૠણી રહીશું.'
|
|