|
બિહાર પૂરરાહતકાર્યમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા
તાજેતરમાં બિહારની કોસી નદીમાં અણધાર્યા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી, જેને લીધે ૧૬ જિલ્લાના ૩૦ લાખ લોકો તારાજ બન્યા. હજારો લોકો લાપતા થયા. સેંકડો ગામોનો વિનાશ થયો. ૨,૩૦,૦૦૦ લોકો બેઘર થયા. તમામ જીવનઆધાર છીનવાઈ ગયો. છેલ્લાં ૫૦ વર્ષમાં બિહારમાં આવેલું આ પૂર સૌથી ખરાબ પૂર સાબિત થયું.
બિહારમાં થયેલ આ જળહોનારતમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ રાહત સેવાકાર્ય ઉપાડી લઈને પીડિતોને હૂંફ આપી હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના કોલકાતા મંદિરેથી સેવાભાવી સંતો અને સ્વયંસેવકો પૂરથી અસરગ્રસ્ત લોકોને સહાયરૂપ થવા બિહારમાં પટણા અને કટિહાર ખાતે પહોંચી ગયા હતા. અહીં અસરગ્રસ્તો માટે રાહતછાવણીઓ ખોલીને જીવનજરૂરિયાતની રાહત સામગ્રીનું વિતરણ શરૂ કરી દીધું હતું. માધેપુરા અને સહારસા જિલ્લામાં સેંકડો લોકો પૂરને કારણે બીમાર પડ્યા, જેઓની સારવાર માટે બી.એ.પી.એસ. સંસ્થાએ જરૂરી દવાઓ પહોંચતી કરી દીધી હતી.
બિહાર સરકારે સૂચવ્યા મુજબ માધેપુરા જિલ્લાના પાડવા ઘાટ વિસ્તારમાં બી.એ.પી.એસ. સંસ્થાએ ભારતીય લશ્કરના સહયોગ સાથે કાર્યવાહી કરી. પાડવા ઘાટ વિસ્તારમાં બી.એ.પી.એસ. સંતોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, અસરગ્રસ્ત લોકો તાવ, પેટની ગરબડ, ડાયેરિયા અને ચામડીની એલર્જી જેવા દર્દથી પીડાય છે. પૂરનું પાણી ભળવાથી ટ્યૂબ વેલ્સનું પીવાનું પાણી પણદૂષિત થઈ ગયું છે. અને એટલે જ અહીંયાં પીવાના શુદ્ધ પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની જરૂર છે.' આ સંદેશો મળતાં જ બી.એ.પી.એસ.ના તબીબોની એક ટીમે તાત્કાલિક વિભિન્ન દવાઓનો જથ્થો બિહાર પહોંચતો કર્યોર્. તેની સાથે શુદ્ધ પેયજળ પણ મોકલવામાં આવ્યું.
આ ઉપરાંત ગુજરાતથી રાહતસામગ્રી લઈને રવાના થતી રેલ દ્વારા પણ સંસ્થાએ અસરગ્રસ્તો માટે જીવનજરૂરિયાતની ચીજોની ૨૦૦૦ કીટ તૈયાર કરીને બિહાર ખાતે રવાના કરી હતી. આ પ્રત્યેક કીટમાં મુખ્યત્વે જીવનજરૂરિયાતનાં વાસણો મૂકવામાં આવ્યા હતાં. ૨ તપેલી, ૨ ઢાંકણ, ૨ થાળી, ૨ વાટકી, ૨ પ્યાલા, ચમચો વગેરે વાસણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વળી, ૨૫,૦૦,૦૦૦ રૂપિયાની સહાય સાથે સાથે સંતો-સ્વયંસેવકોની હૂંફ મેળવીને અસરગ્રસ્તો મુશ્કેલીમાં પણ સાચા અર્થમાં રાહત પામ્યા હતા.
|
|