Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગોંડલમાં પ્રમુખસ્વામી મહારાજ

ગોંડલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન તીર્થ અક્ષરમંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજે બિરાજીને તા. ૧૩-૧૦-૨૦૦૮ થી તા. ૩-૧૧-૨૦૦૮ દરમ્યાન અમૃતલાભ આપ્યો હતો. શરદોત્સવ, દિવાળી, ચોપડાપૂજન અને નૂતન વર્ષના પ્રારંભે સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને દેશ-વિદેશના હજારો હરિભક્તો ધન્ય બન્યા હતા. લાભપંચમીને શુભ દિને રાજકોટ મંદિરની પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થતાં દશાબ્દી મહોત્સવનો લાભ પણ સૌ હરિભક્તોને પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત રાજકોટ મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર અભિષેકમૂર્તિ શ્રી નીલકંઠવણીની પ્રાણપ્રતિષ્ઠાનો પૂર્વવિધિ પણ અક્ષરમંદિરમાં ધામધૂમપૂર્વક યોજાઈ ગયો. સ્વામીશ્રીએ થાનગઢ, ચાલાસણ અને પરવાળા ગામનાં નૂતન મંદિરોની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી આરતી ઉતારી હતી. અક્ષર મંદિરના વિશાળ પ્રાંગણમાં નિત્ય યોજાતી સત્સંગસભામાં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને બાળકો-કિશોરોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. અત્રે સ્વામીશ્રીએ ગોંડલમાં આપેલા દિવ્ય સત્સંગ લાભની ઝાંખી પ્રસ્તુત છે...
            તા. ૩-૧૧-૨૦૦૮ના રોજ લાભપંચમીને દિવસે રાજકોટ મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર અભિષેકમૂર્તિ શ્રી નીલકંઠ વણીનો પ્રાણપ્રતિષ્ઠા પૂર્વવિધિ અક્ષર મંદિરમાં યોજાયો હતો. સાથે સાથે રાજકોટ મંદિરની પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થતાં હોઈ તેના દશાબ્દી મહોત્સવના ઉપક્રમે રાજકોટથી ૨૨૦૦ હરિભક્તો અહીં ખાસ પધાર્યા હતા. સૌએ સ્વામીશ્રીની સાંનિધ્યમાં દશાબ્દી મહોત્સવનો ધ્વજ ફરકાવીને સ્વામીશ્રીનું અભિવાદન કર્યું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન નીલકંઠ-મહિમાનાં કીર્તનોનું ગાન યુવકોએ કર્યું. પૂજા દરમિયાન પ્રતિષ્ઠાપૂર્વવિધિ વિવેકસાગર સ્વામીએ કરાવ્યો અને પૂજા પછી સમગ્ર રાજકોટ સત્સંગમંડળ વતી વડીલ સંતોએ વિવિધ હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. સ્વામીશ્રીને દશાબ્દીનો ધ્વજ અર્પણ કરવામાં આવ્યો. સ્વામીશ્રીએ એ ધ્વજ ફરકાવ્યો ને સામે હરિભક્તોએ ફરકાવીને જયજયકાર કર્યો. આજના આ નીલકંઠ વણી પ્રતિષ્ઠાના દિનથી સ્વામીશ્રીના સુસ્વાસ્થ્ય માટે રાજકોટના હરિભક્તોએ ૮૮૮૮ નિર્જળ ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. સ્વામીશ્રીએ એ સૌ ઉપર પણ આશીર્વાદ વરસાવ્યા. સ્વામીશ્રીએ નીલકંઠ વણીની મૂર્તિનું પૂજન કરીને આરતી ઉતારી, અભિષેક પણ કર્યો. ત્યાર બાદ નીલકંઠવણીના અભિષેકનો મહિમા ગાઈને સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા. ગોંડલ મંદિરમાં યોજાયેલી પારાયણ નિમિત્તે નિત્ય સવારે અને સાંજે યોજાતી સત્સંગસભામાં બ્રહ્મદર્શન સ્વામી વચનામૃતનો અને વિવેકસાગર સ્વામી ભક્તચિંતામણિનો લાભ આપતા હતા. આજે આ પારાયણની પૂર્ણાહુતિ પ્રસંગે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે 'ભગવાન સ્વામિ-નારાયણને સર્વોપરી અને સર્વ અવતારના અવતારી સમજવા, ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર સમજવા. આપણે બ્રહ્મરૂપ થવાનું છે એ એમના થકી થવાય છે. શ્રીજીમહારાજે કહ્યું: પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને દાસભાવે પુરુષોત્તમની ભક્તિ કરવાની. ભગવાન કોઈ થતું નથી. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ ભગવાન થયા જ નથી, દાસ જ રહ્યા છે, સેવક જ રહ્યા છે. શ્રીજીમહારાજને જ આગળ રાખ્યા છે, એમનું જ જ્ઞાન પ્રવર્તાવ્યું છે, એમના જ સિદ્ધાંત પ્રમાણે આ અક્ષરપુરુષોત્તમની વાત કરી છે. તો આપણે એમાં શ્રદ્ધા રાખીએ તો આપણને અંતર્દૃષ્ટિ થાય ને આપણને સંપૂર્ણ આત્મા ને પરમાત્માનું જ્ઞાન પણ થાય.'        
 

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |