શાસ્ત્રીજી મહારાજ તુલા-સ્મૃતિ તા. ૮-૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીના સાનિધ્યમાં શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિમાં સુવર્ણતુલાની શાનદાર સ્મૃતિસભા યોજાઈ ગઈ. વડોદરાની આજુ બાજુ ના ગામોમાંથી આ પ્રસંગના સહભાગી થવા માટે મોટી સંખ્યામાં ઊમટેલા હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. આ પ્રસંગે યોજાયેલી 'ઇતિ વચનામૃતમ્' શિબિરમાં બ્રહ્મદર્શન સ્વામીએ વચનામૃત ગ્રંથનો મર્મ સૌને સમજાવ્યો હતો. સંધ્યા સમયે મંદિરની સામેના પરિસરમાં સુવર્ણતુલાની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ મંચની પાર્શ્વભૂમાં દાદાખાચરના દરબારનું દૃશ્ય ખડું કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના આસનની બંને બાજુએ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિઓ શોભી રહી હતી. એક મૂર્તિ મંચ ઉપરની તુલામાં તથા બીજી મૂર્તિ મહિલા વિભાગમાં ગોઠવાયેલી તુલામાં પધરાવવામાં આવી હતી. કૃષ્ણપ્રિય સ્વામીના કીર્તનગાન વચ્ચે સભામાં સ્વામીશ્રીનું આગમન થયું ત્યારે સાગરમાં ભરતી ચડે એમ હજારો હરિભક્તોનાં અંતરમાં ભક્તિભાવની ભરતી ચડી હતી. કીર્તન બાદ રાજેશ્વર સ્વામીએ આજના ઉત્સવની ભૂમિકા બાંધી અને ત્યારપછી સ્વામીશ્રીનું વિવિધ ફૂલહાર વડે સ્વાગત કરવામાં આવ્યું. સભાના અંતમાં સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'ભગવાનનાં ચરિત્રો અને ભગવાનના ઉત્સવો એ જીવને શાંતિ આપનારા છે. આ દુનિયાની ગમે તે પદાર્થની પ્રાપ્તિ થાય, પણ એમાં શાંતિ નથી, પણ ભગવાનનાં ચરિત્રો, સેવા અને ભગવાનની ભક્તિ કરવાથી શાંતિ થાય છે. અત્યારે વિજ્ઞાન વધ્યું અને ઘણી જાતનું બધું આપ્યું છે ને સારું છે, પણ એની સાથે અશ્લીલ વધ્યું છે, જેનાથી માણસનું જીવન બગડે છે. જો ખરેખર ભગવાનનો આશ્રિત હોય તો એને ભગવાન સિવાય કશામાં કોઈ સુખ આવે નહીં, ભગવાન સિવાય કોઈવસ્તુ સારી લાગે નહીં. |
||