|
સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૬-૩-'૦૯ થી તા. ૨૦-૪-'૦૯ સુધી અક્ષરધામ તુલ્ય સારંગપુર તીર્થમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સંતો-હરિભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપ્યું હતું. સતત દોઢ મહિના સુધી સારંગપુર ખાતે રોકાઈને સ્વામીશ્રીએ સૌનાં હૈયે અદ્ભુત સ્મૃતિઓ અંકિત કરી દીધી હતી. નિત્ય નિજ નિવાસ-સ્થાનેથી ઠાકોરજીનાં દર્શને તેમજ સ્મૃતિમંદિરે પધારતા ગુરુહરિના સમીપદર્શનનો લાભ પ્રાપ્ત કરી મુમુક્ષુઓ ધન્ય બનતા હતા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાના દર્શને દૂર-સુદૂરથી પદયાત્રા કરીને આવતા હરિભક્તો સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી કૃતાર્થ બન્યા હતા. અહીં નિવાસ કરતા સંતોએ પણ વિવિધ તપ-વ્રત-ઉપવાસ દ્વારા ગુરુહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
વળી, પુષ્પદોલોત્સવ, દીક્ષામહોત્સવ, સ્મૃતિમંદિર પાટોત્સવ તથા શ્રીહરિના પ્રાગટ્યોત્સવ જેવા વિવિધ ઉત્સવોમાં હજારો હરિભક્તોને સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો દિવ્ય લાભ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સ્વામીશ્રીએ બારેજા, કાળીગામ, ભીંચરી, સોનવાડા, કોઠ, સાબરમતી, ખેડબ્રહ્મા તથા કેન્યાના કાકામેઘા વગેરે મંદિરોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન કરી આરતી ઉતારી હતી. અહીં યોજાયેલી સત્સંગશિબિરમાં ઉપસ્થિત શિબિરાર્થીઓ પણ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ચેતનવંતા બન્યા હતા.
અહીં સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલા દીક્ષાવિધિ તેમજ શ્રીહરિના પ્રાગટ્યોત્સવની ઝાંખી પ્રસ્તુત છે...શ્રીહરિ પ્રાકટ્યોત્સવ
તા. ૩-૪-૨૦૦૯ના રોજ સારંગપુર ખાતે સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૨૯મો પ્રાકટ્યોત્સવ ભવ્યતાપૂર્વક ઊજવાઈ ગયો. વહેલી સવારથી જ મંદિરમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. દેશ-વિદેશના હજારો હરિભક્તોથી મંદિરનું વિશાળ પ્રાંગણ છલકાતું હતું. મંદિરમાં વિવિધ શણગારોથી અલંકૃત ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા હતા. આજે સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંતોએ શ્રીહરિની દિવ્ય લીલાનાં પદોનું ગાન કરી ભક્તિ અદા કરી હતી.
સાંજે મંદિરના પરિસરમાં જ જન્મોત્સવની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ સમક્ષ રચાયેલા ભવ્ય અન્નકૂટનાં દર્શન કરી સ્વામીશ્રી જન્મોત્સવની મુખ્ય સભામાં પધાર્યા.
સભાના વિશાળ મંચની પાર્શ્વભૂમાં અયોધ્યામાં ભગવાન સ્વામિનારાયણના નિવાસસ્થાનની પ્રતિકૃતિ રચવામાં આવી હતી. સ્વામીશ્રીના આગમન બાદ બોટાદ યુવકમંડળે જોબનપગીના જીવન પરિવર્તનના સંવાદની અદ્ભુત પ્રસ્તુતિ કરી. સંવાદ નિહાળી રહેલા સૌ કોઈની નજર સમક્ષ ૨૦૦ વર્ષ પૂર્વેના ઇતિહાસની એ ક્ષણો જીવંત બની ગઈ હતી. અમેરિકા સત્સંગમંડળના સુકાની શ્રી કે. સી. પટેલ તથા આફ્રિકા સત્સંગમંડળના અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ બેરિસ્ટરના પ્રવચન બાદ સિદ્ધેશ્વર સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ પ્રેરણાદાયી પ્રવચનો દ્વારા શ્રીહરિના મહિમાનું પાન સૌને કરાવ્યું હતું. ત્યારબાદ હ્યુસ્ટન અને એટલાન્ટાની વેબસાઇટ ‘baps.org’ ઉદ્ઘાટન ગુરુવંદન સ્વામી તથા ઉત્તમશ્લોક સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. સારંગપુરમાં સંત તાલીમકેન્દ્રમાં અભ્યાસ કરી રહેલા સંતોએ રચેલા 'સારંગસ્તુતિ' ગ્રંથનું ઉદ્ઘાટન સૌ સંતો વતી મંગલવર્ધન સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, ધર્મજ્ઞ સ્વામી, તપોમુનિ સ્વામી તથા યોગાનંદ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું.
ઉદ્ઘાટનવિધિ બાદ શ્રીહરિના અખંડ ધારક સ્વામીશ્રીને વડીલ સંતોએ વિવિધ કલાત્મક હાર વડે સત્કાર્યા. સત્કારવિધિ બાદ ભાવનગરના કિશોર-યુવકમંડળે ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી. સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, ''આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આવા અક્ષરધામ તુલ્ય સારંગપુર સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય-દિનનો ઉત્સવ ઊજવવા એકત્રિત થયા છીએ. આપણે ભગવાનને રાજી કરવા છે. પણ રાજી કરવા માટે આપણે શું કરી શકીએ એમ છીએ? ક્યાં જીવ અને ક્યાં જગદીશ? પણ ભગવાન દયા કરે છે ત્યારે જીવોનું કલ્યાણ થાય છે. તેમની દયા છે તો આપણને આવો અવસર પ્રાપ્ત થયો છે.
શ્રીજીમહારાજ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ અવતારના અવતારી આ પૃથ્વી ઉપર સાક્ષાત્ પધાર્યા. એમનું કાર્ય અનેક જીવના કલ્યાણ માટેનું છે. બીજાં બધાં કાર્યો તો થાય છે, પણ જીવને બ્રહ્મરૂપ કરવા એ બહુ મોટું કાર્ય છે. જ્યાં સુધી જીવ બ્રહ્મરૂપ ન થાય, માયાના ભાવથી ન મુકાય ત્યાં સુધી જીવને અશાંતિ રહે છે. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના ૭૧માં વાત કરી કે હું આ પૃથ્વી ઉપર મારું ધામ ગુણાતીતાનંદ સ્વામી, અક્ષરમુક્તો અને તમામ ઐશ્વર્ય લઈને આવ્યો છુ. એ વાત તમારે બધાએ સમજવી અને બીજાને કરવી - આ એમનો આદેશ છે.
આ આદેશ શાસ્ત્રીજી મહારાજે દૃઢ કર્યો. વચનામૃત, વાતો, મોટા સદ્ગુરુઓ, આચાર્યો અને ગ્રંથો થકી નક્કી થયું કે આ વાત સાચી છે. એટલે એમણે મંદિરો કર્યાં અને તેમાં અક્ષરપુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી. પણ સારી વાતોમાં વિઘ્નો પણ હોય. અહં-મમત્વ હોય તો આ વાત સમજાય નહીં, પણ શાસ્ત્રીજી મહારાજે એની કોઈ પરવા કરી નહીં. 'જે થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતાં'; 'અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે' આવાં હિંમતનાં, બળનાં, ઉત્સાહનાં કીર્તનો પણ ગવાતાં હતાં. શાસ્ત્રીજી મહારાજને દુઃખ આવ્યું, વિઘ્ન આવ્યું, પણ એને ગણકાર્યું નહીં. જે થશે એ, પણ શ્રીજીમહારાજમાં સંપૂર્ણ વિશ્વાસ કે આ કાર્ય એમનું છે તો બધું સારું થશે. શાસ્ત્રીજી મહારાજની આ વાત છેવટે બધાને સમજાઈ.
યોગીજી મહારાજે સંકલ્પો કર્યા કે આ સત્સંગ દેશ-પરદેશમાં વિસ્તરે, આખા બ્રહ્માંડમાં સત્સંગ થાય. મોટાપુરુષના સંકલ્પો બળિયા છે, સત્ય છે, સનાતન છે, એટલે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
શ્રીજીમહારાજે ૫૦૦ સંતો કર્યા એ સામાન્ય વાત નથી. ગોપાળાનંદ સ્વામી યોગી હતા. બ્રહ્માનંદ સ્વામી રાજકવિ હતા. નિત્યાનંદ સ્વામીની વિદ્વત્તા એવી કે એની સામે કોઈ ટકી ન શકે. ચર્ચામાં એમને કોઈ જીતી શકે નહીં. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ. એમનાં કીર્તનોથી બીજાને વૈરાગ્ય થઈ જાય. મહારાજના સંતો આવા સમર્થ હતા અને એક એક ભગવાન થઈને પૂજાય એવા હતા. પણ એ બધા પોતાનું માન, અભિમાન, વિદ્વત્તા એ બધું મૂકી ભગવાનના દાસ થઈ ગયા. સમર્થ હતા, છતાં પણ પોતાનું ઐશ્વર્ય, પ્રતાપ બતાવ્યા નહીં ને બધાને ભગવાનને વિષે જોડ્યા.
શ્રીજીમહારાજનું કાર્ય અદ્ભુત છે. લૂંટારા ને બહારવટિયાને સત્સંગી કર્યા. જોબનપગી કોઈને વશ ન થાય. ગાયકવાડ સરકારની પણ તિજોરી તોડે એવો કળાબાજ હતો, પણ શ્રીજીમહારાજની ઘોડી ચોરવા ગયો એમાં એને સત્સંગ થયો. મહારાજે એમનો આસુરી ભાવ કાઢી દૈવીભાવ આપી દીધો. કાઠી-દરબારોને સત્સંગ થાય નહીં, પણ તેમને સત્સગી કર્યા.
મહારાજે આપણને વચનામૃત આપ્યું. વચનામૃત એ સર્વ શાસ્ત્રનો સાર છે. ચાર વેદ, અઢાર પુરાણ, ષટ્શાસ્ત્ર આ બધાનો સાર છે. ગીતાનો સાર પણ એમાં આવી જાય છે. ગીતામાં અક્ષર ને પુરુષોત્તમની વાત છે. ૮મો અધ્યાય અક્ષરનો છે અને ૧૫મો પુરુષોત્તમનો છે. વેદો ને ઉપનિષદોમાં પણ આ વાત આવે છે. મહારાજે નવું કાંઈ જ કર્યું નથી. અસલ વાત આપણને સમજાવી છે. તો આપણને જે વાત મળી છે એ બીજાને કહેવી એ મોટી સેવા છે. સાચી વાત કહેવામાં કસર રાખવી નહીં.
મહારાજે પૃથ્વી પર પધારી આવું અદ્ભુત જ્ઞાન આપ્યું છે અને તેની પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા સંત મળ્યા છે. એમણે આવાં અદ્ભુત કાર્યો કર્યાં છે. તો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આપણે નિરંતર ભક્તિ કરવી. તો આવી ને આવી ભક્તિ હૃદયમાં રહે અને બધા સુખિયા થાય, દેશકાળ સારા થાય. દેશમાં શાંતિ થાય અને આતંકવાદ જેવી પ્રવૃત્તિ બંધ થઈ જાય અને સર્વ સુખી થાય એ જ પ્રાર્થના.''
આમ, સ્વામીશ્રીએ લગભગ પચીસેક મિનિટ સુધી અદ્ભુત કૃપાલાભ આપ્યો હતો. આશીર્વાદની સમાપ્તિ બાદ જન્મોત્સવની અણમોલ ક્ષણ આવી પહોંચી. મંચની પાર્શ્વભૂમાં શોભી રહેલા ભગવાન સ્વામિનારાયણના બાળવયના અયોધ્યા નિવાસના ઘરની ઓસરીમાં જ ચાંદીનું પારણું શોભી રહ્યું હતું. એ પારણામાં હરિકૃષ્ણ મહારાજ ઝૂલી રહ્યા હતા. બરાબર ૧૦.૧૦ વાગે સ્વામીશ્રીએ જન્મોત્સવની આરતી ઉતારી. આરતી દરમ્યાન ભવ્ય આતશબાજીથી સમગ્ર આકાશ રંગબેરંગી બની ગયું. આરતી બાદ સ્વામીશ્રીએ ઠાકોરજીને પારણે ઝુલાવી ઉપસ્થિત સૌને વિશેષ સ્મૃતિ આપી હતી.
આમ, સ્વામીશ્રીના પાવન સાંનિધ્યમાં ઊજવાયેલ શ્રીહરિના પ્રાકટ્યોત્સવની દિવ્ય સ્મૃતિઓ સૌનાં હૃદય પર સદાયને માટે અંકિત થઈ ગઈ.
|
|