Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મધ્ય ભારત, પશ્ચિમ બંગાળ તથા ઓરિસ્સામાં સંતવિચરણ

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા ને આશીર્વાદથી દેશ-વિદેશમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ રહી છે. તાજેતરમાં ડૉક્ટર સ્વામી અને સંતમંડળે મધ્ય ભારત, પશ્ચિમ બંગાલ તથા ઓરિસ્સામાં વિચરણ કરી આ પ્રાંતના મુમુક્ષુઓની આધ્યાત્મિકતાને પોષણ આપ્યું હતું.
મધ્ય ભારતમાં...
તા. ૧૮-૩-૦૯થી ૨૭-૩-૦૯ દરમ્યાન મધ્યભારતના નાગપુર, ભંડારા, ગોંદિયા, આમગાઁવ, ભિલાઈ તથા રાયપુરના હરિભક્તો-ભાવિકોને ડૉક્ટર સ્વામીના સાંનિધ્યમાં સત્સંગનો લાભ પ્રાપ્ત થયો હતો. નાગપુર ખાતે સંતોની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘરસભા, રવિસભા, આરતી વગેરેમાં નિયમિત થવાની પ્રેરણા સૌને પ્રાપ્ત થઈ હતી.
વળી, નાગપુરમાં આકાર લઈ રહેલા ભવ્ય બી.એ.પી.એસ. મંદિરના વિશાળ મેદાનમાં યોજાયેલી જાહેર સત્સંગસભામાં ઊમટેલા હરિભક્તો-ભાવિકોને ડૉક્ટર સ્વામીના બળપ્રેરક વક્તવ્યનો લાભ પ્રાપ્ત થયો હતો. નાગપુરની બી.એ.પી.એસ. સ્કૂલ તેમજ છાત્રાલયના છાત્રો, શિક્ષકો તથા સત્સંગના કાર્યકરો અને બાળ-યુવક-મંડળના સભ્યોમાં સંતોની કથાવાર્તાથી વિશેષ ઉત્સાહનો સંચાર થયો હતો.
મધ્યભારતના ભંડારા, ગોંદિયા, આમગાઁવ અને છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સંતવિચરણ થયું. જ્યાં યોજાયેલી સત્સંગ સભાઓમાં ડૉક્ટર સ્વામીએ સૌને સત્સંગપ્રધાન જીવન જીવવાની પ્રેરણા આપી.
તા. ૨૬-૩-૦૯ના રોજ રાયપુર ખાતે તબીબોની ખાસ યોજાયેલી વિશિષ્ટ સત્સંગ સભામાં તબીબોને ડૉક્ટર સ્વામીએ સત્સંગ લાભ પ્રાપ્ત થયો હતો.
પશ્ચિમ બંગાળમાં...
પશ્ચિમ બંગાળના કોલકાતામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૮ માર્ચથી સૌને ડૉક્ટર સ્વામીનો સત્સંગલાભ પ્રાપ્ત થયો. એલ્ગીન રોડ પર આવેલા વાલિયા હૉલમાં બે દિવસની સત્સંગશિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત ડૉક્ટર સ્વામી તથા સંતોનાં પ્રેરણાદાયી પ્રવચનો દ્વારા શિબિરાર્થીઓમાં સત્સંગ તથા પારિવારિક મૂલ્યોની દૃઢતા થઈ હતી. શિબિરના અંતે પ્રત્યેક શિબિરાર્થીને પરિવાર દીઠ ઘરસભા અંગે માર્ગદર્શન આપતાં પુસ્તકો અને ઓડિયો સી.ડી.નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરને સમાંતર યોજાયેલી બાળ-બાલિકા શિબિરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિનાં સનાતન મૂલ્યોનું સિંચન કરવામાં આવ્યું હતું. તા. ૨૯-૩-૦૯ના રોજ વાલિયા હૉલ ખાતે યોજાયેલી રવિ સત્સંગસભામાં જુદી-જુદી સંસ્થાના મહાનુભાવોએ ડૉક્ટર સ્વામીનું પુષ્પહારથી અભિવાદન કર્યું હતું.
ઓરિસ્સામાં...
તા. ૧-૪-૦૯ના રોજ ઓરિસ્સાના પ્રસિદ્ધ યાત્રાધામ જગન્નાથપુરીમાં ડૉક્ટર સ્વામીના સાંનિધ્યમાં સત્સંગ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન સ્વામિનારાયણના મહાપ્રાસાદિક સ્થાન જગન્નાથપુરીમાં ગતવર્ષે જ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. મંદિરનું નિર્માણ થયું છે. જગન્નાથપુરીના ચક્રતીર્થ રોડ પર આવેલા આ મંદિર નિર્માણને એક વર્ષ પૂર્ણ થતું હોવાથી તા. ૨-૪-૦૯ના રોજ અહીં પાટોત્સવ મહાપૂજાવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે વેદોક્ત-વિધિપૂર્વક મહાપૂજાવિધિનો આરંભ થયો. ડૉક્ટર સ્વામીના સાંનિધ્યમાં આ મહાપૂજાવિધિનો લાભ લેવા ઓરિસ્સા પ્રાંતના ભુવનેશ્વર, કટક, સંબલપુર, જારલગુડા, કેન્જોરગઢ, ચાકુલિયા, બનીપાટ, પોતક, બળંગ વગેરે ગામોમાંથી હરિભક્તો-ભાવિકો જગન્નાથપુરી આવી પહોંચ્યા હતા. મંદિરમાં ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ રચવામાં આવ્યો હતો. મહાપૂજાવિધિ બાદ ડૉક્ટર સ્વામીએ મંત્ર-પુષ્પાંજલિ અર્પણ કરી આરતી ઉતારી હતી. આ પ્રસંગે ઉપસ્થિત હરિભક્તોને ડૉક્ટર સ્વામીની કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થયો હતો.
સંધ્યા સમયે મંદિરના પરિસરમાં આવેલા સભાગૃહમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સ્થાનિક ગુરુદ્વારાના પૂજ્ય બાબા સમશેરસિંહજી, જગન્નાથ ટેમ્પલ કમિટિના સદસ્ય શ્રી રવિપ્રતિહારીજી તથા ઝાંઝ પીઠા મઠના પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વેને પુરુષોત્તમ-જીવન સ્વામીએ પુષ્પહારથી સન્માન્યા. ડૉક્ટર સ્વામીના પ્રેરક પ્રવચન દ્વારા સૌને સનાતન મૂલ્યનો સંદેશ પ્રાપ્ત થયો હતો.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ભારતના વિવિધ પ્રાંતમાં બી.એ.પી.એસ.ના સ્વામિનારાયણ સત્સંગની છત્રછાયામાં હજારો મુમુક્ષુઓ શીતળતા પ્રાપ્ત કરી રહ્યા છે.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |