|
નીલકંઠ વણી - ગુરુપરંપરા પ્રતિષ્ઠા મહોત્સવ
તા. ૨૭-૪-૦૯ને અક્ષયતૃતીયાના પવિત્ર દિને સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં દાદરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં નીલકંઠ વણી તથા ગુરુપરંપરાની મૂર્તિઓનો પ્રાણ-પ્રતિષ્ઠાવિધિ ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો. વહેલી સવારથી જ મંદિરના પ્રાંગણમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. મંગળા આરતી બાદ વણીમંડપમ્માં ભક્તિપ્રિય સ્વામી તથા ત્યાગવલ્લભ સ્વામીની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠાના પૂર્વવિધિનો આરંભ થઈ ચૂક્યો હતો. વણીમંડપમ્માં સ્વામીશ્રીનું આગમન થયું ત્યારે વૈદિક મંત્રોના ગાનથી સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું. પ્રતિષ્ઠાના મુખ્ય વિધિ માટે સ્વામીશ્રી નીલકંઠ વણીની મૂર્તિ સમક્ષ તથા વડીલ સંતો ગુરુપરંપરાની મૂર્તિ સમક્ષ પધાર્યા. સ્વામીશ્રીએ નીલકંઠ વણીની મૂર્તિનું તેમજ વડીલ સંતોએ ગુરુપરંપરાની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી મૂર્તિઓનો પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. ત્યારબાદ સ્વામીશ્રી અને વડીલ સંતોએ પ્રતિષ્ઠા નિમિત્તેની આરતી ઉતારી અંજલિ અર્પણ કરી હતી. આરતી બાદ સ્વામીશ્રીએ ગુરુપરંપરાની મૂર્તિઓનું પૂજન કરી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
ત્યારબાદ સ્વામીશ્રીએ નીલકંઠ વણીની મૂર્તિ પર અભિષેક કરી તેના પ્રાસાદિક જળનો સૌ પર છંટકાવ કરી આશીર્વાદ પાઠવ્યા હતા.
મૂર્તિપ્રતિષ્ઠાવિધિ બાદ સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીના દર્શને પધાર્યા. પ્રતિષ્ઠાવિધિ નિમિત્તે આજે ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ રચવામાં આવ્યો હતો.
ઠાકોરજી તેમજ અન્નકૂટનાં દર્શન કરી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. પ્રાતઃપૂજામાં સંતો-યુવકોએ નીલકંઠ વણીનું સ્તુતિગાન રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
પ્રાતઃપૂજાના અંતે સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું: 'આજનો દિવસ આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે કારણ કે આજે નીલકંઠ વણી અહીં વિરાજમાન થયા છે.
અહીં સૌ સંતોના, હરિભક્તોના ઉત્સાહ અને પ્રેમને કારણે નીલકંઠ વણી પ્રતિષ્ઠાવિધિ ખૂબ સારી રીતે થઈ ગઈ. તો નીલકંઠ વણીને પ્રાર્થના કરીએ કે આ મૂર્તિનાં જે દર્શન કરે અને જે એનો અભિષેક કરે એ બધાંયના સંકલ્પો મહારાજ પૂરા કરે. ભગવાન તો દરેકના સંકલ્પો પૂરા કરવા જ આવ્યા છે.
આ પ્રસંગ નિમિત્તે અહીંના ભક્તોએ ખૂબ ખૂબ સેવા કરી છે. સંતોનો પણ દાખડો એટલો જ છે. આપની ભક્તિ અને આપનું સમર્પણ પણ એવું છે કે એ જોઈને ભગવાન રાજી થશે. અહીં તન, મન, ધનથી જે કોઈ સંકલ્પો કરશે, જે કોઈમન, કર્મ, વચનથી સેવા કરશે એ બધાનું મહારાજ એકોત્તર પેઢી સુધી કલ્યાણ કરશે. અહીં હજારો માણસ દર્શન કરશે અને એ બધાનું કલ્યાણથાય એ માટે મહારાજને પ્રાર્થના છે.'
|
|