|
બ્રહ્મસૂત્ર પર શ્રી સ્વામિનારાયણ ભાષ્યમ્નું મંગલ ઉદ્ઘાટન...
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર અવતરીને અનેક જીવોનાં કલ્યાણ માટે પોતાનો એક શ્રેષ્ઠ અને સનાતન દાર્શનિક સિદ્ધાંત આપ્યો. જેનાં મૂળ ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને શ્રીમદ્ ભગવદ્ગીતામાં ઠેર ઠેર પથરાયેલાં છે - એવો એ સિદ્ધાંત ભગવાન શ્રી સ્વામિનારાયણનું એક અજોડ અને મૌલિક પ્રદાન છે.
આ દાર્શનિક સિદ્ધાંતની સ્થાપના માટે જ ભગવાન સ્વામિનારાયણ, પોતાની સાથે આ વસુંધરા પર જેમને મૂર્તિમાન લાવ્યા હતા, તે અક્ષરબ્રહ્મ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય સિદ્ધાંતનું પ્રવર્તન કરવા માટે અહોરાત્ર કથાવાર્તાઓ કરી. તેમના અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તે એ સિદ્ધાંતનો જીવનમાં સાક્ષાત્કાર કરીને પોતાના અનુગામી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને તેનો વારસો આપ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણનો એ સનાતન વૈદિક સિદ્ધાંત જગતભરમાં પ્રવર્તે તે માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બોચાસણ તીર્થમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો અતિ દૃઢ સંકલ્પ હતો કે વૈદિક શાસ્ત્રોના આધારે અક્ષર અને પુરુષોત્તમના વૈદિક તત્ત્વોનો મહિમાગાન કરતો વિદ્વત્તાસભર ગ્રંથ સંસ્કૃતમાં રચાય. આ હેતુથી તેમણે સંસ્થાના સંતોને સંસ્કૃતનો શાસ્ત્રીય અભ્યાસ કરાવ્યો અને તે પરંપરાને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આગળ ધપાવી. સંતોને સંસ્કૃતમાં વેદાંતનો અભ્યાસ કરાવીને તેમણે સંસ્થાના વિદ્વાન વાચસ્પતિ સંતોની ભેટ આપી.
તેમના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંસ્થાના વિદ્વાન સંતોની વિદ્વત્તાને ચરમસીમા પર પહોંચાડી. વેદાંત, વ્યાકરણ, ન્યાય, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં સંતોની વિદ્વત્તાને સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપીને, પ્રમુખસ્વામી મહારાજે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, સમગ્ર ભારતીય પરંપરાના વાંગ્મય ઇતિહાસમાં અનન્ય પ્રદાન આપ્યું છે.
તેઓના એ અનન્ય પ્રદાનમાં એક શિરકલગી સમું પ્રદાન એટલે પ્રસ્થાનત્રયી પર 'स्वामिनारायण भाष्यम्'.
પ્રસ્થાનત્રયી પર સ્વામિનારાયણ વેદાંત પર આવું અજોડ ભાષ્ય રચાય તે પ્રમુખસ્વામી મહારાજનો એક દિવ્ય સંકલ્પ હતો. અક્ષર અને પુરુષોત્તમના એ તત્ત્વજ્ઞાન માટે જીવન સમર્પિત કરી દેનાર પોતાના ગુરુવર્યોને ભાવાંજલિ અર્પવા આ ભાષ્ય રચવાનો તેમણે સંકલ્પ કર્યો તેમાં તેમની અનન્ય ગુરુભક્તિ અને ઇષ્ટ-ભક્તિનું જ પ્રતિબિંબ હતું. તેઓના એ દિવ્ય સંકલ્પને સાકાર કરવાની સેવા કરી - વિદ્વાન સંત ભદ્રેશદાસ સ્વામીએ.
પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને તેઓના પ્રોત્સાહનથી જ ષડ્દર્શનમાં આચાર્યપદ તેમજ શ્રીમદ્ ભગવદ્ગીતા પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર ભદ્રેશ સ્વામીએ, પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા, સતત પ્રોત્સાહન અને તેમની જ પ્રેરણાના પરિપાકરૂપે આ ભાષ્યનું અમૂલ્ય અને અજોડ પ્રદાન આપ્યું છે. પ્રસ્થાનત્રયીનાં આ ભાષ્યો પૈકી પ્રથમ ચરણરૂપે બ્રહ્મસૂત્રનું ભાષ્ય તાજેતરમાં સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જન્મજયંતી દિને પ્રમુખસ્વામી મહારાજના કરકમળોમાં સમર્પિત કરીને ભદ્રેશ સ્વામીએ મુંબઈમાં સ્વામીશ્રી પાસે તેનું ઉદ્ઘાટન કરાવ્યું.
આ ભાષ્યનું ઉદ્ઘાટન કરતાં સ્વામીશ્રી પોતાના ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને ભાવાંજલિ આપતાં હોય તેમ ખૂબ રોમાંચિત થઈ ગયા હતા. ભદ્રેશ સ્વામી તથા સંસ્થાના વિદ્વાન વાચસ્પતિ વિવેકસાગર સ્વામીને ચંદનની અર્ચા કરીને તથા પુષ્પહાર પહેરાવીને સ્વામીશ્રીએ તેમને ખૂબ આશીર્વાદ આપ્યા હતા. આ ભાષ્યનું પ્રકાશન એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, પરંતુ સનાતન હિંદુધર્મના દાર્શનિક સાહિત્યમાં એક અણમોલ રત્ન સમાન બની રહેશે.
ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલું અને બસ્સો વર્ષોથી ઘૂંટાતું રહેલું અક્ષર-પુરુષોત્તમનું તત્ત્વજ્ઞાન, પ્રસ્થાનત્રયી પર લખાયેલું આ 'स्वामिनारायण भाष्यम्' દ્વારા જગતભરમાં તેની સત્યતા અને નક્કરતાની પ્રતીતિ કરાવશે.
|
|