|
બાળદિન
તા. ૭-૬-૨૦૦૯ના રોજ મુંબઈ સત્સંગમંડળનાં બાળકોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં બાળદિન નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ગુરુભક્તિ અદા કરી હતી.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં મંચની પાર્શ્વભૂમાં બાળસહજ કલ્પનાશીલતાનાં દર્શન સૌને થઈ રહ્યા હતા. રંગબેરંગી પુષ્પોના મોટા મોટા બુકે અને વિવિધ રંગી ફુગ્ગાઓના વિશિષ્ટ શણગારની વચ્ચે બાળસ્નેહી સ્વામીશ્રી શોભી રહ્યા હતા. પ્રાતઃપૂજામાં બાળકોએ કીર્તનભક્તિ દ્વારા સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સાંજે બાળદિન નિમિત્તેની મુખ્ય સભાનો આરંભ થયો. સ્વામીશ્રીનાં દર્શન, રવિ સત્સંગસભા અને બાળકો દ્વારા રજૂ થનારા વિશિષ્ટ કાર્યક્રમને નિહાળવા નિયત સમય કરતાં ઘણા વહેલા સમગ્ર સભા મંડપ ભરાઈ ચૂક્યો હતો. ધૂન-પ્રાર્થના બાદ અક્ષરકીર્તન સ્વામી લિખિત 'સંસ્કાર સૂર્ય કે ધારક' સંવાદની પ્રસ્તુતિ થઈ. સ્વામીશ્રીએ સર્જેલા નિષ્ઠાવાન, સમર્પિત અને નિયમવ્રતધારી બાળકોના સમુદાયે સંસ્કારો અને મૂલ્યોના પતનને અટકાવ્યું છે એ મધ્યવર્તી વિચાર સાથે મુંબઈ બાળમંડળનાં બાળકોના વાસ્તવિક જીવનમાં બનેલી ઘટનાઓ આ સંવાદમાં ગૂંથવામાં આવી હતી. સંવાદની પ્રસ્તુતિ બાદ વડીલ સંતોએ બાળમંડળ વતી પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને સત્કાર્યા. ત્યારબાદ કન્નડ ભાષામાં લખાયેલી 'સ્વામિનારાયણ સંપ્રદાય' પુસ્તિકાનું ઉદ્ઘાટન સરલજીવન સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. આ પુસ્તિકાના અનુવાદક શ્રીમતિ ગિરીજા શાસ્ત્રીનું મહિલા મંડળમાં મહિલા પ્રતિનિધિઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું.
સભાના અંતમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું, ''બાળમંડળની પણ જય. આજે બાળકોનો પ્રોગ્રામ આપણે જોયો. બધાએ ખૂબ સારી રીતે રજૂઆત કરી છે. સત્સંગના સંસ્કાર બાળકોમાં કઈ રીતે આવે છે એ પણ જાણવા મળ્યું.
જોગી મહારાજે બાળમંડળ, કિશોર-મંડળ, યુવકમંડળ, સત્સંગમંડળ ને રવિવારની સભાઓ કરી છે તો બધાની અંદરથી આ તેજ નીકળ્યું છે, બળ નીકળ્યું છે. સત્સંગ-સભાથી આજે કેટલો સમૂહ તૈયાર થયો છે !
બાળકોમાં સંસ્કાર નાનપણથી જ આપવાના છે. એટલે માબાપે આ બધું ખાસ વિચારવાનું છે. નાનપણથી જો સંસ્કાર હશે તો આગળ એ બળિયા થશે. તમારો વ્યવસાય-ધંધા-નોકરી બધું કરશે અને સારી રીતે કમાઈને ભગવાનની પણ સેવા કરશે. પણ જો ખોટે રસ્તે ગયા તો આજનો જમાનો જોેઈએ છીએ તેમાં ઘણી ઘણી જાતનાં આકર્ષણ છે એ આકર્ષણમાં લોભાઈ જશે. દારૂ, ચોરી, વ્યસન, વ્યભિચાર ને પૈસાનું પાણી કરે એવી દુષ્ટ વૃત્તિઓ થઈ છે એનું કારણ ભગવાનમાંથી શ્રદ્ધા જતી રહી છે. ભગવાનને વિષે જેણે જેણે શ્રદ્ધા રાખી છે એનું ભગવાન કામ કરે જ છે. એવી શ્રદ્ધાથી બાળકોમાં સંસ્કાર આપવા.
ભગવાનનો આશરો રાખશો, બાળકોને સંસ્કાર આપશો તો એ બીજાનું ભલું કરવાના જ છે. આ સંસ્કાર પડશે તો બાળકો મહા સુખિયા થશે અને સમાજમાં શાંતિ સ્થાપી દેશે. આજે સમાજમાં આવા સંસ્કારી બાળકો તૈયાર થાય એની બહુ જ જરૂર છે.
અનીતિ, દુરાચાર વચ્ચે રહીને ધર્મ, ભગવાનને વિષે ભક્તિ-શ્રદ્ધા, નીતિ-નિયમ રાખવાના છે. નીતિ-નિયમ બરાબર હશે તો દુનિયામાં બધું સારું થશે.
જોગી મહારાજનો પ્રતાપ કે આવાં મંડળોથી બાળકોમાં સંસ્કાર આવ્યા છે. આજે રવિવારે સભા થાય છે અને ઘરોઘરમાં સભા થાય છે. ભગવાનની દયાથી ધર્મનું સામ્રાજ્ય ઘરમાં થાય, સમાજમાં થાય, દેશમાં થાય. બધે જ ભગવાનનું સામ્રાજ્ય થાય, ધર્મ ને નીતિ-નિયમનું સામ્રાજ્ય થાય એ માટે જોગી મહારાજનો સંકલ્પ છે ને આ બધું કાર્ય થાય છે. તો માબાપે બાળકોને નાનપણથી જ તૈયાર કરવા તો શૂરવીર ને બળવાન થાય, સારું ભણે-ગણે, સમાજ ને દેõશની સેવા કરે ને બધા સુખિયા થાય એ માટે સર્વને બળ આપે. માતાપિતા જાગ્રત છે ને ખૂબ જાગ્રત રહે કે આવાં બાળકો તૈયાર કરવાં છે એવું બળ સર્વને આપે એ જ પ્રાર્થના.''
|
|