|
બોચાસણમાં પ્રમુખસ્વામી મહારાજ...
ગુજરાતની ધરા બે મહિનાના લાંબા વિરામ બાદ પુનઃ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પદરજથી પાવન થઈ હતી. મુંબઈથી વિદાય લઈને બોચાસણ પધારેલા સ્વામીશ્રીએ તા. ૨૬-૦૬-૨૦૦૯થી ચારુતર પ્રદેશમાં સત્સંગની હેલી વરસાવી હતી.
સ્વામીશ્રીની નિત્ય પ્રાતઃપૂજાના દર્શનલાભની સ્મૃતિ સૌ માટે અવિસ્મરણીય બની હતી. અહીં સ્વામીશ્રીએ સારંગપુરમાં કાર્યકર તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓને વિશિષ્ટ આશીર્વાદ પાઠવ્યા હતા તો યુ.કે.થી આવેલા કિશોરો સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પામી ધન્ય બન્યા હતા.
દેવપોઢી એકાદશી, ગુરુપૂર્ણિમા ઉત્સવ તેમજ સૂર્યગ્રહણની વિશિષ્ટ સભામાં હજારો હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પામીને કૃતાર્થ થયા હતા. વળી, સમગ્ર રાજ્યમાં સારામાં સારો વરસાદ વરસે એ માટે સ્વામીશ્રીએ નિત્ય સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી પ્રાર્થના કરી હતી.
ગુરુપૂર્ણિમા ઉત્સવે સ્વામીશ્રીએ યુ.કે.ના વેલિંગબરોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ, અક્ષરદેરી તથા ચરણારવિંદનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વળી, લીંબડી મંદિરના હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ સ્વામીશ્રીના આશીર્વાદ પામી કૃતાર્થ થયા હતા.
અત્રે બોચાસણમાં સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં ઊજવાયેલ ગુરુપૂર્ણિમા ઉત્સવની એક ઝાંખી પ્રસ્તુત છે.
આગમન
તા. ૨૬-૬-૨૦૦૯ના રોજ મુંબઈના હરિભક્તોને સતત ૬૮ દિવસ સુધી સત્સંગનો દિવ્ય લાભ આપી સ્વામીશ્રીએ બોચાસણ જવા માટે વિદાય લીધી હતી. સવારના બરાબર ૧૦-૩૫ વાગે સ્વામીશ્રી મુંબઈથી હવાઈ માર્ગે વડોદરાના હરણી હવાઈ મથકે આવી પહોંચ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શનની એક ઝાંખી મેળવવા માટે હવાઈ મથક પર વડોદરાના સેંકડો હરિભક્તો ઊમટી પડ્યા હતા. સૌ વતી રાજેશ્વર સ્વામીએ સ્વામીશ્રીનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. અહીં ઉપસ્થિત સૌને દર્શનદાન આપી સ્વામીશ્રી બરાબર ૧૧-૩૦ વાગે બોચાસણ પધાર્યા.
બોચાસણ તીર્થના મુખ્ય પ્રવેશદ્વારથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સુધીના માર્ગની બંને બાજુએ ઊભાં રહેલાં બાળકોએ ધજા ફરકાવી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. પ્રાણપ્યારા ગુરુહરિને સત્કારવા માટે મંદિરનું પ્રાંગણ હરિભક્તોથી છલકાતું હતું. મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રીએ પ્રદક્ષિણામાં બેઠેલા સંતોને આશીર્વાદ પાઠવ્યા હતા. નીલકંઠ વણી અભિષેક મંડપમ્માં દર્શન કરી સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા. અહીં સૌ વતી ત્યાગવલ્લભ સ્વામી તથા વેદજ્ઞ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુðષ્પહાર અર્પણ કરી સમગ્ર સત્સંગ સમુદાય વતી સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
|
|