|
જન્માષ્ટમી મહોત્સવ
તા. ૧૪-૮-૨૦૦૯ને શુક્રવારના રોજ અટલાદરાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન નિશ્રામાં જન્માષ્ટમીના ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ઉત્સવનો માહોલ દૃષ્ટિગોચર થતો હતો. સુંદર વસ્ત્ર-અલંકારોથી શોભતા ઠાકોરજી સૌને દર્શનદાન આપી રહ્યા હતા. કોળી મંડપમ્માં ઠાકોરજી સમક્ષ કૃષ્ણલીલાનાં ત્રિપરિમાણીય દૃશ્યો ખડાં કરવામાં આવ્યાં હતાં. ટાવરવાળા ચોકમાં કમાઠ તાલુકાના રાયછા ગામના આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રપરિધાનમાં સજ્જ થઈ નૃત્ય કરી રહ્યા હતા. આ ઉત્સવમય માહોલમાં મંદિરમાં દર્શન કરી સ્વામીશ્રી નૃત્ય કરતા આદિવાસીઓની રાહબરી હેઠળ પ્રાતઃપૂજા માટે સભામંડપમાં પધાર્યા. પ્રાતઃપૂજામાં સંતો-યુવકોએ પ્રાસંગિક કીર્તનોનું ગાન કરી ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું. આજના પ્રસંગે ડેહમી તથા બોડેલી ક્ષેત્રના ભાણપુરા અને બંગાપુરાથી આવેલા પદયાત્રીઓને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. પ્રાતઃપૂજા બાદ મંચની પાછળના ભાગમાં પધારી આદિવાસી ઢોલના તાલે નૃત્ય કરી રહેલા સંતો-હરિભક્તોને સ્વામીશ્રીએ વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
સંધ્યા સમયે જન્માષ્ટમીના મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના સાંનિધ્યમાં આ ઉત્સવમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. અટલાદરાના માર્ગો તથા સભામંડપ વિશાળ જનમેદનીથી છલકાતા હતા. મંદિરની સામેના પરિસરમાં સભામંડપ સુધી જતાં સ્વામીશ્રીના માર્ગમાં વિવિધ શણગારો કરવામાં આવ્યા હતા. રાત્રિના સમયે રંગબેરંગી લાઇટની સિરીઝથી પરિસરમાં આવેલાં વૃક્ષો શોભી રહ્યાં હતાં. માર્ગની બંને બાજુએ જુદા જુદા રંગોની અનેક આકારની રંગોળીઓ અને તેમાં વચ્ચે ઝગમગતા દીવાઓના અજવાળાથી વાતાવરણ વધુ દિવ્ય લાગી રહ્યું હતું. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી ગોલ્ફકાર્ટ દ્વારા સભામંડપમાં પધાર્યા.
અહીં શ્રાવણ માસમાં પણ વસંત ખીલી હોય એવું દૃશ્ય મંચની પાર્શ્વભૂમાં શોભી રહ્યું હતું. રંગબેરંગી પુષ્પોનાં સંયોજનોથી મંચને શણગારવામાં આવ્યું હતું. મઘમઘતાં લાલ ગુલાબનાં પુષ્પોથી શોભતી અક્ષરદેરી અને તેમાં બિરાજમાન સ્વામીશ્રીનાં દર્શન સૌ માટે અણમોલ સંભારણું બની રહ્યાં હતાં. અક્ષરદેરીની પાછળ મોગરાની સેર તેમજ વિવિધ પુષ્પોની કમાન અને હજારીનાં પુષ્પોની પિછવાઈ, છત ઉપર પર્ણ અને પુષ્પનાં ઝુમ્મરોથી સમગ્ર મંચ અદ્ભુત લાગી રહ્યું હતું.
અક્ષરવત્સલ સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ બાળકો-કિશોરો-યુવકોએ કૃષ્ણલીલાની રજૂઆત કરી હતી. વિવેકસાગર સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીના પ્રવચન બાદ કિશોરમંડળે 'ગોવિંદા આલા રે આલા...' ગીતના આધારે નૃત્ય રજૂ કરી મટકી ફોડી હતી. નૃત્ય બાદ વિવિધ મંડળોએ ભક્તિ-ભાવપૂર્વક તૈયાર કરેલા પુષ્પહાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી સ્વામીશ્રીનું અભિવાદન કર્યું હતું. સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વચનની સરવાણી વહાવતાં જણાવ્યું હતું 'આજે જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે આપણે સર્વે એકત્રિત થયા છીએ. ભગવાનને પ્રસન્ન કરવા આપણો ભક્તિભાવ વધે, અને એમનું દિવ્ય સુખ આપણને પ્રાપ્ત થાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એ માટે આવાં ઉત્સવો દર વર્ષે ઊજવવામાં આવે છે. ભગવાનનાં લીલાચરિત્રોની સ્મૃતિ કરવી એ મોક્ષનું કારણ છે. ભગવાનનાં લીલાચરિત્રો કહેવાં ને સાંભળવાંથી જીવનું કલ્યાણ થાય છે. જે માટે શરીર મળ્યું છે એ કાર્ય ન થાય તો અંતરમાં શાંતિ ન થાય. લૌકિક પદાર્થ મળવાથી શાંતિ ન થાય, ઊલટો ઉકળાટ થાય. અશાંતિ અને ઉકળાટ હોય તો આવા ઉત્સવો કરવાથી શાંતિ થાય છે. એટલે આવાં ઉત્સવો અને લીલાચરિત્રો સંભારવાથી અંતર્દૃષ્ટિ થાય છે અને અંતરમાં શાંતિ થાય છે. ભગવાનનાં દર્શન, સંતનાં દર્શન કે આવી સભાનાં દર્શનની સ્મૃતિ અંતકાળે થાય તો અતિ રૂડું થાય છે. ભગવાનનાં દર્શન, સંતનાં દર્શન કલ્યાણકારી છે - એટલું જો સમજાય તો આ સભાનો મહિમા સમજાય.
'તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી; ઇસ કે આગે ક્યા છુપાયે, જીસ કે હાથ મેં દોરી.'
ભગવાન પાસે કોઈ વસ્તુ છુપાવાની હોતી નથી. ભગવાનની દૃષ્ટિ પડી, તો જોબન પગીનું આખું જીવન બદલાઈ ગયું અને સારામાં સારા ભક્ત બન્યા. ભગવાનનો સંબંધ થયો તો જીવન પરિવર્તન થઈ ગયું. એટલે ઉત્સવો ઊજવાય છે એ સારા માટે છે. જેને જેમાં શ્રદ્ધા હોય, પણ અંતરના ભાવથી ઊજવે અને સાચા પુરુષની ઓળખાણ થાય તો કલ્યાણ થાય.
'સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીતકુંજી.'
સાચા સંત ભગવાન ભજવાની રીત શીખવે છે. એમની સાથે રહેવાથી અંતઃકરણ ફરે છે. 'સંત બડા પરમારથી જાકા મોટા મન, તુલસી સબકો દેત હૈ, રામ સરીખા ધન.' એવા સંતને જગત મિથ્યા છે, દેહ મિથ્યા છે અને મનમાં 'બધાનું કેમ સારું કરવું' એવો ભાવ છે.
'જેમ અન્ય લોક થાય ભેળા, તેમ સમજશો મા આ મેળા.' ભગવાનનો સંબંધ થાય એટલે જીવનું કલ્યાણ થાય એવા આ સમૈયા છે. મેળા નથી. એટલે સમૈયામાં જવાથી ફાયદો અને લાભ છે. મહારાજનાં, સંતનાં અને શાસ્ત્રોનાં વચન છે કે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. આવી વાત જો સમજાઈ જાય તો બેડો પાર છે.'
આશીર્વાદની સમાપ્તિ બાદ ઉત્સવની ચરમસીમારૂપ ક્ષણ આવી પહોંચી. બરાબર ૧૦-૦૦ વાગે સ્વામીશ્રી ઠાકોરજીના પારણા આગળ પધાર્યા અને જન્મોત્સવની આરતી ઉતારી. આરતી બાદ સ્વામીશ્રીએ ઠાકોરજીને પારણે ઝુલાવ્યા. એ દરમ્યાન સંતો-યુવકોએ 'નંદ ઘેર આનંદ ભયો'નો આનંદનાદ ગજવ્યો અને સાથે સાથે 'સોનાના બોર ઝૂલે નંદકિશોર...,' 'બાવા નંદ તણે દરબાર...' વગેરે કીર્તનોના ગાનથી ઉત્સવનો ચરમ આનંદ સર્વત્ર છવાઈ ગયો. વિવિધ કરમુદ્રાઓ કરીને કીર્તન ઝિલાવતા સ્વામીશ્રીનાં દર્શન કરી સૌ ધન્ય બન્યા હતા. ૧૦-૨૫ વાગે ઉત્સવની સમાપ્તિ પછી મંદિરે પધારીને સ્વામીશ્રીએ દર્શન કરી સૌને અદ્ભુત સ્મૃતિ આપી હતી.
|
|