|
અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૧૮-૮-૨૦૦૯ થી તા. ૩૦-૯-૨૦૦૯ દરમ્યાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બિરાજીને સૌમાં દિવ્ય અધ્યાત્મ ઊર્જાનો સંચાર કર્યો હતો. સતત ૪૪ દિવસ સુધી સ્વામીશ્રીનાં દર્શનની વિરલ સ્મૃતિઓ હજારો હરિભક્તોના હૈયે સદાયને માટે કંડારાઈ ગઈ હતી. નિજનિવાસેથી યજ્ઞપુરુષ સભાગૃહમાં નિત્ય પ્રાતઃપૂજા માટે પધારતા સ્વામીશ્રીનાં દર્શનની એક ઝલક મેળવવા માટે હજારો હરિભક્તો-ભાવિકોથી સમગ્ર પરિસર છલકાતું હતું. દર રવિવારે મંદિરની સામે આવેલા વિશાળ મેદાનમાં યોજાતી સત્સંગસભામાં ભગવત્ કથાવાર્તા, પ્રેરક સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વામીશ્રીનાં આશીર્વચનનો લાભ પ્રાપ્ત કરી આબાલવૃદ્ધ સૌ ધન્ય બન્યાં હતાં. નિત્ય દૂર-સુદૂરથી શાહીબાગ બી.એ.પી.એસ. મંદિરે સ્વામીશ્રી તથા ઠાકોરજીનાં દર્શને ઊમટતાં હરિભક્તોના હૈયે ગુરુહરિને પ્રસન્ન કરવાનો અનેરો થનગનાટ અનુભવાતો હતો તો વિશિષ્ટ વ્રત-તપની સાંકળ રચી હરિભક્તો-ભાવિકોએ ગુરુહરિનાં ચરણોમાં ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
અમદાવાદ ખાતેના આ વખતના નિવાસ દરમ્યાન સ્વામીશ્રીએ 'સ્વામિનારાયણ અક્ષરપીઠ'માં પધારી આધુનિકતમ 'ફાઇવ કલર હેડલબર્ગ' પ્રિન્ટિંગ મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. વળી, વિદ્વાન સંતોના મુખેથી ઉદ્બોધિત પ્રેરક પ્રવચનોની સી.ડી. 'સંત સમાગમ - ૩'નું પણ સ્વામીશ્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. આમ, અમદાવાદના હરિભક્તોને સત્સંગનો દિવ્ય લાભ આપી તા. ૩૦-૯-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીએ ગોંડલ જવા વિદાય લીધી. 'પત્રિકા'માં પૂર્વે અમદાવાદના સ્વામીશ્રીના સત્સંગ-લાભની કેટલીક વિગતો માણ્યા બાદ વિશેષ વિગતો અહીં પ્રસ્તુત છે.
કિશોર દિન :
તા. ૨૦-૯-૨૦૦૯ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં અમદાવાદ કિશોર મંડળના કિશોરોએ 'કિશોર દિન'ની ઉજવણી આનંદ-ઉલ્લાસમય વાતાવરણમાં કરી ધન્યતા અનુભવી હતી. આજે અમદાવાદના કિશોરોને પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમનું ઘેલું લાગ્યું હતું. વહેલી સવારથી જ મંદિરના પરિસરમાં કિશોર-કિશોરીઓ સ્વામીશ્રીનાં દર્શનનો લાભ લેવા ઊમટ્યાં હતાં.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ આજના આ વિશિષ્ટ દિનની ઉજવણીનો આરંભ થયો. લાલ રંગનો ખેસ ધારેલા શ્વેત-વસ્ત્રધારી ૨૫૦૦થી વધુ કિશોર-કિશોરીઓના હૈયે ગુરુહરિને પ્રસન્ન કરવાના કોડ જાગ્યા હતા. પ્રાતઃપૂજા દરમ્યાન 'ગુરુૠણ અદા કેમ કરીએ'ના મધ્યવર્તી વિચાર સાથે કિશોરોએ કીર્તન-ભક્તિ રજૂ કરી હતી. વળી, આજના દિને અનેક કિશોર-કિશોરીઓએ જુદાં જુદાં વ્રત-ઉપવાસની સાંકળ રચી સ્વામીશ્રીની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
આજની રવિ સત્સંગસભા 'કિશોર દિન' નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. સાંજે ૪:૦૦ વાગ્યાથી જ સભાસ્થળ હરિભક્તો-ભાવિકોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. સભામાં દૂર-દૂર બેઠેલા હરિભક્તોને પણ મંચ પરથી રજૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વામીશ્રીનાં સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત થાય એ માટે મંચની બંને બાજુએ સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
નિયત સમયે ધૂન-પ્રાર્થનાથી સભાનો આરંભ થયો. અક્ષરવત્સલ સ્વામી લિખિત 'નવા અવતારે નચિકેતા' સંવાદની પ્રેરક પ્રસ્તુતિ કરી કિશોરોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ 'ગુરુદેવ તુમ્હારેં ચરણ કમલમેં શ્રદ્ધા સુમન ધરું' કીર્તનના આધારે ભક્તિનૃત્ય રજૂ કરી કિશોરોએ ગુરુહરિનાં ચરણે ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું.
સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં કહ્યું : 'આજે અહીંના યુવક મંડળે નચિકેતાની જે વાત કરી છે તે અદ્ભુત છે. દરેક મનુષ્ય માટે પ્રેરણારૂપ છે. આવી વાતોથી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષ મેળવી શકાય છે. ભણેલા ગણેલા લોકોએ જીવનમાં બધા જ પ્રકારની વાતો સાંભળેલી હોય છે, એટલે તેમના વિચારોમાં આવી જ્ઞાનની વાતો બેસતી નથી, પરંતુ જે જ્ઞાન સાચું છે તે સાચું જ રહે છે.
ભગવાન અને સંત સાચા છે. તેમણે આપેલું જ્ઞાન સાચું છે. વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃત, સ્વામીની વાતો - આ બધા ગ્રંથોમાં રહેલી જ્ઞાનની વાતો અનુભવે કરીને લખેલી છે. તેને વાંચવાથી, સાંભળવાથી અને અભ્યાસ કરવાથી જીવનમાં અખંડ શાંતિ રહે છે. આજે વિજ્ઞાને આપેલા જ્ઞાનને સાચું માનવું પડે છે, કારણ કે એ અનુભવથી લખાયેલું છે. વિજ્ઞાને આપેલું આ જ્ઞાન લોકોપયોગી, સમાજોપયોગી, દેશોપયોગી છે. વિજ્ઞાને જે દિશા બતાવી છે તે આ લોકના સુખ માટે છે. આ જ્ઞાનથી ભૌતિક સુખ મળશે, જે દુઃખનું કારણ બને છે.
જીવનમાં સુખદુઃખ કર્મો પ્રમાણે આવે છે. પૈસા-સંપત્તિથી સુખ નથી, પરંતુ આધ્યાત્મિક જ્ઞાન થશે ત્યારે સુખી થવાશે. આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય એને ફરી જન્મ-મરણ છે જ નહીં. તે ભગવાનના ધામને પામે છે. બ્રહ્મરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. આ જ્ઞાન જ્યારે દૃઢ થશે ત્યારે કોઈપણ પ્રકારનું દુઃખ રહેશે નહીં. આધ્યાત્મિક જ્ઞાન માટે સાચા ગુરુ પાસે જવું પડે. રામકૃષ્ણ પરમહંસ સાવ સાધારણ દેખાતા હતા. નરેન્દ્રને તેમણે કહ્યું : 'હું તમને જેમ દેખાઉં છું, તેમ હું ભગવાનને જોઉં છું.' નરેન્દ્રએ રામકૃષ્ણ પરમહંસને ગુરુ કર્યા. એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તો તેમનું કલ્યાણ થયું.
આધ્યાત્મિક જ્ઞાન મેળવીને ભગવાનના ધામને પામવું છે, એ ધ્યેય-લક્ષ સાથે સંસારનું કામકાજ કરવું. શાશ્વત સુખનો અનુભવ કરવા ભગવાનમાં વધારેમાં વધારે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કાર્ય કરીશું તો જીવનમાં પણ આત્મા-પરમાત્માનું જ્ઞાન દૃઢ થશે અને સર્વ પ્રકારે સુખિયા થવાશે.
રવિ સત્સંગસભા :
સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં મંદિરની સામેના વિશાળ મેદાનમાં યોજાતી રવિવારની સત્સંગસભા હરિભક્તો-ભાવિકો માટે નૈમિષારણ્ય ક્ષેત્ર બની રહી હતી. દર રવિવારે ઉત્સવનો માહોલ રચાતો હતો. મેદાનમાં સંતો-યુવકોએ તૈયાર કરેલા વિશાળ મંચ પરથી રજૂ થતા વિવિધ પ્રેરક સાંસ્કૃતિક કાર્યક્રમો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સભામાં ઊમટતા હજારો હરિભક્તોની સેવામાં સ્વયંસેવકો ખડે પગે તૈયાર હતા. સભામાં પ્રવેશતી વેળાએ જ હરિભક્તોને પ્રસાદ પ્રાપ્ત થાય એવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નિજ નિવાસેથી રથમાં બિરાજીને સભાસ્થળે પધારતા સ્વામીશ્રીનાં દર્શન સૌ માટે અણમોલ સંભારણું બની રહ્યા હતા.
તા. ૨૭-૯-૨૦૦૯ની રવિ સત્સંગ-સભામાં હજારો મુમુક્ષુઓ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે ઊમટ્યા હતા. સ્વામીશ્રી સભામાં પધાર્યા. વિશ્વસ્વરૂપ સ્વામીના કીર્તનગાન બાદ અમદાવાદ યુવક મંડળના યુવકોએ બ્રહ્મપ્રકાશ સ્વામી લિખિત 'જ્ઞાન સાથે ગમ્મત' આપતા સંવાદે માણસમાં રહેલા સ્વભાવનું સુપેરે દર્શન કરાવ્યું. ત્યારપછી સમગ્ર અમદાવાદ સત્સંગમંડળ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીને ચાદર ઓઢાડી, માળાનો હાર અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી. આજે સમગ્ર વિશ્વ વિજ્ઞાન સ્પર્ધામાં પ્રથમ ચાર વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ કિશોર મંડળના સત્સંગી કિશોર શરદ ચંદ્રકાન્તભાઈ મીરાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે 'ભગવાનને પ્રસન્ન કરવા સ્વભાવ ટાળવા પડે. આપણે આપણા સ્વભાવ ટાળવા આવ્યા છીએ. સ્વભાવ ટળે તો જ સુખ, શાંતિ અને આનંદ રહે. સત્સંગી થયા એટલે સત્સંગના નિયમ પાળવા જોઈએ. નિયમમાં ઢીલાશ હોય તો એ જીવનો સત્સંગ નથી, પણ દેહનો સત્સંગ છે. ભગવાન અંતર્યામી છે, સર્વજ્ઞ છે. જો આવી નિષ્ઠા હોય તો પછી ચોરી ન થાય, જૂઠું ન બોલાય. ખરાબ ન વિચારાય. જે જે ભક્તો થઈ ગયા એમણે આ નિયમો રાખ્યા તો અમર થઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાય શુદ્ધ સંપ્રદાય છે. વાતો પ્રમાણેનું વર્તન. જગતના રાગ-મોહ મૂકીને ભગવાનને પ્રધાન રાખીએ તો બીજામાં આસક્તિ ના રહે. બ્રહ્મ-પરબ્રહ્મનું જ્ઞાન થાય, આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય, માયાથી પર થવાય, પછી કોઈ જાતનાં મોહ-મમતા, મારું-તારું, છળ-કપટ-પ્રપંચ જીવમાં રહે નહીં. સૌને અક્ષરપુરુષોત્તમનું શુદ્ધ જ્ઞાન થાય એ જ ભગવાનને પ્રાર્થના.'
|
|