|
બોચાસણમાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૩૧-૧૦-૨૦૦૯ થી તા. ૪-૧૨-૨૦૦૯ સુધી સંસ્થાના આદિતીર્થ બોચાસણમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સત્સંગ-આનંદની હેલી વરસાવી હતી. સતત ૩૫ દિવસ સુધી સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને ચારુતર પ્રદેશનાં હરિભક્તો-ભાવિકો ધન્ય બન્યા હતા. નિત્ય ક્રમ મુજબ મંદિરે દર્શને પધારતા તેમજ પ્રાતઃપૂજામાં બિરાજતા સ્વામીશ્રીના દર્શનની સ્મૃતિઓ હજારો હરિભક્તોના હૈયે સદાયને માટે અંકિત થઈ ગઈ હતી. પ્રાતઃપૂજામાં સ્વામીશ્રીના આગમન સમયે મંદિરના ચોકમાં વિવિધ સત્સંગ-મંડળોનાં બાળકો અને યુવાનો દ્વારા રજૂ થતા પ્રેરણાસભર સંવાદો અને મહિલાઓ દ્વારા નિત્ય રચાતી કલાત્મક રંગોળી સૌનાં આકર્ષણનું કેન્દ્ર બની રહેતી. ૮૯ વર્ષની ઉંમરે પણ સંસ્થાકીય મિટીંગો, પત્રલેખન તથા વ્યક્તિગત મુલાકાતોમાં સતત કાર્યરત કર્મઠ સ્વામીશ્રીનું અનુભવપૂત માર્ગદર્શન પામીને હજારો હરિભક્તો-ભાવિકોએ અનેરી શીતળતાનો અનુભવ કર્યો હતો. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સાકરતુલા તથા દેવદિવાળીના પવિત્ર પર્વે સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. તા. ૨૫-૧૧-૨૦૦૯ને, માગશર સુદ આઠમના રોજ સ્વામીશ્રીના ૮૯માં જન્મદિન નિમિત્તે હરિભક્તો-ભાવિકો પ્રાણપ્યારા ગુરુહરિનાં દર્શન-આશીર્વાદ પામી કૃતાર્થ થયા હતા.
આ વખતના નિવાસ દરમ્યાન સ્વામીશ્રીએ મહારાષ્ટ્રના અમલનેર, વાંસદા ક્ષેત્રના ચરવી, નવસારી ક્ષેત્રના જમાલપોર, વડોદરા ગ્રામ્ય વિસ્તારના નિમેટા અને સરભાણ, સાંકરી વિસ્તારના અમલસાડી, આણંદ ક્ષેત્રના પીપળાવ, વેરાખાડી અને બોરિયામાં રચાનાર નૂતન મંદિરોમાં પધરાવવામાં આવનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. વળી, આણંદ ક્ષેત્રના જિટોડિયામાં અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા વિધિ તેમજ મહેસાણા મંદિરમાં રચાનાર ગુરુશિખરોની શિલાઓનું પણ સ્વામીશ્રીએ વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું હતું. સોમનાથ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ શ્રુતિપ્રકાશ સ્વામી સંકલિત 'હરિવાક્ય-સુધાસિંધુ' પુસ્તકનું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રીએ વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા. તા. ૨-૧૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીએ હિંદુધર્મ પરંપરામાં અપરંપાર મહિમા ધરાવતી ગાયોના જતન માટે નીકળેલી ગોગ્રામયાત્રાના રથનું પૂજન કરી યાત્રાની સફળતા માટે આશીર્વાદ આપ્યા. અત્રે સ્વામીશ્રીએ બોચાસણમાં આપેલ દિવ્ય સત્સંગ લાભની એક ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
તા. ૩૧-૧૦-૨૦૦૯ના રોજ સંધ્યા સમયે સ્વામીશ્રી રાજકોટથી વિદાય લઈ તીર્થરાજ બોચાસણ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. પ્રાણપ્યારા ગુરુહરિને સત્કારવા માટે ઊમટેલા હરિભક્તોનાં હૈયાં આનંદની ઊર્મિઓથી છલકાતાં હતાં. મંદિર સુધીના માર્ગો તથા સમગ્ર પરિસર હરિભક્તો-ભાવિકોથી ઊભરાતા હતા. બાળકો તથા યુવકોએ કતારબદ્ધ ઊભા રહી હાથમાં ધજા ફરકાવી સ્વામીશ્રીને સત્કાર્યા. સ્વામીશ્રીના આગમનને વધાવવા સમગ્ર પરિસરના ઝરૂખાઓથી માંડીને મંદિર અને ચોકમાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. મંદિરમાં ગર્ભગૃહની બહાર દીપમાળ પ્રિન્ટ કરીને શોભા કરવામાં આવી હતી. વિદ્યુત દીવાઓનો ઝગમગાટ મંદિરને શોભાવતો હતો. ઢળતી સંધ્યાએ ઝગમગતાં દીવડાઓના અજવાળે સ્વામીશ્રીનાં વિશિષ્ટ દર્શનની સ્મૃતિ સૌ કોઈના હૈયે કંડારાઈ ગઈ હતી. મંદિરના ચોકમાં પુષ્પોની રંગોળી સજાવવામાં આવી હતી.
સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. અભિષેક મંડપમાં દર્શન કરી સ્વામીશ્રી સભામંડપમાં પધાર્યા. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ સમગ્ર સત્સંગ મંડળવતી ત્યાગ-વલ્લભ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવી અપાર પ્રસન્નતા દર્શાવી હતી.
|
|