|
કિશોર દિન
તા. ૨૪-૧-૨૦૧૦ના રોજ વડોદરા અને ભરુચ ક્ષેત્રના કિશોરોએ સ્વામીશ્રીની દિવ્ય સંનિધિમાં 'કિશોર દિન'ની દબદબાભેર ઉજવણી કરી ગુરુભક્તિ અદા કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં કિશોરોનું સામ્રાજ્ય છવાયું હતું. 'અસ્મિતા'ના મધ્યવર્તી વિચાર સાથે સમગ્ર દિવસ દરમ્યાન રજૂ થનારા કાર્યક્રમોનો આરંભ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી થયો. સંગીતજ્ઞ કિશોરોએ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પ્રાતઃપૂજા બાદ હરિકિશોર સ્વામીએ 'અસ્મિતા' અક્ષરથી અંકિત ભગવા રંગના ખેસ સ્વામીશ્રીને અર્પણ કર્યા. સ્વામીશ્રીએ ખેસ ધારણ કરીને ઉપસ્થિત સૌ કિશોરોને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
સંધ્યા સમયે મંદિરની સામેના પરિસરમાં 'અસ્મિતા - શાસ્ત્ર, સત્પુરુષ, સ્વધર્મ'ના મધ્યવર્તી વિચાર સાથે 'કિશોર દિન'ની વિશિષ્ટ સભાનો આરંભ થયો. ખભે ભગવા રંગનો ખેસ ધારણ કરીને સફેદ વસ્ત્રોમાં સજ્જ થયેલા ત્રણ હજારથી વધુ કિશોર-કિશોરીઓથી સમગ્ર સભા શોભતી હતી. સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે ડૉક્ટર સ્વામી પ્રવચન દ્વારા સત્પુરુષની અસ્મિતાનો પરિચય દૃઢાવી રહ્યા હતા. ત્યારપછી નિયમધર્મમાં દૃઢતા રાખનાર કિશોરોની ગાથા અને 'અજોડ સત્પુરુષ' વીડિયો શૉનું સંયોજન નિહાળી ઉપસ્થિત સૌ રોમાંચિત થઈ ઊઠ્યા. ભરૂચ ક્ષેત્રના કિશોરોએ 'હમ ભારત કે જવાન...' ગીતના આધારે સ્વામીશ્રીનાં ચરણે નૃત્યાંજલિ અર્પણ કરી. નૃત્ય દરમ્યાન કિશોર-કિશોરીઓએ ધજા ફરકાવી અને વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા.
ત્યારબાદ સંસ્થા તરફથી યોજવામાં આવેલ નિબંધ સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતા કિશોરોએ સ્વામીશ્રીના આશીર્વાદ પામી ધન્યતા અનુભવી. અસ્મિતા સંબંધી વીડિયો શૉ બાદ કિશોરોએ શાસ્ત્ર અને સત્પુરુષમાં પ્રીતિ કરાવે એવી પરિચર્ચા રજૂ કરી.
સભાના અંતમાં સ્વામીશ્રીએ સૌને અસ્મિતા દૃઢાવતાં જણાવ્યું હતું : 'વિજ્ઞાને આપણને સારી વસ્તુ આપી છે ને નરસી વસ્તુ પણ આપી છે, પણ એમાં જીવનમાં સુખ માટેની કે આધ્યાત્મિક વાત નથી. એ વાત આપણાં શાસ્ત્રો બતાવે છે.
‘भोगे रोगभयम्’. ભોગ ભોગવવાથી રોગ થાય છે. માણસ દુઃખી થાય છે, હેરાન થાય છે. એટલે સ્વચ્છ અને પવિત્ર અનાજ ખાવું જોઈએ જેથી સર્વ પ્રકારે નીરોગી રહી શકાય. બજારની વસ્તુમાં શુદ્ધીકરણ નથી એટલે ઘરનું ખાવું. ભગવાનને ધરાવીને ખાઈએ તો આરોગ્યની દૃષ્ટિએ ફાયદો થાય. પણ બહારનું ખાવામાં કોણે કર્યું છે ? કેવી રીતે કર્યું છે ? એની ખબર જ નથી. એમાં કાંઈ પવિત્રતા નથી. સ્વાદ લાગે એટલું જ, ખાય એટલે રોગના ભોગી થાય.
શું ખાવું ને શું ન ખાવું ? શું જોવું ને શું ન જોવું ? આ બધું બહુ વિચારવાનું છે. બધા ભેગા બેસીને ટી.વી. જુએ એ ઘરની અંદર મર્યાદા રહે ખરી ? પછી એ બધાના વિચારો પણ બગડે છે અને એમાંથી દુઃખ થાય છે, ઘરમાં ક્લેશ થાય છે. વેશ્યાઓ થૈ થૈ કરી નાચતી હોય, નાટારંગ ચાલતા હોય, જલસા થતા હોય, દારૂના શીશા પિવાતા હોય ત્યાં જઈને બેસો તો ત્યાં કેવા વિચારો આવે ? મારામારી ચાલતી હોય એ જુઓ તો ઘરમાં આવીને પણ મારામારી જ થાય ને. માટે સારું જુઓ તો સારા વિચારો આવે. એટલે પાછી વૃત્તિ વાળીને જેટલા ઊંડા ઊતરીશું એટલી શાંતિ થશે.
સિનેમા ને નાટકમાં અત્યારે એવા જ કુચરિત્ર આવે છે, એટલે માણસને સંસ્કાર નથી, અસ્મિતા નથી. અસ્મિતા તો ભગવાનની આજ્ઞામાં રહીને, સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને એ પ્રમાણે રહેવું તે છે. આ શરીર ખાવા, પીવા, જલસા કરવા માટે નથી મળ્યું, પણ અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવા મળ્યું છે. દેહભાવ છે ત્યાં સુધી માન, ખાવા, પીવા, જલસા, નાચગાન, વ્યભિચારમાં મન રહે છે, પણ દેહ-ઇન્દ્રિયો-મનની શુદ્ધિ થાય તો ભગવાન સંબંધી, પરોપકાર સંબંધી કાર્ય થાય. ધર્મનિયમમાં રહેવું એ મુખ્ય વસ્તુ છે. આ વાતની વિશેષ દૃઢતા થાય એના માટે વારંવાર આપણી સત્સંગ સભાઓ થાય છે. આ માર્ગ સાચો છે. આ માર્ગથી જ આપણું કલ્યાણ છે. તમને બધાને ધન્યવાદ છે ને ખૂબ ખૂબ બળ મળે ને ખૂબ સારી ભક્તિ થાય, સત્સંગ થાય, સુખિયા થાય ને અભ્યાસ સારો થાય, ડિગ્રી સારી પ્રાપ્ત થાય, સારા માર્ગે ચાલીને સારું સુખ પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ રાજી થાય એ આશીર્વાદ છે.'
|
|