ગાંધીનગરમાં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૨-૨-૨૦૧૦ થી તા. ૨૫-૨-૨૦૧૦ દરમ્યાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે બિરાજીને હરિભક્તોને દર્શન-આશીર્વાદનો અલભ્ય લાભ આપી કૃતાર્થ કર્યા હતા. વહેલી સવારે મંદિરમાં દિવ્ય વાતાવરણ રચાતું હતું. સતત ૨૪ દિવસ સુધી સ્વામીશ્રીનાં દર્શન માટે અમદાવાદથી તેમજ ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાંથી ઊમટતા હજારો હરિભક્તોથી મંદિરનું પરિસર છલકાતું હતું. દૂર-સુદૂરથી આવતા હરિભક્તો-ભાવિકો વિવેકસાગર સ્વામી અને સંતોના મુખેથી સત્સંગપારાયણનો લાભ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન અને સંતો-યુવકો દ્વારા રજૂ થતી કીર્તનભક્તિ સૌ કોઈ માટે અણમોલ સંભારણું બન્યાં હતાં.
સ્વામીશ્રીના આ વખતના રોકાણ દરમ્યાન હરિભક્તોના હૈયે ભક્તિની હેલી ઊમટી હતી. સ્વામીશ્રીના નિરામય દીર્ઘાયુ માટે હજારો હરિભક્તોએે પદયાત્રા તથા વિશિષ્ટ વ્રત-તપની સાંકળ રચી પ્રાણપ્યારા ગુðરુહરિનાં ચરણે ભક્તિઅર્ઘ્ય અર્પણ ર્ક્યું હતું. અમદાવાદના શાહીબાગ ખાતેના અક્ષરપુરુષોત્તમ મંદિરેથી ગાંધીનગર સુધી ૩૦ સંતોએ પદયાત્રા કરી વિશિષ્ટ રીતે ગુરુભક્તિ અદા કરી હતી. વળી, ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માર્ચ મહિનામાં શરૂ થઈ રહેલી પરીક્ષા પૂર્વે સ્વામીશ્રીના આશીર્વાદ પામી ધન્ય બન્યા હતા.
તા. ૧૫-૨-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ અક્ષરધામ પરિસરમાં આકાર લઈ રહેલા સચ્ચિદાનંદ 'વૉટર શો'નું વેદોક્તવિધિપૂર્વક પૂજન-યજ્ઞ કરી ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. તા. ૧૨-૨-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ બાવળા હરિમંદિરની મૂર્તિઓનું વેદોક્તવિધિ પૂર્વક પૂજન કરી આરતી ઉતારી હતી.
અહીં ગાંધીનગર ખાતે સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે...
આગમન :
તા. ૨-૨-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વડોદરાના સંતો-હરિભક્તોની ભાવભીની વિદાય લઈ સાંજે ૭:૦૫ વાગે ગાંધીનગર પધાર્યા. પોણા ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ અહીં પધારી રહેલા પ્રાણપ્યારા ગુરુહરિને સત્કારવા માટે સંતો-હરિભક્તોથી મંદિરનું પ્રાંગણ ઊભરાતું હતું. સર્વત્ર આનંદનું વાતાવરણ રચાયું હતું.
સ્વામીશ્રીનું આગમન થતાં જ નાનાં નાનાં બાળકોએ દેવબાળની વેશભૂષામાં સજ્જ થઈને સ્વામીશ્રીને સન્માન્યા. મંદિરના ચૉકમાં નૃત્યના પરિવેશમાં સજ્જ યુવકોના હૈયે અનેરો ઉમંગ છલકાતો હતો. આ સૌ યુવકો-કિશોરોએ 'આજ મારે ઘેર, થાય લીલા લહેર' કીર્તનના આધારે સ્વાગત-નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને સત્કાર્યા. સ્વામીશ્રીના આગમન નિમિત્તે સ્થાનિક હરિભક્તો-કિશોરો-કિશોરીઓએ વિશિષ્ટ વ્રત-તપની ભાગીરથી વહાવી હતી. આ સૌ હરિભક્તો-ભાવિકો પર પ્રસન્નતા દર્શાવી સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. સૌનું સ્વાગત ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. મંદિરનો સભામંડપ સ્વામીશ્રીનાં દર્શનની એક ઝાંખી મેળવવા ઊમટેલા હરિભક્તોથી છલકાતો હતો. સૌએ જયનાદોથી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સભામાં વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીના પૂર્વ વિચરણની દિવ્ય સ્મૃતિઓની ઝાંખી સૌને કરાવી. ત્યારબાદ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા.
|