Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૨૫-૨-૨૦૧૦ થી તા. ૩૧-૩-૨૦૧૦ સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં બિરાજીને બ્રહ્મરસની હેલી વરસાવી હતી. સતત ૩૫ દિવસ સુધી સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને આબાલવૃદ્ધ સૌએ જીવનનો પરમ આનંદ માણ્યો હતો. પ્રાતઃપૂજા પૂર્વે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ઠેર ઠેર રચાયેલા સ્મૃતિવિરામો પર સંતો-પાર્ષદો-સાધકો પ્રેરક પ્રસંગો પ્રસ્તુત કરી ગુરુભક્તિ અદા કરતા હતા. સ્વામીશ્રી પણ સૌની ભક્તિ સ્વીકારી મર્મસભર અધ્યાત્મબોધ આપી વિશિષ્ટ સ્મૃતિ આપતા હતા. પ્રાતઃપૂજા દરમ્યાન સંગીતજ્ઞ સંતો દ્વારા રજૂ થતી કીર્તનભક્તિથી વાતાવરણ વિશેષ ભક્તિસભર બનતું હતું. સ્વામીશ્રીના નિરામય સ્વાસ્થ્યની મંગલકામના સાથે દૂર-સુદૂરથી પદયાત્રા કરીને આવતા પદયાત્રીઓ પણ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પામી ધન્યતા અનુભવતા હતા. સંસ્થાકીય મિિટગો, પત્રલેખન, વ્યક્તિગત મુલાકાતો, સદ્‌ગ્રંથોના વાંચન-શ્રવણમાં રમમાણ કર્મઠ સ્વામીશ્રીનું સાંનિધ્ય પામીને સૌ કોઈ ચેતનવંતા બન્યા હતા.
આ વખતના રોકાણ દરમ્યાન અહીં સ્વામીશ્રીએ સાંકરી ક્ષેત્રના કાછલ, મહેળાવ ક્ષેત્રના પાળજ, હિંમતનગર ક્ષેત્રના સોનાસણ, મહેસાણા ક્ષેત્રના વડુ, ગઢડા ક્ષેત્રના દરેડ તથા ચેન્નૈના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. તા. ૨૧-૩-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ બોટાદ શહેરના પ્રમુખ પાર્ક, અશોક વાટિકા અને પ્રમુખસ્વામી નગરમાં રચાનાર બી.એ.પી.એસ. સંસ્કારધામોની શિલાઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. તા. ૩૦-૩-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ લીંબડી ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કળશ અને ધ્વજ દંડનું તથા સારંગપુર ખાતેના યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરમાં રચાનાર ગુરુશિખરની ઈંટોનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું હતું. અહીં યોજાયેલ કાર્યકર અભિવાદન સમારોહ, શ્રીહરિ પ્રાકટ્યોત્સવ તથા સ્મૃતિ મંદિરના પાટોત્સવ નિમિત્તેની વિશિષ્ટ સભામાં સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવી સૌને કૃતાર્થ કર્યા હતા. અહીં સ્વામીશ્રીએ સારંગપુરમાં આપેલા દિવ્ય સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે...     
કાર્યકર અભિવાદન સભા :
તા. ૧૪-૩-૨૦૧૦ને રવિવારના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સત્સંગ મંડળના કાર્યકરોના અભિવાદનની એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ આ વિશિષ્ટ સભાનો આરંભ થયો. પ્રાતઃપૂજા બાદ સૌ કાર્યકરો પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'બધા કાર્યકર્તાઓ, સંતો-હરિભક્તો બધાની પણ જય. આ સેવા બહુ મોટાં ભાગ્યવાળાને મળે છે. અક્ષર અને પુરુષોત્તમની જે સેવા આપણને મળી છે એ આપણાં ભાગ્ય છે. શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન આપ્યું, મંદિરો કર્યાં અને બધાને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની વાત સમજાવી. આ વાત આપણે બીજાને સમજાવવી એ એક મોટી સેવા છે. જેણે જેણે આ સેવા કરી છે, કરે છે ને કરશે એ બધાનું કલ્યાણ.
આપ બધા ભાગ્યશાળી છો કે ઉત્સાહ-ઉમંગથી સેવા કરો છો. મોટા મોટા સમૈયામાં સેવા કરવી કઠણ છે. હરિભક્તોને જમાડવા, ઉતારા આપવા જેવી વ્યવસ્થા કરવામાં શરીરને ભીડો પડે. આ સેવા કરતી વખતે દર્શન-સત્સંગનો લાભ ન મળે, પણ સેવા થાય એ મોટી વાત છે. દર્શન-સત્સંગનો લાભ મળતો નથી એમ ન માનવું. સેવા દૂર મળે કે નજીક, પીરસવાની મળે કે સાફસૂફીની પણ ભગવાન અંતર્યામી છે અને આપણી સેવાને જુએ છે એમ માનવું.
ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા તમે બધા બહુ કાળજીપૂર્વક, વ્યવસ્થિત કરો છો. હરિભક્તો આવે ને એ બધાને સારી રીતે દર્શન થાય, સત્સંગ થાય અને લાભ મળે તેની વ્યવસ્થા માટે જ તો આપણી સેવા છે. જે જે સેવા મળે એમાં ભગવાનનો સંબંધ છે. અહીં જે સેવા કરીએ છીએ એ નાની-મોટી એવું નથી માનવાનું. જ્યાં જે સેવા મળી એ ભગવાન ને સંતની છે. એ સેવાથી આનંદમાં રહેવું. તમે બધા, દરેક સમૈયામાં કોઈ પણ જાતના સ્વાર્થ સિવાય, કોઈ પ્રકારની માન-મોટપ સિવાય મોટાં ભાગ્ય સમજીને સેવા કરો છો તો દરેકને આનંદ રહે છે. જીવમાં આનંદ ને ઉત્સાહ હોય તો સેવાનું ફળ પણ મળે છે અને સર્વ પ્રકારે સુખિયા થવાય છે. પોતાના ઘરનું કામ, ધંધા મૂકીને સેવા કરો છો તો ભગવાન રાજી થાય છે. ભગવાન ને સંતની પ્રસન્નતા થાય એટલે આ લોક ને પરલોક બેય સુધરેõ.
આ લોકમાં સંસાર-વહેવાર ભગવાન સાચવે છે ને પરલોકમાં ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે - બહુ મોટો લાભ. આવી સમજણ હોય તો કોઈ દિવસ મોળી વાત થાય નહીં. એટલે મહિમા સમજીને જે જે ભક્તિ થાય છે એ ભગવાનને રાજી કરવા માટે છે, ભગવાન રાજી થાય એમાં બધું આવી ગયું. મહારાજ-સ્વામી સર્વને સેવા કરવાનું બળ આપે, વહેવાર સારા થાય ને વિશેષ ભક્તિ થાય એ જ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |