|
સ્મૃતિ મંદિર પાટોત્સવ
તા. ૩૦-૩-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરનો ૨૯મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવાઈ ગયો. બોચાસણવાસી શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પાર્થિવ દેહને જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એ સ્થાને આજથી ૨૯ વર્ષ પૂર્વે સ્વામીશ્રીએ સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દિવ્ય સ્મૃતિઓ સાથે આજે વહેલી સવારથી જ પાટોત્સવની ઉજવણીનો આરંભ થયો. મંગળા આરતી બાદ પાટોત્સવની માંગલિક વિધિનો આરંભ થયો. સંતોએ વિધિપૂર્વક શાસ્ત્રીજી મહારાજની મૂર્તિનું પૂજન, અર્ચન કરી પંચામૃત વડે સ્નાન કરાવી ભાવ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. સ્મૃતિ મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ સમક્ષ અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ સ્મૃતિ મંદિરમાં પધારી આરતી ઉતારી, પુષ્પ-અંજલિ અર્પણ કરી ગુરુહરિના ચરણે ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યુંં. પ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ શાસ્ત્રીજી મહારાજનાં પદોનું ગાન કરી તેમના જીવન અને કાર્યને અંજલિ અર્પી.
પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું : 'આજે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરનો પાટોત્સવ છે. દિવસો જાય છે એની ખબર પડતી નથી. ઓગણત્રીસ વર્ષ પૂરાં થઈ ગયાં. પાટોત્સવમાં હજારો હરિભક્તો અહીં આવે છે. આ સ્થાનનો ખૂબ મહિમા છે. ભગવાન શ્રીજીમહારાજ અહીં જીવા ખાચરના દરબારમાં પધાર્યા. અહીં મોટા મોટા ઉત્સવો મહારાજે કર્યા. ગામ નાનું, પણ જીવા ખાચરનું મન અતિશય મોટું તો મહારાજને રાજી કર્યા. આ ગામ પર મહારાજની બહુ પ્રસન્નતા હતી.
શાસ્ત્રીજી મહારાજનું એક જ ધ્યેય હતું કે શ્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે સારંગપુરમાં મોટામાં મોટું મંદિર કરવું. તે વખતે મંદિર થાય એવી સ્થિતિ નહીં, આવક નહીં, એટલા હરિભક્તો નહીં, પણ શાસ્ત્રીજી મહારાજે આકાશને આંબી જાય એવું જબરજસ્ત મંદિર કર્યું. 'બોચાસણમાં આવી બિરાજ્યા, ન પડી કોઈને ગમ; સારંગપુરમાં આવી બિરાજ્યા, ત્યારે પડી સૌને ગમ.'
સારંગપુરમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે ચારેય બાજુથી લાખો માણસો આવ્યા હતા. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સાચું છે તેનો સૌને ખ્યાલ આવ્યો. શ્રીજી મહારાજને રાજી કરવાના શાસ્ત્રીજી મહારાજના બળિયા સંકલ્પ હતા ને તેથી આ કાર્ય થયું છે. આ સ્થાન થયું તો અત્યારે લાખો માણસો દર્શને આવે છે સેવા ભક્તિ કરે છે.
અક્ષરપુરુષોત્તમના જ્ઞાનના પ્રવર્તન માટે જ શાસ્ત્રીજી મહારાજનો અવતાર હતો. ધીરે ધીરે આ જ્ઞાન દેશ-પરદેશમાં બધે પ્રવર્તી ગયું. સાચી વાત છે, તો બધાને સમજાઈ છે, તો આપણાં ભાગ્યનો પાર નથી. 'ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં, થયાં કોટિ કલ્યાણ' ભગવાન અને સંત મળ્યા ને એની ઓળખાણ થઈ, તેનો સંબંધ થયો એટલે આપણાં જેવાં કોઈનાં ભાગ્ય નથી. પૈસા-ટકા સમૃદ્ધિ ભગવાનની ઇચ્છાથી મળે છે ને જાય છે, પણ આ જ્ઞાન આપણને મળ્યું એટલે આપણાં ભાગ્યનો પાર નથી. દુનિયાનું તળ રહેશે, બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ કાર્ય ચાલશે ને ત્યાં સુધી આ સત્સંગ ચાલવાનો છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે એમાં આપણને આ લાભ મળી ગયો. આજે પાટોત્સવના દિવસનો સૌએ લાભ લીધો છે, તો બધાને ભગવાન તને મને ધને સુખી કરે એ જ પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ સ્વામીશ્રીએ સરકારશ્રીના 'આજે વાંચે ગુજરાત' અભિયાન હેઠળ 'સ્વામિનારાયણ કથામંગલ' તથા 'સુચરિતમ્' આ બંને પુસ્તકો યોગમુનિ સ્વામી તથા હરિકીર્તન સ્વામીને અર્પણ કરી આ અભિયાનને ગતિ આપી.
|
|