|
પ્રમુખવરણી દિન ષષ્ઠીપૂર્તિસ્મૃતિસભા
તા. ૧૮-૪-૨૦૧૦ને વૈશાખ સુદ ચોથના દિવસે સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં અમદાવાદ સત્સંગ મંડળે 'પ્રમુખવરણી દિન'ની સ્મૃતિમાં વિશિષ્ટ કાર્યક્રમો રજૂ કરી ભક્તિ અદા કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. મંદિરના મધ્ય ખંડમાં ઠાકોરજી સમક્ષ ૬૦ વર્ષ પૂર્વે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે યુવાન વયના નારાયણસ્વરૂપદાસજીને બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ તરીકેની ચાદર ઓઢાડી હતી એ પ્રસંગની સ્મૃતિ કરાવતું દૃશ્ય શોભી રહ્યું હતું. પ્રાતઃપૂજામાં સંતોએ પ્રાસંગિક કીર્તનોનું ગાન કરી ભક્તિ અદા કરી.
આજની રવિ સત્સંગસભા પ્રમુખવરણી દિન ષષ્ઠીપૂર્તિ સ્મૃતિ સભા બની રહી. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં આ ઉત્સવસભાનો લાભ લેવા સાંજના ૪.૦૦ વાગ્યાથી જ હરિભક્તોનો પ્રવાહ મંદિરમાં ઊમટવા લાગ્યો હતો. પ્રમુખસ્વામી ઓડિટોરિયમના મંચની પાર્શ્વભૂમાં આંબલીવાળી પોળમાં વિચરી રહેલા સ્વામીશ્રી તથા આંબલીવાળી પોળના પ્રાસાદિક ઓરડાની સ્મૃતિ કરાવતાં દૃશ્યો શોભી રહ્યાં હતાં. નિયત સમયે ધૂન-પ્રાર્થના ગાનથી સભાનો આરંભ થયો. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ અમદાવાદ સત્સંગ મંડળના બાળકાર્યકરોએ 'બાજે રે મૃદંગ તૂર...' કીર્તનના તાલે નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીનાં ચરણે ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું. ત્યારબાદ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને સત્કાર્યા. વિશ્વસ્વરૂપ સ્વામીના કીર્તનગાન બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે અહીં બધા પધારીને ઉત્સવ ઊજવો છો, પણ આ બધું કાર્ય ભગવાનનું છે. શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સર્વત્ર બધાને સમજાય એ માટે ખૂબ દાખડો કર્યો છે. તે સમયમાં સગવડો અને બીજી વ્યવસ્થાઓ ન હતી. પણ શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે કાર્ય કર્યું છે અને એ પ્રમાણે કાર્ય થયું છે.
વેદ-ઉપનિષદ અને સર્વ શાસ્ત્રોમાં આ વાત લખેલી છે. અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત શાસ્ત્રોક્ત છે. શ્રીજીમહારાજે પૃથ્વી ઉપર પધારી આ વાત કરી. ગુણાતીતાનંદ સ્વામીએ છડે ચોક આ વાત કરી અને શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન અક્ષર-પુરુષોત્તમ પધરાવી દીધા. શાસ્ત્રીજી મહારાજે પોતાની માન-મોટપ-કીર્તિ વધારવા માટે આ કાર્ય નથી કર્યું, પણ સાચી વાત બધાને સમજાય એ માટે આ કાર્ય કર્યું છે. જ્ઞાન તો ઘણાં પ્રકારનું છે, પણ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ વાત મુખ્ય સમજવાની છે. આ વાત સાચી જ છે, એવી જો દૃઢતાપૂર્વક નિષ્ઠા થાય તો સુખિયા થઈ જવાય. સુખિયા એટલે ભગવાનના ધામ અક્ષરધામની પ્રાપ્તિ થાય અને આનંદ-આનંદ રહે.
અક્ષરપુરુષોત્તમ ઉપાસનામાં ચાર વાત મુખ્ય સમજવાની છે. એમાં ભગવાનને કર્તા, સર્વોપરિ, સાકાર અને પ્રગટ સમજવા. ભગવાન સાકાર જ છે. ભગવાનને સાકાર સમજીએ તો નિષ્ઠા પાકી થઈ કહેવાય. વળી, ભગવાન પ્રગટ છે. પ્રગટ એટલે આ પૃથ્વી ઉપર ભગવાન સદાય બિરાજે છે.
ભગવાન જ સર્વકર્તા છે. આ દુનિયામાં જે થાય છે એ બધું એમની ઇચ્છાથી જ થાય છે. દુઃખ આવે તો પણ એમની ઇચ્છાથી આવે છે. મનમાં કર્તાપણાની નિષ્ઠા હોય તો પછી ગમે એટલા પ્રશ્નો આવે, ગમે એટલી મુશ્કેલીઓ આવે તો ય મનમાં શંકા ન થાય. ભગવાનને જ્યારે કર્તા માનીએ ત્યારે મનમાં સંશય થવો જોઈએ નહીં. એ જે કંઈ કરે છે એ બરાબર જ છે અને આપણા કલ્યાણ માટે જ કરે છે એવી નિષ્ઠાની દૃઢતા રહેવી જોઈએ. ભગવાનને કર્તા સમજીને જો સત્સંગ કરીએ તો કોઈ દિવસ સત્સંગમાંથી મન પાછું પડે જ નહીં. રામાવતારમાં ભક્તોને દુઃખ આવ્યાં છે, કૃષ્ણાવતારમાં પણ ભક્તોને દુઃખ આવ્યાં છે. શ્રીજી મહારાજના વખતમાં પણ દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈને દુઃખ આવ્યાં છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં આશાભાઈ, મોતીભાઈ અને બીજા ઘણાને દુઃખ આવ્યાં, પણ એમાં તેઓ લેશમાત્ર ડગ્યા નથી. સંસાર ચક્ર છે એટલે સુખ-દુઃખ તો આવે પણ જે ભક્ત છે એની તો ભગવાન ખબર રાખે જ છે. એટલે આવી જેને દૃઢતા હોય એને ચઢતો ને ચઢતો રંગ રહે છે.
જેને આ જ્ઞાન દૃઢ થયું છે એ અલમસ્ત છે, ભલેને દુઃખ આવ્યાં હોય, તો પણ કોઈ જાતનો વાંધો આવ્યો નથી. આ જ્ઞાન શાસ્ત્રીજી મહારાજે આપણને આપ્યું છે, મૂર્તિમાન કરી બતાવ્યું છે, તો અલમસ્ત રહીને ભગવાનની ભક્તિ કરવી. આ સાચું જ્ઞાન આપણા મનમાં દઢ થાય, અને બીજાને હિંમતથી વાત કરી શકીએ એવું બળ કાયમને માટે રહે, અને એ બળ મહારાજ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સર્વને આપે એ પ્રાર્થના.'
પ્રબોધિની એકાદશી
સ્મૃતિ સભા :
તા. ૨૫-૪-૨૦૧૦ને વૈશાખ સુદ અગિયારસના રોજ પ્રબોધિની એકાદશી ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારના મંદિરમાં મધ્ય ખંડમાં ઠાકોરજી સમક્ષ વિવિધ શાકભાજી અને ફળોની હાટડી રચવામાં આવી હતી. મંદિર પર ઓચ્છવિયા મંડળના યુવકો પરંપરાગત રાગઢાળમાં ઓચ્છવનાં કીર્તનો ગાઈ રહ્યા હતા. સૌને દર્શનલાભ આપી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. પ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ પ્રાસંગિક કીર્તનોનું ગાન કરી સ્વામીશ્રીના ચરણે ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું.
સંધ્યા સમયે પ્રમુખસ્વામી ઓડિટો-રિયમમાં યોજાયેલી રવિ સત્સંગ સભા આજે પ્રબોધિની એકાદશી ઉત્સવની સ્મૃતિસભા બની રહી. વિવેકસાગર સ્વામીએ પ્રેરક વકતવ્ય દ્વારા ઉત્સવના મર્મને સમજાવ્યો હતો. ત્યારબાદ મુકુંદચરણ સ્વામીએ વિવિધ ઉત્સવોની સમજ આપતા 'ફેસ્ટિવલ' પુસ્તકનું તથા શ્રીજીચરણ સ્વામીએ 'સુગર ફ્રી કફ શીરપ'નું ઉદ્ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું. સંતોના કીર્તનગાન બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું : 'નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તન ગાયું 'શીદને રહીએ રે કંગાલ રે સંતો, શીદને રહીએ રે કંગાલ...' મોટામાં મોટી સમૃદ્ધિ કહો કે ધન કહો એ ભગવાન અને ભગવાનના ધારક સંત છે. એ મળ્યા પછી રાંક શા માટે રહેવું ? રાંક રહેવાનો વિચાર જ ન કરવો. રાંક થઈને ફરીએ તો મહિમા સમજ્યા જ નથી, આ સંબંધ થયો છે એ જાણ્યો જ નથી. એટલે મનમાં ઉત્સાહ, ઉમંગ રહેવો જોઈએ કે ભગવાન ને સંત મળ્યા છે. આપણો મોક્ષ થવાનો જ છે. આપણને જ્યારે ચિંતામણિ મળી છે ત્યારે મોક્ષ થશે કે નહીં એવો વિચાર જ ન કરવો. સત્સંગ કરીએ, નિયમ-ધર્મ પાળીએ એટલે ભગવાન આપણા ઉપર રાજી થાય છે. મહારાજ-સ્વામી મળ્યા એટલે આપણું કલ્યાણ થવાનું જ છે માટે કંગાલપણું માનવું નહીં. આ લોકની સમૃદ્ધિ મળે કે ન મળે, પણ નિષ્ઠા-સમજણ પાકી હશે તો ભગવાન સુખિયા કરશે ને સુખિયા કર્યા છે એવા કેફમાં રહેવું. તો ભગવાન સર્વને સુખિયા કરે એ પ્રાર્થના.'
|
|