|
ન્યૂજર્સીના શિખરબદ્ધ મંદિરની શિલાઓનું પૂજન
તા. ૧૨-૭-૨૦૧૦ના રોજ દિલ્હી ખાતે બિરાજમાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અમેરિકાના ન્યુજર્સીમાં અક્ષરધામ સંકુલમાં રચાનાર શિખરબદ્ધ મંદિરની શિલાઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી સૌને અદ્ભુત સ્મૃતિ આપી હતી.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પૂર્વે સવારે ૭:૦૦ વાગ્યાથી સભામંડપના મંચ ઉપર શિલાપૂજન માટેના મહાપૂજાવિધિનો આરંભ થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રી પ્રાતઃપૂજા માટે સભામંડપમાં પધાર્યા ત્યારે અમદાવાદથી આવેલા ભૂદેવ મૂકેશભાઈ શાસ્ત્રી, શ્રુતિપ્રકાશ સ્વામી વગેરે વિધિ કરાવી રહ્યા હતા. સ્વામીશ્રીની ડાબી બાજુના ઉપમંચ ઉપર શિલાઓ મૂકવામાં આવી હતી અને મંચની ધાર ઉપર પણ શિલાઓ મૂકવામાં આવી હતી. મંચની સામે અમેરિકાથી આ પ્રસંગે આવેલા હરિભક્તો, અમેરિકાના કિશોરો તથા દેશ-વિદેશના અન્ય હરિભક્તો બેઠા હતા. સ્વામીશ્રીની પૂજા દરમ્યાન પણ આ મહાપૂજાનો વિધિ ચાલુ રહ્યો. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ સૌપ્રથમ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરી, પુષ્પ અર્પણ કર્યાં. ત્યારપછી શિલાન્યાસવિધિમાં ગર્તમાં પધરાવવામાં આવનાર દેવતાઓનું પણ પૂજન કર્યું. સાથે સાથે ડલાસ મંદિરમાં મૂર્તિઓની નીચે મૂકવામાં આવનાર યંત્રોનું પૂજન કર્યું. ત્યારપછી મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી તથા આત્મસ્વરૂપ સ્વામીએ ક્રમશઃ પાંચ સુવર્ણરસિત નિધિકુંભનું પૂજન સ્વામીશ્રી પાસે કરાવ્યું. સ્વામીશ્રીએ આ પાંચેય કળશનું પૂજન કરી આરતી ઉતારી. આરતી પછી ન્યૂજર્સી અક્ષરધામની ખાતવિધિના સંદર્ભમાં વિવિધ સંકલ્પો સાથે ધૂન કરવામાં આવી.
ત્યારબાદ સ્વામીશ્રી શિલાપૂજનવિધિ માટે ઉપમંચ આગળ પધાર્યા. અહીં ગોઠવાયેલી મુખ્ય શિલાઓનું પુષ્પ પધરાવીને સ્વામીશ્રીએ પૂજન કર્યું અને ત્યારપછી મંચની ધાર ઉપર ગોઠવાયેલી આરસની શિલાઓ ઉપર પુષ્પ અને ચોખા પધરાવીને પૂજન કરી ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવ્યા. મંચની નીચે બેઠેલા અમેરિકાના હરિભક્તોને સ્વામીશ્રીએ દૃષ્ટિ દ્વારા સુખ આપીને આ પ્રસંગની વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
|
|