|
દિલ્હી ખાતે સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન સ્વામિનારાયણ અક્ષરધામ અને પ્રમુખસ્વામી મહારાજની દર્શન-મુલાકાતે મહાનુભાવો...
રાજધાની દિલ્હી એટલે ભારતનું હૃદયકેન્દ્ર. વિવિધ ક્ષેત્રોના માંધાતાઓથી લઈને ભારતના તમામ પ્રાંતોની વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા લાખો લોકોથી વિવિધ રંગે રંગાયેલું મહાનગર.
તાજેતરમાં તા. ૭-૬-૨૦૧૦થી તા. ૨૦-૭-૨૦૧૦ દરમ્યાન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિલ્હી ખાતેના નિવાસ દરમ્યાન સમાજનાં વિવિધ ક્ષેત્રોના ઉચ્ચ પદાધિકારીઓ, વ્યાવસાયિકો, રાજપુરુષો, સંતો-મહંતો તથા અન્ય મહાનુભાવો અક્ષરધામનાં દર્શન તેમજ સ્વામીશ્રીની અંગત મુલાકાત દરમ્યાન આશીર્વાદ લઈ કૃતાર્થ થયા હતા. સ્વામીશ્રીની પવિત્રતા, સાધુતા, દિવ્યતા અને નિર્મળ પ્રતિભા સૌને સ્પર્શી જતાં હતાં. ૯૦ વર્ષની ઉંમરે પણ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક સતત સંસ્કૃતિ અને સમાજના ઉત્કર્ષનું કાર્ય કરી રહેલા સ્વામીશ્રી સૌને માટે એક આશ્ચર્યનો વિષય બની રહ્યા હતા. સ્વામીશ્રી સાથેની મુલાકાતો દરમ્યાન એ સૌ મહાનુભાવોએ સ્વામિનારાયણ અક્ષરધામના સર્જક તરીકે જ નહીં, પરંતુ એક વૈશ્વિક પ્રતિભાવંત સંત તરીકે સ્વામીશ્રીનાં ચરણોમાં ભક્તિ-અંજલિ અર્પણ કરી. સ્વામીશ્રી સાથે આધ્યાત્મિક વાર્તાલાપ કરીને સૌ કૃતાર્થ થયા હતા.
સ્વામીશ્રી સાથેની એ મહાનુભાવોની મુલાકાતોમાંથી અમુક ચૂંટેલા મુલાકાત-પ્રસંગો અત્રે પ્રસ્તુત છે.
‡ તા. ૧૦-૬-૨૦૧૦ના રોજ ભારતના પૂર્વ ઉપપ્રધાનમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીજી સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા. તેઓએ એ હાર સ્વામીશ્રીને જ પહેરાવી દીધો. અને ત્યારપછી તેમણે ભારતમાં તીર્થસ્થાનોમાં અક્ષરધામ જેવાં ભવ્ય સંસ્કૃતિધામ બને તેવી ભાવના વ્યક્ત કરી. વાર્તાલાપ દરમ્યાન તેમણે કહ્યું, 'સ્વામીજી આપે દિલ્હીમાં અક્ષરધામ એટલું સુંદર બનાવ્યું છે કે દિલ્હીમાં મને જે લોકો મળવા આવે છે તે બધાને હું કહું છું કે અક્ષરધામ જોવા જરૂર જજો. અક્ષરધામ આપનું સર્વક્ષેષ્ઠ કાર્ય છે.'
‡ તા. ૧૧-૬-૨૦૧૦ના રોજ વિશ્વ-વિખ્યાત યોગાચાર્ય બાબા રામદેવજી મહારાજ સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે પધાર્યા હતા. તેઓ સ્વામીશ્રી પ્રત્યે ખૂબ આદર, માન અને પૂજ્યભાવ ધરાવે છે.
સ્વામીશ્રીનાં ચરણ સ્પર્શ કરતાં રામદેવજી મહારાજે કહ્યું, 'મારી દૃષ્ટિએ આપ ભગવાનનું મૂર્ત સ્વરૂપ છો. ભગવાનના રૂપમાં આપ જ અમને આશીર્વાદ આપો છો. હું તો માનું છું કે બધું આપના આશીર્વાદથી ચાલે છે.'
સ્વામીશ્રી કહે, 'ભગવાન સર્વ કર્તા-હર્તા છે. અને ભગવાનના આશીર્વાદ તમારા પર છે જ એટલે તો તમારું કામ થાય છે ને થશે. ભગવાનનું કામ છે તો ભગવાન જ કરશે.'
‡ તા ૧૩-૬-૨૦૧૦ના રોજ દિલ્હી મેટ્રો ટ્રેનના સર્જક અને સૂત્રધાર શ્રીધરન્ સાહેબ સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા. શ્રીધરન્ સાહેબને થોડા વખત પહેલાં બાયપાસ સર્જરી કરાવવામાં આવી છે, છતાં તેમણે સ્વામીશ્રીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
શ્રીધરન્ સાહેબે મેટ્રો ટ્રેનના વિવિધ પ્રોજેક્ટના તબક્કાનો ચિતાર સ્વામીશ્રીને આપ્યો અને કહ્યું, 'આ સ્ટેશનનું નામ અમે અક્ષરધામ રાખ્યું છે.'
સ્વામીશ્રી કહે, 'અક્ષરધામનું નામ સાંભળીને સૌને સારી પ્રેરણા મળશે અને અહીં આવે તેનું જીવન પરિવર્તન પણ થશે.'
શ્રીધરન્ સાહેબે દિલ્હી સિવાય ભારતનાં અન્ય શહેરોમાં પણ મેટ્રોના પ્રોજેક્ટની વાતો કરી, જેમાં અમદાવાદનો પણ ઉલ્લેખ કર્યો. આ પ્રૉજેક્ટ માટે તેમણે આશીર્વાદ માંગ્યા. તેમની વાત સાંભળી સ્વામીશ્રી રાજી થઈને આશીર્વાદ આપ્યા.
‡ તા. ૧૬-૬-૨૦૧૦ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના પતિ ડૉ. શેખાવત સાહેબ સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા. તેઓ અક્ષરધામમાં આ પૂર્વે બે વખત દર્શને આવી ગયા છે.
તેઓએ કહ્યું, 'અક્ષરધામ પૃથ્વી પરના સ્વર્ગ જેવું છે. લોકો દોડી દોડી અહીં આવે છે. અહીં જોતાં લાગે છે કે, ભારતીય સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ ક્યાંય નથી.'
‡ તા. ૧૯-૬-૨૦૧૦ના રોજ દિલ્હીના લેફ્ટનન્ટ પૂર્વ ગવર્નર શ્રી વિજય કપૂર સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
શ્રી વિજય કપૂરે કહ્યું : 'આપનાં દર્શનથી મને અંતરની શાંતિ મળે છે, ખૂબ જ આનંદ થાય છે.'
સ્વામીશ્રી સાથે આધ્યાત્મિક વાર્તાલાપ કરતાં શ્રી વિજય કપૂરે કહ્યું : 'લોકોને લાલચ કેમ વધે છે ? તે ઓછી થાય તેનો કોઈ ઉપાય છે ?'
સ્વામીશ્રી કહે, 'આપણાં શાસ્ત્રો કહે છે : લાલચ-લોભ-ક્રોધ વગેરે આપણા વૈરી છે. દોષોને શત્રુ સમજે તો તેનાથી દૂર રહેવાય છે. વળી, મમતા, લોભ, આસક્તિ જેવા સ્વભાવોને છોડવા માટે ભગવાનનો આશરો અને જ્ઞાન હોવું જોઈએ. એનાથી દોષ ચાલ્યા જાય. પોતાના સ્વરૂપને આત્મા માને પછી લોભની ક્યાં જરૂર રહે ? પોતાને આત્મા મનાય એવી દૃઢતા સત્પુરુષના સંબંધથી થાય છે.' બહુ ટૂંકાણમાં સ્વામીશ્રીએ અંતઃશત્રુ જીતવાનું હાર્દ સમજાવી દીધું.
આજે દિલ્હીના વર્તમાન લેફટનન્ટ ગવર્નર શ્રી તેજેન્દ્ર ખન્ના પણ સ્વામીશ્રીને મળ્યા. તેઓ પણ ખૂબ સાત્ત્વિક અને સત્સંગ પ્રત્યે રુચિવાળા છે. સ્વામીશ્રીએ તેઓની સાથે ખૂબ આધ્યાત્મિક સંવાદ કર્યો.
સુપ્રીમ કૉર્ટના હમણાં જ નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ શ્રી બાલકૃષ્ણન્ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓ માનવ અધિકાર પંચના ચૅરમૅન છે. તેમને અક્ષરધામ પ્રત્યે ખૂબ અનુરાગ છે એટલે પોતાના યોગમાં કોઈ પણ આવે તે બધાને અક્ષરધામનાં દર્શને જવાની પ્રેરણા આપે છે.
બાલકૃષ્ણન્ કહે, 'સ્વામીજી ! મેં કેનેડા અને એટલાન્ટામાં પણ આપનાં ભવ્ય મંદિરોનાં દર્શન કર્યાં છે. ખરેખર આપે ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં પહોંચાડી છે.'
‡ તા. ૨૦-૬-૨૦૧૦ના રોજ આજે ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ શ્રી લાહોટી સાહેબ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
તેમની પ્રામાણિકતાની વાતો થઈ. સ્વામીશ્રી કહે, 'નીતિ, નિયમ, ધાર્મિકતા - આ બધા ભગવાનના ગુણો છે. ભગવાનના આશરાથી બુદ્ધિયોગ પ્રાપ્ત થાય છે.'
લાહોટી સાહેબે કહ્યું, 'ભગવાનની કૃપા સિવાય આપનાં દર્શન થવા દુર્લભ છે. ભગવાનની એટલી કૃપા છે કે આજે મને આપનાં દર્શન થાય છે.'
સ્વામીશ્રીએ તેમને આશીર્વાદ આપ્યા અને માળા આપતાં કહે, 'દરરોજ આ માળા કરતાં કરતાં સ્વામિનારાયણ મંત્રજાપ કરજો.'
ગળામાં માળા પહેરતાં પહેરતાં અત્યંત ભાવવશ થતાં લાહોટી સાહેબે કહ્યું, 'હજી પાંચ મિનિટ પહેલાં જ મને વિચાર થઈ રહ્યો હતો કે મને માળા આપે તો કેવું ! અને આપે અંતર્યામીપણે માળા આપી.'
‡ તા. ૨૩-૬-૨૦૧૦ના રોજ યુ.એન.આઈ. સંસ્થાના વડા શ્રી ભંડારી સાહેબ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓ સ્વામીશ્રીને કહે, 'મને એવા આશીર્વાદ આપો કે આ પ્રોફેશનમાં રહીને લોકોની સારી સેવા કરી શકું.'
સ્વામીશ્રી કહે, 'આ જ કરવાનું છે, આજે સમાજમાં સારા સમાચારની જરૂર છે. સારા સમાચાર આપશો તો દુનિયા સારો વિચાર કરશે ને સારી થશે. લોકોને પ્રેરણા મળે એવા સમાચાર આપવા.'
ભારત સરકારના રાજ્યકક્ષાના ઊર્જામંત્રી ભરતસિંહ સોલંકી સ્વામીશ્રીને મળ્યા. સ્વામીશ્રીએ તેઓના પિતાશ્રી માધવસિંહ સોલંકીને પણ યાદ કર્યા.
ભરતસિંહ સોલંકી કહે, 'મારી સાથે જે આઈ.એ.એસ. અધિકારીઓ હોય છે તેઓને મેં વાત કરી કે આ સંસ્થાનું મૅનેજમેન્ટ કેવું છે અને કઈ ભાવનાથી અહીં કામ થાય છે ? એનો અભ્યાસ કરવો જોઈએ. દિલ્હીમાં આવે એ બધાને અક્ષરધામનાં દર્શને જવા હું ખાસ ભલામણ કરું છું.' પછી તેઓ કહે, 'આપની સંસ્થાનું મૅનેજમેન્ટ સમજવા અને અમલમાં મૂકવા લાયક છે.'
સ્વામીશ્રી કહે, 'બધું ભગવાન કરે છે.'
ભારતના ઊર્જા મંત્રી શ્રી દિનશા પટેલ પણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેમણે અક્ષરધામના પ્રભાવની ખૂબ વાતો કરી.
‡ તા. ૨૪-૬-૨૦૧૦ના રોજ રાજ્ય-સભાના સભ્ય શ્રી રાજકુમાર ધૂત સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
સ્વામીશ્રીનાં કાર્યો અને અક્ષરધામના પ્રભાવની વાતો કરીને તેમણે કહ્યું, 'આ અક્ષરધામ તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે.'
તેઓની ભાવનાનો પ્રત્યુત્તર સ્વામીશ્રીએ જુદી રીતે આપતાં કહ્યું, 'ભગવાનનું કામ છે ને ભગવાન કરે છે.'
આજે ભારતના લશ્કરની ત્રણેય પાંખના વડા જનરલ શ્રી દીપક કપૂર સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓએ ૪૩ વર્ષ સુધી ભારતીય લશ્કરમાં સેવા કરી છે. સેનામાં અપાતો દરેક એવોર્ડ તેમને મળ્યો છે.
તેમણે કહ્યું : 'અહીં અક્ષરધામમાં જે વ્યવસ્થા અને સિસ્ટમ છે તે જોઈને ખૂબ જ આનંદ થયો. આવી આધ્યાત્મિક સંસ્થાના આપ નેતા છો, એટલે બધું શ્રેય આપને છે. આપનાં દર્શનથી મને અંતરની શાંતિ મળે છે, ખૂબ જ આનંદ થાય છે.'
સ્વામીશ્રી કહે : 'બધાના નેતા ભગવાન છે, એમનાથી આ બધું કાર્ય થાય છે.'
શ્રી કપૂર કહે, 'આ સંસ્થાની ડિસિપ્લિન મેં જોઈ. આવી ડિસિપ્લિન આખા દેશમાં ફેલાવવામાં આવે તો દેશને ઘણો ફાયદો થાય.'
સ્વામીશ્રીએ ભગવાન સ્વામિ-નારાયણનાં કાર્યને બિરદાવતાં કહ્યું, 'આ બધી સિસ્ટમ ભગવાન સ્વામિનારાયણે આપી છે અને કહ્યું, ભગવાનની ભક્તિ કરજો, આચાર-વિચાર શુદ્ધ રાખજો. અમારા ગુરુ પણ હંમેશા કહેતા, ભગવાન સૌનું ભલું કરો.'
શ્રી કપૂર કહે, 'બહારના લોકો અક્ષરધામ જોઈને બીજી બધી જગવિખ્યાત ઈમારતો કરતાં પણ વધારે સારો અભિપ્રાય વ્યક્ત કરે છે ત્યારે અમને ઘણો જ ગર્વ થાય છે. આપના આશીર્વાદ આખા હિંદુસ્તાન પર રહેવા જોઈએ.'
‡ તા. ૨૬-૬-૨૦૧૦ના રોજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીતિન ગડકરી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
‡ તા. ૨૭-૬-૨૦૧૦ના રોજ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને આઈ.આઈ.એમ. તથા આઈ.આઈ.ટી.ના બોર્ડ મૅમ્બર શ્રી શ્યામ ભારદિયા સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
સ્વામીશ્રીનાં દિવ્ય કાર્ય અને વ્યક્તિત્વના ગુણગાન ગાતાં તેઓ બોલી ઊઠ્યા : 'સંસ્કૃતિ માટે આપે અદ્ભુત કાર્ય કર્યું છે. અને જે સંસ્કૃતિ વિહાર પ્રદર્શન બનાવ્યું છે એ અતિ અદ્ભુત છે. સૌને ગૌરવ જાગે. આપનાં દર્શનથી હું ધન્ય થઈ ગયો.'
‡ ભારતના સૉલિસિટર જનરલ શ્રી પરાશરન્ સાહેબ પણ સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વાદ મેળવતાં બોલી ઊઠ્યા હતા : 'ગ્રેટ રિલીફ. આપના આશીર્વાદથી મને બહુ જ શાંતિ મળી છે.'
એલ. એન્ડ ટી. કંપનીના સી.ઈ.ઓ. શ્રી અનિલ નાયક પોતાના સ્વજનોને લઈને સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેમણે સાથે આવેલા પોતાના સ્વજનોને કહ્યું, 'પ્રમુખસ્વામી મહારાજ ૯૦ વર્ષના હોય એવું મનાય છે ? મારાથી પણ પહોંચી ન વળાય એટલું આ ઉંમરે સ્વામીશ્રી કાર્ય કરે છે.'
એમ કહીને તેઓ સ્વામીશ્રીને વંદન કરતાં કરતાં કહેવા લાગ્યા : 'અમારે તો તમારા આશીર્વાદ એ જ ભગવાનના આશીર્વાદ. આ પૃથ્વી ઉપર આપ ભગવાનનું સ્વરૂપ છો.'
‡ તા. ૨૯-૬-૨૦૧૦ના રોજ દિવ્ય-જીવન સંઘના વર્તમાન વડા શ્રી વિમલાનંદજી મહારાજ પધાર્યા હતા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન ઈશ્વરચરણ સ્વામીએ હાર પહેરાવીને તેઓને સન્માન્યા. વિમલાનંદજી મહારાજ ખૂબ જ નમ્ર છે. મંચ ઉપર જ સ્વામીશ્રીને સાષ્ટાંગ દંડવત્ કરીને તેઓ વિરાજ્યા.
તેઓ સ્વામીશ્રીના નિવાસસ્થાને મળવા આવ્યા ત્યારે પુનઃ સ્વામીશ્રીને સાષ્ટાંગ દંડવત્ કર્યા. સાથે લાવેલો હાર સ્વામીશ્રીને પહેરાવ્યો અને શાલ ઓઢાડી.
શ્રી વિમલાનંદજી મહારાજ કહે, 'આજે પવિત્ર દિવસ છે. આશીર્વાદ આપો કે મન હંમેશા ભગવાનની સેવામાં રહે.'
સ્વામીશ્રી કહે, 'આપનાં દર્શનથી ખૂબ આનંદ થયો. આપ ભગવાનનું કાર્ય કરો છો એટલે ભગવાન આપની સાથે જ છે.'
‡ તા ૩-૭-૨૦૧૦ના રોજ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર હુડા પણ સ્વામીશ્રીના આશીર્વાદ માટે આવ્યા હતા. તેઓ બાળવયમાં ગુજરાતમાં ભણ્યા હતા. સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું, 'દેશમાં સુખ-શાંતિ થાય, પ્રજા સુખી થાય, વિકાસ સારો થાય અને બધાના વિચાર સારા રહે એ આશીર્વાદ છે.'
‡ તા. ૫-૭-૨૦૧૦ના રોજ પંજાબ અને હિમાચલ પ્રદેશોમાં સુપ્રસિદ્ધ શીખ ધર્મ સંસ્થા બડુ સાહેબના ધર્મગુરુ શ્રી ઇકબાલસિંગ બાબાજી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓ અનેક સ્કૂલો ચલાવીને વિદ્યાકીય પ્રવૃત્તિ કરે છે. સ્વામીશ્રીએ હાર પહેરાવી તેમનું સન્માન કર્યું.
તેઓ કહે : 'જે ભગવાનનું ભજન કરે છે, તેનું મગજ તીક્ષ્ણ થઈ જાય છે. અમારે ત્યાં રાત્રે સાડા બાર વાગ્યે ભજનનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ જાય છે. સવારે છ વાગ્યા સુધી ઉંમરની મર્યાદા પ્રમાણે બાળકો ભાગ લે છે. ભજન કરવાથી અમારે ત્યાં રિઝલ્ટ ૯૫„ આવે છે.'
એમ કહી તેમણે કહ્યું : 'ત્રણ પ્રકારનું શિક્ષણ છે.
૧. ફક્ત ભણાવવું, મતલબ જે આધુનિક શિક્ષણમાં થઈ રહ્યું છે તે. ફક્ત માહિતી આપવી.
૨. આવા શિક્ષણ સાથે સંસ્કાર જોડાઈ જાય તો તે વિદ્યા બને છે. એ લોકો પછી પરિવારોમાં જઈ વ્યસન મુક્તિ કરાવે છે.
૩. બ્રહ્મવિદ્યાની તો વાત જ અલગ છે. તેના માટે સ્કૂલ-કોલેજની જરૂરત નથી, તે તો અંદરથી આવે છે. જેણે બ્રહ્મવિદ્યા સિદ્ધ કરી છે તેની અંદર વિજ્ઞાન આવી જાય છે. તેને સમગ્ર બ્રહ્માંડોનું જ્ઞાન હોય છે.'
એમ કહીને તેઓએ સામે બેઠેલા સંતોને સ્વામીશ્રી તરફ નિર્દેશ કરીને કહ્યું : 'તેમણે સૌને ભણાવ્યું છે, એ બ્રહ્મવિદ્યા છે. તમે ભાગ્યશાળી છો, તેઓ જે વિદ્યા આપી રહ્યા છે તે તેમની કૃપા છે.'
‡ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને આજે જ રાજ્યસભાના સભ્ય બનેલા શ્રી તરુણ વિજયજી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
શ્રી તરુણ વિજયજી કહે, 'આજે રાજ્યસભાના સદસ્યનો કાર્યભાર શરૂ થાય છે. તમારા આશીર્વાદ, કૃપા અને સ્નેહ છે, એટલે આ બન્યું છે. હું ફક્ત બેમાં જ માનું છું - એક, મારી માતામાં અને બીજા, પ્રમુખસ્વામીમાં. મેં આજથી રાજ્યસભાનું કાર્ય શરૂ કર્યું ને આજે જ આપનાં દર્શન થયાં. ભગવાનની આ યોજના સમજું છું. ધર્મ અને રાષ્ટ્રની સેવા કરી શકું એવા આશીર્વાદ આપો અને આ ક્ષેત્રમાં મારી બુદ્ધિ ભ્રષ્ટ ન થાય એવી પ્રાર્થના છે.'
સ્વામીશ્રી કહે, 'આપનો સંકલ્પ છે એટલે થશે. બુદ્ધિશક્તિ છે ને શ્રદ્ધા છે એટલે સારામાં સારું સેવાકાર્ય થશે.'
વાર્તાલાપ દરમ્યાન સ્વામીશ્રીએ એક સૂત્ર આપતાં કહ્યું, 'આવેશ અને ક્રોધ કમજોરીની નિશાની છે. એનાથી ક્યારેય સફળતા મળતી નથી.'
‡ તા. ૬-૭-૨૦૧૦ના રોજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્ય-સભામાં વિરોધપક્ષના નેતા શ્રી અરુણ જેટલીને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
અરુણ જેટલીએ કહ્યું : 'અમદાવાદમાં એક વખત આપનાં દર્શન કર્યાં હતાં. ગુજરાતમાં આપે ઘણું કામ કર્યું છે. ૨૦૦૦ની સાલમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં આપનાં સંતો-હરિભક્તોએ ગામે ગામ જઈને સેવા કરી હતી. ભૂકંપ વખતે પણ આ સંસ્થાએ ઘણી સ્કૂલો કરી છે. મારું માનવું છે કે હિંદુસ્તાનમાં મંદિર બનવા બંધ થઈ ગયાં હતાં પરંતુ આપે જ ભારતીય સ્થાપત્યને ફરીથી જીવિત કરી મંદિર બનાવવાનો પ્રારંભ કર્યો છે.'
‡ તા. ૭-૭-૨૦૧૦ના રોજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પ્રેમકુમાર ધૂમલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી કિસનકુમાર સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા. સ્વામીશ્રીએ તેમની ભાવના સ્વીકારી આશીર્વાદ આપ્યા.
‡ તા. ૮-૭-૨૦૧૦ના રોજ સી.બી.-એસ.સી. બોર્ડના ચૅરમૅન શ્રી વિનીતભાઈ જોષી સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા. દેશભરમાં પથરાયેલી પંદર હજારથી વધારે સ્કૂલોના તેઓ સૂત્રધાર છે. તેમણે સ્વામીશ્રી પાસે આશીર્વાદ માગ્યા.
સ્વામીશ્રીએ તેમને શિક્ષણલક્ષી માર્ગદર્શન આપતાં કહ્યું, 'શિક્ષણનું કામ શ્રેષ્ઠ જ થવું જોઈએ. આપણી સંસ્કૃતિ અને ચારિત્ર્ય વધે એવા શિક્ષણનું આયોજન કરવું. દેશમાં શાંતિ થાય ને લોકો પણ સુખી બને એવા શિક્ષણનું કાર્ય થાય તેવા આશીર્વાદ છે.'
આજે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને હાલના સંસદસભ્ય શ્રી રાજનાથસિંહ સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા.
તેમણે કહ્યું : 'અહીં આપની પ્રેરણાથી અક્ષરધામ થયું તે આખા દેશ માટે ગૌરવની વાત છે. આજે દેશની સામે સંસ્કૃતિની મોટી સમસ્યા છે. આપણી સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે, આપ જેવા સંતના લીધે ભારતીય સંસ્કૃતિ બચી છે.'
આજે દિલ્હી રાજ્યના નાણામંત્રી શ્રી અશોક વાલિયા પણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. વાર્તાલાપ દરમ્યાન તેમણે કહ્યું : 'અહીં ખૂબ જ સુંદર અક્ષરધામ મંદિર થયું. તેનાથી દિલ્હીની શોભા વધી ગઈ.' સ્વામીશ્રી કહે, 'અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો. તેમણે આ કર્યું છે.'
આજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ભોપાલથી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. કાર્યભાર સારી રીતે વહન કરી શકાય તે માટે આશીર્વાદ માંગતાં તેઓએ કહ્યું : 'મારાં બહુ મોટાં સૌભાગ્ય છે કે આપનાં દર્શન થયાં. હું સદાય સન્માર્ગે ચાલતો રહું, મારી બુદ્ધિ ભ્રષ્ટ ન થાય અને કોઈ અહંકાર ન થાય એવા આશીર્વાદ આપો.'
સ્વામીશ્રી કહે, 'ભગવાને બુદ્ધિ આપી છે, તો દેશની સારી સેવા કરો છો અને ભગવાન કર્તા છે એમ માનવાથી અહંકાર નહીં આવે.'
‡ તા. ૯-૭-૨૦૧૦ના રોજ ઉત્તરા-ખંડના મુખ્યમંત્રી શ્રી રમેશજી પોખરિયાલ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. ઉત્તરાખંડ દેવભૂમિમાં તેઓ 'ભારત-દર્શન'નો વિશિષ્ટ પ્રૉજેક્ટ કરવાનું આયોજન કરી રહ્યા છે. એ માટે સ્વામીશ્રીના ખૂબ આશીર્વાદ માગ્યા.
‡ તા. ૧૦-૭-૨૦૧૦ના રોજ બિરલા ગ્રૂપના શ્રી ચંદ્રકાંત બિરલા સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી ગંગાપ્રસાદ બિરલાના તેઓ સુપુત્ર છે. તેઓના ઘરે વરસો પહેલાં સ્વામીશ્રી પધરામણીએ પધાર્યા હતા. તેઓ સામાજિક અને આધ્યાત્મિક સેવા રૂપે હિન્દુ મંદિરોનું નિર્માણ કરી રહ્યા છે, અનેક સ્કૂલો પણ કરી રહ્યા છે.
તેઓએ સ્વામીશ્રીને કહ્યું : 'તમે આ અક્ષરધામનું નિર્માણ કરીને મોટામાં મોટી સેવા કરી છે. આજે બધી જગ્યાએ હિન્દુ ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે.'
સ્વામીશ્રી કહે, 'ભગવાન માટે જે થાય એ બધું જ કરવું જોઈએ. સમાજ અને ગરીબો માટે યુનિવર્સિટી કે હૉસ્પિટલ પણ બનાવવી જોઈએ.'
આજે હિમાચલ પ્રદેશના રાજવી, પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના વર્તમાન મંત્રી શ્રી વીરભદ્રસિંહ પણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓ કહે, 'મને કેટલાય દિવસથી તમારાં દર્શનની ઇચ્છા હતી. આજે દર્શન કરી અંતરમાં આનંદ થયો.' સ્વામીશ્રી પાસે આશીર્વાદ માંગતાં તેઓએ હિમાચલ પ્રદેશની વિશેષતાઓની ઘણી વાતો કરી.
‡ તા. ૧૪-૭-૨૦૧૦ના રોજ છત્તીસ-ગઢના મુખ્યમંત્રી શ્રી રમણસિંહે સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે આવ્યા હતા. આશીર્વાદ માંગતાં તેમણે કહ્યું : 'અમારા રાજ્યમાં નકસલવાદીઓની બહુ જ ઉપાધિ છે. મને આત્મવિશ્વાસ છે કે આપ જેવા સંતોના આશીર્વાદથી હું આ મુશ્કેલીઓની સામે ઝઝૂમીશ, ડરીશ નહીં.'
સ્વામીશ્રી કહે, 'આપને કાર્યમાં યશ મળે અને તમારા રાજ્યની સમસ્યાનું સમાધાન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.'
‡ તા. ૧૭-૭-૨૦૧૦ના રોજ વડા-પ્રધાન ડૉ. મનમોહનસિંહના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી ટી. કે. નાયર સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. અક્ષરધામ જોઈને ખૂબ પ્રભાવિત થતાં તેઓએ સ્વામીશ્રીને કહ્યું : 'આપની સંસ્થા ખૂબ જ મહાન છે. સમગ્ર ભારતના લોકો આપની પ્રશંસા કરે છે.'
સ્વામીશ્રી કહે, 'ભગવાનની કૃપાથી બધું થાય છે.'
નાયર સાહેબ કહે, દિલ્હીમાં રેડફોર્ટ, રાષ્ટ્રપતિભવન જોવા લાયક છે, પણ આધ્યાત્મિક રીતે કાંઈ નહોતું. આપે આ ઉત્તમ સ્થાન અહીં બનાવ્યું અને સંસ્કૃતિ વિહારનો વિચાર અદ્ભુત છે. ભારતના દરેક નાગરિકે અને બાળકે આ અક્ષરધામ જોવું જોઈએ. અહીં બાળકોને ભારત અને ભારતીય સંસ્કૃતિની જાણકારી મળશે. દિનપ્રતિદિન અક્ષરધામની ખ્યાતિ વધતી રહેશે.' સ્વામીશ્રી કહે, 'બધો ભગવાનનો પ્રતાપ છે. તેમના દ્વારા જ બધી પ્રેરણા મળે છે.'
‡ તા. ૧૮-૭-૨૦૧૦ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી અબ્દુલ કલામ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. વાર્તાલાપ દરમ્યાન અક્ષરધામના સંદર્ભમાં તેઓએ સ્વામીશ્રીને કહ્યું : 'પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરી રહે ત્યારે એક વર્ષ લાગે છે, આપે એવી ૧૨૫ પ્રદક્ષિણા કરવાની છે.'
સ્વામીશ્રી કહે, 'તમારે પણ રહેવું પડશેને !'
આજે તેઓ સ્વામીશ્રી માટે પોતે લખેલાં બે પુસ્તકો લઈને આવ્યા હતા. 'ફૅમિલી એન્ડ નેશન' અને બીજું 'ધ સાયન્ટિફીક ઇન્ડિયન' આ પુસ્તકો પોતાની સહી કરીને તેઓએ સ્વામીશ્રીને સપ્રેમ આપ્યાં અને કહે, 'આપનાં દર્શનથી હું ખૂબ ખુશ છું. હું એક ધ્યેય લઈને નીકળ્યો છું. મારું એક સ્વપ્ન છે કે મારે એક પુસ્તક લખવું છે. એનો વિષય છે - 'દેશનો આધ્યાત્મિક ઉત્કર્ષ.' આપે કરેલાં પ્રવચનોમાંથી મુદ્દા લઈને ચર્ચા કર્યા પછી હું એમાંથી પુસ્તક કરીશ. જેમાં બાર પ્રકરણો મારે લખવાં છે એમાં પ્રમુખસ્વામીએ કઈ રીતે અક્ષરધામનું સ્વપ્ન સાકાર કર્યું એની ડિટેઈલ લખીશ. બીજા પ્રકરણમાં બી.એ.પી.એસ.ની સ્કૂલો અને એમની કાર્યપદ્ધતિની વાત કરીશ. અક્ષરધામ એક આદર્શ સંસ્થા તરીકે દિલ્હીમાં ખૂબ નામના પામી છે.'
વળી, તેઓ સંતોને કહે, 'હું પ્રમુખસ્વામીને ઘણી વખત મળ્યો છું અને જ્યારથી મળ્યો છું ત્યારથી એમની પ્રેરણાથી એક જ વાતનું પ્રતિપાદન કરું છું કે ધર્મ હૃદયમાં રહેવો જોઈએ. ધર્મ હશે એ ચારિત્ર્યની શોભા છે. ચારિત્ર્ય હશે તો સંવાદિતા ઘરમાં આવશે. ઘરમાં સંવાદિતા હશે તો દેશ વ્યવસ્થિત રહેશે અને દેશ વ્યવસ્થિત રહેશે તો વિશ્વમાં શાંતિ રહેશે.'
અંતે તેઓએ સ્વામીશ્રીને કહ્યું, 'આપને કંઈક માર્ગદર્શન આપવું હોય તો...'
સ્વામીશ્રી કહે, 'જે વાત કરવાની છે એ તો આપના જીવમાં જ છે. આપ એ જ વિચારો છો. ભારત આગળ વધે, સમાજ સુધરે એ બધા આપના આધ્યાત્મિક વિચારો છે. આપને ભગવાન વધારે પ્રેરણા આપે જેથી દેશનો ઉત્કર્ષ થાય. આપ ઉત્કૃષ્ટ વિચારો છો. હૃદયમાં ભગવાન છે એટલે સારા વિચારો આવે છે. અહીં જે કંઈ થયું છે એ બધું ભગવાનની કૃપાથી અને ગુરુના આશીર્વાદથી થયું છે. યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે જમુના કિનારે મંદિર થવું જોઈએ એટલે થયું છે. યોગીજી મહારાજ એવા સંત હતા કે જે હંમેશાં આનંદમાં જ રહેતા.' આટલું કહીને બાજુમાં પડેલા 'બોધકથા' પુસ્તકમાંથી સ્વામીશ્રીએ તેઓને યોગીજી મહારાજનો ફોટોગ્રાફ બતાવ્યો.
અબ્દુલ કલામ આ ફોટો જોતાં જ બોલી ઊઠ્યા, 'તેઓનું મુખ જોઈને જાણે કે અંદરથી આનંદ ઊભરાતો હોય એવું અનુભવાય છે.'
વળી, તેઓ કહે, 'યોગીજી મહારાજના સંકલ્પ તો આપે પૂરા કર્યા, પણ આપનો એવો એક કયો સંકલ્પ છે જે આપના હૃદયનો તીવ્ર સંકલ્પ હોય ?'
સ્વામીશ્રી કહે, 'એમનો સંકલ્પ એ જ અમારો સંકલ્પ. એમના સંકલ્પ પૂરા કરી શકીએ એ ઘણું છે.' આ સાંભળતાં જ અબ્દુલ કલામ બોલી ઊઠ્યા, 'ધેટ ઇઝ ગ્રેઇટ ગુરુભક્તિ!'
સ્વામીશ્રીએ છેલ્લે તેઓને માળા ભેટમાં આપી ત્યારે હર્ષપૂર્વક તેઓ બોલી ઊઠ્યા : 'હું આનો રોજ ઉપયોગ કરીશ.'
‡ તા ૧૯-૭-૨૦૧૦ના રોજ અમેરિકન એમ્બેસીના કોન્સલ જનરલ શ્રી જિમ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. અક્ષરધામનાં દર્શનનો પ્રતિભાવ આપતાં તેઓએ સ્વામીશ્રીને કહ્યું, 'અક્ષરધામનો સંદેશ મને બહુ સ્પર્શી ગયો છે. વ્યક્તિએ કઈ રીતે નિર્ભય રહીને ઉત્તમ જીવન જીવવું અને મૂલ્યોને જીવનમાં રાખીને કઈ રીતે રહેવું એ અહીંથી શીખવા મળે છે. આપના દ્વારા જે કામ થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે ખૂબ જરૂરી છે. આપની જે ભાવના છે એ વૈશ્વિક છે. આપે બધાને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. વિશ્વને આપના સંદેશની ખૂબ જરૂર છે. હું તો માનું છું કે બધાએ અહીં આવવું જોઈએ. બીજાની સંભાળ રાખવી, બીજાને પ્રેમ આપવો, એવો આપે સંદેશ આપ્યો છે. આ સંદેશ હું મારી સાથેના માણસો સાથેના વ્યવહારમાં અમલમાં ઉતારીશ.'
તેઓ વાતવાતમાં ખૂબ ખડખડાટ હસતા હતા. આ જોઈને સ્વામીશ્રીએ તેઓને યોગીજી મહારાજનો ફોટો બતાવીને કહ્યું, 'યોગીજી મહારાજ પણ તમારી જેમ ખૂબ હસતા, અખંડ આનંદમાં રહેતા.'
‡ તા. ૧૯-૭-૨૦૧૦ના રોજ ઉત્તર-પ્રદેશના ગવર્નર શ્રી બી. એલ. જોષી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
વાર્તાલાપ દરમ્યાન શ્રી જોષી કહે, 'લાખો લોકોને આપમાંથી પ્રેરણા મળે છે. મારાં ભાગ્ય છે કે આજે આપનાં દર્શન થયાં. મને એક પ્રશ્ન છે. અમે સંસારી છીએ. ક્યારેક ક્યારેક અહંકાર થઈ જાય છે. અહંકાર કેવી રીતે ઓછો થાય?'
સ્વામીશ્રી કહે, 'જે કામ કરો છો એ ભગવાનની કૃપાથી થાય છે એમ માનવું. 'મેં કર્યું' એમ માનવાથી અહંકાર આવી જાય છે. પણ જે કર્યું એ ભગવાનની ઇચ્છાથી થયું છે, અંદર ભગવાનની શક્તિ છે, એટલે જ કાર્ય થાય છે. આ વાત દૃઢ કરવાથી અહંકાર નહી આવે.'
શ્રી જોષી કહે, 'બૌદ્ધિક રીતે પણ આપની વાત મને યોગ્ય લાગે છે. પણ મનની અંદર જે સૂક્ષ્મભાવ થાય છે એ નીકળી જાય એવા આશીર્વાદ આપો.'
|
|