Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભાવનગરમાં પ્રમુખસ્વામી મહારાજ...

જન જનના કલ્યાણ કાજે ૯૦ વર્ષની ઉંમરે સતત વિચરતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તા. ૨૩-૮-૨૦૧૦ થી તા. ૪-૯-૨૦૧૦ સુધી ભાવનગરમાં અક્ષરવાડી ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં વિરાજીને સત્સંગની હેલી વરસાવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં સતત ૧૩ દિવસ સુધી સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને ગોહિલવાડના હરિભક્તો-ભાવિકો બ્રહ્મરસમાં તરબોળ બન્યા હતા. નિજ નિવાસેથી મંદિરે ઠાકોરજીનાં દર્શને પધારતા સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિઓ સૌ કોઈ માટે અણમોલ સંભારણું બની હતી. મંદિરના પોડિયમ પર બાળકો-યુવકોએ વિવિધ સ્મૃતિ-વિરામો રચીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. મંદિરમાં નિત્ય ઉત્સવનું વાતાવરણ રચાતું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પૂર્વે વિવેકસાગર સ્વામીની રસાળ શૈલીમાં રજૂ થતી કઠોપનિષદ પરની પારાયણનો લાભ પ્રાપ્ત કરી સૌ ભક્તિસાગરમાં નિમગ્ન બન્યા હતા. પારાયણ બાદ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન અને સંતો-યુવકો દ્વારા રજૂ થતી કીર્તનભક્તિનો આસ્વાદ માણીને સૌએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સ્વામીશ્રીના સુદીર્ઘ અને નિરામય સ્વાસ્થ્ય માટે ભાવનગરના વિવિધ વિસ્તારો તેમજ આજુબાજુનાં ગામોના હજારો હરિભક્તો-ભાવિકોએ વ્રત, તપ, પદયાત્રા તેમજ વિશિષ્ટ નિયમો લઈ સ્વામીશ્રીના ચરણે ભક્તિ અદા કરી હતી.
તા. ૨૪-૮-૨૦૧૦ના રોજ વિશાળ નૂતન સભામંડપ 'પ્રમુખસ્વામી મહારાજ પ્રાર્થનાગૃહ'નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.
તા. ૨૭-૮-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ મહુવા ખાતે નિર્માણાધીન શિખરબદ્ધ બી.એ.પી.એસ. મંદિરના પ્રથમ સ્તંભ, ખડસલ અને પેટીનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન તા. ૨૮-૮-૨૦૧૦ના રોજ બાળમંડળના બાળકોએ મંચ પર 'નીલકંઠવણી ચરિત્ર' પર વિવિધ માધ્યમો દ્વારા પારાયણ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
તા. ૩૧-૮-૨૦૧૦ના રોજ 'અભિભાવક કી ડાયરી'(વાલીની ડાયરી પુસ્તકનું હિન્દી ભાષાંતર)નું ઉદ્‌ઘાટન મુનિસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું હતું. ભાવનગર ખાતે સ્વામીશ્રીએ રક્ષાબંધન, કિશોર દિન તેમજ જન્માષ્ટમી પર્વે દિવ્ય સત્સંગ લાભ આપ્યો.
તા. ૪-૯-૨૦૧૦ના રોજ સ્વામીશ્રી ભાવનગરથી વલભીપુર પધાર્યા. ભાવનગર-અમદાવાદ હાઇવે પર નિર્માણાધીન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પધારી, સ્વામીશ્રીએ મંદિરમાં પધરાવવામાં આવનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ સમગ્ર મંદિરના નિર્માણ કાર્યનું પરીક્ષણ કર્યું હતું. વલભીપુર તેમજ આજુબાજુના હજારો હરિભક્તોને દર્શનનું દિવ્ય સુખ આપી સ્વામીશ્રીએ સારંગપુર જવા વિદાય લીધી.
અહીં ભાવનગરમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગ લાભની એક ઝાંખી પ્રસ્તુત છે... 
આગમન
તા. ૨૩-૮-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બોચાસણના સંતો-હરિભક્તોની ભાવભીની વિદાય લઈ સવારે ૧૧:૩૦ વાગે ભાવનગરના આંગણે  પધાર્યા. નગરની ભાગોળે જ ભાવનગર મંદિરના કોઠારી સોમપ્રકાશ સ્વામી તથા શ્રી ભાવેશભાઈ લખાણી અને શ્રી કિરીટસિંહજીએ પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને સન્માન્યા. સૌનો આદર-સત્કાર ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી અક્ષરવાડી ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. અહીં સ્વામીશ્રીનાં દર્શનની એક ઝલક મેળવવા માટે ઊમટેલા હજારો હરિભક્તો-ભાવિકોથી મંદિરનું વિશાળ પરિસર છલકાતું હતું. સૌનાં હૈયે ગુરુહરિનાં દર્શનનો આનંદ સમાતો ન હતો.
આજે સમગ્ર પંથકના હરિભક્તોએ વ્રત-તપ અને પદયાત્રારૂપી ભક્તિ કરી સ્વામીશ્રીના આગમનને વિશિષ્ટ રીતે વધાવ્યું હતું. સૌ હરિભક્તોનો ભક્તિભાવ ભર્યો સત્કાર ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુપરંપરાના જયનાદોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. દર્શન બાદ સ્વામીશ્રી મંદિરના પોડિયમ ઉપર પધાર્યા. પોડિયમની સામે  જ સ્વામીશ્રીને સત્કારવા ઊમટેલા હરિભક્તો-ભાવિકો ગુરુહરિનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા. સૌને દર્શનનું અદ્‌ભુત સુખ આવતું હતું. અહીં જ સ્વામીશ્રીના આગમનને વધાવતી સ્વાગત સભા રચાઈ. ભાવનગર કિશોરી-મંડળે ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલો રાખડીનો હાર સ્થાનિક સંતોએ અર્પણ કરી સ્વામીશ્રીને સત્કાર્યા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |