Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કિશોર દિન

તા. ૨૯-૮-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ભાવનગર કિશોરમંડળના કિશોરોએ 'કિશોર દિન'ની ઉજવણી કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન કિશોરોએ કીર્તનભક્તિ રજૂ કરી ગુરુભક્તિ અદા કરી હતી.
સંધ્યા સમયે ધૂન-પ્રાર્થનાથી આરંભાયેલી રવિ સત્સંગસભા કિશોરદિન નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે વિવેકસાગર સ્વામી પ્રાસંગિક પ્રવચન કરી રહ્યા હતા. પ્રવચન બાદ બાળકો તથા કિશોરોએ 'લ્રષ»ઠથૅ ર્રં થશ્ષિતષ»ષઃ' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. નૃત્યબાદ કિશોરોને પ્રેરણા મળે અને તેમનામાં મૂલ્યનિષ્ઠા દૃઢ થાય એવા મધ્યવર્તી વિચાર સાથે પ્રેરક સંવાદ 'જીવનનાં મૂલ્યો'ની કિશોરોએ પ્રભાવક પ્રસ્તુતિ કરી. ત્યારબાદ વડીલ સંતોએ વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા.
સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં  જણાવ્યું, ''આજે ભાવનગરમાં રવિવારની સભા જોઈને ખૂબ આનંદ થયો. યોગીજી મહારાજની આજ્ઞા છે કે બધા રવિવારની સભા કરે. આપણને લાગે કે બાળમંડળ, કિશોરમંડળ, યુવક-મંડળની સભાઓથી શું થાય ? પણ યોગીજી મહારાજના સંકલ્પે અદ્‌ભુત કાર્ય થઈ રહ્યું છે. જ્યાં જ્યાં આવી સભાઓ થાય છે ત્યાં બાળકો, કિશોરો, યુવકો, હરિભક્તોના પ્રામાણિકતાના પ્રસંગો જોવા મળે છે.
યોગીજી મહારાજે ઘરસભાની વાત કરી. આપણને થાય ઘરસભામાં શું ? ઘરમાં એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાને જાણીએ છીએ, એને શું સમજાવવાનું ? પણ એમાંય સમજાવવાની વાત છે. ઘરમાં જો ભેગા બેસીને કથાવાર્તા સાંભળે, આવા પ્રસંગો સાંભળે તો જીવનમાં પરિવર્તન થાય. ઘરમાં પણ ભાઈ-ભાઈને, બાપ-દીકરાને, સાસુ-વહુને પ્રશ્નો થતા હોય છે, પણ આવી સભાઓથી ઘરનો ક્લેશ પણ દૂર થાય છે, પ્રામાણિકતા પણ વધે છે. એટલે સભાઓ કરવાથી-સાંભળવાથી આપણને પોતાને તો લાભ થાય છે, પણ કુટુંબને અને સમાજને પણ લાભ થાય છે. આપણે શાંતિના ઉપાય તો ઘણા કરીએ છીએ, પણ જ્યાં સુધી આપણું આચરણ સારું ન હોય, આપણા વિચારો સારા ન હોય ત્યાં સુધી શાંતિ થતી નથી. પહેલાં તો આપણે સરસ થવાનું છે, આપણા દુર્ગુણો કાઢવાના છે.
સભામાં થયેલી વાત મનમાં બરાબર લાગી જાય તો સંસાર અસાર થઈ જાય, દુષ્ટ વૃત્તિ સારી થઈ જાય. પરંતુ આ બધું એક દિવસમાં થતું નથી, પણ સાંભળતાં સાંભળતાં ધીમે ધીમે આપણા વિચારો બદલાય છે. એટલે સભામાં આવવાથી ફાયદો જ છે, કોઈ ગેરફાયદો નથી. સભામાં આવવાથી આપણા દુર્ગુણો જાય છે, સ્વભાવ ટળે છે અને સંપ વધે છે. અને જો ઘર સુધરશે તો સમાજ સુધરશે. આપણા અંતરની શુદ્ધિની વાત છે, આપણામાં સારા સંસ્કારો પડે એની માટે આ સભાઓ છે.
'જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગવિલાસ ભાવે.'
આત્મા ને પરમાત્માનું જ્ઞાન જ્યારે દૃઢ થશે ત્યારે સર્વ પ્રકારે સુખિયા થવાશે. આપણે આત્મારૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. જ્યારે અક્ષરરૂપ થવાશે ત્યારે મોહ-મમતા જશે. પોતાનું નથી છતાં મનાઈ ગયું છે એ ભાવ પણ ટળી જાશે. એ જ્ઞાન ન થાય ત્યાં સુધી દુઃખ ને અશાંતિ છે. જન્મ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નહોતા. અને જઈશું ત્યારે સાથે કંઈ લઈ જવાના નથી. જન્મ્યા પહેલાં જગત નહોતું અને મૂઆ પછી પણ નથી. બધા મૂકીને જાય છે, કશું લઈને નથી જતા, તો એનો મોહ-મમતા શા માટે રાખવાં ? આપણે જોઈએ છીએ તોપણ મૂકી શકતા નથી ! એ મૂકવાનું ક્યારે થાય ? આવું જ્ઞાન થાય ત્યારે. તો એને માટે આવો સત્સંગ છે, મંદિર છે, આ સાધુ છે. આવી વાતો સાંભળીએ તો દેહ ને આત્મા જુદા થઈ જાય. આત્મારૂપ મનાય પછી કોઈ ગમેતેમ બોલી જાય તો પણ શાંતિ, શાંતિ ને શાંતિ રહે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે આપણને સાચી વાત આપી છે એ દૃઢ કરવાની છે. એ દૃઢ કરીશું તો સુખિયા, સુખિયા ને સુખિયા.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |