Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

જન્માષ્ટમી પર્વ

તા. ૨-૯-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં જન્માષ્ટમી પર્વની ભક્તિ-ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી આમ બે બે ઉત્સવોમાં સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને ભાવનગરવાસીઓ ધન્ય બન્યા હતા. સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે પોડિયમ પર બાળકો કૃષ્ણ ચરિતમ્‌નાં વિવિધ દૃશ્યો રજૂ કરી રહ્યા હતા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન સંતો-યુવકોએ ઉત્સવને અનુરૂપ પદોનું ગાન કરી ભક્તિ અદા કરી.
પ્રમુખસ્વામી મહારાજ પ્રાર્થનાગૃહમાં રાત્રિના બરાબર ૮-૦૦ વાગે ધૂન-પ્રાર્થનાથી જન્માષ્ટમીના ઉત્સવની વિશિષ્ટ સભાનો આરંભ થયો. હરિભક્તો-ભાવિકોથી મંદિરનો સભામંડપ હકડેઠઠ ભરાઈ ચૂક્યો હતો. સભામંડપની બહાર પણ વિશાળ સંખ્યામાં હરિભક્તો બેઠા હતા. આ સૌને મંચ પરથી રજૂ થતા કાર્યક્રમોનો લાભ પ્રાપ્ત થાય તે માટે પરિસરમાં બે વિશાળ સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં વિશાળ કારાવાસમાં વિરાજેલા બાળ-કૃષ્ણનો શણગાર શોભી રહ્યો હતો. વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ મુંબઈના જાણીતા રીધમ નિષ્ણાત શ્રી શિવમણીએ પોતાની કલા પાવન કરી. ત્યારબાદ બાળકો તથા કિશોરોએ શ્રીકૃષ્ણ લીલાના 'ગૈયા ચરાને આયા દેખો કનૈયા' અને 'ગોવિંદા આલા રે આલા' એ ગીતના આધારે નૃત્ય રજૂ કરી ભક્તિ અદા કરી.
સભાના અંતે સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં જણાવ્યું, 'આજે કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ અને આ ઉત્સવ ભારતમાં દરેક ઠેકાણે ઊજવાય છે. ભગવાન આખી દુનિયાનું કલ્યાણ કરવા માટે પધાર્યા એટલે એનો આનંદ સર્વને હોય જ. ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્યના કલ્યાણ માટે આવે છે એટલે એની સાથે બેસે, વાતચીત કરે એટલે જીવને તેમની સાથે હેત થાય. ભગવાનને નાતજાતનો, નાનામોટાનો, ગરીબ-તવંગરનો ભેદ નથી, એ તો જે એને ભજે એને એ પ્રેમ કરે. ભગવાન આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા આવ્યા છે. પાંડવોને ભગવાન પ્રત્યે પ્રેમ હતો, ભક્તિ હતી, તો મહાભારતના યુદ્ધમાં એમનો વિજય થયો. ભગવાન પાંડવોના પક્ષે એટલા માટે હતા કે એ ભક્તો હતા, એમને ભગવાનને રાજી કરવા હતા. ભજે એના ભગવાન છે. ભગવાનને કૌરવો માટે પ્રેમ ન હતો એવું નહોતું, પણ તેઓ આસુરી ભાવને કારણે ભગવાનને રાજી કરી શક્યા નહીં.
ભગવાન જેના પક્ષે હોય એનો જય થાય છે. જરા વહેલું-મોડું થાય, થોડીક મુશ્કેલીઓ પણ આવે, પણ ભગવાન સહાય કરે છે. ઘણી વાર આપણને ધીરજ રહેતી નથી. આપણને થાય કે ભગવાને કેમ મારું કામ ન કર્યું ? પણ ભગવાન આપણી ભક્તિને જુએ છે. યુદ્ધમાં જ્યાં બે સેનાઓ સામસામે ઊભી છે ત્યાં ભગવાને અર્જુનને એ જ જ્ઞાન આપ્યું. જ્ઞાન વગર શાંતિ ન થાય. જ્ઞાન થાય તો આનંદ થાય. આત્મા-પરમાત્માનું શુદ્ધ જ્ઞાન ભગવાને અર્જુનને આપ્યું તો તેõને બળ આવી ગયું.
'માણસ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ; આદર્યાં અધવચ રહે, હરિ કરે સો હોઈ.'
માણસ એમ માને કે '...આ મેં કર્યું છે, મારાથી થયું છે,' પણ માણસથી કંઈ થઈ શકતું નથી. ભગવાનની શક્તિથી કામ થાય છે. ભગવાનની મરજી સિવાય કાંઈ પણ થતું નથી. આત્મા-પરમાત્માના જ્ઞાનથી જ આપણને શાંતિ ને સુખ થાય છે. ભગવાન શ્રીજીમહારાજે આવીને લોકોમાં સદ્‌ભાવના ને ધર્મની પ્રવૃત્તિ કરી. લૂંટફાટ, ચોરી, દુરાચાર કરતા હતા એ બધાને સુધાર્યા ને સત્સંગી બનાવ્યા. એટલે ભગવાનનું કાર્ય તો સારું જ છે, પણ માણસ પોતાનો સ્વભાવ મૂકી શકતો નથી એણે કરીને દુઃખી થાય છે.
'જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગવિલાસ ભાવે.'
આ નાત-જાત-કુટુંબ-પરિવાર પોતાનું માન્યું છે તો એને માટે આપણે તનતોડ મહેનત કરીએ છીએ, પણ જે ભગવાનના થાય છે અને પોતાનો અહં મૂકીને, પોતાનો સ્વભાવ મૂકીને દાસભાવે એમની ભક્તિ કરે છે તો ભગવાન એનું સારું જ કરે છે. કેટલીક વખત આપણને થાય કે આટલી ભક્તિ - સત્સંગ કર્યા, મહેનત કરી, પણ કાર્ય કેમ ન થયું ? પણ એ કાર્યમાં વાસના-આસક્તિ હોય, એને લઈને અહં વધતો હોય તો ભગવાન એ બધું જીવમાંથી કાઢવા માટે આપણું કાર્ય નથી કરતા. પણ ભગવાને અભિમાન કોઈનું રાખ્યું નથી અને અભિમાનીને કોઈ લાભ પણ થયો નથી. માટે સર્વ કર્તા ભગવાનને માનવા. પાંડવોને દુઃખ પડ્યાં, પણ ભગવાન મૂક્યા નથી તો આજે શાસ્ત્રમાં નામ લખાઈ ગયાં છે. મીરાં, નરસિંહ જેવાં મોટાં મોટાં ભક્તોને પણ સંકટ તો આવ્યાં જ છે, પણ તેમણે ભગવાનનું ભજન મૂક્યું નથી.
શાસ્ત્રમાં આત્મા-પરમાત્માનું આ જ્ઞાન છે. આ જ્ઞાન હોય તો કોઈ જાતનું દુઃખ થાય નહીં, કોઈ મમત્વ ન થાય, કોઈ આસક્તિ ન થાય. જે થયું એ ભગવાનની ઇચ્છાથી - આ જ્ઞાન સુખનું કારણ છે.
'હું ટળે હરિ ઢૂંકડા, તે ટળાય દાસે રે...'
હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું એમ માનીએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં.
આજે કૃષ્ણ જન્મદિને આપ સૌ પધાર્યા છો, તો આનંદ થયો. ભગવાન સર્વને સદ્‌બુદ્ધિ આપે, સારા વિચારો આપે ને સર્વ સુખિયા થાય ને ભગવાનની ભક્તિ વધે, ભગવાન સર્વનું કલ્યાણ કરે, સર્વ સુખિયા થાય એ પ્રાર્થના છે.'
બરાબર ૯-૪૫ વાગે આશીર્વચનની સમાપ્તિ થઈ. ત્યારબાદ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીનું અભિવાદન કર્યું. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં જન્મોત્સવ માટેના પારણામાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ સમક્ષ તેમજ મંદિરના ત્રણેય ખંડોમાં આજે અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીના અભિવાદન બાદ ઉત્સવની ચરમસીમારૂપ ક્ષણ આવી પહોંચી. સ્વામીશ્રીએ પોતાના આસનેથી ઊભા થઈ જન્મોત્સવની આરતી ઉતારી ત્યારે વાતાવરણમાં દિવ્યતા પ્રસરી ગઈ.  આરતી ઉતાર્યા બાદ સ્વામીશ્રી આસન પર વિરાજમાન થયા. સંતોએ 'નંદ ઘેર આનંદ ભયો...' અને 'સોનાના બોર ઝૂલે નંદકિશોર...' કીર્તનનું ગાન કર્યું. કીર્તનના તાલે યુવકો નૃત્ય કરી રહ્યા હતા. એ દરમ્યાન પારણામાં વિરાજિત લાલજીને ઝુલાવી રહેલા સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિ સૌના અંતરપટ પર સદાયને માટે અંકિત થઈ ગઈ. રાત્રિના બરાબર ૧૦-૨૦ વાગે સૌ સ્વામીશ્રીએ આપેલા સત્સંગલાભની સ્મૃતિ કરતાં કરતાં છૂટા પડ્યા. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા અનુસાર આ દિવસે હજારો આબાલવૃદ્ધ હરિભક્તોએ નિર્જળ ઉપવાસ કર્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |