બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિપર્વ તા. ૨૭-૯-૨૦૧૦ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ગુરુહરિનાં ચરણોમાં ભાવઅર્ઘ્ય અર્પણ કરી અનન્ય ગુરુભક્તિ અદા કરી હતી. દૂર-સુદૂરથી આ પ્રસંગનો લાભ લેવા ૧૧,૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. પ્રાતઃ સમયથી જ શાસ્ત્રીજી મહારાજનાં સંસ્મરણો સાથે આ સ્મૃતિ પર્વનો આરંભ થયો. મંદિરના પ્રત્યેક સ્મૃતિવિરામમાં શાસ્ત્રીજી મહારાજનાં વિરલ કાર્યોને ભાવાંજલિ અર્પતાં દૃશ્યો રચવામાં આવ્યાં હતાં. મંદિરના મધ્ય-ખંડમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને પરમહંસોને ભગવાન સ્વામિનારાયણ દૂધપાક પીરસતા હોય એવું સુંદર દૃશ્ય રચવામાં આવ્યું હતું. સ્મૃતિ મંદિરની પ્રદક્ષિણામાં મહિલા સત્સંગમંડળે ભક્તિ-ભાવપૂર્વક શાસ્ત્રીજી મહારાજના દિવ્ય પ્રસંગોને આવરી લેતી કલાત્મક રંગોળી રચી હતી. અહીં શાસ્ત્રીજી મહારાજની ઉત્સવમૂર્તિ દૂધપાક પીરસી રહી હોય તેવું દૃશ્ય સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સ્વામીશ્રી પ્રાતઃપૂજા માટે સભામંડપમાં પધાર્યા ત્યારે સ્મૃતિપર્વ નિમિત્તેની ઉત્સવસભાનો આરંભ થઈ ચૂક્યો હતો. ઘનશ્યામચરણ સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ કીર્તન-ભક્તિ દ્વારા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને ભાવાંજલિ અર્પણ કરી. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિઓને તાદૃશ્ય કરી હતી. ૯:૦૦ વાગે આશીર્વાદની સમાપ્તિ બાદ બ્રહ્મતીર્થ સ્વામી અને ઘનશ્યામપ્રસાદ સ્વામી મંચ પર સ્વામીશ્રી સમક્ષ દૂધપાક લઈને આવ્યા. સ્વામીશ્રીએ ગુલાબના પુષ્પની પાંખડીઓ તેમાં પધરાવી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી. સભાના અંતે હરિભક્તોએ દૂધપાકનો પ્રસાદ ગ્રહણ કરી વિદાય લીધી. |
||