Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વિજયા દશમી

તા. ૧૭-૧૦-૨૦૧૦ના રોજ વિજયા-દશમી અને સમર્પણ દિનની આનંદ-ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી કરી સોરઠ પંથકના હરિભક્તો-ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. વળી, આજનો દિવસ જૂનાગઢવાસીઓ માટે વિશેષ મહત્ત્વનો હતો. વિજયાદશમીના પવિત્ર દિવસે સ્વામીશ્રીએ જૂનાગઢ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું, એ પ્રસંગની સ્મૃતિમાં મંદિરમાં ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ મંદિરમાં પધારી ઠાકોરજીની આરતી ઉતારી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
સંધ્યા સમયે યોજાયેલી વિજયાદશમી અને સમર્પણ દિન નિમિત્તેની વિશિષ્ટ સભાનો લાભ પ્રાપ્ત કરવા હરિભક્તો-ભાવિકો દૂર-દૂરથી અહીં ઊમટ્યા હતા. સમગ્ર સભામંડપ હકડેઠઠ ભરાઈ ગયો હતો. બરાબર ૬:૩૦ વાગે સ્વામીશ્રી સભામાં પધાર્યા. ત્યાગવલ્લભ સ્વામી અને ઘનશ્યામચરણ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા ઉત્સવનો મર્મ સમજાવ્યો. ત્યારબાદ છાત્રાલયના કિશોરો અને જૂનાગઢ કિશોરમંડળના કિશોરોએ હરિનારાયણ સ્વામી રચિત 'સર કરો... સર કરો... સોરઠ આખું સર કરો...' નૃત્ય રજૂ કર્યું. નૃત્ય દરમ્યાન સ્વામશ્રીએ ધજા ફરકાવી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે વિજયાદશમીના દિવસે આપ સૌના જીવનમાં પણ વિજય થાય. ધન-ધામ-કુટુંબ-પરિવાર ભગવાનને અર્થે થાય અને એ ભાવના જીવમાં વધુ દૃઢ થાય.
બધું થાય, પણ દાન કરવું એ તો ભાગ્ય હોય તો થાય છે. આવા ઉત્સવમાં આપણાથી યથાશક્તિ જે કાંઈ સેવા થાય એ કરવી. ભગવાન તો કોઈનાથી તોલાય એવા છે જ નહીં. પણ એમણે આપણા ઉપર દયા કરીને, આવા પ્રસંગો યોજીને આ લાભ આપ્યો છે. 'દડષ ફુððશ્િ ઠડષ ફુરુ...ણ્' આપણા દેહ માટે જે કંઈ કરીએ છીએ એવું ભગવાનને માટે પણ કરવું. આ દેહ ભગવાને આપ્યો છે ને આ દેહે કરીને આપણે બધું કાર્ય કરીએ છીએ. દેહ માટે થાય છે તો પછી ભગવાન માટે તો થવું જ જોઈએ. બુદ્ધિ-શક્તિ-આવડત એમણે આપી છે. એનાથી આપણે બધું પ્રાપ્ત કર્યું છે. એટલે 'બધું ભગવાનનું છે' એવી નિષ્ઠા ને સમજણ હોય તો આ વિચાર આવે.
ભગવાને બુદ્ધિ સારા કામ માટે આપી છે. વહેવાર-સંસારમાં, ભગવાને આપ્યું છે ને ભગવાન માટે કરવાનું છે એવી ભાવના હોવી જોઈએ. ભગવાન માટે અને આવા શુભ કાર્ય માટે આપીએ છીએ તો એનું અનંત ગણું થઈને આવે છે. સારી જમીનમાં વાવીએ તો સારું ફળ મળે છે, એમ આ ભગવાનની ભૂમિ છે, ભગવાન ને સંત માટે કરીએ છીએ તો એમાંથી ઘણું ફળ મળે છે. ભગવાન કહે છે એક ગણું દાન ને અનંત ગણું પુણ્ય. તો ભગવાન બધાને ખૂબ ખૂબ અનંત ગણું ફળ આપે, સર્વ પ્રકારે સુખી પણ કરે ને ભવિષ્યમાં પણ આપણાં કાર્યો થયાં જ કરે ને આપણે પણ એ માર્ગે ચાલી સુખિયા થવાય એવી બળ-શક્તિ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના છે.'
આશીર્વાદની સમાપ્તિ બાદ હરિકૃષ્ણ મહારાજની પાલખીયાત્રા આવી પહોંચી. તુલામાં હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન થયા. વડીલ સંતોએ શુભ સંકલ્પ સાથે ઠાકોરજીનું પૂજન કર્યું. ત્યારબાદ સ્વામીશ્રી તથા તુલામાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનાં સમીપ દર્શન કરી સૌ કૃતાર્થ થયા. સભાની સમાપ્તિ બાદ ઉપસ્થિત તમામ હરિભક્તોએ દશેરા નિમિત્તેનો વિશિષ્ટ પ્રસાદ ગ્રહણ કરી વિદાય લીધી.

આમ, જૂનાગઢ ખાતે ૧૦ દિવસનો દિવ્ય સત્સંગલાભ આપી સ્વામીશ્રીએ ગોંડલ જવા વિદાય લીધી.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |