|
વિશ્વશાંતિ મહાયાગ
તા. ૨-૧૧-૨૦૧૦, વિક્રમ સંવત ૨૦૬૬, આસો વદ ૧૧, મંગળવાર. આજના પરમ પવિત્ર દિવસે ગુરુપરંપરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશ્વશાંતિ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોશાળા સામે આવેલી અક્ષરવાડીમાં યજ્ઞમંડપની રચના કરવામાં આવી હતી. આ યજ્ઞવિધિ માટે રચાયેલા કુલ ૧૩૬ કુંડમાં ૧૩૫૪ યજમાનો અને ૭ કુંડમાં મુખ્ય ૫૪ યજમાનો બેઠા હતા.
વહેલી સવારના મંગલમય મુહૂર્તમાં ત્યાગવલ્લભ સ્વામીની ઉપસ્થિતિમાં વિશ્વશાંતિ મહાયાગ નિમિત્તે શ્રી હરિકૃષ્ણ મહારાજનો પૂજનવિધિ આરંભાયો. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રી આ યજ્ઞવિધિમાં પધાર્યા. સંસ્થાના પુરોહિત ઘનશ્યામભાઈ શાસ્ત્રી, મૂકેશભાઈ, વજેશંકરભાઈ વગેરે ભૂદેવો આ મહાયાગવિધિ કરાવી રહ્યા હતા. સ્વામીશ્રીના આગમન બાદ યજ્ઞનો પ્રારંભ વિધિ શરૂ થયો. સ્વામીશ્રીની બરાબર સામે અહીં પ્રતિષ્ઠિત થનાર ગુરુપરંપરાની મૂર્તિઓ તેમજ અમદાવાદના અમરાઈવાડીમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ શોભી રહી હતી. હરિકૃષ્ણ મહારાજનું વિધિવત્ પૂજન-અર્ચન અને ન્યાસવિધિ સંપન્ન થયા બાદ સ્વામીશ્રીએ આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી. મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી અને ઈશ્વરચરણ સ્વામીએ પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું પૂજન કર્યું.
અંતમાં સૌ પર અમૃત આશિષ વર્ષાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે ગોંડલ સાક્ષાત્ ગુણાતીત સ્થાનમાં યજ્ઞ થાય છે ને એનો વિધિ ભૂદેવોએ સારી રીતે કરાવ્યો છે. જોગી બાપાએે આ સ્થાનમાં રહીને હજારો હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે, સુખ આપ્યું છે, એવું આ મહાન સ્થાન છે. આ ચમત્કારિક સ્થાન છે એટલે દરેકને કંઈક ને કંઈક ચમત્કાર થાય છે, આકર્ષણ થાય છે, કંઈકના સંકલ્પો પણ પૂરા થાય છે. એટલે દરેકને ભાવ થાય કે આ સ્થાનનાં દર્શન કરીએ, ભક્તિ-સેવા કરીએ. એ સ્થાનની સેવા આપણને મળી છે એ અદ્ભુત છે.
આ સ્થાનમાં મૂર્તિઓ પધરાવવાની છે એ માટે યજ્ઞ કરવામાં આવ્યો છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને તને મને ધને સુખિયા કરે. યજ્ઞમાં જેણે જેણે તન-મન-ધનથી સેવા કરી છે એ બધાને મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સર્વ પ્રકારે સુખિયા કરે. હંમેશને માટે એમના જીવમાં અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન દૃઢ થાય અને બીજાને પણ આ જ્ઞાન આપે એવી બળ-શક્તિ મહારાજ સર્વને આપે એ પ્રાર્થના છે.
આ ગોંડલ જેવા સ્થાનમાં લાભ મળ્યો છે એ મોટાં ભાગ્ય છે. ઘણે ઠેકાણે જન્મ-મરણ થયા છે, પણ આવો જોગ કોઈ દિવસ મળ્યો નથી. હવે જન્મમરણ રહ્યું નહીં. હવે તો અક્ષરધામમાં એ બેઠા છે એમની સાથે આપણને બેસાડશે અને સર્વને સુખિયા કરશે. જ્ઞાન-સમજણ સર્વના જીવનમાં દૃઢ થાય ને સર્વ સુખિયા થાય એ આશીર્વાદ છે.'
યજ્ઞવિધિનો પ્રારંભ કરાવી સ્વામીશ્રી નિજનિવાસે પધાર્યા.
|
|