|
મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ...
તા. ૪-૧૨-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બોચાસણથી મુંબઈ પધાર્યા. મુંબઈવાસીઓને સ્વામીશ્રીનાં દર્શન-સત્સંગનો અણચિંતવ્યો દિવ્ય લાભ પ્રાપ્ત થયો હતો. તબીબોની સલાહ મુજબ સ્વાસ્થ્ય પરીક્ષણ માટે મુંબઈ પધારેલા સ્વામીશ્રીની તબિયત સ્વસ્થ છે. પ્રાતઃ સમયે દાદરના બી.એ.પી.એસ. મંદિરમાં જાણે નિત્ય ઉત્સવનો માહોલ રચાય છે. વિશાળ યોગી સભાગૃહમાં સ્વામીશ્રીનાં પ્રાતઃપૂજા-દર્શન સાથે સંતો તેમજ જાણીતા કલાકારોના સુમધુર કંઠે ભક્તિસંગીતનો આસ્વાદ માણીને હજારો હરિભક્તો દિવ્ય આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે. પ્રત્યેક રવિવારે રવિસત્સંગ સભામાં સ્વામીશ્રીની અમૃતવાણીનું પાન કરીને સૌ કોઈ અદ્ભુત અધ્યાત્મ જ્ઞાન પામી રહ્યા છે. વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો પણ સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે પધારી, આશીર્વાદ મેળવી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.
મુંબઈ ખાતેનું સ્વામીશ્રીનું રોકાણ હરિભક્તો-ભાવિકો માટે સવિશેષ યાદગાર બની રહ્યું છે. તા. ૧૩-૧૨-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીના ૯૦મા જન્મજયંતી દિને દેશ-વિદેશના લાખો હરિભક્તોએ આસ્થા ટીવી ચેનલના માધ્યમથી ગુરુહરિનાં ચરણોમાં ભાવ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ જ દિવસે મુંબઈ મંદિરના પાટોત્સવ નિમિત્તે ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ ઠાકોરજીની આરતી ઉતારી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. ïવળી, આજ રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડા ખાતે કંપાલા શહેરમાં મંદિર સુવર્ણ મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાઈ રહ્યો હતો. તેથી સ્વામીશ્રીએ ટેલિફોન દ્વારા સુવર્ણજયંતી ઉત્સવ નિમિત્તે પૂર્વ આફ્રિકાના હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. તા. ૧૬-૧૨-૨૦૧૦ થી સતત એક મહિના સુધી મુંબઈવાસીઓને મંદિરમાં ઠાકોરજી તેમજ સ્વામીશ્રીનાં દર્શનનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત થયો હતો. ધનુર્માસ દરમ્યાન સ્વામીશ્રી નિત્ય એક બોધવચન સ્લેટ પર લખી આપતા હતા. ઠાકોરજી સમક્ષ મૂકવામાં આવેલા આ બોધવચનને વાંચીને સૌ દર્શનાર્થીઓને બ્રહ્મવિદ્યાના પાઠો શીખવા મળ્યા હતા.
તા. ૨૪-૧૨-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ સેલવાસમાં બંધાનારા સભામંડપની ઈંટોનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું હતું. તા. ૨૮-૧૨-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં પ્રખ્યાત રીધમિસ્ટ શ્રી શિવમણિએ સંગીત પીરસીને પોતાની કળા પાવન કરી હતી.
તા. ૫-૧-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ સોજિત્રા તાલુકાના ડાલી, પેટલાદ તાલુકાના આમોદ અને સાંકરી પાસે આવેલા માંડવી તાલુકાના ગોદાવાડી ગામનાં નૂતન બી.એ.પી.એસ. મંદિરોની મૂર્તિઓનું વેદોક્ત પૂજન કર્યું હતું. તા. ૧૪-૧-૨૦૧૧નો દિન મુંબઈના હરિભક્તો-ભાવિકો માટે વિશેષ સ્મૃતિદાયક બન્યો હતો. આ દિવસે સ્વામીશ્રીએ ઝોળી માટે 'નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો...'ની આહ્લેક કરી ઉપસ્થિત સૌને દિવ્ય સ્મૃતિ આપી હતી.
અહીં મુંબઈમાં તા. ૪-૧૨-૨૦૧૦ થી તા ૧૬-૧-૨૦૧૧ સુધી સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તા. ૪-૧૨-૨૦૧૦ના રોજ બોચાસણથી સાંજે ૪-૦૦ વાગે મુંબઈ જવા માટે વિદાય લીધી. ૪-૫૦ વાગે સ્વામીશ્રી વડોદરાના હરણી હવાઈમથક પર પધાર્યા. સ્વામીશ્રીનાં દર્શનની એક ઝલક મેળવવા માટે જાણે આખું વડોદરા શહેર ઊમટ્યું હતું. અહીં હવાઈમથકના અધિકારીઓએ સ્વામીશ્રીનું આદરપૂર્વક સ્વાગત કર્યું.
બરાબર સાંજે ૬:૩૦ વાગે સ્વામીશ્રી મુંબઈ પધાર્યા. હવાઈ મથક પર જ મુંબઈ મંદિરના કોઠારી અભયસ્વરૂપ સ્વામી, હવાઈમથકના અધિકારી શ્રી હરિહરન્ તેમજ અન્ય અધિકારીઓએ સ્વામીશ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું. સૌનું અભિવાદન સ્વીકારી, આશીર્વાદ પાઠવી સ્વામીશ્રી દાદર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. પ્રાણપ્યારા ગુરુહરિનાં_ દર્શન માટે અહીં હરિભક્તોની ભીડ જામી હતી. સૌપ્રથમ સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. અહીં પૂજારી કલ્યાણદર્શન સ્વામી અને શાંતદર્શન સ્વામીએ ઠાકોરજીનો પ્રાસાદિક પુષ્પહાર સ્વામીશ્રીને અર્પણ કરી સ્વાગત કર્યું. ઉપસ્થિત સૌ હરિભક્તોએ તાળીઓના ગડગડાટ અને જયનાદોથી સ્વામીશ્રીને વધાવ્યા. અભિષેક-મંડપમ્માં શ્રી નીલકંઠ-વણીના દર્શન કરી સ્વામીશ્રી નવા રચાયેલા સંત-નિવાસ 'પ્રમુખ-સદન'ના મુખ્ય પ્રવેશદ્વાર આગળ પધાર્યા. આજે આ સંત-નિવાસનો ઉદ્ઘાટન વિધિ હતો.
વૈદિક મંત્રોના ગાન વચ્ચે સ્વામીશ્રીએ નાડાછડી છોડી આ ઉત્તુંગ સદનનું ઉદ્ઘાટન કર્યું. હરિકૃષ્ણ મહારાજ સાથે સ્વામીશ્રી નવા રચાયેલા સંતનિવાસમાં પધાર્યા. સ્વામીશ્રીના આગમનની આ દિવ્ય સ્મૃતિઓ સાથે સૌએ વિદાય લીધી.
|
|