|
ઉત્તરાયણ પર્વ
તા. ૧૪-૧-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલા ઉત્તરાયણ પર્વનો લાભ પ્રાપ્ત કરવા વહેલી સવારથી જ ઊમટેલા હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પરિસર છલકાતું હતું. મંદિરનું સર્વત્ર વાતાવરણ ઉત્તરાયણમય હતું. યત્ર તત્ર સર્વત્ર રંગબેરંગી પતંગોના શણગાર શોભી રહ્યા હતા. મંદિરના ત્રણેય ખંડમાં પતંગના શણગાર સજવામાં આવ્યા હતા. ઘનશ્યામ મહારાજ પતંગના વાઘા ધારણ કરી દર્શનદાન આપી રહ્યા હતા. મધ્ય ખંડમાં ઝોળી માગવા સંતો જાય અને ઘરના આંગણે ઊભા રહે, એવું ખોરડાનાં આંગણાનું દૃશ્ય રચવામાં આવ્યું હતું.
ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતાં કરતાં સ્વામીશ્રી યોગીસભાગૃહમાં પ્રાતઃ પૂજામાં પધાર્યા. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં તથા આજુબાજુ પતંગના શણગાર શોભી રહ્યા હતા. વળી, 'સત્રષષદ્ઘ ફુસ.િ..શ્' નાદ દૃશ્યો દ્વારા જોઈ શકાતો હતો. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ આસન પરથી ઊભા થઈ, બંને ખભે ઝોળી લટકાવી પરંપરાગત શૈલીમાં 'સ્વામિનારાયણ હરે...! સચ્ચિદાનંદ પ્રભો...!' આહ્લેક લગાવી ત્યારે સૌનાં રોમેરોમમાં રોમાંચ પ્રસરી ગયો હતો. ઊભાં ઊભાં આશીર્વાદ આપતાં જણાવ્યું : 'આજે ઉત્તરાયણ પર્વ છે અને આપણા ભારત દેશની અંદર આ પર્વ સર્વત્ર ઊજવાય છે. શ્રીજીમહારાજના વખતથી આ પર્વમાં બધા હરિભક્તો ખૂબ ઉદાર દિલે દાન કરે છે. શ્રીજીમહારાજના વખતમાં સંતો ગામેગામ ઝોળી માગવા જતા. તેઓની સંતોને આજ્ઞા હતી કે ઝોળીમાં જે આવે એનાથી જ તમારે નિર્વાહ કરવો અને સત્સંગ કરાવવો. શાસ્ત્રીજી મહારાજે અને જોગી મહારાજે પણ ખૂબ ઝોળી માગી છે. સારંગપુર મંદિર થતું ત્યારે ઘણી આર્થિક મુશ્કેલીઓ હતી. તે ઘડીએ તો માગીને જે આવે એમાંથી નિર્વાહ કરવાનો હોય. જોગી મહારાજ અને મહાનત સ્વામી એ બે ગામોગામ ઝોળી માગવા જાય. ઝોળી માગીને આવે પછી મંદિરમાં રસોઈ થાય અને બધા જમે.
સંતોને ધન-સ્ત્રીના ત્યાગનો નિયમ, એટલે ગામડે જાય ત્યારે ભિક્ષા ઘરમાં જઈને તો મંગાય નહીં. શ્રીજીમહારાજની આજ્ઞા છે કે 'મર્યાદામાં રહીને ધર્મ-નિયમ સચવાય એ રીતે કાર્ય કરવું.' એટલે સંતો ફળિયા વચ્ચે ઊભા રહી આહ્લેક જગાવે. સાથે હોય એ યુવકો-હરિભક્તો ઘરમાં જઈ લઈ આવીને સંતોની ઝોળીમાં નાખે. તે ઘડીએ ઝોળી માગવા જાય ત્યારે ઘરમાં હોય એને સાધુ આવ્યા છે એવી ખબર કેવી રીતે પડે ? એટલે એને માટે આહ્લેક જગાવે. એ આહ્લેક કેવી રીતે જગાવતા ?' એટલું કહીને સ્વામીશ્રીએ ઉચ્ચ અને સ્વરે લંબાવીને 'સ્વામિનારાયણ હરે..! સચ્ચિદાનંદ પ્રભો..!' એમ આહ્લેક લગાવી. ત્યારબાદ પુનઃ વાતનો દોર લંબાવતાં તેઓએ કહ્યું, 'એક સાધુ આવું બોલે એની સાથેના સાધુ પણ આવું બોલે. 'સ્વામિનારાયણ હરે...! સચ્ચિદાનંદ પ્રભો...!' તે વખતે ઝોળી ઉપર જ બધાં મંદિર થયાં છેõ અને આ સત્સંગ પણ વધ્યો છે. આ ઉત્સવમાં આપ પોતાનું તન, મન, ધન અર્પણ કરીને ભગવાનને રાજી કરી શક્યા છો. એવું ને એવું બળ ભગવાન સર્વને આપે, સૌ સર્વ પ્રકારે સુખિયા થાય, બધાના દેશકાળ સારા રહે, દરેકના ઘરમાં સુખ-શાંતિ રહે, વેપાર-ધંધામાં પણ સુખ-શાંતિ રહે ને ભગવાન સર્વને શાંતિ-સંપત્તિ આપી સુખિયા કરે એ પ્રાર્થના છે.'
આજે અણધાર્યો લાભ પામીને સૌ ધન્ય થઈ ગયા.
|
|