Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગુણાતીત દીક્ષા દિન

પોષી પૂનમનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનન્ય મહત્ત્વ છે. ભગવાન સ્વામિનારાયણે આ પરમ પવિત્ર દિવસે ડભાણમાં મૂળજી શર્માને દીક્ષા આપી સમગ્ર સંપ્રદાયને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ભેટ આપી.  
પરમ પૂજ્ય પ્રમુસ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં તા. ૧૯-૧-૨૦૧૧ના રોજ ૨૦૨ વર્ષ પહેલા યોજાયેલા આ દિવ્ય અવસરની સ્મૃતિ કરવામાં આવી હતી. મંદિરના મધ્ય ખંડમાં ઠાકોરજી સમક્ષ તથા યોગી સભાગૃહમાં સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના મંચ પર ભગવાન સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી રહ્યા હોય તેવું દૃશ્ય ખડું કરવામાં આવ્યું હતું. પ્રાતઃપૂજા દરમિયાન સંતો-યુવકોએ આજના પ્રસંગને અનુરૂપ ભક્તિપદોનું ગાન કરી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને સ્વામીશ્રીનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી.
તા. ૨૩-૧-૨૦૧૧ના રોજ રવિ સત્સંગસભામાં પ્રતીક ગુણાતીત દીક્ષા-દિનની વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા સમયે યોગી સભાગૃહમાં યોજાયેલી આ સભામાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે આદર્શજીવન સ્વામી લિખિત 'ચિરંજીવ ગુણાતીત' સંવાદ પ્રસ્તુત થઈ રહ્યો હતો. ગુણાતીત ગુરુપરંપરામાં જોવા મળતું સામ્ય તેમના પ્રસંગોની અદ્‌ભુત શૃંખલા દ્વારા સૌએ અનુભવ્યું. સંવાદમાં ïïવિષયને અનુરૂપ પ્રવચનો વણી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગોનું પાન સૌને કરાવ્યું. ત્યારબાદ મુંબઈ સત્સંગ-મંડળના યુવકોએ 'ઢોલ ઢમકે, ઝાંઝ ઝમકે' ગીતના આધારે ભક્તિનૃત્ય રજૂ કર્યું. સભામાં ઉપસ્થિત સૌનાં હૈયાં ગુણાતીત-આનંદથી પુલકિત થઈ ઊઠ્યાં હતાં. 
સભાના અંતમાં આજના ઉત્સવ પ્રસંગે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું: 'આજે ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાદિવસ છે. પોષી પૂનમે ડભાણમાં યજ્ઞ કરીને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી એવો આ પવિત્ર દિવસ છે. મહારાજ અને સ્વામીએ આ પૃથ્વી પર પધારી જે સંકલ્પ કર્યા એ સંકલ્પને શાસ્ત્રીજી મહારાજે સાકાર કર્યા. શાસ્ત્રીજી મહારાજે અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન મૂર્તિમાન કર્યું અને જોગી મહારાજે એનો વિસ્તાર કર્યોે. આ કાર્ય કરવામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે ખૂબ ખૂબ સહન કર્યું છે.
આવા પુરુષો મળ્યા એ આપણાં મોટાં ભાગ્ય છે ને એમનામાંથી જ શીખવાનું છે કે નિર્માનીપણે રહીને સત્સંગની સેવા કરવી. એમનો સંકલ્પ હતો કે બધામાં સત્સંગની વૃદ્ધિ થાય તો બાળમંડળ, કિશોરમંડળ, યુવકમંડળ, હરિભક્તોનાં મંડળો થયાં છે. તેમના સંકલ્પથી જ બધા ગામોગામ તૈયાર થયા છે, સત્સંગ પણ વધ્યો છે ને મંદિર પણ વધ્યાં છે.
આપણે જીવનમાં એટલી જ વસ્તુ સમજવાની છે કે આપણે કંઈ ભૂલા પડ્યા નથી, આપણે કંઈ ખોટમાં નથી, આપણે લાભમાં જ છીએ. પણ આપણા મનમાં નિષ્ઠા, દૃઢતા અને વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો જ આ કામ થાય. 'ૐષત્ર્ષ ળરુüલષદ્ઘ થષઠષ।' ભગવાનમાં શ્રદ્ધા હોય એનું કામ થાય છે. આ રસ્તો સાચો છે. જેટલું કાંઈ નથી થતું એમાં કસર આપણી છે. આપણને શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય તો કામ ન થાય. આજે બધાને એવી શ્રદ્ધા થઈ છે તો આવા સમૈયા-ઉત્સવ થાય છે ને ઠાકોરજીની સેવા થાય છે. તો આ વાત સાચી છે એવી મનમાં દૃઢતા રાખી, વિશ્વાસ રાખી કાર્ય કરવાનું છે. પાયાની વાત એક જ છે, અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન. આ જ્ઞાન વેદોક્ત છે, શાસ્ત્રોક્ત છે. શાસ્ત્રીજી મહારાજે એમનેમ ઊભું કરેલું નથી, પણ સાચી વાત છે. આ વાત સાચી છે એવી શ્રદ્ધા બેસે તો કામ થાય. આપણે એવું નથી કે ઘેંસમાં હાથ પડ્યો છે. આપણે તો ભગવાન ને સંતનો આવો પ્રતાપ છે એટલે સારામાં સારો લાભ થયો છે.
'દૃઢતા જોઈને, મદદ કરે મુરારિ.' પૂર્વે જે જે ભક્તો થઈ ગયા તો એમની દૃઢતા જોઈને ભગવાને એમની મદદ કરી છે, સંભાળ રાખી છે. મૂળ આ વસ્તુ સાચી છે એ મનાવું જોઈએ. લોકોને સમજાવીને છેતરવા માટે વાત કરી હોય એવું નથી. જ્યાં સુધી આપણને આ જ્ઞાન થયું નથી ત્યાં સુધી આપણને કસર રહે છે. અક્ષર-પુરુષોત્તમના, આત્મા-પરમાત્માના, બ્રહ્મ-પરબ્રહ્મના, સ્વામી ને નારાયણના જ્ઞાનની દૃઢતા થાય તો આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ એ માન્યતા દૃઢ થઈ જાય. આ જ્ઞાનની દૃઢતા થાય પછી જગતની ગમે એટલી મુશ્કેલીઓ ને ગમે એટલા પ્રશ્નો આવે, પણ તે આપણને આડા આવતા નથી. પણ જો જ્ઞાનની દૃઢતા ન હોય તો થાય કે આટલો સત્સંગ કર્યો, આટલી સેવાઓ કરી પણ કાંઈ કામ થયું નહીં. એમાં અવિશ્વાસ આવી જાય. આ જ્ઞાનની જેમ વાત કરશો એમ દૃઢતા વધારે થશે. ભગવાનનો આશરો થયો છે, આવો લાભ થયો છે, તો લાભ મૂકશો નહીં. આ આત્મા-પરમાત્માના જ્ઞાનનો લાભ થયો છે તો બધાને એની વાત કરવી. એ માટે બધાને બળ મળે એ આશીર્વાદ.'

 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |