|
યોગીજી મહારાજ સ્મૃતિપર્વ
તા. ૨૬-૧-૨૦૧૧ થી તા. ૩૦-૧-૨૦૧૧ સુધી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સ્મૃતિ પર્વનું આયોજન કરીને મુંબઈ સત્સંગમંડળે વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી. આ પાંચ દિવસો દરમ્યાન સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન સૌ માટે વિશેષ સ્મૃતિદાયક બન્યાં હતાં. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સૌપ્રથમ યોગીજી મહારાજના દિવ્ય સ્વરમાં કીર્તન રજૂ થતું અને ત્યારબાદ બાળ-કિશોર કાર્યકરો પ્રેરક પ્રવચન દ્વારા યોગીજી મહારાજના દિવ્ય પ્રસંગોની સ્મૃતિ કરાવતા હતા. આ દિવસો દરમ્યાન મુંબઈનાં ઉપનગરોમાંથી હજારો હરિભક્તોએ પદયાત્રા કરીને ગુણાતીત ગુરુવર્યોનાં ચરણોમાં ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
તા. ૨૯-૧-૨૦૧૧ને પોષ વદ એકાદશીનો દિવસ હરિભક્તો-ભાવિકો માટે વિશેષ સ્મરણીય બન્યો હતો. આજે યોગી સભાગૃહમાં સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાની પાટની બાજુમાં જ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ બિરાજમાન હોય તેવું દૃશ્ય શોભી રહ્યું હતું. ગુરુહરિની પ્રાતઃ પૂજાનાં દર્શન કરી સ્વામીશ્રી સવિશેષ પ્રસન્ન થયા. પ્રાતઃપૂજામાં ઉપસ્થિત સૌ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાનાં દર્શનનો એકસાથે લાભ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.
તા. ૩૦-૧-૨૦૧૧ના રોજ રવિ સત્સંગસભા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનાં ચરણોમાં સમર્પિત હતી. આજની આ વિશિષ્ટ સભામાં 'યોગીજી સુખકારી' મધ્યવર્તી વિચાર સાથે વિવિધ કાર્યક્રમોની અદ્ભુત ગૂંથણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત 'એક કથા કહું તમે સાંભળજો સત્સંગી સંસારી' ગીતની અભિવ્યક્તિ નૃત્ય દ્વારા થઈ રહી હતી. ગીતની પંક્તિઓના આધારે પ્રીતમ-પ્રસાદ સ્વામી, જ્ઞાનવત્સલ સ્વામી, આદર્શજીવન સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ યોગીજી મહારાજના દિવ્ય પ્રસંગોનું રસપાન સૌને કરાવ્યું. યુવકો-કિશોરોના ભક્તિનૃત્ય બાદ 'યોગીજીના એક માત્ર વારસદાર પરમ પૂજ્ય સ્વામીશ્રી' વિષયક વીડિયો શો રજૂ થયો.
સભાના અંતમાં સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'ભગવાન શ્રીજીમહારાજ સર્વોપરિ, સર્વ અવતારના અવતારી, આ પૃથ્વી પર પોતાનું ધામ લઈને પધાર્યા ને હજારોને એમનાં દર્શનથી સુખ-શાંતિ થઈ. એમણે વેદોક્ત-શાસ્ત્રોક્ત બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન આપ્યું. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરી ને એનું પ્રતિપાદન કર્યું. શાસ્ત્ર ભણેલા વિદ્વાન સંતો તૈયાર કર્યા. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન જે મહારાજે આપ્યું છે એ સાચું છે, શાસ્ત્રોક્ત છે, જીવના કલ્યાણ માટે છે. મહારાજનું આ જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામીએ લોકોને સમજાવ્યું. ગુણાતીતનો મહિમા ભગતજીએ સૌને સમજાવ્યો અને આ વાત જ્યારે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને સમજાવી પછી શાસ્ત્રીજી મહારાજે આ કાર્ય ઉપાડ્યું. શાસ્ત્રીજી મહારાજને આ કાર્ય કરવામાં ઘણાં કષ્ટ ને દુઃખ વેઠવાં પડ્યાં, પણ શાસ્ત્રીજી મહારાજ અડગ રહ્યા. જોગી મહારાજે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ને વિચાર પ્રમાણે કાર્ય કર્યું. મહારાજની વાત સાચી છે ને જગતને એ વાત સમજાય એને માટે શાસ્ત્રીજી મહારાજે ને યોગીજી મહારાજે પાયા મજબૂત નાખ્યા છે.
અક્ષરરૂપ થયા સિવાય, બ્રહ્મરૂપ થયા સિવાય માયાનો ભાવ ટળતો નથી. તો એ માયાના ભાવને ટાળવા સ્વામીએ આ પ્રયત્ન કર્યો અને દુઃખ વેઠીને ગામોગામ ફર્યા. 'માન અપમાન મેં એકતા, સુખદુઃખ મેં સમભાવ; અહીં કે સુખ અલ્પ હૈ, નહિ સ્વર્ગ લુચાવ.'
સુખ-દુઃખ વેઠીને સાચી વાત છતરાઈ થઈ છે. જોગી મહારાજની સાધુતા, નિર્માનીપણું, સેવકપણું, દાસપણું ને એમનો પ્રેમ હતો તો આજે આવા વિદ્વાન સંતો તૈયાર થયા છે. દેશ-પરદેશમાં સત્સંગ વધે, ભણેલા-ગણેલા વિદ્વાન સાધુ તૈયાર થાય એ જોગી મહારાજનો સંકલ્પ હતો. આ માટે તેઓ અક્ષરદેરીમાં ધૂન કરતા. એમના સંકલ્પથી આ બધું કાર્ય થયું છે. એટલે જો પાયો મજબૂત હોય તો ઇમારત ગમે એટલી ઊંચી કરો તો વાંધો ન આવે.
આ પુરુષ જીવનું કલ્યાણ કરવા, અનેકના મોક્ષ માટે આવ્યા હતા. આવા મોટા કાર્યમાં મુશ્કેલી આવે, પણ એને ગણકારી નથી. એ સામાન્ય ન હતા. સાધુ થઈને માર ખાધા છે, અપમાન સહન કર્યાં છે, પણ તેમને એક જ વાત હતી કે મહારાજે આ જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાનને આપણે છતરાયું કરવું છે. 'સુખ-દુઃખમાં સમભાવ ને માન-અપમાનમાં એકતા' એ સૂત્ર જોગી બાપાના જીવનમાં જોવા મળતું.
'દાસના દાસ થઈ, જે રહે સત્સંગમાં; ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં.'
ભગવાનના ભક્તના દાસના દાસ થવાનું છે. આ તો બહુ મોટી વાત છે. ઘરમાં નોકરના નોકર થવાય ? અશક્ય. પણ એમણે એ કરી બતાવ્યું છે, એનાથી સત્સંગનો વિકાસ થયો છે. આજે આપણે જે જોઈએ છીએ એ કેવળ એમનો પ્રતાપ છે, એમની દૃષ્ટિ ને આશીર્વાદ છે. દિલ્હીમાં જમુનાને કિનારે અક્ષરધામ થયું એ પણ એમનો સંકલ્પ હતો. એમનો એ સંકલ્પ દૃઢ હતો તે જમુનાને કિનારે જમીન મળી ને મંદિર થયું. આવા મોટા સંકલ્પ એમના હતા તો આ બધાં કાર્ય થયાં છે. એટલે મૂળ તો એમનો જ પ્રતાપ છે. આપણાથી તો ધૂળનું ઢેફું ભાંગી શકાય એમ નથી, પણ એમણે હાજર રહીને આ કાર્ય કર્યું છે. તો આપણને આ સેવા મળી છે એ આપણાં ભાગ્ય છે ને આ સેવા જેટલી થાય એટલી કરી લેવી. ભગવાન બધાને સુખિયા કરે એ આશીર્વાદ.'
આશીર્વાદની સમાપ્તિ બાદ મહિલા-મંડળે બનાવેલી સુંદર ચાદર યોગીજી મહારાજના દીક્ષિત સંતો તેમજ યુવતી મંડળે બનાવેલો કલાત્મક હાર વિદેશથી પધારેલા સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યો. તા. ૪-૨-૨૦૧૧ના રોજ સ્વામીશ્રીએ મુંબઈથી અટલાદરા જવા વિદાય લીધી.
|
|