Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કિશોરદિન

તા. ૨૨-૫-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં સુરત શહેર અને ગ્રામ્ય ક્ષેત્રનાં ૬,૦૦૦થી વધુ કિશોર-કિશોરીઓએ 'કિશોરદિન'ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ વિશિષ્ટ પરિવેશમાં સજ્જ કિશોર-કિશોરીઓથી મંદિર પરિસર છલકાતું હતું. પ્રાતઃપૂજા પૂર્વે સ્વામીશ્રી મંદિરે દર્શન કરી પોડિયમ પર પધાર્યા. અહીં કિશોરો રંગબેરંગી ફુગ્ગાઓ લઈને બેઠા હતા. સ્વામીશ્રીએ અક્ષરદેરી સાથેના રંગબેરંગી ફુગ્ગાઓના ગુચ્છને ગગનમાં તરતા મૂકી ઉપસ્થિત સૌને વિરલ સ્મૃતિ આપી હતી. સ્વામીશ્રીની સાથે જ સૌ કિશોરોએ પણ ફુગ્ગાઓને તરતા મૂક્યા ત્યારે સમગ્ર આકાશ રંગબેરંગી બની ગયું. સૌ કોઈના હૈયે આ દૃશ્ય સદાયને માટે જડાઈ ગયું.
સંધ્યા સમયે 'કિશોરદિન' નિમિત્તેની વિશિષ્ટ સભાનો લાભ લેવા માટે ત્રીસ હજારથી પણ વધુ હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. સભામંડપ હકડેઠઠ ભરાઈ ચૂક્યો હતો. ઈશ્વરચરણ સ્વામીના પ્રાસંગિક પ્રવચન પછી એક કીર્તનગાન બાદ વિવિધ સત્સંગમંડળોએ ભક્તિભાવ-પૂર્વક તૈયાર કરેલા હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.
ત્યારબાદ આજના તૂટતા જતા પરિવારોમાં સર્જાતી સમસ્યાઓને તાદૃશ્ય કરતો જ્ઞાનરત્ન સ્વામી લિખિત 'મજિયારો' સંવાદ કિશોરોએ રજૂ કર્યો. સંવાદ બાદ 'ડંકા વાગે રે' ભક્તિગીતના તાલે કિશોરોએ નૃત્ય રજૂ કરી ગુરુહરિનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી. 
અંતે સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'આજે યુવકોએ સંવાદ રજૂ કર્યો એમને ધન્યવાદ છે. બહુ સુંદર રીતે રજૂઆત થઈ છે. શાસ્ત્રોમાં બધી વાત છે જ, પણ જ્યારે એનો અભ્યાસ થાય ત્યારે જીવનમાં પરિવર્તન થાય. સંવાદમાં બે ભાઈઓમાં એકને સાત વીઘા જમીન વધારે મળી એમાં કેટલું દુઃખ ઉત્પન્ન થયું ? એક તસુ જમીન ન આપું એવું મમત્વ થયું. મમત્વે કરીને છેવટ સુધી કુટુંબમાં ક્લેશ, ક્લેશ ને ક્લેશ રહ્યો અને દુઃખી દુઃખી પણ થઈ ગયા.
'જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી; આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી.'
છાણીના ભક્ત નારાયણદાસના આ શબ્દો છે. આપણે આવ્યા ત્યારે કંઈ લાવ્યા નથી ને જઈએ ત્યારે કંઈ લઈ જવાના પણ નથી. છતાં દુનિયામાં લડાઈ-ઝઘડા, કોર્ટ-કચેરી, મારામારી ને ખૂñન થાય છે, કારણ કે મમત્વ મુકાતું નથી. આ મમત્વ એ જ માયા. 
ભગવાન શ્રીજીમહારાજે વચનામૃતમાં આત્મા-પરમાત્માની વાત કરી છે. આપણે આત્મા છીએ ને પરમાત્માની ભક્તિ કરવાની છે. આત્માને કોઈ નાત-જાત નથી, કુટુંબ-પરિવાર નથી, મારું-તારું નથી. જો મમત્વ મુકાશે તો શાંતિ થશે. મારું નથી એમ મનાય તો પછી કોઈ દિવસ મમત્વ થાય ? પણ મારું થયું એટલે દુઃખ થાય છે. માટે મમત્વ મૂકીને ભગવાન ભજી લેવા. ઘરમાં બધાએ શાંતિથી રહેવું. એકબીજાનો મહિમા સમજવો. કંઈ પણ થાય તો મોટું દિલ રાખીને એકબીજા પ્રત્યે વ્યવહાર કરવો, તો ઘરની અંદર શાંતિ રહે. મહારાજને સંભારીને, સત્સંગ રાખીને, ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ એ ગુણો કેળવીને જીવન જીવીશું તો ઘરમાં ને બહાર બધે શાંતિ રહેશે, કોઈ જાતની મુશ્કેલી નહીં આવે.
પોતાને આત્મારૂપ માની ભગવાનની ભક્તિ કરવી. આત્મા પવિત્ર ને શુદ્ધ છે. આ બધી સમજણ દૃઢ કરીને જીવમાં ઉતારીશું તો સુખિયા થવાશે. મમત્વ મૂકી દઈ બધું ભગવાનનું છે ને ભગવાનની ઇચ્છાથી થાય છે એ સમજણ ખાસ દૃઢ કરી રાખવી. ભગવાનની ભક્તિ કરી આત્માનું કલ્યાણ કરી શકીએ એવું બળ, એવી સમજણ બધાના જીવનમાં દૃઢ થાય અને સુખિયા થાવ એ જ ભગવાનને પ્રાર્થના.'


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |