|
દશાબ્દી મહોત્સવ સભા
તા. ૨૧-૫-૨૦૧૧ થી તા. ૨૭-૫-૨૦૧૧ દરમ્યાન સાંકરી મંદિર દશાબ્દી મહોત્સવની આનંદોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તેના ઉપક્રમે તા. ૨૪-૬-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં મંદિર દશાબ્દી મહોત્સવની વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌનાં અંતરે ભક્તિનો અનેરો તરવરાટ અનુભવાતો હતો.
દશાબ્દી નિમિત્તે વિવિધ વ્રત, તપ, ઉત્સવ આ ક્ષેત્રના સ્ત્રી-પુરુષ હરિભક્તોએ કર્યા હતા. દર પૂનમે સાંકરી મંદિરે પદયાત્રા કરીને આવવાનો નિયમ આસપાસના હજારો હરિભક્તોએ લીધો હતો. કુલ ૧૬ ક્ષેત્રના હરિભક્તો પૈકી સાંકરી ક્ષેત્ર બારડોલી, કામરેજ, અરેઠ, પલસાણા, કરચેલિયા, બુહારી, વાલોડ, ડોલવણ, લોટણવા, વ્યારા, માંડવી તથા ઊન ક્ષેત્રમાંથી કુલ ૩૬૮૫ હરિભક્તોએ જુદાં જુદાં ગામોમાંથી પદયાત્રા કરવાનો લાભ લીધો હતો.
દશાબ્દી મહોત્સવના આજના પર્વે, સવારથી જ મંદિરમાં દશાબ્દીનો અનેરો માહોલ છવાયો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન મંદિરની પશ્ચાદ્ભૂમાં અભિષેક મંડપમ્નું પ્રથમ સ્તંભારોપણ કરવામાં આવ્યું હતું. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું અને સ્તંભનું પણ પૂજન કર્યું હતું.
આજના આ અવસરે અમલસાડી વિસ્તારમાંથી આવેલા આદિવાસી યુવકો નૃત્ય કરી રહ્યા હતા. તેઓના પરંપરાગત વાદ્ય સાથે તેઓની જ શૈલીમાં નૃત્ય થઈ રહ્યું હતું. સ્વામીશ્રીએ સૌ પર કૃપાદૃષ્ટિ કરીને તેમને ધન્ય કર્યા.
આજે ખાનદેશનાં વિવિધ ગામોમાંથી ૩૦૦થી વધારે હરિભક્તો પણ દર્શનાર્થે આવ્યા હતા. તેઓને પણ સ્વામીશ્રીએ દર્શનનું સુખ આપ્યું.
આજના દિવસે અમલસાડી, કોસાડી, ભગવાનપુરા, થરેડપેઠિયા, ચાણક્યપુરી વગેરે ગામોમાંથી પદયાત્રા કરીને આવેલા સેંકડો આબાલવૃદ્ધ હરિભક્તો પર સ્વામીશ્રીએ અંતરની આશિષ વરસાવી.
સંધ્યા સમયે ધૂન-પ્રાર્થનાગાન સાથે આ પ્રતીક ઉત્સવસભાનો આરંભ થયો. સભાનો લાભ લેવા ઊમટેલા વીસ હજારથી વધુ હરિભક્તો-ભાવિકોથી સભામંડપ હકડેઠઠ ભરાઈ ચૂક્યો હતો. ભોજનશાળામાં બેઠેલા હરિભક્તો સ્ક્રીન પર સભાનો લહાવો માણી રહ્યા હતા. ઉપરાંત મંદિર પરિસરમાં પણ કેટલાય હરિભક્તો સભાનો આનંદ લઈ રહ્યા હતા. અત્ર-તત્ર-સર્વત્ર માનવમહેરામણ દૃષ્ટિગોચર થતો હતો. સૌનાં હૈયે ભક્તિની હેલી ઊમટી હતી. સ્વામીશ્રી સભામાં પધાર્યા તે દરમ્યાન સાંકરી મંદિરની ઇતિહાસ ગાથા સંવાદરૂપે રજૂ થઈ રહી હતી. સંવાદ બાદ 'વિશ્વતણા ગૌરવને વધાવો, ડંકા વાગે છે...' ગીતના આધારે નૃત્ય રજૂ થયું. નૃત્યબાદ વિવિધ કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કર-કમળોમાં અર્પણ કર્યા.
સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું, ''આજે આ ઉત્સવમાં પધાર્યા એ બધાની પણ જય. સાંકરી ગામ નાનું, એમાં આવું મંદિર થવું એ બહુ દુર્લભ. પણ યોગીજી મહારાજનો સંકલ્પ ને આશીર્વાદ હતા એટલે મંદિર થયું, આજુબાજુમાં સત્સંગ વધ્યો ને ધીરે ધીરે કેટલાંય ગામોમાં મંદિર થયાં, સત્સંગી થયા તો કેટલાયનું જીવનપરિવર્તન થયું. ભગવાન ભજવાની સાથે દારૂ-વ્યસન-અધર્મ એ બધું મુકાઈ ગયું ને સારે માર્ગે ચાલ્યા તો સમાજ સુધરી ગયો. જીવન કેવું હતું ને કેવું થયું એ મોટામાં મોટી વાત છે !
ભગવાન ને સંત સંકલ્પ કરે એમાં સારું થાય જ. એ સંકલ્પના બળે અહીં સત્સંગ વધ્યો. સંતો ગામોગામ વિચરણ કરે છે. તેમનો જોગ થયો તો આ પરિવર્તન થયું છે. કોઈક કહેશે કે વાતો કરવાથી કંઈ થતું હશે ? વાતોથી વડાં થાય ? પણ સંતોએ સત્સંગ-ભક્તિની વાતો કરી તો એમાં ભક્તો તૈયાર થયા. એમણે સારી રીતે સેવાઓ કરી, એ સૌ સમર્પિત થયા અને અંતરમાં એવો ઉમંગ-ઉત્સાહ હતો એટલે આવું સરસ મંદિર થયું. ભગવાનનો મહિમા સમજાય તો ભગવાન ને સંત માટે શું ન થાય !
હરદ્વાર, હૃષીકેશ, જગન્નાથપુરી, રામેશ્વર એ બધાં યાત્રાનાં સ્થાન છે, એવું જ અહીં મોટું મંદિર થયું, એમાં ભગવાન સાક્ષાત્ વિરાજ્યા, એટલે સાંકરી પણ એક મોટું તીર્થ થઈ ગયું. બધા ત્યાં યાત્રા કરવા જઈ શકે નહીં, પૈસાની સગવડ ન હોય, પણ આપણે તો ઘેર બેઠાં ગંગા. મંદિર થવાથી અહીં બેઠાં જ બધાં તીર્થનાં દર્શન છે. આવો મહિમા સમજાય તો ભેટંભેટા.
સારી વસ્તુને સારી રીતે સાચવીએ તો સુખી રહેવાય, પણ સાચવીએ નહીં ને વેડફી નાખીએ તો હતા એવા ને એવા. એમ આ સત્સંગ મળ્યો છે તો એ સત્સંગની આપણા અંતરમાં દૃઢતા થવી જોઈએ કે આ વસ્તુ સાચી છે. આમાં આપણને અને આપણા સમાજ બંનેને સુખ છે. આમાં આપણું સુધરે છે, બગડતું નથી. સત્સંગ વગર પરિવર્તન થાય નહીં.
સત્સંગ મળ્યો છે એ અમૂલ્ય ને અલૌકિક છે. એનાથી ઘરમાં, સમાજમાં, દેશમાં શાંતિ થાય છે. હવે, આપણે બેસી નથી રહેવાનું. 'જેની પાસે હોય જોખમ, જાળવો તે જતન કરી' એમ સત્સંગ મળ્યો છે એ મોટી મિલકત છે એને જાળવવાની છે. આ સત્સંગ આપણને મળ્યો છે તેની વાત બીજાને કરવી. જે વાત મળી છે એને વાપરીએ નહીં તો એ નકામી થઈ જાય. આપણને સત્સંગ મળ્યો છે તો હવે બીજાને સત્સંગ કેમ થાય ? બીજા કેમ સુધરે ? આ સમાજ કેમ સુધરે ? એ લગની સાથે આપણે પ્રયત્ન કરીને સત્સંગ કરાવવાનો છે. આવો દુર્લભમાં દુર્લભ સત્સંગ મળ્યો, આવાં દુર્લભમાં દુર્લભ ભગવાન મળ્યા છે, એમની વાત જેટલી બીજાને કરીએ એટલું બીજાને પણ સુખ થાય.
આજે આપ બધા ખૂબ મોટા પ્રમાણમાં અહીં આવ્યા છો. અહીં બધાં પ્રસંગોની જે વાતો સાંભળી એ જીવમાં દૃઢ રાખજો, બીજાને પણ વાત કરજો. સંતોનો પણ પુરુષાર્થ છે. જેને સત્સંગ થયો છે એ પણ બધા મંડ્યા છો, તો સોનાની સાંકરી પ્રસરી, પ્રસરી, પ્રસરી તે ચારેય બાજુ સત્સંગ થઈ ગયો. આટલો બધો સત્સંગ વધ્યો એટલે એ સાંકરી સોનાની થઈ ગઈ છે. ઘરે બેઠાં જ આપણું તીર્થ થઈ ગયું. ભગવાન જ્યાં બેઠા ત્યાં તીરથ. એવું તીરથ આપણને મળ્યું છે એનો વધારે સારો લાભ લેજો. મિત્રો-ભાઈબંધને પણ આ લાભ અપાવજો. આવું ને આવું બળ સર્વને રહે. દરેકના જીવમાં આ વાત દૃઢ થાય એવી ભગવાનને પ્રાર્થના.''
તા. ૨૫-૬-૨૦૧૧ના રોજ સ્વામીશ્રી સાંકરીથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે પ્રાતઃપૂજામાં બાળકોએ રજૂ કરેલી વિવિધ અભિવ્યક્તિઓ ખૂબ હૃદયસ્પર્શી હતી. તેમના પર અમીદૃષ્ટિ કરી સ્વામીશ્રીએ પ્રસન્નતા દર્શાવી હતી.
|
|