|
નૂતન મંદિરોની મૂર્તિપૂજનવિધિ
સ્વામીશ્રીની પ્રેરણાથી અને સંતો-કાર્યકરોના પુરુષાર્થથી દક્ષિણ ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સત્સંગની અભિવૃદ્ધિ દિન-પ્રતિદિન થઈ રહી છે. પરિણામે ઠેર ઠેર મંદિરોનાં સર્જન થઈ રહ્યાં છે.
તા. ૩૦-૬-૧૧ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન તીથલ ક્ષેત્ર અંતર્ગત જામલાપાડા, ધરાસણા ક્ષેત્રના પોંસરી કુટિર મંદિર, નવસારી ક્ષેત્રમાં આવતાં ગણદેવી તથા વેસ્મામાં નિર્માણ પામેલાં બી.એ.પી.એસ. મંદિરોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનો વેદોક્ત-પૂજનવિધિ કરવામાં આવ્યો. સ્વામીશ્રીએ આરતી વગેરે વિધિ કર્યા બાદ જે તે ગામોમાંથી ઊમટેલાં હરિભક્તોને દર્શનદાન આપીને કૃતાર્થ કર્યા.
અહીં સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન ડાંગ, નવસારી, વલસાડ વગેરે જિલ્લાનાં ગામડાંઓમાંથી આબાલવૃદ્ધ હજારો સ્ત્રી-પુરુષ હરિભક્તો - આદિવાસીબંધુઓ પદયાત્રાઓ કરીને દર્શને આવ્યાં હતાં. આ સૌ ઉપર સ્વામીશ્રીના અંતરના આશિષ વરસ્યા હતા.
તા. ૧-૭-૨૦૧૧ના રોજ પ્રતીક ગુરુવંદના અને રથયાત્રા ઉત્સવ સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઊજવાયો હતો. આજના પ્રસંગે આજુબાજુનાં ગામોમાંથી હજારો હરિભક્તો પદયાત્રા કરીને આવ્યા હતા. ઓંણચીના કિશોરો ૭૨૦૦ દંડવત્ કરીને અહીં પધાર્યા હતા. સ્વામીશ્રીએ વર્તમાન મંત્ર બોલાવડાવીને ૪૫૦થી વધારે શિશુઓ અને બાળકોને સમૂહમાં વર્તમાન ધરાવી આશીર્વાદ આપ્યા : 'સૌને સારામાં સારા સંસ્કાર થાય, સારું ભણેગણે, સારી ભક્તિ કરે, સેવા કરે, એવા બળિયા થાય એ આશીર્વાદ છે.'
પ્રાતઃપૂજામાં પણ આજના ઉત્સવને અનુરૂપ ગુરુ મહિમાનાં કીર્તનો ગવાયાં. અંતમાં સૌએ ગુરુહરિનાં ચરણોમાં મંત્ર-પુષ્પાંજલિ અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી. તીથલથી આવેલો ૨૫,૦૦૦ કળીનો બનાવેલો હાર સમગ્ર પદયાત્રીઓ તથા સમગ્ર નવસારી પંથક વતી આચાર્ય સ્વામી તથા વિવેકસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. સ્વામીશ્રીએ મંચ પર રિમોટ કંટ્રોલ દ્વારા હરિકૃષ્ણ મહારાજને રથવિહાર કરાવી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી.
આજના ઉત્સવ બાદ સ્વામીશ્રીએ ભરૂચ જવા વિદાય લીધી.
|
|