|
રથયાત્રા ઉત્સવસભા
તા. ૩-૭-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલી રવિસભામાં ઝાડેશ્વર મંદિરનો દશાબ્દી ઉત્સવ, અષાઢી બીજનો રથયાત્રા ઉત્સવ અને હરિકૃષ્ણ મહારાજનું બી.એ.પી.એસ. સંસ્થામાં આગમન થયું તેના શતાબ્દી અવસરની ત્રિવેણી રચાઈ હતી. વહેલી સવારથી જ મંદિરમાં સર્વત્ર ઉત્સવનો માહોલ જામ્યો હતો.
સંધ્યા સમયે આરંભાયેલી ત્રિવેણી ઉત્સવની સભામાં સુવર્ણ રસિત રથમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ત્યારબાદ સ્વામીશ્રીનું આગમન થતાં હજારો હરિભક્તોએ જયનાદોથી ભક્તે સહિત ભગવાનનું અભિવાદન કર્યું. સ્વામીશ્રી મંચની મધ્યમાં આસન પર વિરાજમાન થયા. શ્રી હરિકૃષ્ણ મહારાજનું અલાયદું આસન હતું. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં મંદિરના શિખરોની સુંદર શોભા આકર્ષક હતી. સ્વામીશ્રીની શ્રી હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેની દાસત્વભક્તિ અંગે વિવેકસાગર સ્વામીએ ખૂબ સુંદર વ્યાખ્યાન લાભ આપ્યો. ત્યારબાદ શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વામીશ્રીનો મહિમા કહી રહ્યા છે તેવી વીડિયો દર્શાવવામાં આવી. વીડિયો બાદ સ્વામીશ્રીનાં હરિકૃષ્ણ મહારાજ સાથેના સંબંધો અને પરાભક્તિના પ્રસંગોનું પાન નારાયણચરણ સ્વામી અને પ્રિયદર્શન સ્વામીએ કરાવ્યું. બાયપાસના તાત્કાલિક આૅપરેશન વખતે સ્વામીશ્રીએ પોતાના દેહનાં દુઃખોને અવગણીને હરિકૃષ્ણ મહારાજનાં દર્શન બાદ જ બાયપાસ કરાવવાની જે વાત કરી તે વાત સંવાદના માધ્યમથી રજૂ થઈ. ભરૂચ ક્ષેત્રના બાળકોએ 'શ્યામ સનેહી ઘેર આવ્યા' ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. આજના રથયાત્રા ઉત્સવે સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને રથવિહાર કરાવી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી.
સાથે સાથે આજે ઝાડેશ્વર મંદિરના દશાબ્દીના ઉપક્રમે પણ વિવિધ પ્રસ્તુતિ થઈ. ઝાડેશ્વર મંદિરના નિર્માણથી આજ દિન સુધી સ્વામીશ્રીએ એક દાયકા દરમ્યાન કરેલા દિવ્ય વિચરણની વીડિયો દર્શાવવામાં આવી. સંતો-યુવકોએ મંદિરથી થતા લાભ વિષયક પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કર્યા. પ્રસંગકથન બાદ અંકલેશ્વર બાળ-કિશોર મંડળે રજૂ કરેલા દશાબ્દી નૃત્ય દરમ્યાન ભરૂચ ક્ષેત્રનાં વિવિધ મહિલા-મંડળોએ ભક્તિભાવથી કરેલા કલાત્મક હાર સંતોએ સ્વામીશ્રીના કરમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી.
'દશાબ્દી પછી હવે આપણે સત્સંગ માટે શું કરી શકીએ ?' એ નિમિત્તેની પ્રતિજ્ઞા હરિભક્તોએ લીધી. ત્યારબાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ''અનેક વહેવારિક પ્રસંગો ઊજવાતા હોય છે, પણ જેમાં ભગવાનનો સંબંધ છે અને આપણા આત્મકલ્યાણની વાત છે એવો આ ઉત્સવ છે.
આ લોકમાં આવી નોકરી-ધંધો-વ્યવસાય કરીએ એ દેહને માટે છે, એનાથી લૌકિક રીતે મોટપ વધે, લૌકિક રીતે લાભ થાય. કુટુંબની સેવા, સમાજની સેવા, દેશની સેવા થાય એ જરૂરી છે. એનાથી જગતમાં મહત્તા વધે, પણ આત્માનું કલ્યાણ તો જ્યારે ભગવાન અને બ્રહ્મસ્વરૂપ સંતનો સમાગમ થાય ત્યારે થાય. એવો લાભ ભરૂચને સહેજે મળ્યો છે. એવા સંત શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અહીં પધાર્યા હતા. એને લઈને સત્સંગનો પ્રચાર થયો છે.
જેને જેને ભગવાન ને સંતનો સંબંધ થયો એનાં નામ દુનિયામાં પ્રસિદ્ધ થયાં છે. પૂર્વે જે સંતો-ભક્તો થઈ ગયા એમની વાતો આપણે સાંભળીએ છીએ. કૃષ્ણ ભગવાનના વખતમાં પાંડવો થયા, ગોવાળો થયા, એમને ભગવાનનો સંબંધ થયો તો શાસ્ત્રોમાં નામ લખાઈ ગયાં. રામ ભગવાનના ભક્તોનાં પણ નામ લખાઈ ગયાં છે. એમણે પોતાના આત્માનું કલ્યાણ કરી લીધું એટલે દુનિયા એમને સંભારે છે. નામની મહત્તા નથી હોતી કે નામ પ્રખ્યાત થાય, પણ એક જ છે કે જે કરીએ છીએ એ અમારા આત્મકલ્યાણ માટે છે. તો ધન-ધાન-કુટુંબ-પરિવાર ભગવાન ને સંતને અર્થે કરી રાખવું.
કમાઈને જે ભેગું કર્યું એ કુટુંબ માટે, સમાજ માટે, દેશ માટે કર્યું છે એ સારી વાત છે, પણ જે આત્મકલ્યાણ માટે થયું, એમાં આવાં મંદિરો થાય, એમાં હજારો માણસોને ભગવાનનો સંબંધ થાય.
શ્રીજીમહારાજ અનેક જીવોના કલ્યાણ માટે પૃથ્વી ઉપર પધાર્યા ને પોતાના ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવ્યા. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ તેમણે આપેલું જ્ઞાન છે. શાસ્ત્રીજી મહારાજે આ ઉપજાવી કાઢેલી વાત નથી કે લોકોને છેતરવા માટેની વાત નથી, પણ શાસ્ત્રોક્ત વાત છે.
ભગવાનનો ખરેખર મહિમા એવા બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ હોય એ સમજાવે, એમનાથી જ આપણને જ્ઞાન થાય છે. આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે આપણે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનાં દર્શન કર્યાં છે, એટલે શાંતિ છે, આનંદ છે. સાચી વાત હાથમાં આવી છે તો મહિમા સમજીને જીવનમાં દૃઢ કરવી અને એનું ભજન કરીશું તો સર્વ પ્રકારે સુખિયા થવાશે.''
|
|