|
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં મુંબઈ ખાતે ઊજવાયો જળઝીલણી ઉત્સવ...
તા. ૮-૯-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં જળઝીલણીનો પવિત્ર ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવાયો હતો. આ ઉત્સવ દરવરસે સારંગપુરમાં ઊજવાય છે, પરંતુ આ વખતે જળઝીલણીના ઉત્સવનો લાભ મુંબઈવાસીઓને પ્રાપ્ત થયો હતો. વેબસાઇટ દ્વારા આ ઉત્સવને વૈશ્વિક રૂપ એ જ દિવસે મળી ગયું હતું.
આજના જળઝીલણી ઉત્સવની સભા ઘુમ્મટમાં જ રાખવામાં આવી હતી. સર્વેશ્વર સ્વામી અને ડેકોરેશનની ટીમે મંદિરના ઘુમ્મટમાં સુંદર જળકુંડ તૈયાર કર્યો હતો. દેશ-પરદેશથી ઉત્સવનો લાભ લેવા આવેલા હરિભક્તોએ શણગાર આરતી બાદ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. મુંબઈના અગ્રેસર કાર્યકરો તથા તેમના પરિવારને પણ આજના ઉત્સવનો લાભ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત સત્સંગ શિક્ષણ પરીક્ષામાં સુવર્ણ ચંદ્રક મેળવનાર મહિલા ભક્તોને પણ આ દર્શનનો વિશેષ લાભ મળ્યો હતો.
સ્વામીશ્રીના પધારતાં પહેલાં જળઝીલણી ઉત્સવસભાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. શ્રીરંગ સ્વામી, અપૂર્વમુનિ સ્વામી, વિવેકસાગર સ્વામી અને ડૉક્ટર સ્વામીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં. વચ્ચે વચ્ચે હરિભક્તો સહિત સંતોએ આરતી ઉતારી, ઠાકોરજીને જળવિહાર કરાવ્યો.
સ્વામીશ્રી નિત્યકર્મથી પરવારી નીલકંઠવણીનો અભિષેક કરીને ઠાકોરજીનાં દર્શને પધાર્યા. દર્શન બાદ ઘનશ્યામ મહારાજના ખંડ તરફથી ગણપતિજીના ખંડની દિશામાં સ્વામીશ્રી આસન ઉપર વિરાજ્યા. એ વખતે કૃષ્ણપ્રિય સ્વામી 'મારી નૈયાને પાર ઉતારજો.' એ કીર્તન ગાઈ રહ્યા હતા. કીર્તનના શબ્દે શબ્દે સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. નીચેના સભામંડપમાં બેઠેલા હજારો હરિભક્તો સી.સી.ટી.વી. દ્વારા ઉત્સવસભાનો લાભ લઈ રહ્યા હતા. સ્વામીશ્રીએ જળમાં નૌકાના આસન ઉપર વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ તથા જબરેશ્વર મહારાજની પાંચમી આરતી ઉતારી. આરતી બાદ ઠાકોરજીનો નૌકાવિહાર શરૂ થયો. એ દરમ્યાન કૃષ્ણપ્રિય સ્વામીએ સુંદર કીર્તન ગાયાં. સ્વામીશ્રીએ પ્રેમથી જળવિહારનાં દર્શન કર્યાં. છેલ્લે કોઠારી(ભક્તિપ્રિય) સ્વામીએ ગણેશજીનું વિસર્જન જળકુંડમાં જ કર્યું.
આ રીતે ભક્તિભાવપૂર્વક ઊજવાયેલો જળઝીલણીનો ઉત્સવ સૌ માટે સ્મૃતિદાયક બની રહ્યો.
|
|