Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

કમ્પ્યૂટર મીમાંસા

ટેક્નોલોજીનો વિશ્વકલ્યાણ માટે ઉપયોગ થાય તે માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ ગામડાં અને શહેરોનાં પોતાનાં અનેક મંદિરોમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કમ્પ્યૂટર કેન્દ્રો અને કૉલેજ શરૂ કર્યાં છે. જે ભારત સરકાર અને રાજ્ય સરકારની અમુક યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. તેમાં વિવિધ પ્રકારના કમ્પ્યૂટરના અભ્યાસક્રમો હજારો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ભણે છે. સંસ્થા એનો રચનાત્મક ­યોગ કરીને કલ્યાણમય પંથે સૌને દોરી રહી છે. એક યંત્ર તરીકે આ અદ્‌ભુત સાધન માનવજાતને અનેક ચમત્કૃતિ દર્શાવીને સુવિધાઓનો ઢગ રચી શકે છે, તેવી જ રીતે વિના વિવેકે એ સત્યાનાશ પણ સર્જી શકે છે. ­સ્તુત લેખમાં આધ્યાત્મિકતા સાથે કમ્પ્યૂટરની સમીક્ષા, તેનાં ભયજનક સ્થાનો અને તેમાંથી ઉગારવાનું માર્ગદર્શન છે.
'The third wave'ના લેખક એલ્વીન ટોફલરે જણાવેલ ઔદ્યોગિક ક્રાંતિનું બીજું મોજું વિશ્વમાં ચીલ ઝડપે વિસ્તરી રહ્યું છે. કમ્પ્યૂટરની શોધ એ આ યુગની એક અજાયબી સમી શોધ છે. કમ્પ્યૂટરનો દરેક ક્ષેત્રમાં કલ્યાણકારી ઉપયોગ ઘણો છે પણ આજે તેનો વિનાશ અને વિલાસ તરફ દુરુપયોગ પણ તેવી જ ઝડપે વધી રહ્યો છે. સર્જન કરતાં વિસર્જન તરફ ગતિ વધી રહી છે. હવે તો War at the speed of light - કમ્પ્યૂટર સંચાલિત વૈજ્ઞાનિક સાધનો દ્વારા પ્રકાશની ગતિએ યુદ્ધ આવી રહ્યું છે ! બંદૂકે ઇન્દિરા ગાંધીનું ખૂન કર્યું પણ ફાંસી તો બંદૂક ફોડનારને જ મળી. વૈજ્ઞાનિક સાધનો તો ન્યૂટ્રલ જડ છે. તેનો ઉપયોગ કરનાર માનવી વ્યવસ્થિત હોવો જોઈએ. આજે કમ્પ્યૂટરાઈઝ્‌ડ વિનાશી સાધનો દ્વારા માણસે જ માણસની કિંમત કોડી જેટલી પણ રહેવા દીધી નથી. ભરબપોરે ફાનસ લઈને શોધવા જઈએ તોય માણસાઈવાળો માણસ જડવો મુશ્કેલ પડે છે.

કમ્પ્યૂટર શોધાયાં એટલે લાગ્યું કે હવે તેની કરામતથી જીવનમાં અને વેપાર-વ્યવહારમાં ઘણી રાહત થઈ જશે, પણ આનાથી તો માતાપિતાના પ્રેમ વગરના કમ્પ્યૂટરાઈઝ્‌ડ કીડ્‌ઝ વધી રહ્યાં છે ! ભવિષ્યમાં તેઓ પ્રેમ અને લાગણી વગરની કમ્પ્યૂટરની ભાષામાં જ બોલશે અને જીવશે.

કમ્પ્યૂટરની ઉપનીપજોમાં ઈ-મેઈલ, વોઇસ મેઈલ, ઈન્ટરનેટ વગેરે સાયબર વિશ્વ રચાયું છે. આમાં મૂલ્યહ્રાસ, લગ્ન વિચ્છેદ, વિલાસ, જાતીય-વિકૃતિ, પરાયાપણું, એકલવાયાપણું, આતંકવાદ, ઘેરાવો, હતાશા, નિરાશા, માનસિક તાણ વગેરે ઘણું વધી રહ્યું છે. નવરાશ વધી એટલે આવાં દૂષણોય વધ્યાં. પછી તો વિલાસ એટલો વધશે કે શિક્ષણમાં પણ શિથિલતા આવશે ને કદાચ કમ્પ્યૂટરો વાપરતાંય નહિ આવડે !

શિક્ષણમાં અને ઉદ્યોગોમાં ઘણી ક્રાંતિ આવી છે પણ નૈતિકતામાં નિરક્ષરો પેદા થતા જાય છે. જર્મનીના સ્ટુડગાર્ડ શહેરમાં મર્સીડીઝ મોટરો બનાવવાનું કારખાનું છે. તેમાં ગમે તેવા અકસ્માતમાં પણ મોટરને કાંઈ ન થાય તેવા પ્રયોગો થાય છે. એક વાર સંતોને આ બતાવ્યું અને કહ્યું : 'હજુ આ તો દશ ટકા જ સુધારા કર્યા છે. હજુ ૯૦„ સુધારા કરવાના બાકી છે.'
સંતોએ પૂછ્યું : 'એક્સીડન્ટ મોટર કરે છે કે માણસ ?'

તેમણે કહ્યું : 'વ્યસની અને બેધ્યાન માણસ જ અકસ્માત કરે ને !'

સંતોએ કહ્યું : 'તો પછી ૯૦„ સુધારા મોટર ઉપર નહિ પણ માણસ ઉપર કરવા જરૂરી છે.'

માણસનું મન સ્વસ્થ ન હોય તો તે ગમે તેવી સગવડોનો પણ દુરુપયોગ જ કરશે. ચંદ્ર સુધી પહોંચે તેટલા કોષો (cells) મગજમાં છે. બધાં કમ્પ્યૂટરો પૃથ્વી ઉપર પાથરી દઈએ તેનાથી વધુ કોષો માનવના મગજમાં છે. ૪૦ વર્ષની ઉંમર પછી રોજ ૩૫,૦૦૦ કોષો મરે છે, છતાં અડધું જ મગજ વપરાય છે, અડધું એમ ને એમ છે ! મગજમાં સો અબજ જ્ઞાનતંતુઓ છે. તેના ઇન્ટર-કનેક્શન(inter-connections)ની સંખ્યા સૃષ્ટિના કુલ પરમાણુથી અધિક છે. આંખ રંગના એંશી લાખ તફાવત ઓળખે છે. કાન ત્રણ લાખ અવાજો જુદા તારવે છે. આવા મગજમાં કે મનમાં દૈવી અને આસુરી વૃત્તિઓ પણ રહી છે. ભૌતિક રીતે ગમે તેટલો વિકાસ સાધીએ પણ આ કમ્પ્યૂટર યુગમાં વિશ્વશાંતિ માટે આસુરી વૃત્તિઓ દૂર કરી દૈવીવૃત્તિઓ જાગ્રત કરવાની છે. કમ્પ્યૂટરમાં જેમ વાયરસ આવે અને આખા વિશ્વમાં તે ­સરે અને કમ્પ્યૂટરોને ભારે નુકસાન કરે છે, તેમ માનવ મનમાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ-દ્વેષ, ઈર્ષ્યા, પૂર્વગ્રહ, અહંતા, મમતા વગેરે વગેરે વાયરસ કસંગના યોગે જાગ્રત થઈ જાય છે અને તેને પોતાને અને સમગ્ર વિશ્વને નુકસાન કરે છે. ણુશ્વૂ
હમણાં જ ૧૫ વર્ષના વિવેકહીન એક કેનેડીયન કિશોરે સાયબર વિશ્વમાં તરખાટ મચાવીને સી.એન.એન., એમેઝોન અને યાહૂ જેવી વિશ્વ­સિદ્ધ વેપારી કંપનીઓને અબજોના નુકસાનમાં નાંખી દીધી. વેબસાઇટમાં વેપાર વધ્યો છે પણ ઘણા હૉકર્સ તેમાંય ગોલમાલ કરે છે. બૅંકોના કોઈના પૈસા પોતાના ખાતામાં લઈ લે છે. વળી, ઇન્ટરનેટમાં તો કિશોરના કમરામાં જ આખું વિશ્વ સમાઈ જાય છે. સાયબર કાફે, ચેટરૂમ અને કમ્પ્યૂટર ગેઇમ વગેરેમાં ન સાંભળવાનું સંભળાઈ જાય છે અને ન જોવાનું ઘણું જોવાઈ જાય છે. આમાં સંસ્કારિતા ઉપર છીણી ઝીંકાય છે. હવે તો વીડિયો ગેમ તુલ્ય મીસાઈલોની ગતિઓ પણ બદલી શકાય તેવી શોધો પણ થઈ છે ! તેથી જ તો કમ્પ્યૂટરની વિશ્વસનીયતા, ગોપનીયતા અને સલામતી જોખમાઈ છે. કરોળિયો કોઈ વાર પોતાના જાળામાં જ મરી જાય છે, તેમ આ વેબસાઈટના જાળામાં જ કોઈવાર માનવજાત મરશે. 'જે પોષતું તે મારતું' તેવું થઈ રહ્યું છે. માટે માનવ મનમાં રહેલા અહમ્‌ અને મમત્વના વિકૃતભાવોને દૂર કરી આધ્યાત્મિક વિકાસ નહિ થાય તો રાગદ્વેષનો અંધકાર, નીતિ અને સદાચારના પ્રકાશને છાવરી લેશે. પરમ શાંતિનો અનુભવ નહિ થાય. કમ્પ્યૂટરનું શિક્ષણ આજે સર્વત્ર થઈ રહ્યું છે. શિક્ષણ એટલે education. To educate means to draw out. કોઈને શિક્ષિત બનાવવો એટલે તેમાં જે છે તે બહાર કાઢવું. વિવેક વિનાના વિજ્ઞાને બૉટલમાંથી નીકળેલા જીનની જેમ આસુરીભાવો બહાર કાઢ્યા છે. વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી હવે દૈવીભાવો બહાર કાઢવાના છે.

પક્ષી જોયાં અને માનવ-કમ્પ્યૂટરે ઍરોપ્લેન બનાવ્યાં. માછલીઓ જોઈને સબમરીન બનાવી. માનવે હવે એ વિચાર કરવો જોઈએ કે પંખીઓ, માછલીઓ વગેરે બનાવનાર કેવો હશે ? સર્જનહાર એવા પરમાત્માનું કમ્પ્યૂટર કેવું અદ્‌ભુત હશે કે વિશ્વની બધી જ વસ્તુઓ અદલ પ્રમાણે ચાલે છે ! સમુદ્રોની ભરતી-ઓટ થવી, બાળક જન્મે ત્યારે માતાનાં સ્તનમાં દૂધ આવી જવું, ૠતુચક્ર, દિન-રાત, સૂર્ય અને ચંદ્રનો ઉદય-અસ્ત વગેરે વ્યવસ્થા કેટલી બધી કમ્પ્યૂટરાઈઝ્‌ડ છે ! વિશ્વમાં અનંત કમ્પ્યૂટર બનાવનાર માનવને પણ ભગવાને જ તૈયાર કર્યો છે ને ! વિશ્વમાં જે કંઈ આશ્ચર્ય થઈ રહ્યાં છે તેના કર્તા ભગવાન જ છે. તેઓ જ ધર્મના ધરતલ છે.

દરેક ભૌતિક વસ્તુનું સંતૃપ્ત બિંદુ હોય છે. તેથી જ વૈજ્ઞાનિક ડૉ. ચાર્લ્સ સ્ટાઈનમેટ્‌ઝે કહ્યું છે કે જ્યારે માણસને ખબર પડશે કે ભૌતિક વસ્તુઓ શાશ્વત સુખ આપી શકતી નથી, ત્યારે વિશ્વની ­યોગશાળાઓ પ્રાર્થના ખંડોમાં ફેરવાઈ જશે. પ્લેટોએ આની પુષ્ટિમાં વર્ષો પૂર્વે કહેલું કે 'બધા પ્રશ્નોનું સમાધાન ભગવાનમાં શ્રદ્ધા છે.' યોગીજી મહારાજે પણ ઈ.સ. ૧૯૫૮માં મુંબઈની વી.જે.ટી.આઈ. કૉલેજમાં પધરામણી વખતે કહેલું કે 'આ વૈજ્ઞાનિક ભણતરની સાથે બ્રહ્મવિદ્યાનું ભણતર પણ જરૂરી છે. તે વિનાની કૉલેજો શા કામની ?'

કમ્પ્યૂટર માટે સંસ્કૃત ભાષા અત્યંત અનુકૂળ છે તેવું આજના વૈજ્ઞાનિકો કહે છે. આ પણ વિચારવા જેવું છે. કમ્પ્યૂટર એટલે વિજ્ઞાન લઈએ અને સંસ્કૃત એટલે કેવળ નાગરી લિપિ નહિ, પરંતુ જે ભાષામાં જીવન ઉદ્ધારની પદ્ધતિ ભરેલી છે તે આધ્યાત્મિક વિદ્યા લઈએ. આ બંનેનો સમન્વય એટલે શાંતિ. આઇન્સ્ટાઈને પણ માનવ કલ્યાણ માટે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયની વાત કરી છે. Space-wizard પ્રખર અવકાશ વિજ્ઞાની વૉન બ્રાઉને પણ આ જ વાતને જુદા શબ્દોમાં કહી છે : ‘For only with God reinstated in the heart of the world will God provide us with ethical guidance through the dangers of technological revolution.’ વિશ્વનાં માનવ હૈયાંમાં પ્રભુ પ્રતિષ્ઠિત થાય તો જ તેઓ તેમાં રહીને નૈતિક માર્ગદર્શન દ્વારા વિજ્ઞાને સર્જેલી કટોકટીમાંથી આપણને ઉગારશે. પ્રમુખસ્વામી મહારાજે ૨૮ એપ્રિલ, ૨૦૦૦ના રોજ મહેસાણામાં અક્ષરપુરુષોત્તમ છાત્રાલયમાં 'પ્રમુખસ્વામી ઇન્ફોટેક ઇન્સ્ટિટ્યૂટ'ના ઉદ્‌ઘાટન પ્રસંગે કહેલું કે 'આમાં ફાયદો અને ગેરફાયદો બંને છે. તેમાં ભગવાન ભળે અને સંતના આશીર્વાદ મળે તો વિવેકબુદ્ધિ આવે અને તો અનંતગણું સુંદર કામ થાય, વિકાસ થાય. તે વિકાસ સુખમય, શાંતિમય અને આનંદરૂપ બને. ટેકનોલોજીથી દૂરનું જોઈ શકીશું, પણ આપણે આપણું જોતા નથી. આપણામાં રહેલાં વ્યસન, દૂષણો, સ્વભાવ જોવાં અને ટાળવાં. જેમ કમ્પ્યૂટરમાં વાયરસ પેસે છે ને વિકાસ બગાડે છે, તેમ આ વાયરસ જોવા ને સત્સંગથી દૂર કરવા.' ભારત પહેલાં જગદ્‌ગુરુ હતો. આ યુગના ઇતિહાસવિદ્‌ અંગ્રેજ આર્નોલ્ડ ટોયન્બી કહે છે કે 'એકવીસમી સદીમાં ભારત અગ્રેસર થશે.'
આ વાતને સમજાવતાં ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ એકવાર કહેલું કે 'એકવીસમી સદીમાં જવું એટલે તેના ભોગવાદનું અનુકરણ નહિ પણ આપણી પૂર્વની નીવડેલી સંસ્કૃતિનો પશ્ચિમ સાથે સુમેળ સાધવો. આપણી ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિના ભોગે વિકાસ જરૂરી નથી.' ભારતના અન્ય પૂર્વ વડાપ્રધાન શ્રી વી. પી. સિંઘે પણ કાનપુર વિજ્ઞાન પરિષદમાં કહેલું કે 'માનવની ગરિમા મટી જાય તેવું વિજ્ઞાન ન જોઈએ.'
૨૯ માર્ચ, ૧૯૯૯ના રોજ વલ્લભવિદ્યાનગરમાં અક્ષરપુરુષોત્તમ છાત્રાલયમાં 'પ્રમુખસ્વામી કમ્પ્યૂટર ઇન્સ્ટિટયૂટ'ના ઉદ્‌ઘાટન વખતે ગુજરાત રાજ્યના ગવર્નર માનનીય શ્રી સુંદરસિંહ ભંડારીએ ઉપર્યુક્ત વિધાનોની પુષ્ટિમાં કહેલું કે 'ધાર્મિક વાતાવરણમાં વિજ્ઞાનની પ્રગતિ એ ભારતનું યોગદાન છે. વિજ્ઞાનની પ્રગતિ ઘણી છે પણ વિવેકનો અભાવ છે. સર્જન કરતાં વિનાશ તરફ ગતિ વધી છે. વિજ્ઞાન દ્વારા થયેલા વૈમનસ્ય અને વિનાશનું કારણ ધર્મશૂન્યતા છે. ધર્મ, વિજ્ઞાન અને સમાજની ત્રિવેણી દ્વારા વિશ્વઉદ્ધારનો પ્રયત્ન કરીએ.'
પ્રમુખસ્વામી મહારાજે આ સર્વે વિધાનોના ઉપસંહાર રૂપે એકવાર સુંદર વાત કરેલી કે 'એકવીસમી સદીમાં કદાચ ટેકનોલોજીનો પૂરો વિકાસ ન થાય પણ આત્માનો વિકાસ થયો હશે તો ઝૂંપડીમાંય શાન્તિ રહેશે.'
'દેહથી આત્મા જુદો છે એ અમારી ટેકનોલોજી' એવું પણ સ્વામીશ્રી ૧૯૮૬માં બોચાસણમાં બોલેલા.
સ્વામીશ્રી માનવ-કમ્પ્યૂટરના અચ્છા પ્રોગ્રામર છે. માનવમાંથી દેહભાવના વાયરસ કાઢીને 'હું આત્મા છુ _, અક્ષર છું, પરબ્રહ્મનો દાસ છું' એવી અસ્મિતા પ્રગટાવે છે. આ પ્રોગ્રામથી જીવનના દરેક ક્ષેત્રમાં અને માન-અપમાન, જય-પરાજય, સુખદુઃખ વગેરે અનેક પ્રસંગોમાં પણ સમતા રહે છે.
સમગ્ર વિશ્વ આ પ્રમુખપ્રોગ્રામને જો પોતાના આત્મારૂપી કમ્પ્યૂટરમાં અપનાવે તો વિશ્વના બધા જ પ્રશ્નો હલ થઈ જાય. સર્વત્ર એકમાત્ર શાંતિ, શાંતિ અને શાંતિ જ પ્રવર્તે અને ઈ.સ. ૨૦૦૦ના વર્ષને સંયુક્ત રાષ્ટ્રસંઘે (યુનોએ) શાંતિની સંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કર્યું છે તે પણ સાર્થક ઠરે.

સાધુ વિવેકસાગરદાસ 

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |