Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

યોગ અને સંયમ

અંતઃસ્રાવી ગ્રંથિઓ અને યોગાસનો

ક્રમ  ગ્રંથિનું નામ    ઉપયોગી આસન   લાભ
પિટ્યુટરી      શીર્ષાસન    કાર્યદક્ષતા અને સ્થિરતા
  પિનિયલ        શીર્ષાસન ૧. જઠરાગ્નિની વૃદ્ધિ, ઘડપણ અને વ્યાધિમાંથી નિવૃત્તિ
૨ . સર્વાંગશરીરનો વિકાસ
૩    થાઇરૉઇડ સર્વાંગાસન ૧. પુરુષાતનની વૃદ્ધિ
૨. જઠરાગ્નિની વૃદ્ધિ
૪      યકૃત (લીવર) મત્સ્યેન્દ્રાસન (જમણે) ૧. ઉદર રોગનો ના
૨. મંદાગ્નિ નાશ
૩. જલોધર નાશ                     
૪. લીવરવૃદ્ધિ મટે
૫   બરોળ      મત્સ્યેન્દ્રાસન (ડાબે)   પાચક, સાધક, રંજક,આલોચક અનેભ્રાજક પિત્તનુંઉત્પાદન
૬   ક્‌લોન  ઉડ્ડિયાનબંધ અને નૌલિ   જઠરાગ્નિની વૃદ્ધિ
૭ 

અૅડ્રિનલ

 

   મયૂરાસન        ૧. જઠરાગ્નિનીવૃદ્ધિ
૨. ઉદર રોગનો નાશ
૩. કબજ્યાત દૂર કર
વી
૮   કિડની   ભુજંગાસન
  શલભાસન      
સ્થિરતા પ્રાપ્તિ
સર્વ રોગનો નાશ
૯    ટેસ્ટીઝ   પદ્માસન , સિદ્ધાસન ગંભીરતાશાંતિ,સ્થિરતા

                                                                                                                                             વિશ્વભરમાં લોકો આંતરિક શાંતિ ઝંખે છે. શારીરિક રોગ દવાઓથી મટાડી શકાય પણ આંતરિક રોગ, માનસિક ચિંતા, ખાલીપો, અહમ્‌ની ટકરામણથી ઊપજતી અકથ્ય પીડા, ન કળી શકાય એવી વેદના જેવી વ્યાધિઓ - આધિઓને દૂર કરવાનો કીમિયો યોગ પાસે છે અને એટલે જ વિશ્વના માનવોની નજર ભારતીય ૠષિમુનિઓએ આપેલ યોગ તરફ ઢળી છે. જે કોઈ યોગ સાધે છે તેને આંતરિક વ્યાધિઓ દૂર થાય છે જ, સાથે સાથે શરીર પણ નિરામય બને છે. એની કેટલીક વાતો પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકોએ પ્રમાણિત કરી છે.
મોસ્કોના 'ઇન્સ્ટિયૂટ ઑફ જનરલ સાઇકોલોજી'ના સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની જી.એન. ક્રાઈજેન્પેન્સકાનું કહેવું છે કે 'યોગાભ્યાસ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી આંતરિક ઊર્જા અનંતગણી વિકસે છે, વધે છે. વળી, અંદરની ચેતનાને એ અજવાળતી રહે છે. યોગાસનો દ્વારા મન-મસ્તિષ્ક સહિત સમગ્ર નાડી ને ચેતાતંતુઓ પર નિયંત્રણ સાધી શકાય છે, વ્યવસ્થિત કરી શકાય છે.' જી.એન.ના મતે રોગનું મુખ્ય કારણ નિરાશા અને આત્મવિશ્વાસનો અભાવ છે. પોતાની આંતરિક ક્ષમતા પર વિશ્વાસ ન હોવાને કારણે જ વ્યથા અને વેદનાઓ ઊપજે છે.
કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં સંશોધનરત મનોવિજ્ઞાનીઓ ડૉ. જે. એસ. લિફટન તથા ડૉ. જે. જે. મારકેન - બન્નેએ સો દર્દીઓનું અધ્યયન કરીને નિષ્કર્ષ કાઢ્યો કે એ રોગીઓ આંતરિક અવસાદ, માનસિક ચિંતાથી પીડાતા હતા ! એ બન્ને ડૉક્ટરોએ એમના સંશોધનમાં અવસાદ, ચિંતા, વ્યાકૂળતા, અકળામણ, ટેન્શન જેવી અદૃશ્ય પીડાઓ દૂર કરવા ભારતીય ૠષિ પ્રણીત યોગ અપનાવવા પર ભાર મૂકયો છે. તેમનું કહેવું છે કે યોગાભ્યાસ દ્વારા મનુષ્યમાં આત્મવિશ્વાસ અને જીવનશક્તિનો વિકાસ થાય છે, પરિણામે નિરાશા, દુઃખ, આંતરિક વેદના વગેરે ઉપર કાબુ મેળવવાનું સરળ બની જાય છે.
યોગના માર્ગે ઊંડા ઊતરેલા અનુભવી વિશારદો કહે છે કે યોગના માધ્યમથી અનેક પ્રકારની શારીરિક પીડાઓ, ચેતસિક વ્યથાઓ, માનસિક અને ભાવનાજન્ય દર્દો ઉપર ખૂબ પ્રમાણમાં નિયંત્રણ લાવી શકાય છે. શારીરિક-માનસિક તનાવ તો સાધારણ યોગાભ્યાસથી પણ નિવારી શકાય છે. આસનોનો નિયમિત અભ્યાસ કરો તો પણ શારીરિક તણાવથી બચી શકો છો. આંતરિક વેદનાઓ નિવારવા પ્રાણાયામ, શવાસન-શિથિલીકરણ (શરીરને ઢીલું છોડી, વિચારશૂન્ય અવસ્થામાં આત્મા અને પરમાત્માના અનુસંધાન સાથે જડ શબની જેમ સૂઈ રહેવું.) ધ્યાન-માનસી કરવાં. આત્મચિંતન કરવું. અર્થાત્‌ આત્મારૂપ માની પરમાત્માના સ્વરૂપમાં સંલગ્ન રહેવું વગેરે યૌગિક ક્રિયાઓ સંપૂર્ણ કારગત નીવડે છે. સામાન્ય જેવી લાગતી યોગની આ પ્રક્રિયાઓ દ્વારા મગજના સ્નાયુઓ, રક્ત-વાહિનીઓ, ચેતાતંતુઓ આપોઆપ સક્રિય અને વ્યવસ્થિત થઈ જાય છે. જેના પ્રભાવે પીડાઓ નામશેષ થઈ જાય છે.
ફ્રાન્સના સુપ્રસિદ્ધ મનોચિકિત્સક ડૉ. વેર્થેલિયરે પણ યોગાભ્યાસીઓ પર કરેલાં પરીક્ષણો પછી તારણ કાઢ્યું છે કે 'ધ્યાન અને યૌગિક પ્રક્રિયાઓના નિયમિત અભ્યાસથી જ શરીર-મનની વેદનાઓ દૂર થાય છે. અને માનસિક શક્તિનો વિકાસ થાય છે. જે નિયમિત યોગાભ્યાસ આસન, પ્રાણાયામ કરે છે તેની સ્ફૂર્તિ, ચેતના, કાર્ય-દક્ષતા, સ્મૃતિ-મેધા જેવી શક્તિઓ વિકસે છે, જીવનનો કોઈપણ આયામ કોઈપણ ક્ષેત્ર તેના આરોહણ માટે સફળતા બક્ષે છે. તેની શ્વાસોચ્છ્‌વાસની પ્રક્રિયા સંતુલિત થઈ જાય છે, પરિણામે પ્રાણશક્તિનું ઉન્નયન થાય છે, ને તેને લીધે જ વ્યક્તિ દર્દ અને વેદનાથી મુક્ત બને છે. વૃદ્ધ પણ યોગ સ્વીકારે તો નવીન શક્તિ, સ્ફૂર્તિ, આશા અને ઉત્સાહ તે અનુભવવા લાગે છે.'
સ્નાયુ સંબંધી દર્દ-વેદના વગેરે વિષયો પર તાજેતરમાં જ મૂર્ધન્ય ચિકિત્સકો તેમજ મનોવિજ્ઞાનીઓનું એક સંમેલન કેનેડામાં મોન્ટ્રીઅલ ખાતે યોજાયું હતું. સંમેલનના અંતે રોગપ્રતિકાર કે રોગનિવૃત્તિ માટે સ્વજાગૃતિ, દેહ-ઇન્દ્રિયો -ઇન્દ્રિયભોગ વગેરેથી જુદા પડવાની પ્રક્રિયાને મુખ્ય સાધન ગણ્યું હતું. તેઓએ આ અંગે ભારતીય ૠષિપ્રણીત યોગાભ્યાસને બિરદાવ્યો હતો.
આ ઉપરાંત વિદેશોમાં બાયો-ફીડબેક પદ્ધતિ પણ અપનાવાઈ રહી છે. અંદરની ચેતનાને ક્રમશઃ શરીરનાં વિભિન્ન અંગો પર કેન્દ્રિત કરવી તેને બાયો-ફીડબેક પદ્ધતિ કહે છે. આ સાથે શિથિલીકરણ-શવાસનનો અભ્યાસ પણ શીઘþ પરિણામ લાવે છે. શિકાગોના 'ધ ડાયમન્ડ હેડેક કલીનિક'ના નવસંશોધકોએ ૫૦ રોગીઓ પર આ પ્રક્રિયા કરીને તારણ કાઢ્યું હતું કે શરીરની સ્નાયુ-તંતુ સંબંધી બીમારીઓ, કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાની પીડા વગેરે દૂર કરવામાં આ યૌગિક પ્રક્રિયાએ સફળતા મેળવી છે.
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનની હતાશા(ડીપ્રેશન)ને દૂર કરવા જે કંઈ જ્ઞાન આપ્યું છે તે 'ભગવદ્‌ગીતા' તરીકે પ્રસિદ્ધ છે. આમાં પણ 'દેહ-ઇન્દ્રિયો-અંતઃકરણ, વિષયો, સ્વભાવ-પ્રકૃતિ, દેહજન્ય વિકારો વગેરેથી આત્મા જુદો છે, સુખરૂપ છે, અવિનાશી છે, બળતો નથી, ભીંજાતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી, એને જન્મ નથી, મૃત્યુ નથી, એને કોઈ સ્નેહી-મિત્ર કે સગું નથી' એમ દૃઢપણે માનીને, એ આત્માને 'મયિ નિવેશ્ય' ભગવાનમાં જોડીને દ્રષ્ટા તરીકે કર્મ કર્યે જવાનો અદ્‌ભુત બોધ આપ્યો છે.
યોગના માર્ગે આગળ વધવા ઇચ્છતા પુરુષે યોગનાં પગથિયાં અવશ્ય જાણવાં જોઈએ. તેનું પ્રથમ પગથિયું 'દથ' છે. 'દથ'નો અર્થ છે : ઇન્દ્રિય-સંયમ. આંખનો રૂપમાં સંયમ, જીભનો સ્વાદમાં સંયમ, કાનનો વૃથા વાતો સાંભળવામાં સંયમ, નાકનો રજોગુણી માદક ગંધ લેવામાં સંયમ, ચામડીનો મુલાયમ સ્પર્શ કરવામાં સંયમ - આમ, પાંચે ઇન્દ્રિયોના સંયમ સાથે હાથ-પગ આદિ મળીને દશે ઇન્દ્રિયોની ચંચળતા ટાળવા પણ 'દથ' નિર્દેશે છે. શ્રીકૃષ્ણ કહે છે : અતિ ભોજન લેવાથી કે બિલકુલ નિરાહાર રહેવાથી યોગ સિદ્ધ થતો નથી, તેમજ ખૂબ ઊંઘવાથી કે નિરંતર જાગતા રહેવાથી પણ યોગ સિદ્ધ થતો નથી, યોગ કોને સિદ્ધ થાય છે ?
'યુક્તાહાર-વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ।
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥'
જેને આહાર ને વિહારમાં સંયમ છે, ઇન્દ્રિયોની ચેષ્ટાઓ જેની સંયમિત છે, ઊંઘવું ને જાગવું જેને સંયમમાં છે એવા પુરુષને દુઃખમાત્રને હણનારો યોગ સિદ્ધ થાય છે. બંધ ઓરડામાં મૂકેલ દીપની શિખા એકદમ સ્થિર હોય છે તેમ જેની ઇન્દ્રિયોની વૃત્તિ સારા-નરસા વિષય કે પદાર્થોમાં વિચલિત ન થાય તેને યોગી કહ્યો છે. (ગીતા - ૬/૧૭)
શ્રીજીમહારાજ પણ વચનામૃત ગ.અં. ૩૨માં કહે છે કે 'યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્તાહાર-વિહારપણે રહેવું. ને આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જિતાય, તે વિના ઇન્દ્રિયો જિતાય નહિ. ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિને વિષે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે, એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય.'
આમ, યોગ સાધતાં પૂર્વે ઇન્દ્રિય સંયમ ખૂબ જરૂરી છે. સંયમી પુરુષને ભક્તિ-યોગ વરે છે. જેનું મન અત્યંત ઉત્કટપણે ભગવાનમાં લાગી જાય છે તેને સ્થૂળ યોગનાં આઠ અંગ સિદ્ધ ન થયાં હોય તો પણ તેનું ચિત્ત નિર્વાસનિકપણે ભગવાનમાં જોડાયું હોવાથી તે 'યોગી' કહેવાય છે. યોગીજી મહારાજ એવા યોગી હતા. એવા યોગીને યૌગિક પ્રક્રિયાઓ ગૌણ બની જાય છે, કારણ કે આગળ જણાવેલાં ચિંતા, વ્યથા, ઉદ્‌વેગ, આધિ-વ્યાધિ કોઈ આંતરિક કે શારીરિક રોગ તેમને સ્પર્શતા જ નથી ! વર્તમાનકાળે પ્રમુખસ્વામી મહારાજ એવા યોગી છે. એમની બ્રહ્મમસ્તીની, પરાભક્તિની ઊંચાઈ એટલી છે કે શારીરિક વ્યથા તેમને સ્પર્શી શકતી નથી.
આજે પશ્ચિમના દેશોનો ભોગવાદ બધે જ પ્રસરી ચૂક્યો છે ત્યારે યોગ સાધનાનું પ્રથમ સોપાન 'ઇન્દ્રિય સંયમ' કેટલું મહત્ત્વનું બની રહે છે ! સ્વામીશ્રી ૧૯૮૮માં હ્યુસ્ટનમાં બિરાજતા હતા ત્યારે ભારતીય યોગ અને તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવતો એક અમેરિકન યુવક સ્વામીશ્રી પાસે આવ્યો હતો. ઉપનિષદો તેને ખૂબ પ્રિય હતાં. ભારતમાં તે જ્યારે આવે ત્યારે હિમાલય તેમજ સાધુમહાત્માઓની મુલાકાત અવશ્ય લે. મહિનાઓ સુધી આશ્રમોમાં પડયો રહે. સ્વામીશ્રીએ તેની આવી મુમુક્ષુતા પિછાણી અહોભાવ વ્યક્ત કર્યો પછી તેને પૂછ્યું કે આહારમાં શું શું લે છે ? ઈંડાં-માંસ ખાય છે ! આ સાંભળી તેણે કહ્યું : 'એ તો ખાઉં છું.'
સ્વામીશ્રી કહે : 'તું જ્યારે ભારતીય તત્ત્વજ્ઞાન ને યોગ સાધનાની વાત કરે છે, ત્યારે આ દૂષણ તો તને શોભે જ નહિ. યોગ તો ભગવાન સાથેની મુલાકાત છે. ભગવાનને જીવપ્રાણી પ્રત્યે કરુણા છે. કોઈ જીવને મારીને તે તું પેટમાં પધરાવે તેનાથી ભગવાન રાજી ન થાય ને શાકાહારી થયા વિના યોગ પણ સિદ્ધ ન થાય.' પેલા ભાઈને આ સાંભળી પરસેવો વળી ગયો. તેણે કહ્યું : 'હું ટ્રાય કરીશ.'
સ્વામીશ્રી કહે : 'ટ્રાય નહિ, છોડી જ દે.' ખરેખર તેને આ વાત અઘરી લાગી હતી.
સંયમ અને નિયમના પાયા પર યોગની ઇમારતનું ચણતર થાય છે. ત્વરિત જાણકારી આપતાં આજનાં યંત્ર-માધ્યમો દ્વારા વિશ્વના ખૂણે 'યોગા'ની વાતો ગૂંજતી થઈ છે. પણ યોગા સિદ્ધ કરવા માટે ભારતીય ૠષિપરંપરાએ બતાવેલ સંયમ-નિયમ ને સદાચારની ચાવી એમની પાસે નથી.
ભગવાન સ્વામિનારાયણે તો ગાળ્યા વિનાનું જળ કે ચાળ્યા વિનાનું અનાજ કે લોટ વાપરવાની પણ ના કહી છે. જેનું ન ખપતું હોય એવા કુપાત્ર-પાપીના હાથનું પણ અન્ન લેવાની ના કહી છે. આજે ઠેર ઠેર હૉટેલ કે લારીઓમાં વેચાતી વાનગીઓમાં શ્રીજીમહારાજે કહેલી શુદ્ધિ હોતી નથી. એવા અપવિત્ર-અશુદ્ધ આહારથી મન અપવિત્ર ને અશુદ્ધ બને જ છે. આવી બજારુ ખાણી-પીણીની મોજ માણવા ભટકતા ભોગીના શરીરમાં રોગોની વણઝાર વહે તેમાં શી નવાઈ ! 

સાધુ અક્ષરજીવનદાસ

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |