Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ

ના, કોઈ તકલીફ નથી...

દેવચરણ સ્વામી, ભૂજ

૧૯૬૭માં ગોંડલમાં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઊજવાયો ત્યાર પછીની આ ઘટના છે. અમૃત મહોત્સવ પછી યોગીજી મહારાજ સારંગપુર બિરાજતા હતા. સ્વામીશ્રી અને અમારે ગોંડલથી સારંગપુર જવાનું હતું. સ્વામીશ્રીની સાથે મુંબઈના ૫ સંતો તથા અમૃત મહોત્સવમાં નવદીક્ષિત બે સંતો હતા. સમૈયાનો તમામ હિસાબ તથા અન્ય વ્યવસ્થા સંપૂર્ણ રીતે પૂરી કરીને, સાંજે ૫ વાગે જીપગાડીમાં સારંગપુર જવા તૈયાર થયા.
નવદીક્ષિત તથા મુંબઈના સંતો સ્વામીશ્રીને કહે : 'અમને તમારી સાથે ફરવાનો લાભ મળે. અમે ભેગા આવીએ ?' સ્વામીશ્રી કહે : 'તમે કાલે ટ્રેનમાં આવજો. ગાડી નાની છે. ગિરદી થશે. તમને ફાવશે નહીં.'
'ના, ના, ફાવશે, અમારે તમારો લાભ લેવો છે.'
સ્વામીશ્રી કહે : 'ચાલો, આવવું હોય તો પોટલાં મૂકો. યોગી બાપા પાસે પહોંચતાં મોડું ન થાય. રાત્રે દર્શન થઈ જાય.' એક જૂની ખખડધજ જીપમાં પાછળ ૬ સંતો, સાથે દરબાર હકાભાઈ, આગળ ડ્રાઇવર સાથે હું, પ્રગટ ભગત તથા સ્વામીશ્રી બેઠા. સાંજે ૫-૩૦ વાગે નીકળ્યા. અંધારું થતાં ગાડી ઢસા થઈને પાટણાવાળા રસ્તે કાળુભાર નદીના કાંઠે આવી. આગળ ઉપર કમોસમનો વરસાદ પડ્યો હતો. અહીં વાદળાં ઘેરાયાં હતાં અને ઝીણાં ઝીણાં છાંટે વગર નોતરે વરસાદ શરૂ થયો! થોડીવાર ગાડી થંભાવી. બધા જ ગાડીમાં સૂનમૂન બેઠા હતા. દરબાર એમની લાક્ષણિક શૈલીમાં પાછળથી બોલ્યા, 'આ આટલા બધા પાછળ હલોહલ ભર્યા છે. મંઈ હાંહ (શ્વાસ) નથી લેવાતો. હવે શું કરશું ?'
સ્વામીશ્રી શાંતિથી એક વાક્ય બોલ્યા : 'થોડીવાર ઊભા રહીએ. હમણાં પાણી ઊતરી જશે.'
દરબાર સૌને કહે : 'ચાલો, હેઠા ઊતરો, હાહ લેવાય.' પણ અંધારે અને વરસાદમાં જાય ક્યાં, તોય થોડા ઊતર્યા. વરસાદ વધ્યો, અંધારું ઘટ્ટ થવા લાગ્યું.
સ્વામીશ્રી કહે : 'આપણે નાહી લઈએ, એવો વિચાર થાય છે.' ગઢડાથી ૧૦-૧૨ કિ.મિ. દૂર જ હતા. તેથી મેં કહ્યું : 'સ્વામી ! ગઢડા જઈને નવાશે. અહીં ક્યાં જશો ?'
'ના, ના, લાવને લોટો, નદીમાં નાહી લેશું.' સ્વામીશ્રીએ કહ્યું. નીચે ઊતરી, વસ્ત્ર બદલી, નદીમાંથી લોટો ભરીને ઉપડ્યા, દૂર બહિર્ભૂમિ જઈ આવ્યા. પછી નદી કાંઠે નાહવા બેઠા. એક માણસ ટૉર્ચનાં અજવાળે આવતો'તો. સ્વામીશ્રીએ તેને ના'તાં ના'તાં બોલાવ્યો, 'ભઈ, અમારે ગઢડા જવું છે; કેટલો વરસાદ પડ્યો છે ? આ કાળુભાર ઊતરશે ?'
'અરે સ્વામી, આ તો સવારેય નોં ઊતરે. આ તો ધોધમાર પડેલો વરસાદ છે. બધે જ ખાબક્યો છે. પાછા વળવું પડશે.' પેલો એક શ્વાસે બોલી ગયો.
સ્વામીશ્રી કહે : 'પાછા વળીને ક્યાં જઈએ ? અમારે તો ગઢડા થઈ સારંગપુર જવું છે.'
તે કહે : 'તો સ્વામી, પાછા વળીને ભાવનગરવાળા રસ્તે વલ્લભીપુર થઈ, બરવાળા થઈને જાવ.' સ્વામીશ્રી કંઈક વિચારી રહ્યા. વરસતા વરસાદમાં કીચડવાળા નદી કિનારે નાહીને ધોતિયું બદલીને ગાડી પાસે આવ્યા. ત્યાં દરબારને અકળાતા જોઈને સ્વામીશ્રી સ્મિત કરતા રહ્યા. ગાતરિયું ઓઢતાં કહે : 'પેલાએ કહ્યું એ રસ્તે જઈએ. આપણે પહોંચવું જ છે ને ! એ તો આવું થાય ત્યારે જ લાભની ખબર પડે.'
સૌ યથાવત્‌ ગોઠવાયા. બધા જ થોડાઘણાં તો ભીંજાયા જ હતા. ગાડી ભાવનગરને રસ્તે પડી. રાત્રિના સાડા નવ વાગ્યા હશે. એવામાં દરબારે મિત્રભાવે કથા શરૂ કરી. ઢસા છોડી ભાવનગરના રસ્તે ચઢ્યા, ત્યાં વરસાદનું જોર ખૂબ વધ્યું. બરવાળા પહોંચતાં રાત્રે દોઢ વાગ્યો. ત્યાંથી મેટલ રસ્તે સારંગપુર ૧૫ કિ.મિ. થાય. કાચા રસ્તે ગાડી ઉતારી. થોડીવારે ડ્રાઇવર નીચે ઊતર્યો.
સ્વામીશ્રી કહે : 'શું કામ ઊતર્યો ? જવા દે, જલદી પહોંચી જવાય! વરસાદ થોડો બંધ રહ્યો છે. બેસી જા. કોરો રસ્તો મળે.' તેણે ફરી ગાડી સંભાળી. રાત્રે સારંગપુર પાસે ખાંભડા ગામના પાદરમાં વોંકળાનું પાણી ઠરીને ઠામ થયેલું, પણ ઘૂંટણભર પાણી હતું. ડ્રાઇવર ગાડી નાખતાં સંકોચાતો હતો.
સ્વામીશ્રી કહે : 'કંઈ નથી થવાનું.' પેલાએ વિશ્વાસથી અને રાત્રી વીતતી જતી હતી, તેથી કંટાળામાં જીપ વોંકળામાં નાખી. તે થોડે પહોંચી અને બંધ પડી ગઈ.
સ્વામીશ્રી કહે : 'શું થયું ? કેમ બંધ પડી ? જો તો ખરો, ખાડામાં ફસાઈ નથી ને !' ડ્રાઇવર બહાર નીકળ્યો. બીજી તરફથી સ્વામીશ્રી ઊતર્યા. જોયું તો પેટ્રોલ ખલાસ.
તે કહે : 'સ્વામી ! પેટ્રોલ થઈ રહ્યું !'
દરબાર અકળાઈ ઊઠ્યા : 'અડધી રાત્રે હલવાયા ! હવે પડ્યા રહો, રાત્રે કોને બોલાવશો?'
સ્વામીશ્રી કહે : 'દરબાર ! કેમ કરશું ?' તેમણે કહ્યું: 'બાપજી, તમો જાણો.'
સ્વામીશ્રી કહે : 'દરબાર! તમે બેસી રહો, સામાન સાચવો, અમો ચાલવા માંડીએ.' એમ કહેતાં સ્વામીશ્રી તો પાણીમાંથી નીકળી સામે કાંઠે પહોંચી ગયા. બધાને બૂમ પાડીને બોલાવી લીધા. મુંબઈના લાભ લેવાવાળા પ્રેમી સંતો પણ પાણી ડહોળીને નીકળ્યા.
સ્વામીશ્રી કહે : 'આપણે ચાલતા જઈને ટ્રૅકટર મોકલીએ...' પણ રસ્તો કાચો અને ધોવાયેલો. કોણ આગળ ચાલે છે તે દેખાય નહીં.
સ્વામીશ્રી કહે : 'બધા મારી પાછળ આવો. દેવ, પ્રગટ, તમો છેલ્લે પાછળ ચાલો.' રાત્રે બે-અઢી વાગે 'નગરયાત્રા' ઊપડી. અડધે રસ્તે જતાં, રસ્તો ન મળતાં, ખેતરાઉ રસ્તો સ્વામીશ્રીએ લીધો. પણ એ જમીન ખેડેલી તેથી પગ તો ફગી જાય ને ક્યાંક બે-બે વેંત અંદર જમીનમાં ઊતરી જાય!
મુંબઈના સંતો કહે : 'આ કયા રસ્તે જઈએ છીએ ?'
સ્વામીશ્રી આગળથી બોલ્યા : 'તમો બધા લાભ લેવા ભેગા આવ્યા છો ને ? આ લાભ સાચો ! બાપાનાં દર્શન કાંઈ એમનેમ થાય છે? હમણાં સારંગપુર પહોંચાશે. ધીરે ધીરે આવો. જો કોઈ પડતા નહિ.' ત્યાં એક નવદીક્ષિત સંત બોલ્યા, 'અરે સ્વામી ! આવી દશા થવાની હોત તો હું કાલે જ આવત!'
સ્વામીશ્રી ખૂબ જ સ્વસ્થતાથી કહેતા હતા : 'આમાં શું ? આ તો સરસ છે! જો હમણાં સારંગપુર આવી જશે. રસ્તો દેખાય છે ને! એકબીજાના હાથ ઝાલીને ચાલજો.' સવારે લગભગ સાડા ત્રણ વાગે સારંગપુર મંદિરનો દરવાજો સ્વામીએ ખટખટાવ્યો, 'જીવા, ચાલ ખોલ્ય દરવાજો.' ફાનસ લઈને દરવાનજીએ દરવાજો ખોલ્યો. અડધી ઊંઘતી આંખે પણ દરવાનજીએ સ્વામીશ્રીને જોયા અને બોલ્યો, 'અરે, નારાયણ સ્વામી! અત્યારે ક્યાંથી ? આ ગારાવાળા પગે!' તે વખતે લાઇટ નહોતી, તેથી સ્વામીશ્રી મંદિરમાંય સભામંડપના દરવાજાની તિરાડમાંથી પડતા ફાનસની તેજ લકીરનાં આધારે પગથિયાં સુધી પહોંચ્યા. ઉપર અગાશીની પાળી(ઝેર્ય) આગળથી સંત સ્વામી બોલ્યા, 'નારાયણદા' આવ્યા! પલળતા આવ્યા!' તેમણે બીજો દરવાજો ખોલ્યો. સભામંડપનાં પગથિયાં વટાવ્યાં.
સ્વામીશ્રી કહે : 'જાવ, બધા નાહી લ્યો. આપણેય નાહી લઈએ.' પછી ઉતારાને ઓરડે આવતાં જ જોયું તો યોગીબાપા ફાનસનાં અજવાળે મંગળ પ્રવચન કરતા'તા. સ્વામીશ્રી અને અમો બધા પ્રવેશ્યા. ત્યાં યોગીબાપા જોઈ ગયા, 'કોણ આવ્યું...? અહોહો, આ તો સ્વામી આવ્યા! જાવ લ્યો, દર્શન થઈ ગયાં. નાહી લ્યો. આખી રાત તમારી વાટ જોઈ. કંઈ તકલીફ નથી પડીને ?' તરત જ સ્વામીશ્રી બોલ્યા : 'ના, ના, બાપા. કોઈ તકલીફ નથી પડી!' સ્વામીશ્રીના મુખ પર તકલીફોનો કોઈ અણસાર સુદ્ધાં ન હતો.
ગુણાતીતની ગુણાતીત સ્થિતિ આવી જ હોય ને!

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |