Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૭)

ક્યાં જઈ અંતર ખોલું ?
સમાજમાં ભય, આતંક અને દુરાચારમાં વ્યસ્ત એવી વ્યક્તિઓ છે તો અલ્પસંખ્યક, પરંતુ તેઓ બેફામ, અવિચારી અને નિરંકુશ હોવાથી સમાજમાં જાણે તેમનું જ વર્ચસ્વ હોય એમ લાગે છે. હકીકતે તો આવા વિષમકાળમાં પણ સ્થિર, ઠરેલ, વ્યવસ્થિત જીવન જીવતી, રોજ-બ-રોજના વ્યવહારો સુપેરે નિભાવતી, નૈતિકતાના પાયાનાં મૂલ્યોનું જતન કરતી, શક્ય હોય તો અન્યને મદદરૂપ થવું પણ આડખીલીરૂપ ન થવું એવો વિવેક ધરાવતી, ધર્મમાં આસ્થા ધરાવતી વ્યક્તિઓનો એક વિશાળ સમુદાય સમાજમાં વસે છે. આમાંની ઘણી વ્યક્તિઓને સાત્ત્વિક જીવનશૈલી અપનાવવાની, જીવનને ઊર્ધ્વગામી બનાવવાની, જીવનનું રહસ્ય પામવાની, જીવનનો સાચો આનંદ માણવાની જિજ્ઞાસા હોય છે. તેમનામાં એક વખત તલસાટનો તણખો ઝરે ત્યાર પછી તેનો અગ્નિ પ્રજ્વલિત થતો જ રહે છે. તેમની જિજ્ઞાસા ગતિશીલ હોય છે. આવી પ્રજ્વલિત, ગતિશીલ જિજ્ઞાસામાંથી જન્મે છે. ચરમ સત્યને પામવાની લગન. અને ત્યાર બાદ આ માટે સાચો રાહ ચીંધે એવા સાચા ગુરુની પ્રાપ્તિ માટે તેમનામાં જાગે છે એક પ્રકારની તડપન. સાચા શિષ્યત્વના પ્રગટીકરણની આ પૂર્વસ્થિતિ છે. સાધનાની સીડી પરનું આ પ્રથમ પગથિયું છે.
તેમની વ્યાવહારિક, લૌકિક સમસ્યાઓનું નિરાકરણ તો તેમણે પોતાની આગવી સૂઝ-બૂઝથી, જરૂર પડ્યે મિત્રો-સ્વજનોની, સમાજના કહેવાતા સલાહકારોની મદદ લઈ મેળવ્યું હોય છે. પરંતુ તેમને પીડી રહેલા સૂક્ષ્મ દોષો, જેના વિષે હવે તેઓ સભાન થયા છે, જેવા કે કામ, ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, લોભ ઇત્યાદિ - તેના નિરાકરણ માટે કોõને વાત કરવી એનો સતત અજંપો તેમને રહે છે. તેમના મસ્તિષ્કમાં પ્રશ્નો ઊભરે છે :
'કોની પાસે જાઉં ?'
'હાથ કોણ પકડશે ?'
'કોણ મને સાંભળશે ?'
'સાચો રાહ કોણ બતાવશે ?'
તરસ એટલી તીવ્ર હોય છે કે જે કોઈ જે ગુરુ બતાવે ત્યાં પહોંચે છે અને એ જેવો ત્યાં જાય છે ત્યાં જુએ છે શું ? બહારથી નિર્વાસનિકના નામે ખ્યાતિ પામેલા ગુરુમાં વાસના ઠાંસોઠાંસ ભરેલી હોય છે ! બહારથી શાંત-સૌમ્ય લાગતા ગુરુ શીતલાનંદજીમાં અંદર ક્રોધની જ્વાળાઓ લપકારા લેતી હોય છે ! ગુરુ નિર્માનાનંદજીના રોમે રોમે માન પ્રગટતું દેખાય છે ! ગુરુ જિતેન્દ્રિયાનંદજીની રસનાને રોજ રોજ નવા નવા રસાસ્વાદો માણવાની આદત પડી હોય છે ! બીચારો તે ભૂલો પડે છે. બમણો મૂંઝાય છે. એની દ્વિધા દ્વિગુણિત બને છે. ગયો હોય છે પોતાને પીડતા સૂક્ષ્મ ઘાટની વાત કરવા, પણ ગુરુ વાસનાસાગરના ઘાટે જ બેઠા રહેલા હોય છે. તે પેલાના ઘાટ શેં શમાવે ? ગ્રીષ્મના ધોમધખતા તડકામાં કોઈ રાહદારી તેની તૃષા છીપાવવા 'પાણીની પરબ' લખ્યું હોય  એવું પાટિયું લટકતું જોઈ ત્યાં હાંફળો-ફાંફળો પહોંચે અને ત્યાં માત્ર પાટિયું જ હોય - પાણીનું એક બૂંદ પણ ન હોય, તો તેની તૃષા કેમ છીપે ? તૃષા તો ન છીપે પરંતુ તેની હતાશાનો પાર ન રહે. દુઃખી દુઃખી થઈ જાય. એ રીતે આ સાધક ગયો હોય 'હાશ' પામવા અને થઈ જાય હતાશ !!
સાધકની આ દ્વિધાને, સત્યના શોધકની આ વેદનાને, મુમુક્ષુની આ મૂંઝવણને ભગવાન સ્વામિનારાયણ, વચનામૃત પ્રથમના ૩૮માં હૂબહૂ વર્ણવતાં કહે છે કે '.... માટે ઘાટ કેને કહેવો તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળિયો હોય તેની આગળ કહેવો. અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે, તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેઠતો-ઊઠતો, ખાતો-પીતો સર્વ ક્રિયામાં વાત કર્યા કરે...'
મનમાં ઊઠતા આવા ઘાટ અંગે નિખાલસપણે કોની સામે અંતર ખોલી શકાય, એવી વ્યક્તિની આધ્યાત્મિક ઊંચાઈ અને પાત્રતા કેવી હોય એનું માર્ગદર્શન પણ આમાંથી મળે છે.
કોઈ પણ સાધકને, આધ્યાત્મિક જ્ઞાનપિપાસુને આ સ્થિતિમાંથી પસાર થવું જ પડ્યું હોય છે. શરૂઆતમાં જ્યાં જિજ્ઞાસા જન્મે ત્યાં સાચા ગુરુની શોધ માટે રઝળપાટ શરૂ થાય. પેલા વાવંટોળની જેમ તેમાં ગતિ હોય, પ્રબળતા પણ હોય પરંતુ દિશા ન હોય, લક્ષ્ય ન હોય, પ્રચંડ વેગે દોડતા એક વંટોળિયાને કોઈકે પૂછ્યું :
'આટલી ઝડપે દોડીને કોને શોધી રહ્યા છો ?'
'સ્થિર થવાનો ઉપાય શોધું છું.' ભાગતા વંટોળિયાએ ઉત્તર વાળ્યો.
'મૂરખ, આ ભાગંભાગ બંધ કરી દે તો સ્વયં સ્થિર બની જઈશ.' પેલાએ સલાહ આપી.
હિંદુ સંસ્કૃતિના જ્યોતિર્ધર સમા સ્વામી વિવેકાનંદ પણ સાચા ગુરુની શોધના એ પ્રારંભિક તબક્કામાં આ સ્થિતિમાંથી પસાર થયેલા. સાનફ્રાન્સિસ્કોમાં આપેલા તેમના એક પ્રભાવશાળી પ્રવચનમાં પોતાની જ વાત કરતાં તેમણે કહેલું કે કેટલાંક વર્ષો પહેલાં તેમને એક ખ્રિસ્તી પાદરીએ પૂછેલું,
'તમે ખ્રિસ્તમાં માનો છો ?'
'હા, પરંતુ કદાચ વધુ પૂજ્યભાવપૂર્વક.'
'તો પછી તમે જળસંસ્કાર (Baptism) ની દીક્ષા કેમ નથી લેતા ?'
'હું દીક્ષા કેવી રીતે લઉં ?' કોની પાસેથી લઉં ? સાચી દીક્ષા આપી શકે એવી વ્યક્તિ છે ક્યાં ? દીક્ષા એટલે શું ? મંત્રો બોલતાં બોલતાં માથા પર થોડુંક પાણી છાંટે અથવા તમને પાણીમાં ડૂબકી મરાવે એ શું દીક્ષા છે ?'
પોતાને તે વખતે પીડતા આવા પ્રશ્નોની પરંપરાનો આ રીતે તેમણે પ્રવચનમાં ઉલ્લેખ કરેલો.
એ જ પ્રવચનમાં યથાર્થ ગુરુ વિષેના પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે કહેલું કે 'ગુરુ એ આધ્યાત્મિક પૂર્વજ છે અને શિષ્ય તેનો વંશજ છે. ગુરુની આધ્યાત્મિક શક્તિ શિષ્ય તરફ વહે છે ત્યારે તે માત્ર પ્રેમરૂપી માધ્યમ દ્વારા જ વહી શકે છે; તે સિવાય અન્ય કોઈ માધ્યમ દ્વારા તે વહી શકે નહીં. કીર્તિ કે દ્રવ્યલાભ જેવો બીજો કોઈ ઉદ્દેશ આ માધ્યમનો તત્ક્ષણ નાશ કરે છે.'
'તમે દુનિયાના ચારે ખૂણે જઈને શોધી વળો. ભલે હિમાલય, આલ્પ્સ, કોકસેસ, સહારા યા ગોબીના રણમાં કે સમુદ્રના તળિયે જઈને શોધી વળો, પણ જ્યાં સુધી તમને સાચા ગુરુ મળે નહીં, ત્યાં સુધી તમને સાચો ધર્મ પણ મળી શકવાનો નથી. ગુરુને શોધી કાઢો, બાળકની પેઠે તેની સેવા કરો, તેમની પાસેથી શકિત પ્રાપ્ત કરવા માટે તમારું હૃદય ખુલ્લું રાખો અને તેમનામાં પ્રત્યક્ષ ઈશ્વરનાં દર્શન કરો. ઈશ્વરની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ તરીકે ગુરુમાં આપણું  ચિત્ત તન્મય થઈ જવું જોઈએ. જેમ જેમ મનની ધ્યાનશક્તિ તેમનામાં એકાગ્ર બનશે, તેમ તેમ ગુરુ મનુષ્ય છે તેવું ચિત્ર લુપ્ત થશે; શરીર અદૃશ્ય થશે અને સાક્ષાત્‌ ઈશ્વર ત્યાં દેખાશે.
આધ્યાત્મિકતા ગ્રંથોમાં કે ફિલસૂફીઓમાં કે સિદ્ધાંતોમાં રહેલી નથી. તે નથી વિદ્યામાં કે નથી તર્કમાં, પણ તે સાચા આંતરિક વિકાસમાં છે. શબ્દો ગોખી નાખતાં અને તેમને ફરીથી બોલતાં તો પોપટ પણ શીખી શકે છે. તમે વિદ્વાન બનો પણ તેથી શું ? ગધેડાઓ પણ આખા પુસ્તકાલયને ઊંચકી લઈ જઈ શકે છે. આધ્યાત્મિક પ્રગતિ માટે ભણતર એ આવશ્યક બાબત નથી; વિદ્વત્તા પણ આવશ્યક બાબત નથી. ગુરુનો સ્પર્શ, આધ્યાત્મિક શક્તિનો સંચાર, એ તમારા હૃદયને ચેતનવંતુ બનાવશે.'
 ગુરુ સાથે શિષ્યનો એવો તો આત્મીય નાતો બંધાય કે પછી તર્કને તાળાં મારીને, બુદ્ધિને બુઠ્ઠી બનાવીને ગુરુ જે કહે તે કરવા શિષ્ય તત્પર થઈ જાય.
સ્વામી વિવેકાનંદ કહેતા કે 'જો મારા  પિતા કહે કે 'આ કાર્ય કર.' પણ જો મારા ગુરુ કહે કે 'એ કરીશ મા.' તો હું એ કાર્ય ન કરું.'
आज्ञा गुरुणाम्‌ ह्यविचारणीया ।
પુરાણોમાં સત્યકામ જાબાલિની વાત આવે છે. બ્રહ્મજ્ઞાનનો જિજ્ઞાસુ એ જીવ ગુરુ પાસે જાય છે. ગુરુ તેને ૪૦૦ ગાયો સોંપી તેમાંથી ૧૦૦૦ ગાયો થાય ત્યારે પાછા ફરવાનું કહે છે ! તેને લગીરે સંશય થતો નથી. નીકળી પડે છે. ૧૦૦૦ ગાયો થતાં થતાં તો તેને બ્રહ્મજ્ઞાન લાધી ગયું હોય છે.
ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી ગિરનારને બોલાવી લાવવાની આજ્ઞા કરે છે. જરાય સંશય કર્યા વિના, પળનાય વિલંબ વિના ગિરનારને બોલાવવા ઊપડે છે.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અને બ્ર.સ્વ. યોગીજી મહારાજે મકરાણાના આરસના કામમાં જોતરવાથી માંડીને અટલાદરા  મંદિરના નિર્માણ કાર્યમાં ચૂનો પીલવાનું કામ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સોંપેલું. લેશમાત્ર સંશય કર્યા સિવાય, પળનાય વિલંબ વિના, હોંશે હોંશે ગુરુ આજ્ઞા માથે ચડાવી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમના ગુરુઓ પ્રત્યેનું અજોડ શિષ્યત્વ શોભાવ્યું છે !
સાચા ગુરુના સામર્થ્યનો પણ પાર નથી હોતો. એક વાર પોતાની પાસે નિષ્કપટ થવા આવેલા શિષ્યને કહી દે કે 'જા, હવે પાપ ન કરતો.' અને તે પછી તેનાથી પાપ થઈ શકે જ નહીં. અલ્પ સરખું પાપ કરવાની તેનામાં શક્તિ જ રહે નહીં. માયાથી પર એવા ગુણાતીત ગુરુની એક દૃષ્ટિથી, કામીનો કામ નામશેષ થઈ જાય, ક્રોધીનો ક્રોધ ટળી જાય, લોભીમાં તેમની એક દૃષ્ટિમાત્રથી સર્વસ્વ અર્પણ કરવાની ભાવના જાગે. બ્ર.સ્વ. શાસ્ત્રીજી મહારાજ અને બ્ર.સ્વ. યોગીજી મહારાજના પ્રસંગમાં આવેલી કેટલીય વ્યક્તિઓનાં તેમના એક દૃષ્ટિમાત્રથી, કામ બાળ્યાનાં, ક્રોધ ટાળ્યાનાં અસંખ્ય દૃષ્ટાંતો સંપ્રદાયમાં પ્રચલિત છે.
કામરોળના દરબાર દાજીભાઈ, ગુણાતીતાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા બાદ કહે : 'સ્વામી ! બીજા બધા નિયમ તો પાળી શકીશ પરંતુ નિષ્કામી વર્તમાનનું પાકું નહીં. મેં ચકલાંને મારીને તેની જીભ ખૂબ ખાધી છે.' એટલે સ્વામી કહે : 'લો, આ માળા, મારી સામે જોઈને પાંચ માળા ફેરવો.' દાજીભાઈએ પાંચ માળા ફેરવી અને સદાય માટે કામ શમી ગયો !!
મહારાજ આ વચનામૃતમાં કહે છે કે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય, ત્યાં સુધી તેને વાત કર્યા જ કરે. એકવાર ટકોરીને છોડી દે એમ નહીં.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની એક વિશિષ્ટ રીતિ છે કે સવારે ઊઠે અને રાત્રે પોઢે ત્યાં સુધીની કલ્યાણ પ્રવૃત્તિઓ સભર પળોમાંથી, જો કોઈકનું વ્યસન છોડાવવાનું હોય, તેની પાછળ અલાયદો સમય કાઢીને એવી તો ધારદાર વાતો કરે કે પેલો વ્યસન નહીં કરવાના પણ લઈને ઊભો થાય; એટલું જ નહીં જ્યારે જ્યારે એ વ્યક્તિને મળવાનું થાય ત્યારે 'વ્યસનનું કેમ છે ?' એમ અચૂક પૂછે અને ફરી એ વ્યક્તિ વ્યસનમાં ફસાય જ નહીં એ જોવાનો સતત ખટકો રાખે. સામી વ્યક્તિના આવા ઘાટ ટાળ્યાના તેમના આગ્રહને કારણે ભલભલાનાં કલેવર બદલાઈ ગયાં - પછી તે તળાજાના રિશુભાવાળા હોય કે ધરમપુરના આંબા તલાટનો ખલપુ લાછીયા હોય કે પછી સેલવાસના રવિયાભાઈ હોય. સ્વામીશ્રીએ કેટલીય વ્યક્તિઓનાં કામ શમાવ્યાં છે, કાંઈ કેટલાયના ક્રોધ ટાળ્યા છે. ઓદરકા ને કુકડ એ બે ગામોના પેઢીઓ જૂનાં વેર અને ઈર્ષ્યાના અગ્નિને પ્રેમ અને બંધુત્વનાં અમૃતજળ છાંટી બુઝાવ્યો છે.
આપણાં પુરાણોમાંથી પણ યથાર્થ ગુરુની પરખ કેમ કરવી તે અંગેનું પૂરતું માર્ગદર્શન મળી રહે છે. શિવપુરાણના આ શ્લોકમાં કેવા પુરુષને ગુરુ તરીકે સ્વીકારવા તેની વાત કરી છે :
यस्यानुभवपर्यन्ता बुद्धिस्त्तत्त्वे प्रवर्तते ।
तस्यावलोकनादेव  परमानन्दोऽभि जायते ॥
तस्मादस्यैव सम्पर्कात्‌ प्रबोघानन्दसम्भवः ।
गुरुं तमेव वृणुयान्नापरं मतिमान्नरः ॥
(શિવપુરાણ - ૪૩/૪૪)
અર્થાત્‌, પરમતત્ત્વમાં અનુભવપર્યંત જેમની બુદ્ધિની પ્રવૃત્તિ થઈ હોય, જેમનાં દર્શનથી તથા તેમની સાથેના વાર્તાલાપથી મુમુક્ષુને પરમ આનંદની અનુભૂતિ થાય છે. જેમના સંપર્કથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એવા પુરુષને ગુરુ તરીકે સ્વીકારવા અન્યને નહીં.
સ્કંદપુરાણમાં પણ સાચા ગુરુના ગુણો વર્ણવતાં કહ્યું છે :
समचेताः प्रसन्नात्मा विमन्युश्र्च सृहृन्नृणाम्‌ ।
साघुर्महान्‌ समो लोके स गुरुः परिकीर्तितः ॥
(સ્કંદપુરાણ - અ.૨. ૧૬)
અર્થાત્‌, હર્ષ અને શોકમાં સમાન ચિત્ત રાખનાર. શાંત અંતઃકરણ તથા ક્રોધરહિત સ્વભાવ ધરાવનાર, બદલાની અપેક્ષા વિના સૌને સહાયક બનનાર, ધર્મમાં તત્પર, સર્વ પ્રત્યે સમભાવ રાખનાર ગુરુ ઉત્તમ છે.
સહજોબાઈએ ગાયું કે કદાચ ગોવિંદને ભુલાય પરંતુ સાચા ગુરુને તો ભુલાય જ નહીં.
રામ તજૂં પર ગુરુ ન વિસારું, ગુરુ કે સમ હરિ કાને નિહારું,
હરિને પાંચ ચોર દિયે સાથા, ગુરુને લઈ છુડાય અનાથા.
હરિને માયા જાલમેં ગેરી, ગુરુને કાટી મમતા વેરી,
હરિને રાગ-ભોગ ઉરઝાયો, ગુરુને આતમરૂપ દિખાયો.
ઈશ્વરે પંચેન્દ્રિયો એવા પાંચ ચોર વળગાડ્યા, પણ ગુરુએ તેનાથી છોડાવ્યા. કવિવર બ્રહ્માનંદે ગાયું કે,
સંગ ઐસે સંતકો કીજિયે, કામક્રોધ મદ મોહ નહીં ઉર
શરણો તાકો લીજિયે.
આવા બ્રહ્મનિષ્ઠ યથાર્થ ગુરુની એક વાર ઓળખ થઈ જાય તો પછી મુમુક્ષુએ સાવ નિઃસંકોચ, નિર્ભય થઈ તેમની સમક્ષ જઈ પોતામાં ઊઠતા સઘળા ઘાટ કહેવા, કશુંય છુપાવવું નહીં. તદ્દન નિષ્કપટ થઈ જવું. ઘણી વખત ભય અને સંકોચ આપણને સત્યનો પક્ષ લેતાં રોકે છે. તેમની સમક્ષ અંતર ખોલી દેવું. આવા ગુરુ આપણા હજાર અવગુણને અવગણી, આપણામાં રહેલા એકાદ ગુણને અવલોકી, તેને મહત્ત્વ આપે છે, મધ્યકાલીન કવિ રવિરામ સાચે જ કહે છે કે -
પિયુ મારો જ્યાં પ્રગટ વસે, ત્યાં જઈ અંતર ખોલું,
નહીં રે વાદળ ત્યાં વિરમું, ક્ષણ એક ન ડોલું;
સતગુરુ સાથે મારે ગોઠડી, બીજા સેં નહીં બોલું.
ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકનું એક આગવું મોભાનું સ્થાન છે. સંસ્કારસિંચનમાં માબાપ પછી બીજે સ્થાને શિક્ષક ગણાય છે. આવા સંનિષ્ઠ શિક્ષકમાં કોઈ અપૂર્ણતા હોય તો કદાચ ચલાવી લેવાય પરંતુ ગુરુ તો સંપૂર્ણ સર્વગુણસંપન્ન જ હોવા જોઈએ. ગાંધીજીના મત મુજબ 'અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય. ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનીને જ અપાય. ગુરુ મેળવવા અને મોક્ષ મેળવવો એ એક જ છે.'
વર્તમાન સાંપ્રતકાળે પૃથ્વીના પટ પર એક એવા સમર્થ ગુરુ વિચરે છે - પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ - નિર્માની, નિર્દંભ, અહંશૂન્ય અને કામ ક્રોધાદિક ઘાટથી પર. ૧૯૮૮માં અમેરિકામાં એક પત્રકારે પૂછ્યું, 'આપને ક્યારેય સ્ત્રીનો સંકલ્પ થયો છે ?'

'ત્રિકાળમાં ય નહીં' દૃઢ આત્મવિશ્વાસનાં આંદોલનો પ્રસરાવતો સ્વામીશ્રીએ પ્રત્યુત્તર વાળ્યો. આવા ગુરુ જ મુમુક્ષુના ઘાટને, એક સ્વજનની જેમ સાંભળે, જેની સામે અમીદૃષ્ટિ કરે અને તેના ઘાટ સાવ નિર્મૂળ ન થાય ત્યાં સુધી સતત મંડ્યા રહે. ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં આ રીતે શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ ગુરુને પ્રથમ ઓળખી, ઘાટ ટાળ્યાનો સચોટ ઉપાય મુમુક્ષુને બતાવે છે.  
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |