Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૧)

ક્રોધ, તારાં ફળ કડવા
ગુણ-દોષનું કેવું અજબ મિશ્રણ છે માનવીનું જીવન ! વ્યક્તિએ વ્યક્તિએ એનું પ્રમાણ બદલાતું રહે છે. માન, મદ, લોભ, કામ, ક્રોધ જેવા અંતઃરિપુઓ આપણામાં ઘર કરી બેઠા હોય છે. ગુણાતીત સંતપુરુષનો જેને યોગ થાય તેને આ રિપુઓના અસ્તિત્વનો અણસાર આવી જાય છે. તુલસીદાસે યથાર્થ જ કહ્યું છે કે
'જડ-ચેતન ગુણ-દોષમય, વિશ્વ કિન્હ કરતાર,
સંત-હંસ ગુણ ગહહિ પય, પરીહરી વારિ-વિકાર.'
ઈશ્વરે દ્વન્દ્વમય એવો આ સંસાર રચ્યો છે. એમાં જડ-ચેતન, ગુણ-દોષ જેવાં દ્વન્દ્વો છે. હંસ અને ગુણાતીત સંત ગુણ ગ્રહણ કરી લે છે અને વિકારને ત્યજી દે છે. ક્રોધ એ વિકાર છે; એક મહારિપુ છે.
અન્ય અંતઃરિપુઓ પર એકાગ્રતાપૂર્વકના સઘન પ્રયત્નોથી કાબૂ મેળવી શકાય છે, કારણ કે તેમને જીતવામાં અહંના પ્રવાહથી વેગળું થવાની જરૂર નથી હોતી. લોભી હોય, પરંતુ એકાદ મોટી સખાવત કરીને પોતે લોભ ત્યજ્યો છે એમ બતાવી પોતાના અહંને પોષે છે. એવું જ કામ, મોહ, માનનું છે. તેમને ત્યજો, તો પણ વળી પાછાં રૂપ પલટો કરી 'અહં'ને અકબંધ રાખે છે. એક ક્રોધ એવો અંતઃશત્રુ છે કે એના પર પ્રભાવ મેળવવા સામા પૂરે તરવું પડે છે. અહમ્‌ને જેવો ને તેવો અકબંધ રાખી, ક્રોધ ત્યજાતો નથી. અહમ્‌ ઓગળે તો જ ક્રોધ શમે.
સમાજમાં જેને ક્રોધ આવે જ નહીં એવી વ્યક્તિઓ અલ્પસંખ્યક હોય છે. ક્યાંક, કશુંક અણગમતું બને અને વ્યક્તિ સ્વસ્થતા ગુમાવે છે. કોઈક વ્યક્તિ સામે તત્કાળ, કોઈક બાબતે બદલો ન લેવાયો હોય તો, એવી તકની રાહ જોવાતી હોય છે. અને જેવી એ તક મળે, પેલી વ્યક્તિ સામે ક્રોધ ભભૂકી ઊઠે છે.
ગીતાકારે ગાયું છે કે
'... કામાત્ક્રોધોભિજાયતે...'
ક્રોધ, કામમાંથી નીપજે છે અને બુદ્ધિને ભ્રમિત કરતો અંતે સર્વનાશ તરફ દોરી જાય છે.
યોગ્ય સન્માન ન થાય ને વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે. વિદ્વાનો ને ૠષિઓય એમાં અપવાદ નહોતા. દુર્વાસા ૠષિનું સન્માન ન થયું ને ક્રોધાગ્નિ ભભૂકી ઊઠ્યો. હજારોને સત્સંગમાં જોતરનાર અલૈયા ખાચરને, ખરેખરા સત્સંગીની યાદીમાં અગ્રતાક્રમ ન મળ્યો તો સાક્ષાત્‌ પુરુષોત્તમ-નારાયણની ઉપસ્થિતિ હોવા છતાં, ક્રોધે કરીને હાથ તલવાર પર ગયો !
ભગવાન સ્વામિનારાયણે તેમનાં વચનામૃતોમાં ઠેકઠેકાણે તેમના આશ્રિત ભક્તોની કેવળ રક્ષાને કારણે, આ મહારિપુની ભયાનકતાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તે કેવાં વિનાશકારી પરિણામો લાવે છે તેની વાત કરી છે. ક્રોધનાં ફળ કેટલાં કડવાં હોય છે અને અલ્પ માત્રામાં પણ જો તે દેખાં દે, તો કેવો ભયાનક ભાસે છે તેનું વર્ણન પણ કર્યું છે.
વચનામૃત લોયા : ૧માં મહારાજ કહે છે કે
'... ક્રોધ ઉપર તો મારે ઘણું વૈર છે, ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં...'
'... અને વળી, ક્રોધ કેવો છે તો જેવા કસાઈ, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ તે જેમ સર્વને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે...'
'... એ ક્રોધનું નામ વિરૂપ છે, માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાંખે.'
'... થોડોક ક્રોધ ઊપજે તે પણ અતિશય દુઃખદાયી છે.'
અન્ય અંતઃશત્રુઓ જે તે વ્યક્તિને મોટું નુકસાન કરે છે, પરંતુ ક્રોધ તો ઘણી વખત અન્ય વ્યક્તિના પ્રાણ હરે; ક્રોધી માણસ પોતાના આપ્તજનોને પણ રહેંસી નાખે. એક ગામમાં થોડા સમય પહેલાં, એક ભાઈએ ક્રોધાવેશમાં આવી, તેની સગી બહેનને કુહાડી મારી, મારી નાંખી હતી!!
મુંબઈમાં થોડાં વર્ષો પહેલાં એક કુટુંબમાં ગૃહિણીએ બપોરે સ્વાદિષ્ટ કઢી બનાવી. પતિદેવ જમ્યા. એવી તો દાઢે લાગી કે આૅફિસે જતાં જતાં કહેતા ગયા કે 'સાંજે પણ રાખજો, ફરી આરોગીશું.' કોઈક કારણસર કઢી વધી નહીં. એ બહેનને યાદ પણ હતું પરંતુ એમને એમ કે વળી ફરી કોઈક દિવસ બનાવીશું. રાત્રે, પેલા ભાઈએ આવતાંની સાથે જ કઢી વિષે પૃચ્છા કરી, અને જાણ્યું કે કઢી તો વપરાઈ ગઈ છે; બસ, એવો તો ક્રોધ ભભૂક્યો કે તેની પત્નીને ચોથે માળેથી નીચે ફેંકી દીધી !! એ બાઈનું પ્રાણપંખેરું ઊડી ગયું અને ભાઈને જનમટીપની સજા થઈ !!
'યોગીજી મહારાજની બોધકથાઓમાં, બે સગા ભાઈઓની વાત આવે છે. એક દિવસ ખેતરમાં બંને સાંઠી ખોદતા હતા. એક ભાઈએ બીજા ભાઈની મશ્કરી કરી. આને એકદમ ક્રોધ ચડી ગયો અનેõ 'તું મને ઓળખે છે ?' એમ કહી કોદાળી મારી. બે સગા ભાઈ સાથે રહેતા હોય અને ન ઓળખે એવું બને ? પરંતુ ક્રોધે તેને વિરૂપ બનાવી દીધો.
વચનામૃત ગ.પ્ર. ૭૬માં મહારાજ કહે છે કે 'ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. અને ક્રોધ અને ઈર્ષ્યા એ બેય માનને આશરે રહે છે...'
વળી, ગ.પ્ર. ૭૮માં તો 'કામ, ક્રોધ અને લોભ એ ત્રણે નરકનાં દ્વાર છે' એમ મહારાજ કહે છે.
આધુનિક તબીબીશાસ્ત્રનાં સંશોધનોએ તો હવે પુરવાર કર્યું છે કે કેટલાક ભયાનક રોગો થવા પાછળનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ ક્રોધ પણ છે - એસિડીટી, લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગનો હુમલો, હોજરીનાં ચાંદાં (અલ્સર), લોહીમાં શર્કરાનું ઊંચું પ્રમાણ, અનિદ્રા જેવા રોગોને, દેહમાં નિમંત્રણ આપવા, ક્રોધની કંકોતરી જાય છે !
એવાં તો દૃષ્ટાંતો છે કે વ્યક્તિ અત્યંત શાંત પ્રકૃતિની હોય, કદી ગુસ્સે જ ન થતી હોય - એ કારણે જ તેની નિકટની વ્યક્તિઓ, તેની પર ગુસ્સે થાય !! ખલિલ જિબ્રાન એક એવા શાંત પ્રકૃતિ ધરાવતા, અનહદ ઉદારતા ધરાવતા વ્યક્તિ હતા. કદી કોઈ પર તેઓ ચિડાતા નહીં. બસ, આ જ કારણસર તેમની રહસ્યમંત્રી બાર્બારા યંગને તેમની પર ક્રોધ આવતો અને તેણી તેમને લડતી; ત્યારે જિબ્રાન કહેતા,
'પણ મને ગુસ્સો આવતો જ નથી.'
'એ આપની નિર્બળતા છે. તેનાથી કેટલું નુકસાન થાય છે એની આપને ખબર છે ?'
'તમે કહો છો એવી નિર્બળતા દાખવીને નુકસાન વેઠવું સારું છે. જુઓ, વ્યવહારની ઉદારતા શ્રદ્ધામાંથી જાગે છે. માણસ પરની શ્રદ્ધામાંથી એ શ્રદ્ધા મારામાં અભરે ભરી છે. પછી ક્રોધ શા માટે કરું ?'
વિખ્યાત અભિનેતા હેન્ડરસન માટે એમ કહેવાય છે કે તેને ભાગ્યે જ ક્રોધ આવતો.
સમજવા જેવી એક મહત્ત્વની વાત એ છે કે મોટા પુરુષ, પરમ એકાંતિક સત્પુરુષ ક્યારેક આકળા થઈ, ગુસ્સો પ્રદર્શિત કરે તો તે બિલકુલ સકારણ હોય છે - કેવળ અન્યના ભલા માટે જ હોય છે. જીવમાત્રને ભગવાનને માર્ગે વાળવાનો શુભ સંકલ્પ લઈ, પોતે પૃથ્વી પર પ્રગટ્યા હોય, તેમાં પોતાના ભક્તમાં જાણ્યે-અજાણ્યે ક્યાંક કસર દેખાય, અધુરપ કે ઊણપ દેખાય ત્યાં, તેને ચેતવવા, સાવધાન કરવા, કડકાઈથી ટકોરે પણ ખરા.
આધુનિક સંચાલન વિજ્ઞાનમાં, વિશ્વ સાહિત્યમાં ઉપલબ્ધ એવાં નેતૃત્વનાં મોડેલોમાં, આદર્શ નેતા તેમના અનુયાયીઓની ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરે, ઊણપ કે અધુરપ દેખાય તો કડકાઈ પણ દાખવે, એને એક મહત્ત્વના ગુણ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ કડકાઈમાં ક્રોધનો અંશ પણ ન હોય - કેવળ અન્યનાં કલ્યાણ અર્થે જ ક્ષણિક ઉદ્‌ભવેલી એ લાગણી હોય. કહેવાય છે કે મૂર્ખ માણસનો ક્રોધાગ્નિ ૨૪ કલાક ભભૂકતો રહે, સરેરાશ સામાન્ય માણસનો ક્રોધ બે-ત્રણ કલાક ચાલે, જ્યારે સત્પુરુષનો પુણ્યપ્રકોપ ક્ષણ-બે-ક્ષણ માટે જ હોય - પાણીમાં એક તરંગ ઊઠે અને શમી જાય એમ.
ભગવાન સ્વામિનારાયણ ગ.અં. ૩૪માં આ બાબતે વિશદ છણાવટ કરતાં કહે છે કે 'જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્ર દૃષ્ટિએ કરીને, માહાત્મ્ય જાણીને પોતાની ઇચ્છાએ કરીને અનેક જીવોને ધર્મમર્યાદામાં રખાવવા ને ભગવાનને માર્ગે ચઢાવવા એવો શુભ સંકલ્પ મનમા ઇચ્છયો હોય ને તેમાં પ્રવર્ત્યા હોય અને કોઈક જીવ ધર્મમર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે, ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઊપજી આવે. કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો. માટે ધર્મમર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે, તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારું ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કોઈ બાધ નહીં. કેમ જે, એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યા હોય, તેને કાંઈક રીસ કરીને કહ્યા વિનાનું કેમ ચાલે ?....'
આ જ વાતની પુષ્ટિ કરતાં, પોતાના પૃથ્વી ઉપરના પ્રાગટ્યનો હેતુ સમજાવતાં મહારાજ વચનામૃત ગ.મ. ૪૬માં કહે છે કે
'...ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તે પ્રવર્તાવવાને અર્થે થાય છે. અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી. એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે... અને તે જો ક્રોધે કરીને પડ્યો તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો...'
પ્રમુખસ્વામી મહારાજ પણ કહે છે કે 'મોટાપુરુષ કહેતા હોય તો આપણા સારા માટે જ હોય. વઢીને કહે ને રાજી થાય તે મુમુક્ષુ.'
સ્વેટ માર્ડન તેમના પુસ્તક ‘Peace, Power and Plenty’ માં નોંધે છે કે ક્રોધને વરાયેલો માનવી વસ્તુતઃ તેટલો સમય પાગલ હોય છે. તેõ તેની અંદર બેઠેલા આ 'રાક્ષસ'નો તાબેદાર થઈ રહે છે.
રાલ્ફ વાલ્ડો ઈમર્સન લખે છે કે 'જેટલી મિનિટ તમે ગુસ્સે રહો છો, તેટલી પ્રત્યેક મિનિટમાં તમે સુખની સાઠ સેકંડ ખોઈ નાખો છો.'
એક વખત મહાત્મા ગાંધીજીએ મોતીલાલ નહેરુને કહ્યું : 'તમે વારંવાર મિજાજ કેમ ગુમાવી બેસો છો ?'
'બાપુ ! બાકીનું બધું લઈ લીધું છે. હવે કંઈ ગુમાવવાનું બાકી હોય તો તે મારો મિજાજ છે ! મને મિજાજ તો ગુમાવવા દો.' મોતીલાલે રમૂજમાં જવાબ આપ્યો.
ક્રોધના શમન માટે ઘણા ઉપાયો સૂચવાયા છે. 'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...' એ મહામંત્રનું રટણ શરૂ કરી દેવું, એકથી સો સુધી ગણતરી શરૂ કરી દેવી, અરીસા સામે ઊભા રહી જવું - એ જોવા કે 'કેવું કુરૂપ સર્જ્યું છે આ ક્રોધે' - ઇત્યાદિ. અબ્રાહમ લિંકને તેમના જીવનના જ એક પ્રસંગ દ્વારા ક્રોધને શમાવવાની એક સુંદર, માર્મિક સલાહ આપી છે, તે જાણવા જેવી છે. તેમના યુદ્ધમંત્રી સ્ટેન્ટને તેમને એક વાર ફરિયાદ કરી કે લશ્કરના એક મેજર જનરલે તેને એક પત્ર લખ્યો છે, જેમાં તેને ગાળો દીધી છે અને લાગવગશાહી ચલાવવાનો આક્ષેપ કર્યો છે. તેણે કહ્યું : 'હવે મારે શું કરવું ? મારી નસોમાં અત્યારે લોહીને બદલે ક્રોધ જ દોડી રહ્યો છે. આપની શું સલાહ છે ? મારે તેને સામો પત્ર લખવો કે કેમ ?'
લિંકને કહ્યું : 'ભલા માણસ, એમાં પૂછવાનું શું ? જરાય ક્ષોભ કે સંકોચ વિના એક ઝાટકણી કાઢતો એને પત્ર લખી દે. તેનેõ હાડોહાડ લાગે એવા તીખા તમતમતા શબ્દો વાપરજે.' સ્ટેન્ટને તો ક્રોધના આવેશમાં પેલાને મરચાં લાગે એવો પત્ર લખી, પ્રમુખ લિંકનને કહ્યું_ : 'હવે મને એક પરબીડિયું આપો, હું આ પત્ર તેને ટપાલમાં હમણાં જ રવાના કરી દઉં.' ત્યારે અબ્રાહમ લિંકને કહ્યું : 'ના ભાઈ ના, એમ નહીં. આવો પત્ર જરૂર લખવાનો હોય, તેને રવાના કરવાનો હોય જ નહીં !! જો, હું પણ જ્યારે અન્ય પર ખૂબ ગુસ્સે થાઉં છું, ત્યારે તે વ્યક્તિને સંબોધીને મારો આક્રોશ પત્રમાં ઠાલવી દઉં છું; અને પછી એ પત્રને સગડીમાં સળગાવી દઉં છું !! પત્રમાં ગુસ્સો ઠાલવી દઈએ એટલે આપણને રાહત થઈ જાય. જો પત્ર લખ્યા પછી હવે તને સારું લાગે છે ને ? કડકમાં કડક શબ્દોમાં પત્ર લખવો જરૂર પરંતુ તે પત્રનું સરનામું ન લખાય, રવાના ન કરાય.'
કેવી અમૂલ્ય સલાહ છે કે ક્રોધને કાગળમાં ઠાલવો પરંતુ એ કાગળ કોઈને મોકલાવતા નહીં.
આ રીતે પ્રસ્તુત વચનામૃતોમાં સમગ્ર ચેતાતંત્રને હચમચાવી નાખતા આ વિરૂપ અને વિનાશકારી મહારિપુ - ક્રોધથી સો જોજન દૂર રહેવા મહારાજ આપણને શીખ આપે છે.  

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |