Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૦)

માન-ગુમાનની ગાંસડી
માણસ જો પ્રામાણિકપણે પ્રયત્નો કરે, સાચી દિશામાં પુરુષાર્થ કરે, મનને મરોડવાનું પ્રમાણમાં ઘણું કપરું કામ કરવાની કવાયત શરૂ કરે તો, અંતઃશત્રુઓ જેવાં કે લોભ, કામ, ક્રોધ, ઈર્ષ્યા-અસૂયાની હાજરીની પ્રથમ તો તેને જાણ થવા લાગે. પ્રયત્નો ચાલુ જ રાખે તો આ અંતઃશત્રુઓને બરાબર પિછાણે અને ત્યારબાદ પણ એક આદર્શ સાધકને છાજે એવા ખંતથી મંડ્યો જ રહે, તો ક્રમે ક્રમે તેમના પર કાબૂ પણ મેળવતો જાય. પરંતુ 'માન' નામના એક મહાવૈરી પર કાબૂ મેળવવો એ અતિશય અઘરું કામ છે ! એ છે સૂક્ષ્માતિસૂક્ષ્મ અને પીડે છે પારાવાર ! સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી પ્રથમ તો તેને પિછાણવો જ મુશ્કેલ. ક્યારેક વાણીથી વદાઈ જાય કે વર્તનમાં ડોકાઈ જાય, ત્યારે તેના અસ્તિત્વની આર, પ્રથમ તો સામાવાળાને ભોંકાય; માનને સંઘરીને ફરતી વ્યક્તિને તો હજુ કદાચ તેનો અણસાર પણ ન આવ્યો હોય !!
લૌકિક મોટપ ઉપરાંત ક્યારેક સત્સંગમાં પ્રવેશ્યા પછી પણ 'હું જ્ઞાની છું', 'હું અનુભવી છું', 'હું શ્રીમંત છું', 'હું રૂપવાન છું', 'હું કુળવાન છું', 'હું સત્તા ધરાવું છું', 'હું દાની છું', 'હું સેવાભાવી છું', 'હું પરમ ભક્ત છું', 'હું સંયોજક', 'હું નિર્દેશક છું' - આવી પોતાની આગવી ઓળખ (ત્ફુફૂઁદ્દજ્ઞ્દ્દક્ક) વ્યક્તિઓને હોય છે. આ ઓળખ તેને અન્યથી અલગ કરે છે. અને આ અલગતામાંથી પ્રગટે છે 'હું'કાર - અહંકાર.
જાપાની કવિ ચોન નાગૂચીએ તેમનાં કાવ્યો ઉપરાંત ઘણી સંક્ષિપ્ત બોધકથાઓ પણ લખી છે. એક બોધકથામાં તેઓ એક બિંદુની વાત કરે છે. નિરંતર ઉછાળા મારતા સાગરમાંથી એક બિંદુ ઊડીને દૂર એક લિસ્સા પથ્થરના અંકે ગોઠવાઈ ગયું. પથ્થરે પૂછ્યું, 'રે ! તું અહીં કેમ છુપાયું ?'
'રાક્ષસથી હું ત્રાસી ગયું છું.' બિંદુ બોલ્યું.
'કયો રાક્ષસ ?'
'આ સાગર; મારે હવે એની સાથે સ્પર્ધામાં ઊતરવું છે.'
'અરે પાગલ ! સૂરજના તાપે સળગી તું તો પલભરમાં અદૃશ્ય થઈ જઈશ. વિરાટ સાગરનો સંબંધ તોડી તેં તારી જાતને ક્ષુદ્ર બનાવી દીધી. ઈર્ષ્યા, તિરસ્કાર અને હીનતાની ભાવનાથી તારો અહં જાગ્યો લાગે છે.
જો ! સાગર તો તેના સહસ્ર હાથ લંબાવી હજીય તને નિમંત્રણ આપે છે. તેનો તારા પ્રત્યેનો પ્રેમ લગીરે ઓછો થયો નથી. એક કૂદકો માર, તું બિંદુ મટી સ્વયં સાગર બની જઈશ. તેની સાથે સ્પર્ધા કરવાનો આ એક જ રસ્તો છે.'
કવિ યોન નાગૂચી આ કથામાંથી બોધ તારવતાં કહે છે કે 'હું પણ પરમ ચૈતન્યના સાગરથી અલગ પડી ગયો છું. અલગતાએ મારા માનની માવજત કરી છે, મારા અહંને પોષ્યો છે અને મને અકથ્ય આનંદથી વંચિત કરી મૂક્યો છે.'
વધારે વિસ્મયકારક તો એ છે કે કોઈ વ્યક્તિ 'હું આ અંતઃશત્રુઓથી રહિત છું - મુક્ત છું', એવો વિચાર પણ જો સતત મનમાં મમળાવતો ફરે તો તેનો અહંકાર પોષાય છે, અલગતામાં વધારો થાય છે !! 'હું કામથી મુક્ત છું' એમ જો મમળાવ્યા કરે તો તેનામાં કદાચ કામ વધુ પ્રદીપ્ત થાય ! 'હું હવે ક્રોધથી મુક્ત છું' એવું સતત મનમાં માન્યા કરે તો તેનું ધાર્યું ન થતાં કદાચ ક્રોધ ભભૂકે ! 'હું આ અંતઃરિપુઓથી હવે મુક્ત છું' એનું અન્યની સમક્ષ, એક યા બીજી રીતે પ્રદર્શિત કરતો માનવી માનનો સ્વાદ લેતો ફરતો હોય છે.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્યના ૪૧માં માનના સ્વાદની વિચારપ્રેરક વાત કરી છે.
શ્રીજીમહારાજ કહે છે કે '...અને જીવનો તો એવો સ્વભાવ છે જે, 'જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે.' પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો જે, 'મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું.' તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી...'
સૂકા હાડકાને કરડતા શ્વાનનું સચોટ દૃષ્ટાંત આપી, ભગવાનની ભક્તિ પણ માન-મિશ્રિત હોય છે એવી વાસ્તવિક વાત, મહારાજ પ્રસ્તુત વચનામૃતમાં કરે છે. સમય ફાળવીને, વ્યવહારમાં કાપ મૂકીને ભક્તિ અને સેવામાં ગળાડૂબ રહેતી વ્યક્તિને પણ, 'હું ખરો ભક્ત', 'હું ખરો સેવક' એવાં અન્ય દ્વારા બિરુદ મળે એની સૂક્ષ્મસ્તરે લાલચ રહ્યા કરે છે. ભક્તિ અને સેવામાં રત હોવા છતાં પેલો માનનો સ્વાદ મુકાતો નથી. બાહ્ય રીતે નિર્માનીનું નાટક કરતો આ માણસ છૂપો છૂપો જાણે માનની જ ભીખ માગતો હોય છે.
વ્યક્તિ પોતાનું માપ, પોતાને કેટલાં માન-મોભો મળ્યાં તે ઉપરથી કાઢવા ટેવાયેલી છે. માનનો એક અર્થ 'માપ' પણ છે; જેમ કે - હવામાન, ઉષ્ણતામાન વગેરેનું માપ. માણસે પોતે ઊભા કરેલા પોતાના 'સ્વ'ના અલગ 'માન' (માપ) જો કોઈ સ્વીકારે નહિ, માન આપે નહિ તો તેનું 'સ્વમાન' ઘવાય. 'મેં આટલી સેવા કરી, પણ મારી જોઈએ એવી કદર ન થઈ' અથવા તો 'મેં આટલી સેવા કરી છે અને છતાં મારા સન્માનમાં કાંઈ ઉમળકો ન દેખાયો.' 'હું ખરેખરો ભક્ત, પરંતુ મારી જાણે ગણના જ થતી નથી', 'હું સાઠ વર્ષનો થયો, મારી ષષ્ઠિપૂર્તિ ન ઊજવી' - આવા ભાવોથી મન ઉદ્વિગ્ન જ રહ્યા કરે. ન એની ભક્તિમાં ભલીવાર આવે, ન એની સેવામાં સુવાસ.
માણસના વ્યક્તિત્વને ઘેરી લેતી માન-અપમાન, આદર-અનાદરની આ શાખા-વિશાખાઓને જો તે પોતે, છેક મૂળ સુધી દ્રષ્ટાભાવે જુએ તો જ તેની ઉદ્વિગ્નતા ટળે, અન્યથા આ શાખા-વિશાખાઓ વધુ ફૂલે-ફાલે અને તે તેમાં વધારે ને વધારે ફસાતો જાય.
ભક્તિ અને સેવામાં પણ સતત સાવધાનીની જરૂર પડે છે. અંતરમાં જરા સરખો પણ સળવળાટ થાય તો સભાન થઈ પ્રથમ તો પીછાણવાની કોશિશ કરે કે રખેને એ 'માન'નો સળવળાટ હોય ! આ રીતે તેની યથાર્થ ઓળખ થાય અને એમાં જો સત્પુરુષની કૃપા ભળે તો જ માન ટળે.
જગતની સઘળી ક્રિયાઓ શરીરથી અને નામથી થતી હોય છે. પછી એ અત્યંત સાત્ત્વિક ક્રિયા જેવી કે દાન, તપ, ભક્તિ, સેવા કેમ ન હોય !
વ્યક્તિ પોતે દેહરૂપ છે કે નામરૂપ છે, તેમ સમજી જાણ્યે-અજાણ્યે માનના જ્વરમાં ફસાય છે, માનના સૂક્ષ્મ જીવાણુઓ રુધિરમાં ભળી સમગ્ર દેહમાં અભિસરણ કરતા જ રહે છે. જ્યારે આ જીવાણુઓ વિપુલ સંખ્યામાં વહેવા લાગે, ત્યારે માનનો આ મહાવ્યાધિ વર્તનમાં ડોકાય છે.
મહાપુરુષોએ અહં અને મમત્વને ટાળવાની વાત સતત ઉપદેશી છે. સંત દાદૂ દયાલે તેમના ગહન ચિંતનનો સાર આ બે પંક્તિમાં સચોટ રીતે નિરૂપ્યો છે :
'આપા મેટૈ હરિ ભજૈ, તન મન તજૈ વિકાર;
નિરબૈરી સબ જીવ સૌં, દાદૂ યહુ મત સાર.'
પ્રમુખસ્વામી મહારાજના અવિરત વિચરણ દરમ્યાન, ઠેકઠેકાણે મુમુક્ષુઓ સમક્ષ વહેતી તેમની અમૃતવાણીમાં એક વાત જો પુનઃ પુનઃ દોહરાતી હોય તો તે છે 'હું અને મારું' મૂકવાની વાત. એમનાં દિવ્ય વચનોનો એ પ્રધાન સૂર છે.
કોઈ કદર કરે કે બિરદાવે એવી ભાવના સાથે કરેલી ભક્તિ કે સેવાની સોડમ પ્રસરવાને બદલે તેમાંથી ગુમાનની ગંધ આવે છે. માત્ર નૈતિક કર્તવ્ય કે આજ્ઞાપાલનથી થયેલી ભક્તિ કે સેવામાં અંતઃકરણનો આનંદ ન ભળે, તો પોતે કાંઈક કર્યાની વ્યક્તિને તીવ્ર જાણ રહ્યા કરે છે, જેને 'માન'માં રૂપાંતરિત થતાં વાર લાગતી નથી. તેથી કરેલા કોઈપણ કાર્યમાં, કર્તવ્યપાલન અને આજ્ઞાપાલન સાથે સાથે પ્રેમ અને ઉત્કટ ભાવના ભળõ તો, એવા માનરહિત કાર્યની સુવાસ ચોગરદમ પથરાય છે. પોતે આવું કાર્ય કર્યું છે એવી તેને જાણ જ રહેતી નથી અને વ્યક્તિ પોતે સમષ્ટિમાં એકરૂપ થઈ જાય છે. કવિશ્રી ઉમાશંકર જોષીએ, આ જ ભાવને નિરૂપતાં ગાયું કે 'વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી.'
પ્રભુ પ્રત્યે કરેલી અનેક પ્રાર્થનાઓમાંની, મહાત્મા ગાંધીજીની એક પ્રાર્થના આ પ્રમાણે છે : 'હે ભગવાન, મને વરદાન આપ કે સેવક અને મિત્ર તરીકે મારે જે લોકોની સેવા કરવાની છે તેમનાથી ક્યારેય હું અળગો ન પડી જાઉં. હું મૂર્તિમંત આત્મસમર્પણ બની રહું, મૂર્તિમંત દિવ્યતા બની રહું, મૂર્તિમંત નમ્રતા બની રહું; જેથી આ દેશને વધુ સમજી શકું અને વધુ ચાહી શકું.'
મુક્તાનંદ સ્વામીએ ગાયું :
'સર્વે માન તજી, શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ'
શામળિયા સાથેની પ્રીતિની પૂર્વશરત છે, સંપૂર્ણ માનરહિતતા. પ્રભુ કે તેના સ્વરૂપ સમા સત્પુરુષને રીઝવવા તપ, દાન, તીર્થ, ભક્તિ, સેવા જેવાં સાધનો કરો, પણ ગુમાનની અદૃષ્ટ ગાંસડી માથે હોય, ત્યાં સુધી હળવા ન થવાય અને હળવા ન થવાય ત્યાં સુધી હળવાફૂલ એવા હરિવર સાથે પ્રીત ન જામે.
સર્વે સાધનોમાં જો માન ભળ તો તે તેમને મલીન બનાવી દે. અને એટલે જ મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે
'...મોહનવરને માન સંગાથે વેર જો,
સાધન સર્વે માન બગાડે પળ વિષે,
જેમ ભળિયું પયસાકરમાં અહિ-ઝેર જો...'
જ્યાં મોહન ત્યાં માન નહિ, જ્યાં માન ત્યાં મોહન નહિ. માન અને મોહનનું સહ-અસ્તિત્વ શક્ય જ નથી. નિષ્કુળાનંદ સ્વામીએ આ જ ભાવમાં ગાયું કે
'સખી નિર્માની ગમે છે નાથને.'
પ્રમુખસ્વામી મહારાજનું નિર્માનીપણું, સકળ વિશ્વના આધ્યાત્મિક માર્ગના સાધકો માટે એક જ્વલંત દૃષ્ટાંતરૂપ છે. વિશ્વસમસ્તના સત્તાધીશો, મઠાધિપતિઓ, મહામંડલેશ્વરો, તજ્જ્ઞો, કલાકારો, દેશી-વિદેશી, સ્વધર્મી-અન્યધર્મી મહાનુભાવો જેનો આદર કરે એવી આ વિશ્વવિભૂતિ, અદકામાં અદકા માણસ સાથે પણ એટલી જ તથા એથીય વધુ સરળ બનીને વર્તે છે. તેના શ્રેય-પ્રેયની એક સ્વજનથીય વધુ સ્નેહથી પૃચ્છા કરે, ત્યારે સમજાય કે સ્વામીશ્રીના આ નિર્વ્યાજ પ્રેમનો સ્રોત, અહંશૂન્યતાની ભોમમાંથી અસ્ખલિત પ્રગટી રહ્યો છે. સુવર્ણતુલા તો સુપેરે સંપન્ન થાય, પરંતુ સુવર્ણતુલાને જ દિવસે કોઈ સામાન્ય માણસે કરેલા હડહડતા અપમાનમાં સમતુલા જાળવી શકાય એ આ પુરુષની અહંશૂન્યતાની ચરમસીમાની સાચી ઓળખ છે.
એક વખત એક ધર્મપીઠના ધર્મગુરુ પધારેલા. સ્વામીશ્રી તેમના લલાટે ચાંદલો કરવા ગયા. 'લલાટે નહિ, પગને અંગૂઠે પૂજન કરો' સામેથી કહેવાયું. સ્વામીશ્રીએ પગને અંગૂઠે ચાંદલો કરી પૂજન કર્યું. પાછળથી કોઈએ પૂછ્યું : 'સ્વામીબાપા ! એવું શા માટે કર્યું ?'
સ્વામીશ્રી કહે : 'ભાઈ, એ જગતગુરુ, આપણે ભગતગુરુ !'
'લિખત હૈ સંતસુજાણ'માં જ્ઞાનની સફળતા ક્યારે સમજવી ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં સ્વામીશ્રી લખે છે : 'માન-અપમાન, સુખ-દુઃખ વગેરે દ્વન્દ્વોમાં સ્થિરતા આવે ત્યારે.'
આ જ વચનામૃતના અંતે, આવી માનરહિત ભક્તિને મહારાજ બિરદાવે છે અને એવા હરિભક્તને 'અતિશય મોટો ભક્ત' એવું બિરુદ આપે છે.
કવિશ્રી ચિત્તરંજનદાસે ગાયું છે કે
'મારા જ્ઞાન-ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ.'

પ્રસ્તુત વચનામૃતમાં આ રીતે મહારાજ ગુમાનની ગાંસડીને આપણા શિરેથી ઉતરાવી, હળવા ફૂલ કરી, માનનો સ્વાદ ત્યજાવી, હરિ ભજવાની પાત્રતા કેળવવાની મહામૂલી શીખ આપે છે.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |