Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

પોતાના કાર્ય અને સિદ્ધાંતમાં અન્ય લોકોનો વિશ્વાસ જીતવો...
સાધુ મંગલવર્ધનદાસ

ટોલ્સટોયે કહ્યું છે કે 'Faith is the force of life.' — વિશ્વાસ એ જીવનનું બળ છે. પરંતુ કોઈ એક સિદ્ધાંતમાં પોતાને વિશ્વાસ હોવો અને બીજામાં તે વિશ્વાસ જન્માવવો તે અલગ બાબત છે. પોતાના સિદ્ધાંત માટે તે સમર્પિત થઈ જાય તેવો વિશ્વાસ સંપાદિત કરવો એ એથીય અદકી બાબત છે. કોઈ પણ કાર્યમાં પોતાની સાથેના તમામનો એવો વિશ્વાસ ત્યારે જ સંપાદિત થઈ શકે છે જ્યારે વ્યક્તિનું જીવન સિદ્ધાંતનિષ્ઠ હોય, સત્યપક્ષી હોય. કર્તવ્યનિષ્ઠા, નિર્દંભતા, નિઃસ્વાર્થતા વગેરે આદર્શો જીવનમાં ચરિતાર્થ હોય. આવા વિશ્વાસને આધારે જ કોઈ સંસ્થાના સંસ્થાપકની આજુબાજુ નો સમાજ રચાય છે.
શાસ્ત્રીજી મહારાજ એવા મહાપુરુષ હતા, જેમણે પોતાના યોગમાં આવનાર મોટા મોટા માંધાતાઓનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્રણ-ત્રણ આચાર્યની પેઢીઓ સુધી વરતાલના સર્વેસર્વા વહીવટ-કર્તા રહી ચૂકેલા, નિષ્કલંક જીવન સાથે સંસ્થાને વફાદાર ગોરધનદાસ કોઠારીનો વિશ્વાસ જીતવાનું કોઈને પણ આસાન નહોતું, તો એક દરજી અને અભણ પ્રાગજી ભક્તને ગુરુ કરનાર શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ માટે સહેલું કેવી રીતે હોય?!
પરંતુ નિષ્કલંક જીવન અને નિષ્કલંક કાર્યશૈલીથી એમને માટે એ સહેલું બની ગયું. કોઠારીએ જ્યારે ગઢડાથી સ્વતંત્રપણે સારંગપુર મંદિરની મહંતાઈ સ્વામીશ્રીને સોંપી ત્યારે એક પછી એક કાર્યો કેવી કુનેહથી કર્યાં હતાં ! લીમડી ઠાકોર સાહેબની પરવાનગી લઈ મંદિર અને ભંડાર વચ્ચેથી પસાર થતા રસ્તાનો ઉકેલ શોધી કાઢ્યો અને આસપાસનાં ૮૫ મકાનો ખરીદ્યાં, ત્રણથી ચારહજારની આવક ધરાવતા હનુમાનજી મંદિરની આવક છેક બાવીસ હજાર સુધી પહોંચાડી તેનો વિકાસ કર્યો. સ્વામીશ્રીની આવી વિવિધ સેવાથી કેટલાક દ્વેષીઓએ કોઠારીની કાનભંભેરણી કરી ત્યારે એક વખત કોઠારી ખુશાલ ભગત સમક્ષ ગોરધનદાસ બોલી ઊઠ્યા હતા કે 'વરતાલના ૨,૦૦૦ ત્યાગીઓમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જેવો સર્વ પ્રકારે સ્ત્રી-ધનનો ત્યાગી મેં જોયો નથી. તેની વાતો મને સાકરના કટકા જેવી મીઠી લાગે છે!'
પોતાના કાર્યમાં, પોતાના વ્યક્તિત્વમાં, પોતાના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખવો અને બીજાને પણ દૃઢાવવો એ જ શાસ્ત્રીજી મહારાજની વિશેષતા હતી.  વરતાલના મુખ્ય કોઠારીઓ કે જેમણે વરતાલ જેવી વિશાળ સંસ્થાના મોટા કારભાર કર્યા હતા ને સ્ત્રી-ધન સંબંધી નિયમોમાં ભીષ્મ સમાન હતા, તેવા ધુરંધરો પણ સ્વામીશ્રીને પોતાનો વિશ્વાસ સમર્પિત કરી ચૂક્યા હતા ! કોઠારી જેઠા ભગત કે જેઓ મુંબઈ, ગઢડા, વડોદરા, જૂનાગઢમાં કોઠારીપદે રહ્યા હતા; તો વળી, કોઠારી પ્રભુદાસ કે જેમણે ગોમતી ફરતે સુંદર ઘાટ બંધાવ્યો ને તેમની કાર્યદક્ષતાને જોઈને ખુદ આચાર્ય મહારાજે તેમની આરતી ઉતારી હતી; તો વળી, કોઠારી બેચર ભગત જેઓ વરતાલમાં ગોરધનદાસ કોઠારીના હાથ નીચે કાર્ય કરતા; એવા એવા દિગ્ગજ કોઠારીઓ — જીભાઈ, શંકર ભગત, છગન ભગત, ધોરી ભગત, લલ્લુ ભગત — આ બધા જ ધુરંધરોના હૈયાનો સ્વામીશ્રીએ કેવો વિશ્વાસ જીત્યો હશે કે સ્વામીશ્રી વરતાલથી નીકળ્યા તેના છ માસની અંદર જ એ સૌ ધુરંધરો વરતાલ સંસ્થાનો ત્યાગ કરીને સ્વામીશ્રીના ઉપાસનાકાર્યમાં સમર્પિત થઈ ગયા! દેખાતો ગુલાબી રાજમાર્ગ છોડીને કષ્ટોની કાંટાળી કેડી પર સ્વામીશ્રીના સહયાત્રી બની ગયા! સ્વામીશ્રીએ તેમનો કેવો વિશ્વાસ સંપાદિત કર્યો હશે કે તેઓએ જાહોજલાલી અને સત્તાને લાત મારી, અને કાંટાળો શિરતાજ પહેર્યો, જ્યાં ડગલે ને પગલે નર્યો સંઘર્ષ જ હતો ને શૂન્યમાંથી નવું સર્જન કરવાનું હતું!
એક સમયે સ્વામીશ્રીના કાર્યમાં શંકા-કુશંકાથી અણગમો રાખતા નડિયાદના પ્રસિદ્ધ સાક્ષર શ્રી દોલતરામ પંડ્યાને શાસ્ત્રીજી મહારાજે માત્ર થોડા જ કલાકોની ચર્ચા પછી કેવા વિશ્વાસનિષ્ઠ કર્યા હતા! આવા તો કંઈક ધુરંધરોનાં હૈયે સ્વામીશ્રીએ પોતાના કાર્યમાં અને સિદ્ધાતમાં વિશ્વાસ જન્માવ્યો હતો. એ જ હતી એમની આગવી વિશેષતા.              

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |