Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

દરેક ક્રિયા અને જીવનમાં પારદર્શકતા અને નિર્દંભતા...
સાધુ વિવેકશીલદાસ

એક સંસ્થાના સંસ્થાપક, પોતાના અનુગામીઓ માટે ક્યારે શ્રેષ્ઠ આદર્શો સ્થાપી શકે? જ્યારે એના સમગ્ર જીવનમાં નરી પારદર્શકતા હોય ત્યારે, અનુગામીઓનો તેમના પ્રત્યેનો વિશ્વાસ અને પ્રતિબદ્ધતાનો ગુણાકાર થવા લાગે છે.
Some men succeed by what they know, some by what they do and a few by what they are.
જ્ઞાન અને કાર્યકુશળતાને આધારે વ્યક્તિત્વ વિકસાવી સફળ નેતૃત્વ કરનાર ઘણા હોય છે, પરંતુ એક ખુલ્લી કિતાબની જેમ મન-કર્મ-વચનમાં પારદર્શકતા રાખીને સફળ થનાર સૂત્રધાર વિરલ હોય છે.
શાસ્ત્રીજી મહારાજ એવા વિરલ સૂત્રધાર હતા.
શાસ્ત્રીજી મહારાજના આંતર-બાહ્ય જીવનનાં બે પડ અલગ નહોતાં. જેવું અંદર એવું જ બહાર ! એમના આધ્યાત્મિક જીવન કે એમનાં વ્યવહાર અને વહીવટની પ્રવૃત્તિઓમાં, એમને સ્ફટિકની જેમ આરપાર નીરખી શકાતા. એમની વાતો પર ક્યારેય દંભનો ઢોળ ન હોય, એમની મનની બારી પર ક્યારેય દંભનો પરદો ન હોય. એમની નિખાલસતા, સત્યનિષ્ઠતા કે એમનું સ્પષ્ટવક્તાપણું — એ એમના પારદર્શક વ્યક્તિત્વની આરસી હતી. સંસ્થાનો વટીવટ પણ પારદર્શક, સંસ્થાનો સિદ્ધાંત પણ પારદર્શક, સંસ્થાનું આંતર-બાહ્ય કલેવર પારદર્શક; તે બધામાં શાસ્ત્રીજી મહારાજની પારદર્શકતા નીતરતી.
સને ૧૯૨૭માં પૂર્વ આફ્રિકા મંડળને તેમણે લખેલા એક પત્રમાં એમની સત્યનિષ્ઠામાં એ પારદર્શકતાનો ઓછાયો નીરખી શકાય છે. તેઓએ લખ્યું હતું : ''વિગતે મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી. ને અસત્યમાં ઘણું પાપ છે... મારે કોઈ પ્રકારે અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહિ. માટે ખાસ મારો વિશ્વાસ હોય ને સાચાબોલો પ્રામાણિક પુરુષ હોઉં, એમ માનતા હો, તો ઉપરની વાત સાચી માની, ખરા અંતઃકરણથી 'સ્વામી અનાદિ અક્ષર છે' તે વાતની નિષ્ઠા કરશો...''
નિર્ગુણ સ્વામીની કાર્યપદ્ધતિની કદર કરી, એ કાર્ય બાબતમાં પોતાની સહજ અભિરુચિ વ્યક્ત કરતો પત્ર શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણ સ્વામીને લખ્યો હતો. આ પત્રના શબ્દોમાં છલકતી નમ્રતામાં શાસ્ત્રીજી મહારાજની પારદર્શકતા પરખાય છેઃ
'વિશેષમાં આપ, કોઈ ન આવે કે કથાવાર્તાનો લાભ ન લે ને જગતના ડોળમાં નવી નવી શ્રદ્ધા રાખી પોતાને કૃતાર્થ માને (જેને સત્સંગ કરવાની રુચિ ન હોય માત્ર જગતની મોટાઈનો મદ હોય) તેથી કંટાળો છો છતાં તેવાને ફરીથી નવું જીવન આપી બળવાન કરો છો. તે મને તો એ વાતમાં જગતના મોહમાં મહત્તા સુધી રચ્યાપચ્યા રહેનાર(જગતની મોટાઈમાં આસક્તિ રાખનાર)ની ઉપેક્ષા રહે છે. તેવા સાથે બોલવાનું કે ભેગા થવાનું મન થાય નહિ. કારણ કે તેને લક્ષ્મી અને અધિકારનો મદ અને આપણને ભક્તિ ને નિષ્ઠાનો મદ. તે બેસતું આવે નહિ. આપને ધન્ય છે કે દરેક ઉપર દયા રાખો છો. તેથી આ વખતે મુંબઈ આવવાનું મન થયું નહિ. શરીરમાં ઠીક નો'તું પણ મન પણ મોળું હતું! આપ નંદાસાહેબને બંગલે અહીં વાડીમાં માતુંગામાં ફરવામાં તસ્દી લઈને ફરો છો. જેમ સૌ રાજી થાય તેમ ફરો છો ને શ્રમ વેઠો છો તેવો મારાથી વેઠાય તેમ નથી !' શાસ્ત્રીજી મહારાજ હકીકતે કેટલો અપાર શ્રમ વેઠીને સતત પુðરષાર્થ કરતા હતા ! પરંતુ એમની પારદર્શક નિખાલસતા એથીય વધુ ઊંચેરી નીખરતી હતી!
આવી જ નિખાલસતા અને પારદર્શકતાથી શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણ સ્વામી પ્રત્યે પોતાના અંતરની લાગણી વ્યક્ત કરી છે : 'વિશેષમાં આપ ભેગા રહો છો ત્યારે મારી સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે આપ પાસે વારેવારે આવવું તેમાં ઉપેક્ષા રહે છે. પણ નોખા પડો છો ત્યારે અખંડ સાંભરો છો. મારી પ્રકૃતિ ન જોતાં મારી ઉપર રાજી રહેશો...'
પોતે જેમ છે તેમ બીજા સમક્ષ રજૂ થવામાં જેને ક્ષોભ નથી એવા પારદર્શક પુરુષને બાહ્ય શણગારોના આવરણનો સહારો લઈ બીજા પર પ્રભાવ પાડવાની ઇચ્છા જ થતી નથી.
એક વાર લીમડીના રાજવી ઠાકોર સાહેબને મળવા જવાનું હતું. ત્યારે તેમનું થોડુંક ધોતિયું ફાટેલું હતું. નિર્ગુણ સ્વામીએ નવું ધોતિયું પહેરવાનું સૂચન કર્યું. શાસ્ત્રીજી મહારાજે કહી દીધું : 'ઠાકોર સાહેબ મારું મોઢું જોવાનાં છે કે ધોતિયું જોવાના છે?'
જેમને બાહરી દેખાવ નહીં, સમગ્ર જીવન પર નજર છે, એવા મહાપુરુષને માટે પારદર્શકતા કોઈ એક ગુણ નહીં, પરંતુ તેમનો જીવન-પર્યાય બની રહે છે.
આવા પારદર્શક વ્યક્તિત્વની જેમ જેમ નજીક આવતા જઈએ તેમ તેમ 'अतिपरिचयात्‌ अवज्ञा'ને બદલે એક અકથ્ય આકર્ષણનો અનુભવ થાય છે, તેમની ક્રિયાઓની આરપાર તેમના અંતરની ભવ્યતાનું દર્શન થતું જાય છે.
૨૨ વર્ષથી શાસ્ત્રીજી મહારાજ ભેગા રહેનાર નિર્ગુણ સ્વામી કુબેરભાઈને શાસ્ત્રીજી મહારાજ વિશે પોતાનો અનુભવ જણાવતાં લખે છે : '...તેમ છતાં એમની પાસે (રહેવાથી તેઓ) સાધુતા, અપરિમિત ઐશ્વર્ય જેમ જેમ જણાવતા ગયા તેમ તેમ અમારા જેવાનાં ગાત્રો નરમ થતાં ગયાં ને સૂર્ય આગળ તારા જેવા ભાસવા લાગ્યા, ત્યારે (તેમના) ગુલામ થવાયું!'
ભારતીય મનીષીઓએ 'मनस्येकं वयस्येकं कर्मण्येकं' એવું પારદર્શક વ્યક્તિત્વ ધરાવનાર પુરુષોને 'महात्मनः' કહી નવાજ્યા છે!

શાસ્ત્રીજી મહારાજ એવા મહાત્મા હતા, સાચા અર્થમાં મહાપુરુષ હતા.   
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |